બિહાર ચૂંટણી: ગુજરાતના પાટીદારો જેવો જ યાદવોનો દબદબો ચૂંટણીમાં કોને ફળશે?

ઇમેજ સ્રોત, Santosh Kumar/Hindustan Times via Getty Images
- લેેખક, સર્વપ્રિયા સાંગવાન
- પદ, બીબીસી સંવાદદાતા
"બિહારનો સમાજ, જે એક પછાત હતો, તેને પોતાના સશક્તીકરણનો એક જ રસ્તો દેખાયો કે જે તાકાતવર છે, જે સત્તામાં છે, તેની સાથે કેવી રીતે સંબંધો બનાવવા અને એ સંબંધોને બનાવવા માટે જાતિ એક માધ્યમ બની. નેવુંના દશકમાં આ વધુ મજબૂત થઈ."
બિહાર ચૂંટણીમાં જાતિવાદને રાજકીય વિશ્લેષક આશિષ રંજન કંઈક આ રીતે જુએ છે.
બિહારની ચૂંટણીનું એલાન થઈ ગયું છે અને હવે ત્યાં જાતિની ભૂમિકા પર પણ ચર્ચા થશે. પણ એની પહેલાં ઇતિહાસ પર નજર નાખવાની જરૂર છે.
બિહાર એ રાજ્ય છે જ્યાં આઝાદીથી પહેલાં જનોઈ આંદોલન થયું. યાદવો અને કેટલીક અન્ય બિનબ્રાહ્મણ પછાત જાતિઓએ જનોઈ પહેરવાનું શરૂ કર્યું.
આ એ બિહાર છે જ્યાં જેપી આંદોલનના સમયે સંપૂર્ણ ક્રાંતિ માટે હજારો લોકોએ પટનાના ગાંધીમેદાનમાં જનોઈ તોડી.
આ આંદોલનમાંથી નીકળેલા લાલુ પ્રસાદ યાદવ અને નીતીશકુમાર જેવા બિહારના બે મોટા નેતાએ ત્યાં સામાજિક અને રાજકીય પરિવર્તનમાં ભૂમિકા નિભાવી.
બિહારમાં રાજકીય પરિવર્તનની સાથે સામાજિક પરિવર્તન થતું રહ્યું, અથવા એમ કહો કે સામાજિક પરિવર્તનની સાથે રાજકીય બદલાવો થતો રહ્યો. આ પરિવર્તનની સૌથી મોટી ચાવી હતી- જાતિ.
બિહારના રાજકારણમાં જાતિ કેટલી મહત્ત્વની?

ઇમેજ સ્રોત, XAVIER GALIANA
એક સમયે સવર્ણોના વર્ચસ્વવાળા બિહારના રાજકારણમાં હવે પછાતોનો દબદબો છે. કોઈ પણ સરકાર બનાવે, પછાત વર્ગની ભૂમિકા મોટી હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એનએસએસઓ (નેશનલ સૅમ્પલ સર્વે ઑર્ગેનાઇઝેશન)ના અનુમાન પ્રમાણે, બિહારની અડધી જનસંખ્યા ઓબીસી (પછાત વર્ગ) છે. રાજ્યમાં દલિત અને મુસલમાન પણ મોટા સમુદાય છે.
જોકે આ બધા વર્ગોમાં અંદર ઘણા વર્ગ છે અને બનાવ્યા પણ છે, જે અલગઅલગ રીતે મત આપે છે. પાર્ટીઓ માટે આ વર્ગોના મત મેળવવા સરળ નથી હોતું.
વરિષ્ઠ પત્રકાર અમરનાથ તિવારી કહે છે કે જાતિ હંમેશાં બિહાર ચૂંટણીમાં એક ફૅક્ટર રહ્યું છે.
અમરનાથ અનુસાર, "બિહારમાં જાતિની વાત કર્યા વિના ન તો પ્રોફેશનલ રાજનીતિની વાત થઈ શકે, ન તો સામાજિક રાજનીતિની. કહેવાનો મતલબ કે જો કોઈ વિભાગમાં કોઈ નિમણૂક થાય તો પણ જાતિનું ધ્યાન રાખવામાં આવે છે. "
2015 વિરુદ્ધ 2020 વિધાનસભા ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2015માં રાષ્ટ્રીય જનતાદળ (આરજેડી) અને જનતાદળ યુનાઇટેડ (જેડીયુ)ને મળીને ચૂંટણી લડી હતી. સાથે કૉંગ્રેસ પાર્ટી પણ હતી.
આરજેડીના પારંપરિક મતદારો યાદવ અને જેડીયુના 'કવકુશ' એટલે કે કુર્મી, કોઈરી અને કુશવાહા એક થયા. મુસલમાન મતદારો પણ એકતરફી રહ્યા.
આરજેડીને સૌથી વધુ 80 સીટ મળી અને જેડીયુને 71 અને કૉંગ્રેસને 27.
આ ગઠબંધનને અંદાજે 42 ટકા વોટ મળ્યા. તો ભારતીય જનતા પાર્ટીને 53 સીટ મળી અને વોટ ટકાવારી 24.4 રહી. એનડીએના વોટની ટકાવારી મળીને કુલ 29-30 ટકા આસપાસ રહી.
બિહારમાં 15 ટકા યાદવો છે, પરંતુ તેમ છતાં ગત વિધાનસભામાં કુલ 61 યાદવ ઉમેદવારો જીત્યા.
બિહારમાં કોઈરી જાતિના 8 ટકા લોકો છે, પરંતુ 19 ધારાસભ્યો બન્યા. કુર્મી 4 ટકા છે, પણ 16 ધારાસભ્યો બન્યા. બિહારમાં 16 ટકા મુસલમાનો છે અને તેમને 24 સીટો જીતી. મુસહર બિહારમાં 5 ટકા છે, પણ એક જ સીટ મળી.

જાતીય સમીકરણના હિસાબે કોનું પલ્લું ભારે?

ઇમેજ સ્રોત, Getty Images
વરિષ્ઠ પત્રકાર અમરનાથ તિવારી કહે છે કે બિહારમાં આ સમયે રાજનીતિ ત્રિકોણીય છે, જેમાં ભાજપ, જેડીયુ અને આરજેડી મુખ્ય ભૂમિકામાં છે. જ્યારેજ્યારે આમાંથી બે પાર્ટીઓએ હાથ મિલાવ્યા છે, તે સત્તામાં આવી છે.
એ રીતે તેઓને આ સમયે એનડીએનું પલ્લું ભારે લાગે છે.
સીએસડીએસના સંજય કુમાર કહે છે કે હાલમાં બહુ સ્પષ્ટ રીતે જાતિ સમીકરણ એનડીએ તરફ છે.
આરજેડી હાલમાં પણ મુકેશ સાહનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટી અને ઉપેન્દ્ર કુશવાહાની આરએલએસપી સાથે ગઠબંધનના પ્રયાસમાં છે, જેથી મલ્લાહ અને કુશવાહા વોટ પોતાની તરફ કરી શકે.
કૉંગ્રેસ મામલે અમરનાથને લાગે છે કે પાર્ટી પાસે હવે બિહારમાં સવર્ણ પણ નથી રહ્યા.
તેઓ કહે છે, "જ્યાં આરજેડીને લાગે છે તેમની પાર્ટીનો ઉમેદવાર જીતવાની સ્થિતિમાં નથી ત્યાં તે કૉંગ્રેસને સીટ આપે દે છે."
તો સંજય કુમાર કહે છે, "કૉંગ્રેસની એક 'રેનબો પૉઝિશન' હજુ પણ બનેલી છે, બધી જાતિઓના કેટલાક વોટ તેમને જરૂર મળે છે. જોકે વોટની ટકાવારી બહુ ઓછી થઈ છે."
"ફાયદો એ થાય છે કે આરજેડી અને કૉંગ્રેસ જ્યારે એકસાથે આવે ત્યારે મુસલમાનોના વોટ એક જગ્યાએ થઈ જાય છે. કૉંગ્રેસને કારણે કેટલાક સવર્ણોના વોટ પણ આરજેડી તરફ જવાની શક્યતા રહે છે. અલગઅલગ જાતિઓના વિખરાયેલા વોટ કૉંગ્રેસ પાસે જમા થઈ જાય છે."

લોક જનશક્તિ પાર્ટી જો એનડીએ સાથે ન રહે તો?

ઇમેજ સ્રોત, THE INDIA TODAY GROUP
અમરનાથ તિવારી કહે છે, "લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) એનડીએથી બહાર નહીં જાય, કેમ કે એ તેની રાજકીય જરૂરિયાત છે. હાલમાં જે જેડીયુ અને લોક જનશક્તિ પાર્ટીમાં જે અસહમતી દેખાઈ રહી છે એ એક નૂરાકુશ્તી (આંતરિક રીતે સહમતી કરી લેવી કે એકબીજાને હરાવશે નહીં) છે."
"એ પણ એટલા માટે કે ભાજપ નીતિશ કુમારથી વધુ સીટ પોતાની માટે મેળવે અને ચૂંટણી પછી પરિણામના હિસાબે ભાજપ પોતાનો મુખ્ય મંત્રી બનાવવા માટેની સારી સ્થિતિમાં હોય."
જો 2015 વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો એલજેપી 42 સીટ પર ચૂંટણી લડી હતી અને તેમાંથી માત્ર બે સીટ જીતી શકી હતી- લાલગંજ અને ગોવિંદગંજ. પાર્ટી અધ્યક્ષ રામવિલાસ પાસવાનના સંબંધીઓ પણ હારી ગયા હતા.
2005થી એલજેપીનું રિપોર્ટ કાર્ડ ખરાબ થતું રહ્યું છે. 2005માં પાર્ટીએ તેનું સૌથી સારું પ્રદર્શન કર્યું હતું. જેમાં 178 સીટ પર ચૂંટણી લડીને 29 સીટ પર જીત મેળવી હતી.
વોટની ટકાવારી 12 ટકા આસપાસ રહી. જોકે છ મહિના બાદ ફરી વાર થયેલી ચૂંટણીમાં 203માંથી તે માત્ર 10 સીટ જીતી શકી. બાદમાં 2010માં એલજેપીએ રાજદ સાથે ચૂંટણી લડી અને 75માંથી 3 સીટ જીતી. વોટની ટકાવારી 6.74 પર આવી ગઈ. 2015માં વોટની ટકાવારી 4.83 પર આવી ગઈ.
જીતનરામ માંઝીની હિન્દુસ્તાન આવામ મોર્ચા પણ 2015માં માત્ર એક જ સીટ જીતી શકી હતી, પરંતુ તેના એનડીએમાં સામેલ થવાથી બની શકે કે એલજેપીના ભાગમાં ઓછી સીટ આવે.

કેવી રીતે બદલાઈ બિહારની સવર્ણ રાજનીતિ?

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
બિહારની જાતિગત રાજનીતિએ પેડાં ફરતાં જોયાં છે. આઝાદી બાદ બિહારમાં કૉંગ્રેસના શ્રીકૃષ્ણ સિંહ (ભૂમિહાર)ના મુખ્ય મંત્રી બન્યા બાદ ભૂમિહાર અને રાજપૂતોમાં સત્તાસંઘર્ષ શરૂ થયો.
1980ના દશકના અંત સુધી બ્રાહ્મણોનું વર્ચસ્વ કૉંગ્રેસમાં રહ્યું અને બાદમાં ભૂમિહારો પણ કૉંગ્રેસનો સાથ છોડવા લાગ્યા.
રામ મનોહર લોહિયાના સ્લૉગન 'પછાત માગે સોમાંથી સાઠ'થી બિહારના સોશિયલ એન્જિયનિયરિંગની શરૂઆત થઈ. તેમજ જેપી આંદોલને પણ 'જાતિ છોડો, જનોઈ તોડો'ના નારા સાથે મહત્ત્વની ભૂમિકા નિભાવી.
રાજપૂતો તો પહેલેથી જ કૉંગ્રેસથી છૂટા થવા લાગ્યા હતા અને જ્યારે 1970ના દશકમાં જનતાપાર્ટી આવી તો રાજપૂતોનો એક મોટો વર્ગ તેની સાથે ચાલ્યો ગયો.
રાજકીય વિશ્લેષક આશિષ રંજન કહે છે કે 1990ના દશકમાં લાલુ પ્રસાદ યાદવની સાથે જનતાપાર્ટીના રાજપૂત નેતા પણ આવ્યા. રઘુવંશ પ્રસાદ સિંહ અને જગદાનંદ સિંહ જેવા લોકો. તો લાલુએ લાંબા સમય સુધી રાજપૂત સમેત પછાતોની રાજનીતિ કરી.
"જોકે આ ઓબીસીમાં એક અન્ય સમુદાય પણ હતો, જે અતિપછાત જાતિઓનો હતો. તેની વસતી અંદાજે 22 ટકા હતી, પણ રાજકીય પ્રતિનિધિત્વ એક ટકા હતું. લાલુના રાજમાં સામાજિક સશક્તીકરણ તો થયું પણ પછાત વર્ગમાં રાજનીતિક સશક્તીકરણ ન થયું."
બાદમાં વર્ષ 1994માં નીતિશ કુમાર જાતિવાદનું કારણ બતાવીને જનતા પાર્ટીથી અલગ થયા અને જ્યૉર્જ ફર્નાન્ડીઝ સાથે મળીને સમતા પાર્ટી બનાવી. આ પાર્ટી 2003માં જનતાદળ યુનાઇટેડમાં મળી હતી.

નીતિશ કુમાર - બિહારના સોશિયલ એન્જિનિયર

ઇમેજ સ્રોત, Getty Images
વર્તમાન મુખ્ય મંત્રી નીતિશ કુમાર 15 વર્ષથી ખુરશી પર છે. તેમને બિહારના સોશિયલ એન્જિનિયર પણ કહેવાય છે.
પોતાની પહેલી સરકારમાં જ તેઓએ દલિત વર્ગમાંથી મહાદલિતને અલગ કરીને એક નવો વર્ગ બનાવ્યો. ઓબીસી એટલે કે પછાત વર્ગમાંથી ઈબીસી એટલે કે અતિપછાત વર્ગને કાઢ્યો અને આ લિસ્ટ લાંબું થતું ગયું.
વર્ષ 2014માં લોકસભા ચૂંટણી પહેલાં તેઓએ બ્રાહ્મણોમાંથી એક ઉપજાતિ ગિરીને ઓબીસી લિસ્ટમાં નાખી. બિહારમાં અંદાજે 25 લાખ ગિરી છે, જે ખાસ કરીને છપરા, મોતીહારી અને સિવાનમાં રહે છે. જોકે કેટલાંક રાજ્યોમાં પણ ગિરીને ઓબીસીમાં સમાવાયા છે.
મુસલમાનોમાં એક જાતિ કુલહૈયાને અતિપછાત જાતિમાં નાખવામાં આવી. અરરિયા, પૂર્ણિયા, કિશનગંજમાં અંદાજે 20 લાખ કુલહૈયા છે. રાજવંશીને પણ અતિપછાત વર્ગમાં નાખવામાં આવ્યા.
લાલુ પ્રસાદ યાદવની સાથે રવિદાસ જાતિ રહેતી હતી, પરંતુ નીતિશ કુમારે તેમને મહાદલિત વર્ગમાં નાખી અને આ રીતે નાનીનાની જાતિઓ જેડીયુના પક્ષમાં જતી રહી.
આશિષ કહે છે કે "છેલ્લાં 15 વર્ષથી બિહારની રાજનીતિમાં નીતિશ અને ભાજપનું જે વર્ચસ્વ છે, એ 'ન્યૂ કાસ્ટ અલાઇન્મેન્ટ'ને કારણે છે. પછાત વર્ગમાં જે ઈબીસી હતા, દલિતોમાં જે મહાદલિત હતા અને સાથે જ ભાજપના સવર્ણ મત. આ ગણિતથી આ ગઠબંધન એટલું મજબૂત થતું રહ્યું કે લાલુ પ્રસાદ યાદવ સત્તાથી બહાર જ રહ્યા."

શું બિહારમાં જાતિ ફૅક્ટર છેલ્લાં કેટલાંક વર્ષમાં બદલાયું છે?

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
આશિષ કહે છે, "છેલ્લા કેટલાક સમયમાં બદલાવ આવ્યો છે. 90ના દશકથી લઈને અત્યાર સુધી એક પેઢી જવાન થઈ ગઈ છે. તેનાથી ત્રણ ફેરફાર થયા- તેમની શૈક્ષણિક યોગ્યતા જૂની પેઢીની તુલનામાં વધુ છે."
"પલાયન બહુ વધ્યું છે અને તેનાથી એક શહેરીકરણની જે ભાવના આવે, તેનાથી જાતિની ઉપસ્થિતિ થોડી ઓછી થઈ જાય છે. લોકોનું ધ્યાન વિકાસ તરફ જતું રહે છે."
અમરનાથ કહે છે કે બિહારમાં નીતિશ કુમારનાં આટલાં વર્ષથી સત્તામાં રહેવાથી તેમની સામે એક સત્તાવિરોધી ભાવના પેદા થઈ છે.
"જોકે તમે લોકોને બીજો સવાલ કરો કે નીતિશને મત નહીં આપો તો શું તેજસ્વીને મત આપશો, તો તેમનું કહેવું છે કે આરજેડીને પણ આપવા માગતા નથી."
તેઓ કહે છે કે નીતિશ સામે એક સૅન્ટિમેન્ટ છે, ભાજપે ઑગસ્ટમાં એક આંતરિક સર્વે પણ કરાવ્યો હતો, જેમાં આ વાત સામે આવી છે. જોકે મહારાષ્ટ્ર અને રાજસ્થાન બાદ ગઠબંધનને લઈ ભાજપ કોઈ રિસ્ક લેવા માગતો નથી. કદાચ ચૂંટણી પછી કંઈક થાય.

આ વાત આશિષ રંજન પણ કહે છે કે નીતીશ કુમાર પહેલી વાર સત્તાવિરોધી લહેર જોઈ રહ્યા છે.
"ચૂંટણીમાં લોકો બે હેતુથી મત આપે છે. એક એ કે મને ફણાલો નેતા, ફણાલી પાર્ટી જોઈએ છે. બીજું કે હવે કંઈ પણ થાય અમારે તેમને હઠાવવા છે. બિહારમાં જ્યારેજ્યારે સત્તાપરિવર્તન થયું, તેમાં નૅગેટિવ વોટિંગની અસર રહી છે. છેલ્લાં 15 વર્ષની આપણે વાત કરીએ તો પૉઝિટિવ વોટ માત્ર 2010માં પડ્યા હતા. મતલબ કે બધી જાતિના લોકોએ કોઈ એક પાર્ટીને મત આપ્યો હતો."
તેઓ કહે છે, "પરંતુ છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં નીતીશ કુમારની છબિને ઝટકો લાગ્યો છે. સૃજન કૌભાંડ, મુઝફ્ફરપુર બાલિકાગૃહકાંડ અને હવે કોરોનાની વ્યવસ્થાને લઈને. આથી જાતિગત સમીકરણ ગમે તે કહે, આ વખતે નીતીશ કુમારને પરેશાન ચોક્કસ થવાની."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો















