રૂપાણી સરકારના આ પાંચ દાવા CAGએ ખોટા ઠેરવ્યા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે ભારતના કમ્પ્ટ્રોલર અને ઑડિટર જનરલ (CAG) દ્વારા રાજ્યના વિવિધ સરકારી સાહસો અને વિભાગોની કામગીરીના મૂલ્યાંકન અંગેનો અહેવાલ ગૃહમાં રજૂ કરાયો હતો.
CAGના રિપોર્ટમાં ઘણી બધી બાબતોને લઈને સરકારી વિભાગોની કામગીરી અને સરકારી દાવાઓને લઈને પ્રશ્નો ઉઠાવાયા છે.
આ સાથે જ ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારને પણ ખોટા આંકડા અપાતાં હોવાની વાતનો ખુલાસો થયો છે.
સ્વાસ્થ્યક્ષેત્ર હોય કે સામાજિક ન્યાયક્ષેત્ર, આ રિપોર્ટમાં લગભગ તમામ સરકારી વિભાગોની કામગીરીનું મૂલ્યાંકન કરાયું છે, જે પૈકી મુખ્ય મુદ્દા નીચે પ્રમાણે છે.

પાણીની ગુણવત્તાનો ગુજરાત સરકારનો દાવો ખોટો ઠર્યો

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર શુક્રવારે ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલ CAGના રિપોર્ટમાં ગુજરાત સરકારનો પાણીની ગુણવત્તા અંગેનો દાવો પોકળ સાબિત થયો છે.
નોંધનીય છે કે ગુજરાત સરકાર દ્વારા પીવાનાં પાણીમાં કૅમિકલની અશુદ્ધિઓની ગેરહાજરીનો દાવો કરાયો હતો, જે CAGના રિપોર્ટમાં ખોટો સાબિત થયો છે.
CAGના રિપોર્ટ અનુસાર વર્ષ 2015-16માં સરકારી લૅબોરેટરી દ્વારા કરાયેલાં પરીક્ષણોના આંકડા અનુસાર રાજ્યમાંથી લેવાયેલા કુલ 1.30 લાખ નમૂનામાંથી 20 હજાર નમૂના કૅમિકલપરીક્ષણમાં નિષ્ફળ નીવડ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રિપોર્ટ અનુસાર તે પછીનાં વર્ષોમાં પણ આ જ વલણ જોવા મળ્યું હતું.
CAGના રિપોર્ટમાં પીવાનાં પાણીમાં કેટલાંક કૅમિકલો વધુ માત્રામાં જોવા મળ્યાં હતાં. જે ઘણા ઘાતક રોગોનું કારણ બને છે.
આર્સેનિકથી કૅન્સર થાય છે, ફ્લોરાઇડ ફ્લોરોસિસનું કારણ બને છે. નાઇટ્રેટના કારણે શરીરમાં ઑક્સિજન પહોંચાડવાની ક્ષમતા પર અસર થાય છે, જે મગજની ક્ષતિનું કારણ બને છે. જ્યારે આયર્નની ઊણપથી હિમોકૉરોમેટૉસિસ જેવો રોગ થઈ શકે છે.
CAGના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ગુજરાત સરકારે માર્ચ, 2016માં કેન્દ્રને જણાવેલું કે રાજ્યમાં પીવાનાં પાણીની ગુણવત્તા એકદમ યોગ્ય છે.
પરંતુ સરકારી લૅબોરેટરીની રિપોર્ટને ટાંકતાં CAGના રિપોર્ટમાં લખાયું છે કે, “પરીક્ષણ કરાયેલા 6.29 લાખ નમૂનાઓમાંથી આશરે 1.15 લાખ નમૂના કૅમિકલી અનફિટ જાહેર કરાયા હતા, જેમાં ફ્લોરાઇડ, નાઇટ્રેટ અને TDSનું વધુ પ્રમાણ મળી આવ્યું હતું.”

આયુષવિભાગ અને માનસિક આરોગ્યની પહેલોમાં ગરબડ સામે આવી
ઇન્ડિયન એક્સપ્રેસ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર આરોગ્ય સેક્ટર અંગેના CAGના રિપોર્ટમાં આયુષ વિભાગ અને અન્ય પહેલોના અસરકારક અમલીકરણમાં ગરબડ નજરે પડી છે.
CAGના રિપોર્ટમાં આયુષ વિભાગ અંગેની જવાબદારી સંભાળતું ગુજરાત આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગ દ્વારા સંશોધનનો સંપૂર્ણ અભાવ, ફંડનો મર્યાદિત ઉપયોગ, અધૂરા પ્રોજેક્ટ, તાલીમ પામેલા વ્યવસાયિકો અને ટીચિંગ સ્ટાફની અછત, આયુષ ડ્રગની ખરાબ ગુણવત્તા, ફૂડ ઍન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગ દ્વારા ગુણવત્તાની ચકાસણીમાં બાંધછોડ, યોગ્ય ટ્રીટમેન્ટ પ્રોટોકોલના અનુસરણનો અભાવ જેવી કમીઓ જોવા મળી છે.
ઑડિટમાં થયેલી નોંધ પ્રમાણે પરીક્ષણ માટે પસંદ કરાયેલા આઠ જિલ્લાઓમાં 324 પ્રાથમિક આરોગ્યકેન્દ્ર (PHC)માંથી 125માં એક પણ આયુષ ડૉક્ટરની નિમણૂક કરાઈ નહોતી. તેમજ આ PHCમાં આયુષ ડ્રગ્સ પણ સપ્લાય કરવામાં નહોતી આવી.
તેમજ ઑડિટમાં થયેલી નોંધ પ્રમાણે રાજ્યના આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગ દ્વારા આયુષને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે પૂરતા પ્રયત્નો કર્યા નહોતા.
આ સિવાય માનસિક આરોગ્યક્ષેત્રે પણ CAGના રિપોર્ટમાં કેટલીક ખામીઓ દેખાઈ આવી હતી.
રિપોર્ટમાં થયેલી એક નોંધ અનુસાર ગુજરાતમાં આત્મહત્યાનું પ્રમાણ દર એક લાખે 11.70 છે. જે રાષ્ટ્રીય સરેરાશ 10.6 કરતાં વધુ છે.
આત્મહત્યાના વધુ પ્રમાણ છતાં રાજ્યમાં માનસિક આરોગ્યને લગતી પહેલો બાબતે પાછળ છે.
રાજ્યના આરોગ્યક્ષેત્રના કુલ બજેટના માત્ર 0.5 ટકા જ માનસિક આરોગ્યની સેવાઓ માટે ફાળવવામાં આવ્યું હતું. આ સિવાય ઑડિટમાં આ ક્ષેત્રને લગતાં નીતિઓ-યોજનાઓ અને વહીવટમાં ભારે વિષમતાઓ જોવા મળી હતી.
ડિસ્ટ્રિક્ટ મૅન્ટલ હેલ્થ પ્રોગ્રામ યુનિટ અને રાજ્યની તમામ મૅન્ટલ હેલ્થ હૉસ્પિટલોમાં મૅન્ટલ હેલ્થ પ્રૉફેશનલોની અછત જોવા મળી હતી. આ તમામ હૉસ્પિટલોમાં 60થી 90 ટકા સુધી સ્ટાફની અછત હતી.

GSTરજિસ્ટ્રેશનમાં વિસંગતતા

ઇમેજ સ્રોત, Getty Images
CAGના રિપોર્ટમાં ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (GST) રજિસ્ટ્રેશનમાં કરદાતાઓની નોંધણી પ્રક્રિયામાં અરજીઓની મંજૂરી બાબતે વિસંગતતા સામે આવી છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર 1130 પરીક્ષણના કિસ્સાઓમાંથી 678 કિસ્સામાં આ વિસંગતતા જોવા મળી હતી.
રિપોર્ટ અનુસાર, “અરજદારોની નિષ્કાળજીને પરિણામે GST રજિસ્ટ્રેશનમાં જરૂરી માહિતીની માન્યતાના અભાવને પરિણામે અપૂરતી અરજી અપલોડ થઈ ગઈ હતી. જોકે, નક્કી કરેલી સમયમર્યાદામાં સત્તાધિકારી દ્વારા વેરિફિકેશનની પ્રક્રિયા ન અનુસરાતાં પૂરતા દસ્તાવેજો વગર અરજદારોનું રજિસ્ટ્રેશન થઈ ગયું હતું.”
CAGના રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ઘણા કિસ્સાઓમાં પૂરતા વેરિફિકેશન વગર અને અરજદારો દ્વારા અપાયેલા દસ્તાવેજોની ચકાસણી વગર જ અરજદારોને GST રજિસ્ટ્રેશન ફાળવી દેવાયું હતું.
જેથી આવી અપૂરતી માહિતી રજૂ કરીને GST રજિસ્ટ્રેશન મેળવનાર વ્યક્તિ પણ ગ્રાહકો પાસેથી ટૅક્સ ઉઘરાવવા અને ઇનપુટ ટૅક્સ ક્રૅડિટ મેળવવા માટે લાયક ઠરે છે.
નોંધનીય છે કે પાછલા અમુક સમયથી રાજ્યમાં બોગસ બિલિંગ કૌભાંડની ઘટનાઓ સામે આવી રહી હતી, જેમાં પણ કંપનીઓ દ્વારા આવી રીતે અપૂરતી માહિતી આપી રજિસ્ટ્રેશન મેળવ્યાનું સામેં આવ્યું હતું.
આ સિવાય ખોટી રીતે ઇનપુટ ટૅક્સ ક્રૅડિટ ક્લૅમ કરવાને કારણે પણ સરકારી તિજોરીને ફટકો પડે છે.

મધ્યાહ્ન ભોજનમાં શાળા અને વિદ્યાર્થીઓની સંખ્યા વધુ બતાવાઈ

ઇમેજ સ્રોત, Getty Images
CAGના રિપોર્ટમાં રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજનામાં શાળા અને વિદ્યાર્થીઓની સંખ્યાની રિપોર્ટિંગ બાબતે ગેરરીતિ સામે આવી છે.
રિપોર્ટ અનુસાર વાર્ષિક કાર્યયોજના અને બજેટ અંતર્ગત આવરી લેવાયેલી અને કેન્દ્ર સરકારને અપાયેલી શાળાઓ અને વિદ્યાર્થીઓની સંખ્યાની માહિતી સર્વ શિક્ષા અભિયાનમાં નોંધાયેલી શાળાઓ અને વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં ઓછી હોવાનું માલૂમ પડ્યું છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર CAG દ્વારા પરીક્ષણમાં આવરી લેવાયેલા જિલ્લાઓમાં વર્ષ 2015-16 પ્રમાણે ખરેખર 6755 સ્કૂલોમાં મધ્યાહ્ન ભોજન યોજના ચાલતી હતી, જ્યારે યોજનાના કમિશનર દ્વારા સંબંધિત જિલ્લાઓમાં કુલ 7105 શાળાઓને આવરી લેવાઈ હોવાનું કેન્દ્રને જણાવાયું હતું.
આ સિવાય વર્ષ 2017-18ની માહિતી અનુસાર મધ્યાહ્ન ભોજન યોજનાના કમિશનર દ્વારા યોજનાના લાભાર્થી વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ છ ટકાનો વધારો કરીને કેન્દ્રને માહિતી આપી હોવાનું બહાર આવ્યું છે.

વૃદ્ધ પેન્શન યોજનામાં શિથિલતા અને વિસંગતતા

ઇમેજ સ્રોત, Getty Images
તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં જાહેર કરાયેલા CAG રિપોર્ટમાં રાજ્યના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ દ્વારા ઇંદિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાના અમીલકરણમાં શિથિલતા અને વિસંગતતા સામે આવી છે.
ઇન્ડિય એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર CAGના રિપોર્ટમાં કહેવાયું છે કે રાજ્યમાં આ યોજના અતંર્ગત ગરીબી રેખાની નીચે રહેલા તમામ યોગ્ય નાગરિકોને સમાવાયા નથી.
રિપોર્ટમાં રજૂ કરાયેલ વિગત અનુસાર, ભારત સરકાર દ્વારા વર્ષ 2004-05ના ગરીબી પ્રમાણને આધારે નક્કી કરાયેલ 5.81 લાખ લાભાર્થીઓની મર્યાદાની સરખામણીએ માર્ચ, 2018ની પરિસ્થિતિ પ્રમાણે ગુજરાતમાં આ યોજનાના 5.60 લાખ BPL લાભાર્થીઓની સમાવિષ્ટ કરી શકાયા છે.
પરીક્ષણ માટે લેવાયેલા ચાર જિલ્લાના આઠ તાલુકાની 21 ગ્રામપંચાયતોના કુલ 2949 લાયક લાભાર્થીઓની સરખામણી આ યોજના અંતર્ગત 1288 લાભાર્થીઓની જ નોંધણી થઈ હતી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












