કન્હૈયા કુમારે ઉમર ખાલિદના કેસમાં મૌન ધારણ કર્યું છે?

કન્હૈયા કુમાર

ઇમેજ સ્રોત, TWITTER @KANHAIYAKUMAR

    • લેેખક, સલમાન રાવી
    • પદ, બીબીસી સંવાદદાતા

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી(જેએનયૂ)ના વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ અને ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટીના નેતા કન્હૈયા કુમારનું કહેવુ છે કે તેમણે દિલ્હી હિંસાના કેસમાં ઉમર ખાલિદની ધરપકડ પર ચુપ રહ્યા નથી.

જેએનયુના વિવાદિત નારેબાજીના કેસમાં ઉમર ખાલિદની સાથે કન્હૈયા કુમારની પણ ધરપકડ કરાઈ હતી અને તેમની પર પણ રાજદ્રોહનો આરોપ લાગ્યો હતો.

પરંતુ કન્હૈયા કુમાર પર આરોપ છે કે તેમણે દિલ્હી હિંસાના કેસમાં ઉમર ખાલિદનું મુક્ત સમર્થન નથી કર્યું. કન્હૈયા કહે છે કે વાત સીધી છે કે એક ઉમર નથી, ડઝનેક લોકોને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા છે, તેમાંથી જ ઉમર એક જ છે.

કન્હૈયા કહે છે, "જે સત્તા હાલ દેશમાં છે, તે ઇચ્છે છે કે દેશમાં જે અસહમતીનો અવાજ છે, તેનું અપરાધીકરણ કરવામાં આવે. તેમને ખોટા અહેવાલોના આધારે, તેમને ખોટી ચર્ચાઓના આધારે, નકલી વીડિયો બનાવીને, ખોટી રીતે વૉટ્સએપ પર મેસેજ બનાવીને તેમના જ નાગરિકોની વિરુદ્ધમાં તેમને બદનામ કરવામાં આવે છે."

તેમણે આ સવાલ ઉઠાવ્યો કે "જો સરકાર દિલ્હી હિંસા મામલે આટલી જ નિષ્પક્ષ હતી તો તેમણે કેમ તે લોકો પર કાર્યવાહી ન કરી, જેમણે ખુલ્લેઆમ ગોળી મારવાની વાત કરી, જેમણે દિલ્હી પોલીસની હાજરીમાં હિંસાને ભડકાવવાની વાત કરી. તેમને તો કાંઈ થઈ રહ્યું નથી. આ દેશમાં હિંસા ભડકાવવાના આરોપી, તડીપાર થનારા લોકો સત્તામાં આવે છે, તો ન્યાયના અવાજને દબાવી દેવામાં આવે છે."

આ વર્ષે ફેબ્રુઆરીમાં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસાના કેસમાં 'યુનાઇટેડ અગેઇન્સ્ટ હેટ'ના સહ-સંસ્થાપક ઉમર ખાલિદની દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ધરપકડ કરી છે.

હાલ તે દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે. 'યુએપીએ' એટલે ગેરકાયદેસર ગતિવિધિ રોકથામ અધિનિયમની કલમ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમની ધરપકડને લઈને વિવિધ વિદ્યાર્થી સંગઠનોએ પોતાનો વિરોધ દર્શાવ્યો છે.

તેમની ધરપકડને લઈને દિલ્હી પ્રેસ ક્લબમાં જાણીતા વકીલ પ્રશાંત ભૂષણ અને એની રાજાની સાથે સામાજિક સંગઠનોએ પ્રેસ કૉન્ફરન્સનું આયોજન કર્યું હતું. આમાં વકતા તરીકે કન્હૈયા કુમારનું નામ પણ હતું. પરંતુ તેઓ કાર્યક્રમમાં આવ્યા ન હતા.

આ અંગ કન્હૈયા કુમારે કહ્યું છે, "જે દિવસે પ્રેસ ક્લબમાં પત્રકારપરિષદનું આયોજન કરવામાં આવ્યું, તે દિવસે હું દિલ્હીમાં ન હતો, તમે મારી ફેસબુક પોસ્ટ જુઓ. મેં ધરપકડની વિરુદ્ધમાં લખ્યું છે."

કન્હૈયાએ ગત દિવસોમાં એક લાંબી ફેસબુક પોસ્ટ લખી હતી, પરંતુ આ પોસ્ટમાં અનેક મુદ્દા પર ચર્ચા હતી અને સીધી રીતે ઉમર ખાલિદના નામનો ઉલ્લેખ ન હતો કર્યો.

બીબીસી સાથેની વિશેષ વાતચીતમાં કન્હૈયા કુમારે કહ્યું કે આ કેસમાં પાર્ટીનું વલણ સ્પષ્ટ છે.

ઉમર ખાલિદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉમર ખાલિદ

તેમણે કહ્યું, "જે કોઈપણ વ્યક્તિના લોકતાંત્રિક અધિકારો પર પ્રહાર થઈ રહ્યો છે, પછી તેની ઓળખ કોઈપણ હોય, અમારી વિચારધારથી અલગ વિચારધારાવાળો હોય તો પણ અમે તેના અધિકાર માટે અને અન્યાયની સામે લડીશું."

કન્હૈયા કુમાર કહે છે, "સંગઠને નક્કી કર્યું છે કે આ મુદ્દાને લઈને રાષ્ટ્રપતિને આવેદન સોંપવું જોઈએ. એટલા માટે જ હાલમાં કૉંગ્રેસ, રાષ્ટ્રીય જનતા દળ અને સામ્યવાદી પક્ષના પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિની મુલાકાત લીધી અને દિલ્હી હિંસામાં જે પ્રકારે દિલ્હી પોલીસ તપાસ કરી રહી છે ને નિર્દોષ લોકોને ફસાવી રહી છે, તેના પર પોતાની આપત્તિ અને વિરોધ નોંધાવ્યો."

આ વર્ષે ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં દિલ્હીમાં થયેલી હિંસામાં 53 લોકોનાં મૃત્યુ થયાં હતાં. દિલ્હી પોલીસનું કહેવું છે કે મૃત્યુ પામેલા લોકોમાંથી 40 મુસ્લિમ અને 12 હિંદુ હતા. હાલમાં જ દિલ્હી પોલીસે આ કેસમાં 17 હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં 15 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આરોપીઓ પર યુએપીએ, આઈપીસી અને આર્મ્સ ઍક્ટ હેઠળની અનેક કલમો લગાવવામાં આવી છે.

line

કન્હૈયા કુમાર બિહાર વિધાનસભાની ચૂંટણી લડવા અંગે શું બોલ્યા?

કન્હૈયા કુમાર

ઇમેજ સ્રોત, PARWAZ KHAN/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

આ અંગે કન્હૈયા કુમાર કહે છે કે તેઓ ચૂંટણી લડવા નથી ઇચ્છતા. પરંતુ તેમનું એમ પણ કહેવું છે કે તમામ વસ્તુ તેમની પાર્ટી સીપીઆઈ પર આધાર રાખે છે કે તે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં શું જવાબદારી સોંપે છે કન્હૈયા કુમાર સીપીઆઈના રાષ્ટ્રીય પરિષદના સભ્ય પણ છે.

તેમણે કહ્યું, "જ્યાં સુધી મારો ચૂંટણી લડવાનો સવાલ છે, વ્યક્તિગત રીતે હું ઉમેદવાર નથી. હું ચૂંટણી લડી રહ્યો નથી. પરંતુ જ્યારે ચૂંટણી થશે, તો પાર્ટી ચૂંટણી લડશે. પાર્ટીના સભ્ય હોવાના કારણે, જે જવાબદારી મને મળશે, હું તે નિભાવીશ."

બીબીસી સાથેની ખાસ ચર્ચા દરમિયાન કન્હૈયા કુમારનું કહેવું હતું કે તેમની પાર્ટીનો મત સ્પષ્ટ હતો કે કોરોના મહામારીના સમયમાં બિહારમાં ચૂંટણી હાલ ન થવી જોઈએ

તેમની પાર્ટીએ ચૂંટણીપંચને કહ્યું છે કે પંચ સ્પષ્ટ કરે કે હાલની મહામારીની સ્થિતિ દરમિયાન કેવી રીતે ચૂંટણી પૂર્ણ થશે, જેમાં સૌની સુરક્ષાની વ્યવસ્થા થઈ શકે.

તે કહે છે, "અમે તો નથી ઇચ્છતા કે ચૂંટણી હાલ આ માહોલમાં થાય. ચૂંટણીપંચને કહેવું જોઈએ કે સામાજિક અંતરની સાથે કંઈ રીતે ચૂંટણી પ્રચાર થઈ શકશે? કેવા પ્રકારની વ્યવસ્થા મતદાન કેન્દ્રમાં થશે જેનાથી ચૂંટણીકર્મીઓ અને મતદાતાઓની સુરક્ષાને સુનિશ્ચિત કરી શકાય. છત્તા પણ જો તમામ સંસદીય પક્ષ ચૂંટણી લડવા તૈયાર થઈ જાય છે તો અમે પણ સંસદીય પક્ષ છીએ. અમારે પણ આ ચૂંટણીઓમાં સામેલ થવું પડશે."

line

વિપક્ષમાં એકતા

વિપક્ષ

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES

બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા સામ્યવાદી પક્ષે સંકેત આપ્યો છે કે તે રાષ્ટ્રીય જનતા દળ અને કૉંગ્રેસની આગેવાનીવાળા મહાગઠબંધનનો ભાગ બની શકે છે. આને લઈને વાતચીત ચાલી રહી છે. માર્ક્સવાદી કૉમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ) અને સીપીઆઈએ રાષ્ટ્રીય જનતા દળના બિહારના અધ્યક્ષ સાથે મળીને ગઠબંધનમાં સામેલ થવાની ઇચ્છા જણાવી, ત્યારે સીપીઆઈ-એમએલ(લિબરેશન)ની પણ તમામ સીટોને લઈને વાતચીત ચાલુ છે.

ગત વિધાનસભાની ચૂંટણીમાં સીપીઆઈ(એમએલ)ને ત્રણ સીટ મળી હતી, જ્યારે સીપીએમ અને સીપીઆઈને એક પણ સીટ મળી ન હતી. તે વાત બીજી છે કે 70ના દાયકમાં સીપીઆઈ બિહાર વિધાનસભામાં મુખ્ય વિપક્ષની પાર્ટી રહી હતી.

પરંતુ કોરોનાના સમયમાં લાલ ઝંડાનું રાજકારણ મોટા પ્રમાણમાં ઘટતું જોવા મળ્યું અને તે બિહારના કેટલાંક વિસ્તાર સુધી જ સમેટાઇને રહી ગયું.

કન્હૈયાએ સ્વીકાર કર્યો કે આંતરિક મતભેદના કારણે સામ્યવાદી પક્ષને નુકસાન થયું છે. પરંતુ તેમનું એમ પણ કહેવું હતું કે બાકીના રાજકીય પક્ષની સરખામણીએ સામ્યવાદી પક્ષ જનતાના મુદ્દાઓને લઈને સંઘર્ષ કરે છે.

તે કહે છે, "સામ્યવાદી પક્ષોની પાસે સંસાધનોની ઉણપ છે. એટલા પૈસા પણ નથી જે બીજી મુખ્ય પ્રવાહની રાજકીય પાર્ટીઓ પાસે છે. હવે તમે ઉદ્દાહરણ તરીકે ભાજપે બિહારમાં ચૂંટણી પ્રચાર માટે 70 હજાર એલઈડી ટીવી લગાવ્યા છે. અમારી પાસે એટલા પૈસા નથી કે અમે આ પ્રકારે ચૂંટણીપ્રચાર કરીએ. એજ રીતે રાજકીય દળો સોશિયલ મીડિયા પર પણ ઘણા સક્રિય છે. પરંતુ સામ્યવાદી પક્ષો અને ખાસ કરીને અમારી પાર્ટી આટલા મોટા પ્રમાણમાં આ પ્રકારની વ્યવસ્થા કરી શકતી નથી કારણ કે આમાં ઘણો પૈસો લાગે છે."

line

સામ્યવાદી પક્ષોના સમર્થક

લાલ ઝંડો

ઇમેજ સ્રોત, NURPHOTO

પરંતુ જાણકારોને લાગે છે કે લાલ ઝંડાના રાજકારણમાં સમર્થકોનો જે મજબૂત આધાર હતો, તે દલિત, પછાત, ઓબીસી અને અલ્પસંખ્યકનો સંઘર્ષ હતો. વિશ્લેષકોના મતે પછાત વર્ગનું રાજકારણ કરવાવાળા સામ્યવાદી પક્ષો અને ખાસ કરીને ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટીનું નેતૃત્વ હંમેશાં ઉચ્ચ જાતિઓના હાથમાં રહ્યું અને આ પ્રકાર સંગઠનનો જમીનનો આધાર ઘટતો ગયો.

પરંતુ કન્હૈયા કુમાર એવું માનતા નથી અને કહે છે કે ડી રાજા પછાત જાતિમાંથી આવતા હતા અને તે પાર્ટીના મહાસચિવ છે. પરંતુ જાણકાર કહે છે કે આ સીપીઆઈના ઇતિહાસમાં પહેલીવખત કરવામાં આવ્યું છે અને તે પણ ત્યારે જ્યારે સંગઠનનો આધાર નબળો થતો સ્પષ્ટ દેખાયો ત્યારે.

આ પહેલા પણ સીપીઆઈના સંગઠનમાં જે નામચીન ચહેરા હતા, તે ઉચ્ચ જાતિના જ હતા. પછી તે બિહાર વિધાનસભાના વિપક્ષ નેતા રહેલા સુનીલ મુખર્જી હોય અથવા રામાવતાર શાસ્ત્રી, ભોગેન્દ્ર ઝ્હા અને ચતુરાનન મિશ્ર.

કન્હૈયાનું કહેવું છે કે "વિધાનસભા અને સંસદમાં પણ સીપીઆઈ તરફથી પછાત, દલિત અને અલ્પસંખ્યક વર્ગમાંથી આવતા અનેક નેતા પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. સંગઠને આવા વર્ગમાંથી આવતા નેતાઓને હંમેશાં પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે."

કન્હૈયા કુમાર

ઇમેજ સ્રોત, TWITTER @KANHAIYA KUMAR

પરંતુ રાજકીય વિશ્લેષકો પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની આક્રમક હિંદુત્વની રાજનીતિએ ઉચ્ચ જાતિઓનું ધ્રુવીકરણ તેના પક્ષમાં કરવાનું શરૂ કર્યું ત્યારે મંડલ કમિશનના અહેવાલ પછી બિહારના રાજકારણમાં એવા પક્ષોનો ઉદય થયો, જેમણે સામ્યવાદી પક્ષોના ગઢમાં ગાબડા પાડ્યાં અને આ વર્ગ જાતિગત રાજકારણ તરફ આકર્ષિત થઈ ગયો.

કન્હૈયા કહે છે કે "ખોટો પ્રચાર કરવામાં આવ્યો કે સીપીઆઈ અનામતનું સમર્થન કરતી નથી જ્યારે સીપીઆઈ મંડલ કમિશનના અહેવાલનું સમર્થન કરતી રહી છે. સીપીઆઈ પર એ પણ આરોપ લાગ્યો કે જ્યારે મુખ્ય મંત્રી કર્પૂરી ઠાકુરે અનામતની વાત કરી તો તેનું સમર્થન નહોતું કર્યું હતું."

line

અનામતના સવાલ પર કન્હૈયા કુમાર શું બોલ્યા

કન્હૈયા કુમાર

ઇમેજ સ્રોત, SANTOSH KUMAR/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

આ મુદ્દે કન્હૈયા કુમારે કહ્યું, "સીપીઆઈનું હંમેશાથી આ સ્ટેન્ડ રહ્યું છે કે વસતિના આધારે અનામત આપવી જોઈએ. હવે શરીરનું જ ઉદાહરણ તરીકે લઈ લો. તમામ અંગો પોતાના હિસાબે જ ઠીક લાગે છે. હવે જો નાક બહુ લાંબુ થઈ જાય અથવા કાન, તે સ્વાભાવિક રીતે જ યોગ્ય નથી. આ પ્રકારે અનામતને પણ લોકોની વસતિ અને તેમના પ્રતિનિધિત્વના આધારે જોવું જોઈએ."

તેમનું કહેવું હતુ કે તેમની પાર્ટી ઉચ્ચ જ્ઞાતિ માટે લાવેલા 10 ટકા અનામતનું સમર્થન પણ કરે છે.

બિહારમાં સામ્યવાદી પક્ષની હાલત કંઈક એવી થઈ ગઈ છે કે બેગુસરાય, મિથિલાંચલ, સિવાન અને ચંપારણ સિવાય એકાદ વિસ્તારમાં સામ્યવાદી પક્ષો કાંઈક અસરકારક રહ્યા છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં તેમની પકડ નબળી પડવા લાગી.

બેગુસરાયની વાત કરવામાં આવે, તો મહાગઠબંધનનો ભાગ બનતા સીપીઆઈ અને રાષ્ટ્રીય જનતા દળે લોકસભા ચૂંટણીમાં આ સીટ પર ભારતીય જનતા પાર્ટીના ગિરિરાજ સિંહની સામે અલગ-અલગ ઉમેદવાર ઉભા રાખ્યા.

સીપીઆઈએ કન્હૈયા કુમારને, રાષ્ટ્રીય જનતા દળે આ સીટ પર તનવીર હસનને ઉતાર્યા હતા. પરિણામ ગિરિરાજ સિંહના પક્ષમાં આવ્યું. કહેવામાં આવે છે કે સીપીઆઈ અને રાષ્ટ્રીય જનતા દળ માટે આ સીટ મહત્ત્વની બની ગઈ હતી.

આના પર કન્હૈયા કુમારનું કહેવું હતુ, "ખબર નહીં કે ગઠબંધનના નેતાઓની વચ્ચે એ સમયે બેગુસરાયની સીટને લઈને શું નક્કી થયું હતું. પરંતુ બીજી સીટ પર તો મહાગઠબંધને ઘટક દળના એક બીજાનું સમર્થન કર્યું હતું. આમ તો જે થઈ ગયું તે થઈ ગયું હવે આગળ વિચારવું પડશે."

નિષ્ણાતો પ્રમાણે બેગુસરાયની સીટ મહાગઠબંધનના પ્રમુખ દળો એટલે સીપીઆઈ અને રાષ્ટ્રીય જનતા દળની વચ્ચે સમ્માનની લડાઈ એટલા માટે બની ગઈ હતી, કારણ કે લોકસભાની ચૂંટણી સુધી કન્હૈયા કુમારે દેશના વિદ્યાર્થી રાજકારણમાં પોતાની મજબૂત પકડ બનાવી હતી અને તે 'બ્રાન્ડ કન્હૈયા' બની ગયા હતા.

જ્યાં રાષ્ટ્રીય જનતા દળની વિરાસત એક બીજા ઉભરતા 'બ્રાન્ડ તેજસ્વી યાદવ'ને મળી રહી હતી, એવામાં કન્હૈયા કુમારના બિહારના રાજકારણમાં આવવાથી રાષ્ટ્રીય જનતા દળમાં બેચેની જરૂર આવી છે. પરંતુ જાણકારોનું કહેવું છે કે વિધાનસભામાં વિપક્ષની પણ મજબૂરી છે કે તે તેજસ્વી યાદવના નેતૃત્વમાં ચૂંટણી લડે.

વિપક્ષ

ઇમેજ સ્રોત, TWITTER@YADAVTEJASHWI

ઇમેજ કૅપ્શન, તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી

નબળા પડ્યા પછી પણ આજે પણ બિહાર વિધાનસભાની 50થી વધારે એવી સીટ છે, જ્યાં સામ્યવાદી પક્ષના સમર્થનનું મહત્ત્વ છે. આ એ સીટ છે, જ્યાં જીત અને હાર સામ્યવાદી પક્ષોની અસરથી નક્કી થશે. જાણકારોનું કહેવું છે કે હાલ મહાગઠબંધન માટે ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ (યુનાઇટેડ)ના ગઠબંધનને હરાવવું પ્રાથમિક્તા છે નહીં કે મુખ્ય મંત્રીની દાવેદારી.

કન્હૈયા કુમારનું કહેવું છે કે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વિપક્ષો સકારાત્મક છે, કારણ કે તમામ પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને વિપક્ષની એકતાની વાત કરી રહ્યા છે.

કન્હૈયા કુમાર હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ છેલ્લા અનેક મહિનાઓથી તે ના તો ટીવી ચેનલો પર ન તો સોશિયલ મીડિયા પર વધારે જોવા મળતા હતા. કેમ? તે કહે છે કોરોના વાઇરસની મહામારીએ તમામ વસ્તુઓને બદલી નાખી છે. પહેલાં મુદ્દાઓ પર રસ્તાઓ પર ઉતરી જતા હતા. તે કહે છે, "કોરોના વાઇરસથી ફેલાયેલી મહામારીને કારણે વિરોધ કરવાનું રાજકારણ પણ બદલાયું છે."

તેમણે કહ્યું, "હું સોશિયલ મીડિયાને વિરોધ પ્રદર્શિત કરવાનું માધ્યમ બનાવવા માગતો નથી કારણ કે આમાં લોકોની પ્રાઇવસીની સુરક્ષા નથી, ના એ માધ્યમ યોગ્ય છે. જમીન પરના મુદ્દાઓને લઈને જમીન પર સંઘર્ષ થવો જોઈએ."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો