ગુજરાતમાં ગણતરીના કલાકોમાં કથિત બળાત્કારની ચાર ઘટના - BBC TOP NEWS

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર જામનગરમાં ચાર લોકોએ 17 વર્ષની છોકરીને ડ્રગ આપીને કથિત રીતે ગૅંગરેપ કર્યો હતો.

ધરપકડ કરાયેલા ચાર વ્યક્તિમાંથી એક તેનો બોયફ્રૅન્ડ પણ છે. સપ્ટેમ્બર 28એ ત્રણ લોકોએ છોકરીને ડ્રગ આપીને ગૅંગરેપ કર્યો હતો. છોકરીએ આ અંગે 2જી ઑક્ટોબરે ફરિયાદ નોંધાવી હતી.

જામનગર મહિલા પોલીસસ્ટેશનના ઇન્સ્પેક્ટર આર. બી. ગઢવીએ કહ્યું, "તેમણે કિશોરીને સોફ્ટ ડ્રિંકનો ગ્લાસ આપ્યો હતો, જેના કારણે કિશોરી બેભાન થઈ હતી. ત્યારબાદ તમામ ચાર લોકોએ રેપ કર્યો હતો."

હાલ પોલીસે ત્રણની ધરપકડ કરી છે. જ્યારે એક વ્યક્તિ હાલ ફરાર છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર મહીસાગર પોલીસે શનિવારે કથિત ગૅંગરેપના આરોપમાં બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી.

સંતરામપુરમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર પીડિતાએ આરોપ મૂક્યો હતો કે તેમના ગામમાં રહેતા બે વ્યક્તિએ તેમની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું અને મહિલાનાં બાળકોને મારી નાખવાની ધમકી આપવામાં આવી.

વડોદરામાં પણ એક યુવાન સામે લગ્નની લાલચ આપીને બે વર્ષ સુધી કથિત રીતે દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસ ફરિયાદ પ્રમાણે આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપીને બે વર્ષ સુધી પોતાના ઘરમાં રાખી હતી અને જ્યારે તેને પોતાની સાથે કામ કરતી મહિલા સાથે પ્રેમ થઈ ગયો ત્યારે યુવતીને ઘરની બહાર કાઢી મૂકી હતી.

વધુ એક મામલામાં છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ સ્ટેશન ખાતે પણ એક યુવાન સામે કથિત રીતે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.

મહિલાએ ફરિયાદ નોંધાવતાં કહ્યું છે કે યુવકે કથિત રીતે દુષ્કર્મ આચર્યું, તેનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.

આ મામલામાં યુવક અને તેના પરિવારજન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

ગુજરાતમાં નાના ગરબાને પરવાનગી આપી શકીએ છીએ : નીતિન પટેલ

અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર ગુજરાતમાં કોરોના વાઇરસના કારણે મોટા ગરબાઓને પરવાનગી આપવામાં આવી નથી પરંતુ હવે નાના ગરબાઓને પરવાનગી આપવામાં આવી શકે છે.

પાટણમાં એક કાર્યક્રમમાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર સામાજિક કાર્યક્રમમાં 200 માણસ એકઠા થઈ શકે તેવી સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર પર કામ કરી રહી છે.

તેમણે વધુમાં કહ્યું, "જો 200 લોકો માટે પરવાનગી આપશે તો અમે પણ સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજરનો અભ્યાસ કરીને 200 લોકોના કાર્યક્રમને પરવાનગી આપીશું."

"તેના આધારે અમે ખુલ્લા મેદાનમાં સખત સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમ સાથે ગરબાના કાર્યક્રમની પરવાનગી આપીશું."

તેમણે સ્પષ્ટતા કરી હતી કે કોઈ પણ પ્રકારની કૉમર્સિયલ ઇવેન્ટને પરવાનગી નથી. ક્લબ 200 મુલાકાતીઓને પ્રવેશ આપી શકશે.

'હાથરસ કેસમાં ગૅંગરેપ રેપ થયો નથી', FSL રિપોર્ટ સામે પ્રશ્નો

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર કથિત હાથરસ ગૅંગરેપ કેસમાં રેપ થયો નથી, એવું કહેતા એફએસએલ રિપોર્ટ સામે પ્રશ્નો ઊભા થયા છે.

હાથરસની પીડિતાને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની જવાહરલાલ નહેરુ મેડિકલ કૉલેજમાં પહેલાં બે અઠવાડિયાં રાખવામાં આવ્યાં હતાં.

જવાહરલાલ નહંરુ હૉસ્પિટલના મુખ્ય મેડિકલ ઑફિસર ડૉ.અઝીમ મલિકે કહ્યું કે જે મહિલા પર કથિત રીતે ગૅંગરેપ કરવામાં આવ્યો હતો તેમના સૅમ્પલ પોલીસે 11 દિવસ પછી એકઠા કર્યા હતા.

જ્યારે સરકારની ગાઇડલાઇન પ્રમાણે ફોરેન્સિક પુરાવાઓ ઘટનાના 96 કલાક સુધી જ મળે છે. આ રિપોર્ટ ઘટનામાં રેપના પુરાવા આપતો નથી.

દલિત મહિલા પર 14 સપ્ટેમ્બરે કથિત રીતે રેપ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ તેમને 22 સપ્ટેમ્બરે ભાન આવ્યું હતું ત્યારે પોલીસે તેમનું નિવેદન લીધું હતું અને રેપની કલમને એફઆઈઆરમાં જોડી હતી.

પીડિતાના નિવેદનના આધારે ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરીમાં 25 સપ્ટેમ્બર 11 દિવસ પછી સૅમ્પલ મોકલવામાં આવ્યા હતા.

એફએસએલના રિપોર્ટને ટાંકીને ઉત્તર પ્રદેશ પોલીસે દાવો કર્યો હતો કે મહિલા પર રેપ થયો નથી.

જવાહરલાલ નહેરુ મેડિકલ કૉલેજના ડૉ. હમઝા મલિકે કહ્યું, "કેવી રીતે એફએસએલની ટીમ 11 દિવસ પછી પુરાવાઓને શોધી શકે? સ્પર્મ 2-3 દિવસ પછી ટકી ન શકે."

"તેમણે વાળ, કપડાં, નખના કચરા અને યોનિમાર્ગમાંથી પુરાવા લેવાના હોય છે. પેશાબ કરતા, મળોત્સર્જન કરતા અને માસિક સ્રાવને કારણે સીમન રહેતું નથી."

મોદી સરકારનો દાવો : કરોડો ભારતીયોને આપશે કોરોના વાઇરસની વૅક્સિન

જુલાઈ 2021 સુધીમાં 40થી 50 કરોડ કોરોનાની વૅક્સિન 20થી 25 કરોડ ભારતીયોને આપવાની ભારત સરકારની યોજના છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને આની માહિતી આપી છે.

'રવિવાર સંવાદ' કાર્યક્રમમાં સોશિયલ મીડિયા યુઝર્સને આપેલા જવાબમાં તેમણે આ માહિતી આપી.

તેમણે કહ્યું, "કેન્દ્ર સરકાર મોટા પ્રમાણમાં માનવસંસાધન, પ્રશિક્ષણ અને તપાસની યોજના પર કામ કરી રહી છે, જુલાઈ 2021 સુધી અંદાજે 40-50 કરોડ કોરોનાની વૅક્સિન 20-25 કરોડ ભારતીયો માટે લાવવાની યોજના છે.

તેમણે કહ્યું આરોગ્ય મંત્રાલય હાલ એક એવી યોજના બનાવી રહ્યું છે, જેમાં રાજ્યની પ્રાથમિકતાના આધારે વૅક્સિન આપનારની યાદી સોંપવામાં આવશે.

આમાં ખાસ કરીને તે આરોગ્ય કર્મચારીઓનું ધ્યાન રાખવામાં આવશે જે કોરોના વાઇરસ દરમિયાન ડ્યૂટી પર કામ કરી રહ્યા છે.

ઑક્ટોબરના અંત સુધીમાં લોકોની યાદી બનાવી લેવામાં આવશે.

તેમણે આગળ એમ પણ કહ્યું કે સરકાર આ યોજનાને સફળ બનાવવા પહેલાં ઇમ્યુનિટી ડેટા પર નજર રાખી રહી છે.

બિહાર : તેજસ્વી અને તેજપ્રતાપ પર હત્યાનો આરોપ, એફઆઈઆર નોંધાઈ

રાષ્ટ્રીય જનતા દળના નેતા અને બિહારના પૂર્વ ઉપ મુખ્ય મંત્રી તેજસ્વી યાદવ અને તેમના મોટા ભાઈ અને પૂર્વ મંત્રી તેજ પ્રતાપ યાદવ સહિત છ લોકો પર હત્યાનો કેસ નોંધાયો છે.

તેજસ્વી સહિત છ લોકો પર પાર્ટીના એક પૂર્વ નેતા શક્તિ મલિકની હત્યાના કેસમાં બિહારના પૂર્ણિયા જિલ્લામાં એફઆઈઆર નોંધાઈ છે. મલિકની હત્યા રવિવારે સવારે થઈ.

રાષ્ટ્રીય જનતા દળના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સચીવ રહી ચૂક્યા છે.

પૂર્ણિયા પોલીસ સ્ટેશનના અધિક્ષક વિશાલ શર્માએ કહ્યું, "મૃતક શક્તિ માલિકનાં પત્ની ખુશ્બુ દેવીના નિવેદનના આધારે છ લોકો સામે એફઆઈઆર નોંધાઈ છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો