You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સિએરા લિયોન : આ રીતે થયો ભીષણ ધડાકો, 90 લોકોનાં મૃત્યુ - TOP NEWS
પશ્ચિમ આફ્રિકાના દેશ સિએરા લિયોનની રાજધાની ફ્રીટાઉનમાં એક ભીષણ વિસ્ફોટ થયો, જેમાં 90થી વધુ લોકોનાં મૃત્યુ અંગે અહેવાલ છે.
આ ઘટનામાં ડઝનબંધ લોકોને ઈજા થઈ હોવાનું અહેવાલો આધારે જાણવા મળે છે. શહેરના વ્યસ્ત ગણાતા રસ્તા પર ઑઇલ ટૅન્કર અને ગાડી અથડાઈ જતાં ધડાકો થયો હતો.
સ્થાનિક મીડિયામાં જારી કરાયેલી તસવીરો અને વીડિયોમાં ટૅન્કરની આસપાસ મૃતદેહો અને ઈજાગ્રસ્તો નજરે પડે છે.
શહેરના મેયર યવોની અકી-સાયવેરે આ ફુટેજને 'ભયાનક' ગણાવ્યા છે પણ તેમણે એવું પણ કહ્યું છે કે વિસ્ફોટથી થયેલા નુકસાન અંગે સ્થિતિ હજી સુધી સ્પષ્ટ થઈ નથી.
સરકારી શબગૃહના મૅનેજરે સમાચાર સંસ્થા રૉયટર્સને જણાવ્યું છે કે હજી સુધી 91 મૃતદેહ પહોંચ્યા છે.
ગુજરાત : કૃપાગુણ સાથે 10મું પાસ કરનારા વિદ્યાર્થીઓને પણ હવે પૉલિટેકનિકમાંમાં પ્રવેશ
ગુજરાતમાં ધોરણ 10માં કૃપાગુણ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ પૉલિટેકનિકમાં ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકશે.
એનડીટીવીના અહેવાલ અનુસાર, ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે ધોરણ 10માં કૃપાગુણ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ પૉલિટેકનિકમાં ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકશે.
ગાંધીનગરમાં શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ પત્રકારોને સંબોધતાં જણાવ્યુ હતું કે રાજ્ય સરકારે કૃપાગુણ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓના લાભાર્થે ચાલુ વર્ષથી નિયમમાં ફેરફાર કર્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાઘાણીએ કહ્યું હતું, 'હાલમાં વિવિધ પૉલિટેકનિકમાં 30,000 જેટલી બેઠકો ખાલી છે અને તેટલી જ સંખ્યામાં વિદ્યાર્થીઓ આ વર્ષે કૃપાગુણ સાથે પાસ થયા છે. આ વિદ્યાર્થીઓને પણ કારકિર્દીના ઘડતરનો મોકો મળે તે માટે અમે તેમને ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવાનો નિર્ણય લીધો છે.'
નોંધનિય છે કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2006ના નિયમ પ્રમાણે, કૃપાગુણ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ પૉલિટેકનિક ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકતા નહોતા.
ગુરુગ્રામ નમાઝ માટે અપાયેલી જગ્યા પર કરાઈ ગોવર્ધનપૂજા
ગુરુગ્રામના સૅક્ટર 12માં હિંદુવાદી સંગઠનોએ નમાઝ માટે પહેલાંથી મંજૂર કરાયેલી જગ્યાએ શુક્રવારે ગોવર્ધનપૂજા કરી છે. 'હિંદુસ્તાન ટાઇમ્સ' અનુસાર આ પૂજાનું આયોજન 'સંયુક્ત હિંદુ સંઘર્ષસમિતિ'એ કર્યું હતું. ભાજપના નેતાઓ પણ આ પૂજામાં સામેલ થયા હતા.
સંગઠનના સભ્યોએ કહ્યું છે કે જાહેરમાં પઢવામાં આવતી નમાઝનો વિરોધ કરવાની આ એમની રીત હતી.
આ પહેલાં ગુરુગ્રામમાં ખુલ્લામાં નમાઝ પઢવા અંગે કેટલીય વખત વિવાદ થઈ ચૂક્યો છે. જે જગ્યાએ જાહેરમાં નમાઝ પઢવાની મંજૂરી અપાઈ હતી, ત્યાં રહેતા લોકોએ આનો વિરોધ કર્યો હતો.
એ બાદ મુસ્લિમ સમુદાયે વિવાદાસ્પદ જગ્યાઓએ નમાઝ નહીં પઢવાનો નિર્ણય કર્યો હતો.
શુક્રવારે સૅક્ટર 29માં લેઝર વૅલી ગ્રાઉન્ડ અને અન્ય નક્કી કરાયેલી જગ્યાઓએ નમાઝ પઢવામાં આવી હતી. તો સૅક્ટર 12, 47 અને ડીએલએફ ફેઝ-3માં ગોવર્ધનપૂજા કરવામાં આવી હતી. બન્ને જગ્યાઓએ મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરાઈ હતી.
આ અંગે પોલીસ અધિકારી કે.કે.રાવે કહ્યું છે, "કોઈ પણ જગ્યાએ વિવાદ થવાના સમાચાર નથી. મોટા ભાગના મુસલમાનોએ સૅક્ટર 29ની લેઝર વૅલી ગ્રાઉન્ડમાં નમાઝ પઢી અને સૅક્ટર 12માં ગોવર્ધનપૂજા થઈ રહી હોવાથી ત્યાં જવાનું ટાળ્યું હતું."
'ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન'ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ ઘટના અંગે ટ્વિટર પર પ્રતિક્રિયા આપી છે.
તેમણે ટ્વિટર પર લખ્યું, "ગુરુગ્રામમાં શુક્રવારની નમાઝનો કરાયેલો વિરોધ આ 'પ્રદર્શનકારીઓ' કઈ રીતે કટ્ટરવાદીઓ બની ગયા એ દર્શાવતો ઉત્તમ કિસ્સો છે. આ મુસ્લિમો વિરુદ્ધની સ્પષ્ટ નફરત છે. મારા ધર્મનું અનુસરણ કે અઠવાડિયામાં એકવાર 15-20 મિનિટ માટે પઢવામાં આવતી જુમાની નમાઝ કોઈને કઈ રીતે દુખી કરી શકે?"
ભાજપ સાંસદની ગાડી પર પ્રદર્શનકારી ખેડૂતોનો હુમલો
હરિયાણાના હિસારમાં ભાજપના સાંસદ રામચંદ્ર જાંગડાની ગાડી પર ખેડૂતોના વિરોધપ્રદર્શન દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર વિરોધપ્રદર્શનમાં સામેલ લોકોએ ભાજપ સાંસદની ગાડી પર લાકડીઓ ફેંકી, જેથી તેમની ગાડીનો કાચ તૂટી ગયો.
જોકે, આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી પણ સાંસદે આને 'સ્પષ્ટ રીતે હત્યાનો પ્રયાસ' ગણાવ્યો છે.
એવા પણ સમાચાર મળી રહ્યા છે કે કાર્યક્રમમાં સામેલ ભાજપના વરિષ્ઠ નેતાઓને રોહતક જિલ્લાના એક મંદિરમાં સાત કલાક સુધી બંધ રાખવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે કેન્દ્ર સરકારના ત્રણ કૃષિકાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો હરિયાણામાં ભાજપ અને જનનાયક જનતા પાર્ટીના નેતાઓના કાર્યક્રમનો વિરોધ કરી રહ્યા છે.
દિલ્હીમાં દિવાળી બાદ હવા સૌથી વધુ ખરાબ
દિવાળીમાં ફટાકડા ફોડવાથી થયેલા પ્રદૂષણથી દિલ્હી-એનસીઆરની હવા પ્રથમ વખત આટલા ખરાબ સ્તરે પહોંચી ગઈ છે.
'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર શુક્રવારે દિલ્હીમાં વાયુ ગુણવત્તા સૂંચકાંક (એક્યુઆઈ) 462 પર હતો. 2015માં દેખરેખ શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં આ દિવાળી બાદ દિલ્હીમાં સૌથી ખરાબ એક્યુઆઈ નોંધાયો છે.
વર્ષ 2015 બાદથી જ દિલ્હીમાં દિવાળીના એક દિવસ બાદ એક્યુઆઈમાં સૌથી ઝડપથી વધારો નોંધાયો છે. દિવાળી પહેલાં એક્યુઆઈ 214 પર હતો.
ફટાકડા ઉપરાંત પડોશી રાજ્યોમાં સળગાવાયેલાં પરાળના ધુમાડાએ પણ દિલ્હીના પ્રદૂષણમાં વધારો કર્યો છે.
દિલ્હીના પ્રદૂષણમાં પરાળ સળગાવાથી થતાં ધુમાડાનો ભાગ ગુરુવારે 25 ટકા હતો, જે શુક્રવારે વધીને 36 ટકા થઈ ગયો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો