#INDvsSCO T20 World Cup: સ્કૉટલૅન્ડ સામે આસાન વિજય બાદ ટીમ ઇન્ડિયા સેમિફાઇનલમાં કઈ રીતે પહોંચશે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ક્રિકેટની રમતનું સૌથી ટચુકડું ફોર્મેટ એટલે ટી20 અને આ માળખામાં ગમે ત્યારે ગમે તે બની શકે છે. હજી એક સપ્તાહ અગાઉ ભારતીય ટીમ વર્લ્ડકપની બહાર થવાને આરે હતી. જોકે હજી પણ તેની સામેનું જોખમ સંપૂર્ણપણે ટળ્યું નથી પરંતુ આશા જાગી છે અને આ આશા હવે વધુ બળવત્તર બની છે.

ભારત અને સ્કૉટલૅન્ડ વચ્ચે શુક્રવારે રમાયેલી મૅચમાં ભારતીય ટીમે જરૂર મુજબ જ પ્રદર્શન કર્યું હતું. વિરાટ કોહલી જન્મદિવસે ટૉસ જીતવામાં સફળ રહ્યા તે ભારત માટે વરદાનરૂપ બાબત હતી, કેમ કે તેમને અંદાજ મળી ગયો કે સ્કૉટલૅન્ડનો સ્કોર તેમણે કેટલી ઓવરમાં વટાવીને અફઘાનિસ્તાન અને ન્યૂઝીલૅન્ડને નેટ રનરેટમાં પાછળ રાખી દેવાના છે.

વળી, રોહિત શર્મા તથા લોકેશ રાહુલે પરિસ્થિતિ મુજબની જ બેટિંગ કરીને કમસે કમ હાલનો ટાર્ગેટ તો પાર પાડી દીધો છે.

પાકિસ્તાન અને ન્યૂઝીલૅન્ડ સામે હારી ગયા બાદ ભારત માટે આ ટુર્નામેન્ટમાં આગેકૂચ કરવી આસાન નહોતી.

હવે ભારત નેટ રનરેટમાં પાકિસ્તાન બાદ બીજા ક્રમે આવી ગયું છે. જોકે હજી તેણે બાકી રહેલી એક મૅચ જીતવાની છે.

ભારતે સેમિફાઇનલમાં પ્રવેશની આશા ટકાવી રાખી છે પરંતુ તે શરતોને આધીન છે. પહેલી અને સૌથી અગત્યની શરત છે ન્યૂઝીલૅન્ડ એક મૅચ હારવું જોઈએ.

...તો ભારત વર્લ્ડકપમાંથી બહાર

ભારતની શુક્રવારની મૅચ બાદની પરિસ્થિતિ પર એક નજર કરી લઈએ તો ગ્રૂપ-2માં પાકિસ્તાન આઠ પોઇન્ટ સાથે મોખરે છે અને આ સ્થાનેથી તેની આગેકૂચ અટકવાની નથી.

ટૂંકમાં તેણે સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. બાકી રહી ભારત, ન્યૂઝીલૅન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ તો કિવિ ટીમ છ પૉઇન્ટ ધરાવે છે. આમ અફઘાનિસ્તાન સામે તે રવિવારે જીતે તો ભારતને સોમવારે નામિબિયા સામે માત્ર પ્રૅક્ટિસ કરવાની રહેશે.

અફઘાનિસ્તાન અને ન્યૂઝીલૅન્ડની સાતમી નવેમ્બરની મૅચ ભારત માટે એ બંને ટીમો જેટલી જ મહત્ત્વની છે.

આ મૅચમાં કૅન વિલિયમ્સનની ટીમ જીતે તો તેના આઠ પૉઇન્ટ થાય અને અફઘાનિસ્તાન જીતે તો તેના છ પૉઇન્ટ થાય.

આમ ભારત, ન્યૂઝીલૅન્ડ અને અફઘાનિસ્તાન ત્રણ ટીમ (જો ભારત નામિબિયાને હરાવે જે શક્યતા વધારે છે તો) છ-છ પૉઇન્ટ થાય આ સંજોગોમાં નેટ રનરેટ અમલી બને.

હાલના તબક્કે ભારતીય ટીમ નેટ રનરેટમાં અફઘાનિસ્તાન અને ન્યૂઝીલૅન્ડ બંને કરતાં આગળ છે અને આ રેટ ટકાવી રાખવો તેના માટે ખાસ મુશ્કેલ નથી કેમ કે તેને નામિબિયા સામે રમવાનું છે.

પણ, રવિવારે ન્યૂઝીલૅન્ડ જીતી જાય તો ભારત માટે કંઈ કરવાનું રહેશે નહીં, તેણે ફક્ત તમાશો જોવાનો છે અને નામિબિયા સામે માત્ર ઔપચારિકતા ખાતર રમવાનું છે.

આમ છતાં ભારત માટે આશા એટલે જાગે છે કેમ કે શુક્રવારે તેણે જે રીતે પુનરાગમન કર્યું હતું તે લાજવાબ હતું. કોહલીની ટીમે કવૉલિફાઈ થવા માટે જે કંઈ કરવાનું હતું તે તેણે કરી દેખાડ્યું છે.

સરળ વિજય

સ્કૉટલૅન્ડને સસ્તામાં આઉટ કરવા માટે બૉલરોએ પ્રયાસ કરવાનો હતો, જેનો પાયો બુમરાહે નાખ્યો અને એક બહેતરીન બૉલમાં હરીફ ટીમના કૅપ્ટન કાયલ કૉએત્ઝરને બૉલ્ડ કર્યા.

આવા અફલાતુન બૉલ ઇનિંગ્સમાં ઘણી વાર જોવા મળ્યા, જેમ કે રવીન્દ્ર જાડેજાએ બૅરિંગ્ટનને બૉલ્ડ કર્યા કે મોહમ્મદ શમીએ મિડલ ઑર્ડર બૅટ્સમૅન મૅકલોડ અને ત્યાર બાદ અંત ભાગમાં ઇવાન્સને બૉલ્ડ કર્યો.

જે બૉલિંગ પાકિસ્તાન કે ન્યૂઝીલૅન્ડ સામે જોવા મળી નહીં તે શુક્રવારે જોવા મળી. જે પરિવર્તનનો અગાઉની મૅચમાં અભાવ જણાતો હતો તે અભાવ શુક્રવારે ગાયબ થઈ ગચો.

શમીએ તો 17મી ઓવરમાં કમાલ જ કરી દીધી હતી. તેમણે મૅકલોડને બૉલ્ડ કર્યા બાદ એક ઘાતક યૉર્કર ફેંક્યો જેમાં અમ્પાયરે શરીફને આઉટ ન આપ્યા પણ ઈશાન કિશને સમયસૂચકતા વાપરીને બૅટ્સમૅનને રનઆઉટ કરાવી દીધો.

એ પછીના બૉલે ઇવાન્સ એક એવા જ ઘાતક યોર્કરમા બૉલ્ડ થયા.

હવે વારો હતો બૅટસમૅનનો કેમ કે ભારતે અન્ય બે હરીફની નેટ રનરેટને પાર કરવા માટે 7.1 ઓવર એટલે કે 43 બૉલમાં 86 રન કરવાના હતા, જે તેણે 39 બૉલમાં જ કરી નાખ્યા.

પાવર પ્લેમાં સૌથી વધુ રન, સૌથી વધુ બૉલ જમા રાખીને ટી20 મૅચ જીતવી કે ટી20 વર્લ્ડકપની મૅચ જીતવી, હરીફ ટીમને સસ્તામાં આઉટ કરી દેવી, જંગી ભાગીદારી નોંધાવવી આવા તમામ રેકૉર્ડમાં ભારતે પોતાની હાજરી પુરાવી દીધી.

ટી20માં ગમે તેવી આક્રમક બેટિંગ થતી હોય પણ 18 બૉલમાં 50 રન ફટકારવા આસાન હોતા નથી, જે સિદ્ધિ લોકેશ રાહુલે હાંસલ કરી. તેમણે ત્રણ સિક્સર સાથે 50 રન ફટકારી દીધા તો રોહિત શર્માએ માત્ર 16 બૉલ રમીને 30 રન ફટકારી દીધા.

ખાસ કરીને વ્હીલે ફેંકેલી પાંચમી ઓવરમાં ભારતે ચક્કર ફેરવી નાખ્યું. રાહુલે બીજા બૉલે ચોગ્ગો અને ત્રીજા બૉલે સિક્સર ફટકાર્યા બાદ પાંચમો બૉલ રોહિતને રમવાનો હતો, જેમણે દમદાર બાઉન્ડ્રી ફટકારીને સુનિશ્ચિત કરી નાખ્યું કે ભારત 43 બૉલ કરતાં પણ ઝડપથી આ મૅચ પૂરી કરી નાખશે.

ટૂંકમાં રોહિત શર્મા અને રાહુલે ખાતરી કરાવી દીધી કે ભારતને જ્યારે મૅચ જીતવાની અથવા તો મેગા ટુર્નામેન્ટમાં કવૉલિફાઈ થવા માટે આક્રમક બેટિંગની જરૂર હોય ત્યારે તેઓ પાછી પાની કરતા નથી.

આથી પણ વિશેષ તો તેમણે એ ખાતરી કરાવી દીધી હતી રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહે કરેલી મહેનત એળે નહીં જાય.

ભારતને કેવી ભૂલ નહીં પોસાય?

રહી વાત ટુર્નામેન્ટની બાકીની મૅચોમાં તો ભારતે હજી પણ મહેનત કરવાની જરૂર છે.

માની લઈએ કે ન્યૂઝીલૅન્ડની ટીમ અફઘાનિસ્તાન સામે જીતે નહીં અને ભારતનો નેટ રનરેટ અફઘાનિસ્તાન કરતાં બહેતર બની રહે પણ વરુણ ચક્રવર્તી કે હાર્દિક પંડ્યા પર રખાતો વધુ પડતો ભરોસો ભારતને કિનારે લાવીને ડુબાડી શકે છે.

ટૉસ કોઈના હાથમાં નથી પણ દુબઈની વિકેટો જોતાં ટૉસ મહત્ત્વનો છે.

શુક્રવારે ભારતે ટૉસ જીત્યો જેનો લાભ જોવા મળ્યો. આ ઉપરાંત ક્યારેક બૉલિંગમાં પરિવર્તન કરી મૅચ શરૂ થતાં અગાઉની રણનીતિ બદલવી પડતી હોય છે, જેમાં કોહલી દર વખતે સફળ રહેતા નથી.

આમ જ હોત તો સ્કૉટલૅન્ડ સામે અશ્વિનને ચારેય ઓવર પૂરી કરવા દેવાનું કોહલીએ જોખમ લીધું નહોત, કેમ કે તેમણે 7.20ની સરેરાશથી રન આપી દીધા. જેને કારણે સ્કૉટિશ ટીમનો સ્કોર 85 સુધી પહોંચી ગયો.

અશ્વિને ઓછા રન આપ્યા હોત તો ભારતને 43ને બદલે વધારે બૉલ રમવાની અનુકૂળતા સાંપડી હોત.

મૅન્ટર ધોની અને પોતાની સંભવિત અંતિમ મૅચમાં રવિ શાસ્ત્રી કે કોહલી નામિબિયા સામે આવી ભૂલનું પુનરાવર્તન થવા દેશે નહીં તેવી આશા રાખીએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો