કલમ 370: સપનું પૂરું થયાને 365 દિવસ પછી લેહ-કારગિલમાં નારાજગી કેમ છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, અભિજિત શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા

લદ્દાખનું નામ સાંભળતાં જ તેની સુંદર ખીણોની તસવીરો આપણા મનમાં છવાઈ જાય છે. ભારતના મસ્તક પરનો, નયનરમ્ય પ્રાકૃતિક સુંદરતાની અનુપમ ભેટ જેવો આ પ્રદેશ એક વર્ષ પહેલાં સુધી જમ્મુ-કાશ્મીર રાજ્યનો હિસ્સો હતો.

જોકે, ગયા વર્ષે પાંચ ઑગસ્ટે ભારતીય સંસદે બંધારણની કલમ 370ને રદ્દ કરીને જમ્મુ-કાશ્મીરને મળેલા ખાસ રાજ્યના દરજ્જા પર પૂર્ણવિરામ મૂક્યું હતું. જમ્મુ-કાશ્મીરમાંથી લદ્દાખને અલગ કરીને બન્નેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા હતા.

એ પછી જમ્મુ અને કાશ્મીરની કથા તો વેગળી રહી, પણ લદ્દાખમાં આ વિભાજનની ઉજવણી કરવામાં આવી હતી. અહીંના લોકો એ વાતે ખુશ હતા કે તેઓ જે માગણી છેલ્લાં 70 વર્ષથી કરી રહ્યા હતા, તે માગણી 50 ટકા જ સંતોષવામાં આવી છે.

50 ટકા જ શા માટે? વાસ્તવમાં જમ્મુ-કાશ્મીરથી પોતાને અલગ કરીને એક વિધાનસભા સાથે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની લદ્દાખીઓની માગણી ઘણી જૂની હતી, પણ લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો પછી પણ તેને વિધાનસભા આપવામાં આવી નથી.

નવી વ્યવસ્થાના એક વર્ષ પછી પણ અહીંના લોકોનાં દિલોમાં એ બાબત મોટી પીડાનું કારણ બની રહી છે. બાકી બધાં કારણ તેની સાથે જોડાયેલાં છે.

ગત એક વર્ષમાં લદ્દાખને તેની ઇચ્છા અનુસારનું બધું મળ્યું છે? દેશનો સૌથી મોટો લોકસભા મતવિસ્તાર તેનાં સપનાં સાકાર થતાં જોઈ રહ્યો છે? લોકોની અપેક્ષા શું છે? તેઓ કેન્દ્ર પાસે શું માગણી કરી રહ્યા છે? આ બધા સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ બીબીસીએ કર્યો હતો.

લદ્દાખના લોકોને કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ જે અપેક્ષા હતી તેની વાત સૌથી પહેલાં કરીએ. પહેલા એ લદ્દાખની વાત, જેનાથી સમગ્ર હિન્દુસ્તાન સારી રીતે વાકેફ નથી.

મેં ઉપર લખ્યું તેમ લદ્દાખનું નામ લેતાંની સાથે જ તેની નયનરમ્ય ખીણોની તસવીરો ચિત્તમાં તરવરવા લાગે છે.

મેં અત્યાર સુધી 'લદ્દાખ-એક કેન્દ્રશાસિત પ્રદેશ'નો ઉલ્લેખ કર્યો છે, પણ જે લોકો લદ્દાખનો પ્રવાસ કરી આવ્યા છે તેઓ અથવા કોરોના મહામારી પહેલાં આ વર્ષે જૂનમાં ત્યાં જવાની યોજના બનાવતા હતા એ લોકો માટે તેમની યોજનામાં લદ્દાખનો અર્થ શું હતો?

પર્યટકો માટે લદ્દાખનો અર્થ સામાન્ય રીતે લેહ પૂરતો મર્યાદિત હોય છે. ઉલ્લેખ પણ લેહ-લદ્દાખ તરીકે કરવામાં આવે છે, પણ લેહની સાથે કારગિલનો ઉલ્લેખ બહુ ઓછો કરવામાં આવે છે અને લેહની સરખામણીએ ત્યાં પર્યટકો પણ ઓછા જાય છે.

આ પીડાનો ઉલ્લેખ કારગિલનો લગભગ દરેક રહેવાસી કરે છે.

line

સમાન ભાગીદારીની કારગિલની માગ

હાજી અનાયત અલી

ઇમેજ સ્રોત, HAJI ANAYAT ALI

ઇમેજ કૅપ્શન, હાજી અનાયત અલી

2011ની વસતીગણતરી અનુસાર, લગભગ ત્રણ લાખ લોકોની વસતી ધરાવતા લદ્દાખમાં 46.6 ટકા લોકો મુસ્લિમ છે. અહીં લેહ અને કારગિલ એમ બે જિલ્લા છે.

લેહમાં બૌદ્ધધર્મીઓની સંખ્યા વધારે છે, જ્યારે કારગિલમાં મુસ્લિમો બહુમતીમાં છે. બૌદ્ધ લોકો માને છે કે જમ્મુ-કાશ્મીર મુસ્લિમ બાહુલ્યવાળું રાજ્ય હતું.

તેમાં બૌદ્ધધર્મીઓનો અવાજ ઓછો સાંભળવામાં આવતો હતો, પણ આજે લદ્દાખમાં મુસ્લિમોની બહુમતી નથી ત્યારે કારગિલના લોકો આવી જ ફરિયાદ કરતા જોવા મળે છે.

કારગિલના લોકોની સવાલ છે કે લેહ અને કારગિલમાં લગભગ એકસમાન વસતી છે ત્યારે વિકાસનો મહત્તમ હિસ્સો લેહના ભાગે જ કેમ જાય છે? તેમનું કહેવું છે કે કેન્દ્ર સરકાર લેહમાં જેટલો વિકાસ કરવા ઇચ્છે છે તેટલો જ વિકાસ તેણે કારગિલમાં કરવો જોઈએ.

કારગિલમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતાઓ ભારપૂર્વક કહે છે કે લેહમાં જે કરવામાં આવી રહ્યું છે એ બધું કારગિલને પણ મળવું જોઈએ.

કારગિલમાં ભાજપના કદ્દાવર નેતા હાજી અનાયત અલી કહે છે, "સૌથી મોટો મુદ્દો ઍરપૉર્ટના એક્સટેન્શનનો છે. અહીં મોટી ફ્લાઇટ્સના ઉતરાણની વ્યવસ્થા ઝડપભેર કરવાની જરૂર છે. એકેય કેન્દ્રીયમંત્રી હજુ સુધી કારગિલ આવ્યા નથી."

"તેનું મોટું કારણ અહીંનું ઍરપૉર્ટ છે. લેહથી કારગિલ સુધી પહોંચવા લગભગ 250 કિલોમીટરનો પ્રવાસ સડક મારફત કરવો પડે છે. ઍરપૉર્ટ પર વિમાનનું ઉતરાણ કરી શકાતું નથી એટલે પ્રધાનો અહીં આવતા નથી, કારણ કે સડક મારફત પાંચ-છ કલાકનો પ્રવાસ કરવા કોઈ ઇચ્છતું નથી."

કારગિલમાંના કૉંગ્રેસી નેતા નસીર મુંશીના જણાવ્યા મુજબ, ભૌગોલિક વિસ્તારની દૃષ્ટિએ દેશના સૌથી મોટા લોકસભા મતવિસ્તાર લદ્દાખની વાત થાય છે ત્યારે તેમાં કારગિલનો નહીં, પણ લેહ-લદ્દાખનો ઉલ્લેખ થાય છે એ સૌથી પહેલા સમજી લેવું જરૂરી છે.

line

"જોઇન્ટ ઍક્શન કમિટીની માગ બાબતે કશું થયું નહીં"

લદ્દાખની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લદ્દાખની તસવીર

લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું ત્યારે કારગિલમાં વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું. એ પછી રાજ્યપાલ સત્યપાલ મલિક ત્યાં ગયા હતા.

એ દરમિયાન ભાજપ સિવાયના કૉંગ્રેસ, નેશનલ કૉંગ્રેસ પક્ષ અને અન્ય ધાર્મિક સંગઠનોએ એક જોઇન્ટ ઍક્શન કમિટી બનાવી હતી તથા 14 મુદ્દાનું એક આવેદનપત્ર આપ્યું હતું.

હાજી ઈનાયત અલીના જણાવ્યા અનુસાર, એ સમજૂતીમાં જે મુદ્દા હતા તે સંબંધે કોઈ કામ અત્યાર સુધી થયું નથી.

નાસિર મુંશી કહે છે, "લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું અને રાજ્યપાલ કારગિલ આવ્યા હતા ત્યારે તેમની સામે જોઇન્ટ ઍક્શન કમિટીએ માગણી રજૂ કરી હતી કે વહીવટી વડુમથક છ મહિના લેહમાં અને છ મહિના લદ્દાખમાં હોવું જોઈએ."

નાસિર મુંશી

ઇમેજ સ્રોત, NASIR MUNSHI

ઇમેજ કૅપ્શન, નાસિર મુંશી

"રાજ્યપાલે આશ્વાસન આપ્યું હતું કે રાજભવન, સચિવાલય અને પોલીસ હેડક્વાર્ટર એ ત્રણેય લેહ તથા કારગિલ બન્ને જિલ્લામાં બનાવવામાં આવશે. એ દિશામાં એક વર્ષ પછી પણ કશું થયું નથી."

તેમના જણાવ્યા મુજબ, છેલ્લા એક વર્ષમાં તેમને કશું મળ્યું નથી, પણ તેમણે ગુમાવ્યું છે.

કેટલાંક ઉદાહરણ આપતાં નાસિર મુંશી કહે છે, "અમે કલમ 370 અને 35-એનું સમર્થન કરતા હતા, કારણ કે એ બન્ને કલમ અમારા માટે એક દીવાલ જેવી હતી. એ કલમો અમારે ત્યાં રોજગાર સંબંધે રક્ષકનું કામ કરતી હતી. અહીં સ્થાનિક લોકોને જ નોકરી મળતી હતી."

"બન્ને કલમ હઠાવાયા બાદ એક વર્ષમાં નવી કોઈ નિમણૂક થઈ નથી. ઉપરાંત બધાં કામનું આઉટસોર્સિંગ થઈ રહ્યું છે. દિલ્હીથી આવેલી પ્રાઇવેટ એજન્સી લોકોની નિમણૂક કરી રહી છે. જે સ્થાનિક લોકોને કૉન્ટ્રાક્ટ પર કામ આપવામાં આવી રહ્યું છે તેમને બહારથી લાવવામાં આવેલા લોકોની સરખામણીએ અડધો પગાર આપવામાં આવે છે. અમારી પાસે ડોમિસાઇલ કાયદો પણ નથી."

તેમના જણાવ્યા મુજબ, અહીં 45 ટકા નોકરી અનુસૂચિત જનજાતિના લોકો માટે અનામત રાખવામાં આવશે એવી જાહેરાત રાજ્યપાલે થોડા દિવસ પહેલાં કરી હતી.

નાસિર મુંશી એવું પણ કહે છે કે એક તો લદ્દાખનો સમગ્ર વિસ્તાર અનુસૂચિત જનજાતિ કૅટેગરીમાં આવે છે અને બીજું અમારી પાસે કોઈ ડોમિસાઇલ કાયદો નથી. તેથી અમે એવું માનીએ છીએ કે રાજ્યપાલની જાહેરાતના દાયરામાં હિન્દુસ્તાનની બધી અનુસૂચિત જનજાતિનો સમાવેશ થાય છે.

ડોમિસાઇલ કાયદાની માગ કરતાં ભાજપના વરિષ્ઠ નેતા હાજી અનાયત અલી પણ પણ આવું જ કહે છેઃ "રોજગાર સંબંધે કેવી અપીલ કરવાની છે એ અમને સમજાતું નથી. ગયા વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા પહેલાં 400થી 500 લોકોની ભરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ તેનું પરિણામ હજુ સુધી આવ્યું નથી. એ સંબંધે રાજકીય પક્ષો અને વિદ્યાર્થીસંઘોએ ગત સપ્તાહે એક દિવસની હડતાળ પણ પાળી હતી. આજે અહીં અધિકારીઓ બધું ચલાવી રહ્યા છે."

line

હિલ કાઉન્સિલને મજબૂત બનાવવાની માગ

લેહ-લદાખ

લેહ તથા કારગિલ બન્નેમાં લદ્દાખ ઓટોનોમસ હિલ કાઉન્સિલ જ સૌથી મજબૂત રાજકીય સંગઠન છે. જોકે, બન્ને માટે ચૂંટણી અલગઅલગ થાય છે. લેહમાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે, જ્યારે કારગિલમાં હિલ કાઉન્સિલની ચૂંટણી ત્રણ વર્ષ બાદ યોજાશે. સરકાર હિલ કાઉન્સિલની જ છે, પણ હાજી અનાયત અલી કહે છે કે તેનું કોઈ મહત્ત્વ જ રહ્યું નથી.

તેમના જણાવ્યા મુજબ, સ્થાનિક લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમૅન્ટ કાઉન્સિલમાં કુલ 30 સભ્યો છે. તેમાંથી 26 ચૂંટાયેલા અને ચાર પદનામિત સભ્યો હોય છે. તેમાં એક ચીફ એક્ઝિક્યુટિવ કાઉન્સિલર અને ચાર એક્ઝિક્યુટિવ કાઉન્સિલર હોય છે. એમને કૅબિનેટ જેટલી જ સત્તા આપવામાં આવી છે, પણ હાલ તેમની સત્તા નગણ્ય થઈ ગઈ છે.

હાજી અનાયત અલી સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે આજે હિલ કાઉન્સિલ માત્ર નામ પૂરતી છે. તેમાં રાજકીય પક્ષોનો કોઈ અધિકાર રહ્યો નથી.

હાજી અનાયત અલીની આ વાતને નાસિર મુંશી આ રીતે કહે છેઃ "જમ્મુ-કાશ્મીરથી અલગ થતાંની સાથે જ વિધાન પરિષદમાં અમારું પ્રતિનિધિત્વ ખતમ થઈ ગયું. એ પછી લોકોનું પ્રતિનિધિત્વ માત્ર હિલ ડેવલપમૅન્ટ કાઉન્સિલ લેહ તથા કારગિલ મારફત રહી."

line

"હિલ કાઉન્સિલને નિર્બળ બનાવવામાં આવી"

રિંગજેન નામઝેલ

ઇમેજ સ્રોત, RIGZEN NAMGAIL

ઇમેજ કૅપ્શન, રિંગજેન નામઝેલ

કારગિલમાં ભાજપ અને કૉંગ્રેસ બન્નેનું કહેવું છે કે અહીંની પ્રજાતાંત્રિક વ્યવસ્થાને ખતમ કરીને હિલ કાઉન્સિલને વહીવટી નિર્ણયોની મોહતાજ બનાવી દેવામાં આવી છે.

કૉંગ્રેસના નેતા નાસિર મુંશી કહે છે, "અમારી માગ હતી કે અમને ભારતીય બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવામાં આવે, જેથી સ્થાનિક લોકોના રોજગાર, જમીન, અમારી ઓળખ અને અમારી સંસ્કૃતિ સલામતી રહે. એ પણ કરવામાં આવ્યું નહીં."

"તેને બદલે હિલ કાઉન્સિલની તાકાતને ખતમ કરી નાખવામાં આવી. કાઉન્સિલ પાસે અગાઉ એક ફંડ હતું, જેમાં કેન્દ્ર, રાજ્ય તથા અન્ય સ્રોત મારફત આવતા ફંડને રાખવામાં આવતું હતું."

"તેના અધિકાર હિલ કાઉન્સિલ પાસે હતા. કાઉન્સિલ અને ડેપ્યુટી કમિશનર સાથે મળીને એ ફંડની અગ્રતા નક્કી કરવાનું તથા તેના અમલનું કામ કરતા હતા. આ ફાઇનાન્સિયલ કંટ્રોલ જાન્યુઆરીમાં હઠાવી દેવામાં આવ્યો હતો."

"એ ઉપરાંત હિલ કાઉન્સિલ પાસે ટેકનો ઇકૉનૉમિક કંટ્રોલ માટે 20 કરોડની સત્તા હતી. એ પણ સચિવ સ્તરે લઈ જવામાં આવી છે. આમ સમગ્ર રીતે સચ્ચાઈ એ છે કે અગાઉ આ બે જિલ્લાના વિકાસ માટે જે ઓટોનોમસ કાઉન્સિલ નિર્ણય કરતી હતી એ આજે સત્તાવિહોણી બની ગઈ છે."

આ પીડા ભાજપના હાજી અનાયત અલી પણ વ્યક્ત કરે છે.

તેઓ કહે છે, "જે ડેપ્યુટી કમિશનર કે અમલદારો લદ્દાખ આવે છે, તેમને અહીંની પરિસ્થિતિની ખબર હોતી નથી. તેઓ કેન્દ્રમાં બેસીને અમને પૂછ્યા વિના લદ્દાખ માટે નીતિ બનાવે છે. લદ્દાખની આબોહવા, અહીંની સંસ્કૃતિ તથા માહોલ અલગ છે."

"જે અમલદારો બહારથી અહીં આવે છે તેમને ક્યાંથી ખબર હોય કે અહીં શિયાળા તથા ઉનાળામાં કેવી સમસ્યાઓ હોય છે. જે કમિશનર લેહમાં બેઠા છે, તેમને પણ નહીં ખબર હોય કે લૂનાકમાં શું ચાલી રહ્યું છે. આ વિસ્તારમાં કેવાં કામ થવાં જોઈએ એ તેઓ જાણતા નથી. તેઓ અમને પૂછ્યા વગર યોજનાઓ બનાવે છે, જે અમને અનુકૂળ હોતી નથી."

નાસિર મુંશી કહે છે, "અહીંના નાગરિકો માટે જમીન, રોજગાર બાબતે કોઈ સલામતી નથી. અત્યારે ભ્રમની સ્થિતિ છે. રાજ્યપાલના કે ડિવિઝનલ કમિશનરના સ્તરે કોઈ જ સ્પષ્ટતા નથી. અહીં વિવિધ વહીવટીકર્તાઓ વચ્ચે પણ એકમત સધાશે તેવું દેખાતું નથી."

"બે જિલ્લા માટે એક એલજી છે. તેમના હાથ નીચે સલાહકાર, પછી ચાર સેક્રેટરી છે. તેમના હાથ નીચે 12 ડાયેક્ટર છે અને વચ્ચે બે કાઉન્સિલ છે. તેમાં કોની ભૂમિકા શું છે અને તેમના શું અધિકાર છે તેની સમજાતું નથી."

line

લેહની માગઃ હિલ કાઉન્સિલને મજબૂત બનાવો

જિગ્મેત પાલજોર

ઇમેજ સ્રોત, RIGZEN NAMGAIL

ઇમેજ કૅપ્શન, જિગ્મેત પાલજોર

કારગિલના બન્ને નેતાઓ ભારપૂર્વક એવું કહી રહ્યા છે કે સરકારે સૌથી પહેલા હિલ કાઉન્સિલને શક્તિશાળી બનાવવી જોઈએ. તેઓ એમ પણ કહી રહ્યા છે કે લોકોનો કોઈ પ્રતિનિધિ સરકારમાં સામેલ નહીં થાય ત્યાં સુધી અમારો અવાજ સરકારમાં પહોંચશે નહીં.

બરાબર આવી જ વાત લેહમાં પણ સાંભળવા મળે છે.

બીબીસીએ લદ્દાખના સૌથી શક્તિશાળી સામાજિક ધાર્મિક સંગઠનો પૈકીના એક બુદ્ધિસ્ટ ઍસોસિયેશન લદ્દાખના અધ્યક્ષ પી. ટી. કુજાંગ સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે "લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની માગણી અન્ય તમામ રાજકીય પક્ષો અને ધાર્મિક સંગઠનોની મદદ તથા ટેકાથી અમે જ 1949માં કરી હતી. તે માગ સાકાર થવામાં 70 વર્ષનો સમય ગયો. અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર પણ માન્યો હતો."

તેમણે એવું પણ કહ્યું હતું કે "લદ્દાખને કોઈ બંધારણીય સલામતી શા માટે આપવામાં આવી નથી એ બાબતે લોકોમાં આશંકા છે. કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ બંધારણીય સલામતી નહીં આપવામાં આવે તો અમારી જમીન, રોજગાર, પર્યાવરણની સુરક્ષા અને સાંસ્કૃતિક ઓળખનો વિસ્તાર કઈ રીતે કરવામાં આવશે એ બાબતે પણ શંકા પ્રવર્તે છે."

તેમણે ઉમેર્યું હતું કે "ગત પાંચમી ઑગસ્ટે કલમક્રમાંક 370 રદ્દ કરી અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયાના એક વર્ષમાં વિકાસના કામ કરવાની તક મળી નહીં, કારણ કે 31 ઑક્ટોબરથી તેનો અમલ શરૂ થયો ત્યારે શરૂઆતમાં શિયાળો આવી ગયો અને પછી કોરોનાની મહામારી ચાલી રહી છે."

કુજાંગના જણાવ્યા અનુસાર, લેહ તથા કારગિલની કુલ વસતી ત્રણ લાખથી પણ ઓછી છે અને લદ્દાખનો 98 ટકા હિસ્સો તો આદિવાસીઓના બાહુલ્યવાળો વિસ્તાર છે. તેથી આદિવાસીઓનાં હિતોને બંધારણીય સલામતી આપવી જોઈએ.

કુજાંગે કહ્યું હતું કે "અમે 17 ફેબ્રુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક આવેદનપત્ર આપ્યું હતું. અમે આ માગણી કરી છે, કારણ કે લદ્દાખને વિધાનસભા સાથે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની માગ હતી, પરંતુ વિધાનસભા મળી નહીં અને હિલ કાઉન્સિલને પણ તેમાં જ રાખવામાં આવી છે. તેથી સરકારે હિલ કાઉન્સિલને જ કાયદા ઘડવાનો અધિકાર આપવો જોઈએ."

કારગિલ અને લેહમાં જેટલા લોકો સાથે વાત કરી એ બધા અહીંના યુવાનોના ભવિષ્ય તથા રોજગાર બાબતે ચિંતિત જણાયા હતા.

લેહ પ્રેસ ક્લબનાં ઉપાધ્યક્ષ અને રીચ લદ્દાખ બુલેટિનનાં તંત્રી સ્ટેંઝિન ડાસલનું કહેવું છે કે લદ્દાખમાં પબ્લિક સર્વિસ કમિશનની રચના થવી જોઈએ, જેથી અહીંના યુવાનોને ગેઝેટેડ ઑફિસર બનવાની તક મળી શકે.

line

લદ્દાખ વિદ્યાર્થીસંઘ શું કહે છે?

સ્ટૈંઝિન ડાસલ

ઇમેજ સ્રોત, RIGZEN NAMGAIL

ઇમેજ કૅપ્શન, સ્ટૈંઝિન ડાસલ

લદ્દાખ વિદ્યાર્થીસંઘ લીફના અધ્યક્ષ જિગ્મેત પાલજોર કહે છે કે લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના કેન્દ્ર સરકારના ગયા વર્ષના નિર્ણયનું વિદ્યાર્થીસંઘે સ્વાગત કર્યું હતું.

જિગ્મેત પાલજોર કહે છે, "આ નિર્ણયથી લદ્દાખીઓને બહુ આશા હતી. બંધારણીય સલામતી, લદ્દાખની જમીન, પર્યાવરણ, રોજગાર અને સંસ્કૃતિ સંબંધે સુરક્ષાની આશા હતી, પણ પાછલાં એક વર્ષમાં એ મુદ્દે નક્કર કામ થયું નથી. અમે બંધારણીય સલામતીની માગ કરીએ છીએ."

તેથી પાલજોર પણ અન્ય લોકોની માફક લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમૅન્ટ કાઉન્સિલને મજબૂત બનાવવાની માગ કરે છે. પ્રજાતાંત્રિક અવાજના મજબૂત બનાવવો જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.

પાલજોર કહે છે કે "લેહ અને કારગિલમાંની આ કાઉન્સિલને મજબૂત કરો. તેની રચના પછી 2019 સુધીમાં અનેક સુધારા થયા છે. તેનો અમલ કરો."

યુવાઓને રોજગાર મળશે એવી અમને આશા હતી એવું જિગ્મેત પાલજોરે કહ્યું હતું.

તેમના જણાવ્યા મુજબ, ગત એક વર્ષમાં એવું થયું નથી, પણ ભવિષ્યમાં યુવાઓને રોજગાર મળશે એવી આશા છે. રોજગાર નહીં મળવાનું કારણ અહીં રિક્રૂટમેન્ટ બોર્ડ તથા રોજગારનીતિનો અભાવ છે.

જિગ્મેત પાલજોર ભારપૂર્વક જણાવે છે કે અહીં ઉચ્ચ શિક્ષણની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી સ્થાનિક યુવાનો બહાર ભણવા જવા મજબૂર છે. સરકાર આગામી વર્ષોમાં આ બાબત પર ધ્યાન આપશે એવી આશા છે.

કેન્દ્ર સરકારે લદ્દાખમાં સેન્ટ્રલ યુનિવર્સિટીની સ્થાપનાની જાહેરાત થોડા દિવસ પહેલાં કરી હતી, પણ પાલજોર કહે છે કે ત્રીજા વિકલ્પ તરફ આગળ વધતાં પહેલાં વર્તમાન વ્યવસ્થાને દુરસ્ત કરવાની જરૂર છે.

પાલજોર કહે છે કે "લદ્દાખમાં લદ્દાખ યુનિવર્સિટી અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ બુદ્ધિસ્ટ સ્ટડીઝ પહેલેથી જ કાર્યરત છે. તેને અપગ્રેડ કરવાની જરૂર છે. કોઈ ત્રીજા વિકલ્પની સરખામણીએ તે વધારે અસરકારક સાબિત થશે."

યુવાવર્ગને આશા છે કે આ કેન્દ્રશાસિત પ્રદેશ યુવાઓ અને લદ્દાખીઓ માટે બને તથા તે સમગ્ર ભારત માટે ઉદાહરણરૂપ બને.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો