You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટિકટૉક પર આજે અમેરિકા પણ પ્રતિબંધ લાદી શકે છે - TOP NEWS
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ચીની મોબાઇલ ઍપ ટિકટૉક પર પ્રતિબંધ લગાવવા જઈ રહ્યા છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પત્રકારોને કહ્યું કે તેઓ આજે શનિવારે આ આદેશ પર હસ્તાક્ષર કરી શકે છે.
ટ્રમ્પે ફ્લોરિડાની યાત્રાથી પરત ફરતી વખતે પોતાના વિમાન ઍરફોર્સ-વન પર પત્રકારોને કહ્યું, "જ્યાં સુધી ટિકટૉકનો સવાલ છે, તો અમે તેના પર અમેરિકામાં પ્રતિબંધ લગાવવા જઈ રહ્યા છીએ."
તેઓએ કહ્યું કે તેઓ તેના માટે તેમના ઇમર્જન્સી આર્થિક અધિકાર કે એક ઍક્ઝિક્યુટિવ ઑર્ડરનો ઉપયોગ કરી શકે છે.
ટ્રમ્પે કહ્યું, "મારી પાસે તેનો અધિકાર છે, હું તેના પર કાલે (એટલે કે આજે શનિવારે) સહી કરવા જઈ રહ્યો છું."
અમેરિકાનું આ પગલું ટિકટૉકની નિર્માતા કંપની બાઇટડાન્સ માટે બહુ મોટો ઝટકો સાબિત થઈ શકે છે.
અમેરિકાના સુરક્ષા અધિકારીઓએ આ ઍપમાં લોકોના ખાનગી ડેટાની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
આ પહેલાં ભારત સરકારે પણ આ રીતની ચિંતા વ્યક્ત કરીને ગત મહિને ચીનની અનેક ઍપ પર પ્રતિબંધ લાદ્યો હતો, જેમાં ટિકટૉક પણ સામેલ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બાળકોના ઑનલાઇન શિક્ષણ માટે માતાએ મંગળસૂત્ર ગીરવે મૂક્યું
કર્ણાટકનાં એક મહિલાએ તેમનાં બાળકોના ઑનલાઇન વર્ગ માટે ટીવી ખરીદવા માટે મંગળસૂત્ર ગીરવે મૂક્યું છે.
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર, મહિલાએ સોનાના મંગળસૂત્ર સામે 20,000 ઉધાર લીધા હતા, તેમાંથી 14,000નું ટીવી ખરીદ્યું અને બાકીના પૈસા ઘરખર્ચ માટે રાખ્યા હતા.
ગડજ જિલ્લાના રાદેર નાગનુર ગામનાં રહેવાસી કસ્તુરી તેમના પતિ સાથે બાંધકામમાં મજૂરી કરે છે.
તેમની પુત્રી નવમા ધોરણમાં અભ્યાસ કરે છે અને પુત્ર સરકારી શાળામાં આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે.
તેમનાં બાળકો સરકાર દ્વારા સંચાલિત ડીડી ચંદના ચેનલ પર ઑનલાઇન વર્ગમાં ભણી શકે તે માટે તેઓ ટીવી ખરીદવા માટે મજબૂર થયાં હતાં.
કસ્તુરીએ સ્થાનિક મીડિયાને કહ્યું કે "તેઓ (બાળકો) શરૂઆતમાં પડોશીના ઘરે ટીવી પર કાર્યક્રમ જોતા. જોકે કેટલીક વાર કમનસીબે પડોશીઓ કોઈ અન્ય પ્રોગ્રામ જોવાની ઇચ્છા રાખતા અને બાળકો તેમના વર્ગો ચૂકી જતાં."
"અમે તેમનો સંઘર્ષ જોયો અને અમે અમારાં બાળકોને સારું શિક્ષણ આપવા માગીએ છીએ, તેથી મેં મારા મંગળસૂત્ર સામે ટીવી ખરીદવાનો નિર્ણય લીધો."
કથિત ગૌરક્ષકે મીટ લઈ જતાં શખ્સને માર માર્યો
દિલ્હી પાસે આવેલા સાયબર સિટી ગુરુગ્રામની એક ઘટના સામે આવી છે.
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગુરુગ્રામમાં શુક્રવારે સવારે અંદાજે નવ વાગ્યે મીટ ભરેલી એક પીકઅપ વાનને ઘણા કિલોમિટરનો પીછો કરીને કેટલાક કથિત ગૌરક્ષકોએ પકડી હતી. વાનચાલકને નીચે ઉતારીને તેને હથોડાથી મારવાનું શરૂ કર્યું હતું.
આ ઘટનાનો કોઈએ મોબાઇલમાં વીડિયો ઉતારી લીધો હતો, જેમાં જોઈ શકાતું હતું કે કથિત ગૌરક્ષકો કેટલી ક્રૂરતાથી ગાડીચાલકને નીચે ઉતારીને હથોડાથી મારી રહ્યા છે.
જાણવા મળ્યું છે કે આ ઘટના બની ત્યારે ત્યાં પોલીસ જવાન અને અનેક લોકો હતા, તેમ છતાં કોઈએ તેને બચાવવાની કોશિશ ન કરી.
'સત્ય ટકી રહેશે' : રિયા ચક્રવર્તી
બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ અભિનેત્રી રિયા ચક્રવર્તી શંકાના ઘેરામાં છે.
એનડીટીવીના અહેવાલ અનુસાર સુશાંતસિંહ રાજપૂતના પરિવાર દ્વારા છેતરપિંડી અને પરેશાન કરવાનો જેમના પર આરોપ છે, એવાં રિયા ચક્રવર્તીએ મૌન તોડ્યું છે અને તેમના વકીલો દ્વારા બહાર પાડેલા એક વીડિયોમાં રિયા ચક્રવર્તી કહે છે કે "સત્ય ટકી રહેશે."
સુશાંતસિંહ રાજપૂતના પિતાએ આ અઠવાડિયાની શરૂઆતમાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે, જેમાં આરોપ મૂક્યો હતો કે તેમણે તેના ઍકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કર્યા છે અને માનસિક ત્રાસ આપ્યો છે.
આ આરોપની બિહાર પોલીસ દ્વારા તપાસ થઈ રહી છે.
રિયાએ વીડિયોમાં કહ્યું, "મને ભગવાન અને ન્યાયતંત્રમાં અપાર વિશ્વાસ છે. હું માનું છું કે મને ન્યાય મળશે. ઇલેક્ટ્રોનિક મીડિયા પર મારા વિશે ઘણી ભયંકર વાતો કરવામાં આવી રહી છે."
"તેમ છતાં હું મારા વકીલોની સલાહ પ્રમાણે ટિપ્પણી કરવાનું ટાળું છું, કારણ કે મામલો સબ-જ્યુડિશિયલ છે."
તેમણે વધુમાં ઉમેર્યું કે "સત્યમેવ જયતે, સત્ય જીતશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો