સુશાંતસિંહ રાજપૂતના મોતનો મામલો, પિતાએ રિયા ચક્રવર્તી સામે FIR નોંધાવી

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતના મામલામાં પટણાના રાજીવ નગર પોલીસસ્ટેશનમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી સામે એફઆઈઆર નોંધાવવામાં આવી છે.

રિયા ચક્રવર્તી સુશાંતસિંહ રાજપૂતનાં ગર્લફ્રૅન્ડ રહ્યાં છે.

રાજીવ નગરના પોલીસસ્ટેશન ઇન્ચાર્જ યોગેન્દ્ર રવિદાસે બીબીસીને કહ્યું કે રિયા વિરુદ્ધ સુશાંતના પિતા કે. કે. સિંહે ફરિયાદ નોંધાવી છે.

તેમણે કહ્યું કે આ ફરિયાદ 25 જુલાઈના રોજ નોંધાઈ હતી.

તેમણે કહ્યું કે રિયા ચક્રવર્તી વિરુદ્ધ સુશાંતના પિતાએ એફઆઈઆરમાં પૈસા પડાવવાનો અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો આરોપ મૂક્યો છે.

માહિતી પ્રમાણે પટણાથી પોલીસની એક ટીમ મુંબઈ ગઈ છે. સમાચાર એજન્સી એએનઆઈને પટણાના સેન્ટ્રલ ઝોનના આઈજી સંજયસિંહે પણ એફઆઈઆર અંગે ખરાઈ કરી છે.

14મી જૂને સુશાંતસિંહ તેમના બાંદ્રાસ્થિત ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા, પોલીસનું કહેવું હતું કે સુશાંતે આત્મહત્યા કરી છે.

સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પછી રિયાનું નામ એ લોકોમાં સામેલ હતું, જેમની મુંબઈ પોલીસ દ્વારા પૂછપરછ કરાઈ હતી.

અભિનેતા શેખર સુમણ આ સમગ્ર મામલે ઘણા વાચાળ રહ્યા છે. તેમણે પણ ટ્વીટ કરીને કહ્યું છે કે સુશાંતના પરિવારજનોએ રિયાની વિરુદ્ધ સેક્શન 306 આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અને 340,342 અંતર્ગત ફરિયાદ નોંધાવી છે.

શેખર સુમણે એવું પણ કહ્યું કે સમગ્ર મામલાની તપાસમાં એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે.

આ પહેલાં રિયા ચક્રવર્તીએ ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ સીબીઆઈ પાસે તપાસ કરાવવાની માગ કરી હતી.

રિયાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, "સર, હું સુશાંતસિંહ રાજપૂતની ગર્લફ્રૅન્ડ છું. સુશાંતના મૃત્યુને એક મહિનો થયો. મને સરકાર પર પૂરો વિશ્વાસ છે."

"હું ઇચ્છું છું કે આ મામલામાં ન્યાય મળે, એ માટે આની તપાસ સીબીઆઈ પાસે કરાવવામાં આવે. હું માત્ર એ જાણવા માગું છું કે સુશાંતે કયા દબાણ હેઠળ આવું પગલું લીધું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો