UN : સંયુક્ત રાષ્ટ્રમાં નરેન્દ્ર મોદીનું સંબોધન, ભારત સુરક્ષા પરિષદમાં સભ્ય બન્યા પછી પહેલીવાર વાત કરશે

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રની ઇકોનૉમિક ઍન્ડ સોશિયલ કાઉન્સિલને શુક્રવારે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે સંબોધશે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને અસ્થાયી સદસ્યતા મળ્યા પછી સંયુક્ત રાષ્ટ્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આ પ્રથમ સંબોધન હશે.

પીઆઈબી પ્રમાણે વડા પ્રધાન મોદી સવારે 9.30થી 11.30 વાગ્યે સ્થાનિક સમયે ન્યૂ યૉર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કરશે. તેઓ નૉર્વેના વડા પ્રધાન અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ સાથે સમાપન સત્રમાં ભાષણ આપશે.

યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિ પ્રમાણે વડા પ્રધાન મોદીએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ આપ્યું હતું. ત્યારે તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને આતંકવાદ વિરુદ્ધ એક થવા વિનંતી કરી હતી.

ઈસીઓએસઓસીમાં આંતરરાષ્ટ્રીય આર્થિક અને સામાજિક મુદ્દાઓ તથા નીતિઓ માટે સૂચનો પર ચર્ચા થતી હોય છે. 1945માં આ કાઉન્સિલની સ્થાપના થઈ હતી.

આ કાઉન્સિલની સ્થાપનાને 75 વર્ષ પૂરા થયા છે ત્યારે આ વાર્ષિક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ‘કોવિડ-19 પછી બહુપક્ષીયતા’ના વિષય પર ચર્ચા થશે.

સમગ્ર દુનિયા જ્યારે કોરોના મહામારી સામે લડી રહી છે ત્યારે સબળ નેતૃત્વ હેઠળ વૈશ્વિક અજેન્ડને મજબૂત કરવા તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાનોને અસરકાર બનાવવા અંગે ચર્ચા થશે.

ભારત સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સભ્ય

હાલમાં જ ભારત બે વર્ષ માટે સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય બન્યું છે.

ભારતને 192માંથી 184 વોટ મળ્યા હતા. ભારત એક જાન્યુઆરી,2021 સુધી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય રહેશે.

સુરક્ષા પરિષદમાં પાંચ સ્થાયી સભ્યો છે- અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, રશિયા અને ચીન. એ સિવાય સુરક્ષા પરિષદમાં દસ અસ્થાયી સભ્યો પણ હોય છે. તેમાંથી 50 ટકા સભ્યો બે વર્ષ માટે ચૂંટાતા હોય છે.

આ પહેલા પણ ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય રહ્યું છે જોકે ભારત સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય બનવા માટે પણ પોતાનો દાવો કરતું આવ્યું છે પરંતુ તેમાં હજી સફળતા હાંસલ થઈ શકી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો