દિલ્હી તોફાનો : અમિત શાહ, યોગી આદિત્યનાથ અને કપિલ મિશ્રા પર ઉશ્કેરણીનો આરોપ - Top News

દિલ્હીના લધુમતી પંચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય ભાજપ નેતાઓ પર સાંપ્રદાયિક ભાવનાઓ ભડકાવવા માટે ઉશ્કેરણીજનક ભાષણો કરવાનો આરોપ મૂક્યો છે.

બીબીસી હિંદી સેવાના અહેવાલ મુજબ ઉત્તર-પૂર્વમાં થયેલા તોફાનો પૂર્વઆયોજિત, સંગઠિત અને નિશાનો બનાવીને કરવામાં આવ્યા હતા એવું દિલ્હી લઘુમતી પંચની તપાસ કહે છે.

દિલ્હીમાં 23થી 27 ફેબ્રુઆરી વચ્ચે થયેલા એ તોફાનોની તપાસ માટે નવ સભ્યોની કમિટિ બનાવવામાં આવી હતી.

કમિટિએ 134 પાનાની પોતાની રિપોર્ટ 27 જૂને દિલ્હી લઘુમતી પંચને સોંપી હતી જેને ગુરૂવારે સાર્વજનિક કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અમિત શાહ સંસદમાં દિલ્હીના તોફાનોમાં પોલીસની ભૂમિકા ન હોવાની વાત કહી ચૂક્યા છે.

દિલ્હી પોલીસ પણ કોઈ સંડોવણી ન હોવાનું દિલ્હીની હાઈ કોર્ટમાં સોગંદનામું રજૂ કરી કહી ચૂકી છે.

કમિટિએ દિલ્હી પોલીસનો પક્ષ જાણવા માટે પણ નિવેદનો માગ્યા હતા પરંતુ દિલ્હીની પોલીસે કમિટિને કોઈ નિવેદન આપ્યું નથી કે કમિટિના કોઈ સવાલનો જવાબ આપ્યો નથી.

આ આક્ષેપ ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીમાં થયેલા તોફાનોના સંદર્ભમાં મૂકવામાં આવ્યા છે.

ધી ટેલિગ્રાફ અખબાર મુજબ દિલ્હી લઘુમતી પંચે પોલીસ પર પણ તોફાન દરમિયાન હુમલામાં સંડોવણી અને સહભાગિતાનો આરોપ મૂક્યો છે.

ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીમાં થયેલા તોફાનમાં 53 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

લઘુમતી પંચના રિપોર્ટમાં ભાજપના નેતા કપિલ મિશ્રા પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે 23 ફેબ્રુઆરીએ મૌજપુરમાં ઉશ્કેરણીજનક ભાષણ આપીને હિંસા ભડકાવી હતી.

સચીન પાઇલટની ચિદમ્બરમ સાથે વાત

રાજસ્થાનમાં ઉપમુખ્ય મંત્રીપદ તથા રાજ્ય કૉંગ્રેસના અધ્યક્ષ પદેથી હકાલપટ્ટી પછી સચીન પાઇલટે એક તરફ બળવાખોર 18 ધારાસભ્યો સહિત તેમની સદસ્યતા રદ કરવાની કાર્યવાહીને હાઈકોર્ટમાં પડકારી છે ત્યારે જ ગુરૂવારે પાર્ટીના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ સાથે પણ વાત કરી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ અખબાર પ્રમાણે સચીન પાઇલટે ગુરૂવારે ભૂતપૂર્વ નાણામંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ સાથે ફોન પર વાત કરી હતી.

પી ચિદમ્બરમે અખબારને જણાવ્યું કે, મેં સચીન પાઇલટ સાથે વાત કરી અને કહ્યું કે કૉંગ્રેસના નેતૃત્વે તેમને વાત કરવા માટે આમંત્રણ આપ્યું છે અને તેમણે આ તક સ્વીકાર કરી લેવી જોઈએ.

અખબાર લખે છે કે કૉંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાઓએ પણ સચીન પાઇલટ જો પાર્ટીમાં પાછા આવવા માગે તો તેમને પાર્ટીમાં સન્માનજનક વાપસીનો ભરોસો અપાવ્યો છે.

બીજી તરફ પાઇલટના સાથી નેતાઓએ રાજસ્થાન હાઈકોર્ટની શરણ લીધી છે ત્યારે કૉંગ્રેસ પાર્ટીએ બળવાખોર નેતાઓને વધારે સમય આપવાનો નિર્ણય કર્યો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ અખબારે એક વરિષ્ઠ નેતાને ટાંકતા લખ્યું છે, " જો બળવાખોર નેતાઓ પાર્ટીમાં પાછા આવવા માગે તો તેમની સદસ્યતા રદ કરવાની પ્રક્રિયા રોકીને ગેહલોત સરકારને બચાવવાના પ્રયત્નો કરવામાં આવશે. "

રશિયા પર કોરોના વૅક્સિનનો ડેટા ચોરવાનો આરોપ

અમેરિકા, યુકે અને કનાડાએ રશિયા પર કોરોના વાઇરસ સામેની રસી પર થયેલી શોધની ચોરી કરી લેવાનો આરોપ મૂક્યો છે.

દુનિયામાં કોરોના વાઇરસની સામે રસી શોધવા માટે અનેક દેશોમાં વૈજ્ઞાનિકો વચ્ચે હોડ લાગેલી છે.

હિંદુસ્તાન ટાઇમ્સ અખબાર લખે છે કે ગુરૂવારે બ્રિટનના મીડિયા રિપોર્ટ પ્રમાણે ઑક્સફોર્ડ યુનિવર્સિટી ટ્રાયલમાં જાણવા મળ્યું કે રસીના પ્રોટોટાઇપ વડે વાઇરસ સામે રોગ પ્રતિકારકશક્તિ પેદા કરી શકાય છે.

જોકે, આના થોડાક કલાકો પછી બ્રિટનના રાષ્ટ્રીય સાયબર સિક્યૉરિટી કેન્દ્રે દાવો કર્યો કે એપીટી29 હૅકિંગ સમૂહ કોરોના વાઇરસની રસી પર કામ કરી રહેલી બ્રિટિશ લૅબ્સને નિશાન બનાવીને ઇન્ટેલેક્ચુઅલ પ્રૉપર્ટી ચોરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

એજન્સીનું કહેવું છે કે તેને લગભગ 95 ટકા ભરોસો છે કે એપીટી29 રશિયન ગુપ્તચર સેવાનો ભાગ છે અને 80-90 ટકા શક્યતા એવી છે કે કોવિડ-19 રસી અંગે રિસર્ચને મેળવવા માટે શોધકર્તાઓને નિશાન બનાવી રહી છે.

અમેરિકા, યુકે અને કૅનૅડાએ સંયુક્ત રીતે રશિયા પર આ આક્ષેપ મૂક્યો છે.

જ્યારે રશિયાએ આ આક્ષેપને નકારી કાઢ્યો હતો, ક્રેમલિનના પ્રવક્તા ડિમિત્રી પેસ્કૉવે કહ્યું, "રશિયાને આવા કોઈ પ્રયત્ન સાથે કોઈ લેવાદેવા નથી. "

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો