સુરતમાં 'વંદે માતરમ' ગાઈને ખોલવી પડશે દુકાન, ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ માટે નવી ગાઇડલાઇન - TOP NEWS

સુરતમાં 'વંદે માતરમ' ગાઈને ખોલવી પડશે દુકાન, ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ માટે નવી ગાઇડલાઇન

સુરત મહાનગર પાલિકા(SMC)એ ટેક્સ્ટાઇલ ટ્રેડર્સને દુકાન ખોલતી વખતે 'વંદે માતરમ' અને દુકાન બંધ કરતી વખતે રાષ્ટ્રગીત ગાવા કહ્યું છે.

શનિવારે કાપડમાર્કેટને ફરી ખોલવા માટેની ગાઇડલાઇન્સ જાહેર કરતાx મહાનગરપાલિકાના વહીવટી તંત્રે આ દિશાનિર્દેશ આપ્યાં છે.

'ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ' અખબારના અહેવાલ પ્રમાણે SMCના ટાઉનપ્લાનરની સહી સાથેની જાહેર થયેલી આ ગાઇડલાઇન્સમાં એમ પણ સૂચિત કરાયું છે કે કોવિડ-19 મહામારીને કાબૂ કરવાની કવાયતના ભાગરૂપે કર્મચારીઓ અને કામદારોએ 'હારશે કોરોના, જીતશે સુરત' અને 'એક લક્ષ્ય હમારા હૈ, કોરોના કો હરાના હૈ' જેવાં પ્રેરક સૂત્રો પણ રોજ ઉચ્ચારવાં.

ગાઇડલાઇન્સમાં કાપડના વેપારીઓને એક પ્રતિજ્ઞા લેવા પણ કહેવાયું છે.

જે પ્રમાણે , " હું મહામારીને અટકાવવા માટે સરકાર દ્વારા નક્કી કરાયેલાં તમામ દિશાનિર્દેશોનું પાલન કરીશ અને સુરક્ષાનાં તમામ પગલાં લઇશ તથા મહામારીને કાબૂમાં લેવામાં મારી ભૂમિકા અદા કરીશ."

LAC પરની સ્થિતિ મામલે વિદેશમંત્રીએ આપી પ્રતિક્રિયા

લદ્દાખમાં ચીન સાથેની લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલ(LAC) પર ચીનની સેના સાથે તણાવ ઘટાડવાનાં પગલાં બાબતે પ્રતિક્રિયા આપતાં વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે "આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને હાલ પ્રગતિમાં છે."

'ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ' અખબારના અહેવાલ અનુસાર શનિવારે વિદેશમંત્રી એસ. જયશંકર તરફથી આ પ્રતિક્રિયા આવી.

LAC પર પાછલા ચીન અને ભારતના બંને સેના તરફથી શરૂ થયેલી ડિસઍન્ગેજમૅન્ટની પ્રક્રિયા મામલે કેન્દ્રીય મંત્રી તરફથી આવેલું આ પહેલવહેલું નિવેદન છે.

ઇન્ડિયા ગ્લોબલ વીક વર્ચ્યુઅલ કૉન્ફરન્સમાં બોલતાં વિદેશમંત્રીએ કહ્યું, "અમે તણાવ ઘટાડવા બાબતે સંમત થયા હતા, કારણ કે બંને બાજુએ સૈનિકો એકબીજાની આમને-સામને હતા."

"આથી આ તણાવમાં ઘટાડાની પ્રક્રિયા છે, જે વિશે સંમતિ થઈ હતી. આ પ્રક્રિયા ઘણે અંશે પ્રગતિમાં છે. આથી આ ક્ષણે, હું એના વિશે વધારે ટિપ્પણી કરવાનું પસંદ નહીં કરું."

પોલીસ કૉન્સ્ટેબલ સુનીતા યાદવ સામે તપાસના આદેશ

સુરતમાં મહિલા લોકરક્ષક પોલીસ કૉન્સ્ટેબલની વાઇરલ ઑડિયો ક્લિપના વિવાદ મામલે શહેર પોલીસ કમિશનર આર. બી. બ્રહ્મભટ્ટે તપાસના આદેશ આપ્યા છે.

'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' અખબારના અહેવાલ પ્રમાણે આ મહિલા કૉન્સ્ટેબલ સુનીતા યાદવની એક ઑડિયો ક્લિપ વાઇરલ થઈ હતી, જેમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરતાં જણાય છે.

અહેવાલ અનુસાર ગુરુવારે રાત્રે 10.30 વાગ્યાની આસપાસ સુનીતા યાદવ વરાછાના મીની બજાર વિસ્તારના એક અંદરના રોડ પર ફરજ પર હતાં તે દરમિયાન રાજ્ય કક્ષાના આરોગ્યમંત્રી કિશોર ઉર્ફે કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણીના કેટલાક મિત્રોની મહિલા કૉન્સ્ટેબલ સાથે રકઝક થઈ હતી.

કિશોર કાનાણીના કહેવા મુજબ રકઝક બાદ તેમના પુત્રને મિત્રોએ મદદ માટે બોલાવતાં તે ત્યાં પહોંચ્યા હતા, ત્યારે મહિલા કૉન્સ્ટેબલે સૌ સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો.

કાનાણીએ માગ કરી કે પોલીસ મામલાની નિષ્પક્ષ તપાસ કરે અને કસૂરવારને સજા આપે.

તેમણે દાવો કર્યો કે તેમના પુત્રએ મહિલા માટે અપમાનજનક હોય એવો કોઈ શબ્દ નહોતો ઉચ્ચાર્યો છતા જો તે કસૂરવાર જણાય તો તેને પણ સજા કરવામાં આવે.

સુરતમાં આ મામલા બાદ મહિલા પોલીસ કૉન્સ્ટેબલની આ ઑડિયો ક્લિપ વાઇરલ થઈ હતી.

આસામમાં પૂરથી વિકટ સ્થિતિ, છ લાખથી વધુ લોકો પ્રભાવિત

છેલ્લા બે દિવસથી પડી ભારે વરસાદને કારણે આસામમાં પૂરની સ્થિતિ જોખમી બની ગઈ છે.

'ન્યૂ ઇન્ડિયન ઍક્સપ્રેસ'ની વેબસાઇટ અનુસાર છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે આસામમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આસામમાં પૂરને કારણે 42 લોકોનાં મૃત્યુ થયાંનું અહેવાલમાં નોંધ્યું છે.

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઑથોરિટી પ્રમાણે રાજ્યના 33માંથી 20 જિલ્લા પૂરગ્રસ્ત છે.

કુલ છ લાખથી વધુ લોકો પૂરને કારણે પ્રભાવિત થયા હોવાનું ડિઝાસ્ટર ઑથોરિટી જણાવે છે.

રાજ્યની બ્રહ્મપુત્રા સહિતની લગભગ બધી જ મોટી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. અનેક જિલ્લાઓમાં પૂરનાં પાણીએ રસ્તાઓ અને પુલોને નુકસાન પહોંચાડ્યું છે અને નદીકિનારાના

સુરક્ષા પાળાઓ તોડી પાણી અંદર ઘૂસી ગયાં છે.

પૂરને કારણે લગભગ 46,000 હૅક્ટરમાં ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે.

વહીવટી તંત્ર દ્વારા નવ જિલ્લામાં 92 રાહતશિબિરો બનાવાઈ છે, જેમાં 8,000થી વધુ લોકોને આશ્રય અપાઈ રહ્યો છે.

પરીક્ષા રદ કરનારાં રાજ્યો સામે UGC પગલાં લેશે - કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકાર અને UGCએ કહ્યું છે કે UGCએ જાહેર કરેલી પરીક્ષા સંબંધિત ગાઇડલાઇન્સ રાજ્યો માટે કાયદાકીય દૃષ્ટિએ બંધનકર્તા છે અને એનું પાલન થવું જ જોઈએ.

'ધ હિંદુ' અખબારના અહેવાલ પ્રમાણે દિલ્હીએ પણ કેટલાંક અન્ય રાજ્યોની જેમ યુનિવર્સિટીઓની અંતિમ વર્ષની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે, આ સાથે કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે.

અહેવાલ પ્રમાણે ઉચ્ચ શિક્ષણ સચિવ અમિત ખરેએ કહ્યું, "રાજ્યોને આ નિર્ણય લેવાની અનુમતિ નથી. UGC પાસે પગલાં લેવાનો અધિકાર છે."

તેમણે કહ્યું, "UGC ઍક્ટ પ્રમાણે રાજ્ય સરકાર આ નિર્ણય લઈ શકે નહીં."

"શાળાશિક્ષણ રાજ્યોની યાદીમાં આવે છે, એથી અલગ ઉચ્ચ શિક્ષણ કૉન્કરન્ટ લિસ્ટમાં આવે છે. UGC અને AICTEના દિશાનિર્દેશોનું પાલન થવું જોઈએ. કાયદામાં જોગવાઈ છે."

સોમવારે UGCએ નિર્ણય કર્યો હતો કે યુનિવર્સિટી અને કૉલેજોમાં અંતિમ વર્ષની પરીક્ષા સપ્ટેમ્બર અંત સુધીમાં લેવાવી જોઈએ.

દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર, ઓડિશા અને પશ્ચિમ બંગાળ, આ રાજ્યોએ કોવિડ-19 મહામારીની સ્થિતિને અનુલક્ષીને કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે તેઓ પરીક્ષાઓ લેવા ઇચ્છુક નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો