You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમિતાભની તબિયત સ્થિર, કોવિડ-19નાં હળવાં લક્ષણો- મુંબઈની નાણાવટી હૉસ્પિટલ
બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.
શનિવાર રાતે અમિતાભ અને અભિષેકનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. જે બાદ તેમને મુંબઈની નાણાવટી હૉસ્પિટલમાં સારવાર્થે ખસેડવામાં આવ્યા હતા.
અમિતાભ બચ્ચનની સ્થિતિ સ્થિર હોવાનું અને કોવિડ-19નાં હળવાં લક્ષણો હોવાનું મુંબઈની નાણાવટી સુપર સ્પેશિયાલિટી હૉસ્પિટલના પબ્લિક રિલેશન ઑફિસરે રવિવાર સવારે જણાવ્યું હતું.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર તેમણે કહ્યું કે અમિતાભને હાલ હૉસ્પિટલના આઇસોલેશન યુનિટમાં રાખવામાં આવ્યા છે.કેન્દ્રના સ્વાસ્થ્યમંત્રી ડૉ.હર્ષવર્ધને ટ્વીટ કરી બંનેના જલદી સ્વસ્થ થવાની શુભેચ્છા આપી હતી.
અમિતાભે પોતાના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પરથી માહિતી આપી હતી, "કોવિડ-19 માટેનો મારો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે. મને હૉસ્પિટલમાં દાખલ કરાવાયો છે. હૉસ્પિટલ આ અંગે તંત્રને જાણકારી આપી રહી છે."
"પરિવારના બીજા સભ્યો અને સ્ટાફનો પણ કોરોના ટેસ્ટ કરાયો છે, જેનાં પરિણામ આવવાના હજુ બાકી છે."
આ સાથે જ તેમણે કહ્યું, "જે ગત દસ દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ પણ કોરોના વાઇરસ અંગેની તપાસ કરાવી લે."
અમિતાભ બાદ અભિષેક બચ્ચને પણ ટ્વિટર પર આ અંગે જાણકારી આપી હતી. તેમણે પિતાપુત્રને કોરોના વાઇરસનાં હળવાં લક્ષણો હોવાનું જણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમિતાભ બચ્ચન છેલ્લે સૂજિત સરકારની કૉમેડી-ડ્રામા 'ગુલાબો-સિતાબો'માં આયુષમાન ખુરાના સાથે જોવા મળ્યા હતા.
આ ફિલ્મ સિનેમા હૉલમાં જ રિલીઝ થવાની હતી. જોકે, કોરોનાની મહામારીને લીધે એને ઍમાઝોન પ્રાઇમ વીડિયો પર રજૂ કરાઈ હતી.
અમિતાબ બચ્ચન 'કૌન બનેગા કરોડપતિ'ની બારમી સીઝનને પણ હોસ્ટ કરવાના છે. ગત મે મહિનામાં શોનું ઑડિશન પૂર્ણ કરાયું હતું.
જ્યારે અભિષેક બચ્ચન છેલ્લે ઍમાઝોન પ્રાઇમ પર 'બ્રિધ- ઇન્ટુ ધ શૅડો'માં જોવા મળ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો