હાર્દિક પટેલ : વીસનગરથી કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સુધીની સફર

હાર્દિક પટેલને ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. કૉંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે આ વાતની પુષ્ટિ કરી છે.

વેણુગોપાલ દ્વારા જણાવાયું છે કે કૉંગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધીએ હાર્દિક પટેલને તત્કાલ અસરથી ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે.

આ સાથે જ આણંદ જિલ્લામાં મહેન્દ્રસિંહ પરમારને, સુરત જિલ્લામાં આનંદ ચૌધરીને અને દેવભૂમિ દ્વારકામાં યાસીન ગજ્જનને જિલ્લાઅધ્યક્ષ બનાવાયા છે.

હાર્દિકને કાર્યકારી અધ્યક્ષ બનાવાયા બાદ ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે ટ્વીટ કરીને હાર્દિક સાથે મળીને મજબૂતીથી લડવાની વાત કરી હતી.

'ટીવી9 ગુજરાતી' સાથે વાત કરતાં હાર્દિકે ગુજરાતમાં બેરોજગારી, શિક્ષણ અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકારણ લાવવાના પ્રયાસો કરવાની વાત કરી હતી.

પોતાને સોંપાયેલી નવી જવાબદારીને ઇમાનદારીપૂર્વક નિભાવવાની વાત કરતાં તેમણે ખેડૂતો, યુવાનો અને બેરોજગારોને કૉંગ્રેસમાં જોડાવા માટે અપીલ પણ કરી હતી.

વીસનગરથી શરૂઆત

હાર્દિક પટેલ ઑગસ્ટ-2015ની વીસનગરમાંની તેમની સૌપ્રથમ રેલીથી માંડીને અત્યારે ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે એક મજબૂત રાજકીય નેતા તરીકે ઊભર્યા છે.

ગ્રૅજ્યુએટ હાર્દિક પટેલે 2015થી 2020 સુધીમાં તેમની લોકપ્રિયતામાં ઉતાર-ચઢાવ, ટોચના નેતાઓના આકર્ષણ, વિધાનસભાની ચૂંટણીમાં પ્રભાવશાળી કામગીરી, જેલ, તડીપારી એ બધું જોયું છે.

હાર્દિક પટેલ તેમની પાંચ વર્ષની ટૂંકી રાજકીય કારકિર્દીમાં નવ મહિના સુધી રાજદ્રોહના કેસમાં જેલમાં રહ્યા હતા. તડીપારીના આદેશને લીધે છ મહિના રાજસ્થાનમાં રહ્યા હતા. તેમની સામે રાજ્યભરમાં 56 એફઆઈઆર નોંધાઈ છે.

હાર્દિક પટેલના ટેકેદારો માને છે કે આનંદીબહેન પટેલને ગુજરાતનાં મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું અપાવવામાં હાર્દિક પટેલે મોટો ભાગ ભજવ્યો હતો.

પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના સ્થાપક અને સંયોજક રહેલા હાર્દિક પટેલને વીસનગરમાં 2015માં યોજાયેલી રેલીથી લોકપ્રિયતા મળવી શરૂ થઈ હતી.

એક સામાન્ય યુવાન સાથે એ રેલી બાદ લોકો સેલ્ફી ક્લિક કરતા થઈ ગયા હતા.

GMDC ગ્રાઉન્ડમાં અનામતની માગ

હાર્દિક પટેલના નજીકના સાથી મનોજ પનારાએ બીબીસી ગુજરાતીને કહ્યું હતું, "સારું જીવન જીવવા ઇચ્છતા, પણ યોગ્ય તકથી વંચિત રહેલા, ભણેલા પાટીદાર યુવાનોનો અવાજ હાર્દિક પટેલ શરૂઆતથી જ બન્યા હતા."

ઉત્તર ગુજરાતમાં સફળ જાહેર સભાઓએ હાર્દિકને અમદાવાદ આવવા પ્રેર્યા હતા અને તેમણે 2015ની 25 ઑગસ્ટે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં અનામતની માગણી સાથે જાહેર રેલી યોજી હતી. એ પછી હાર્દિકનું નામ દેશભરમાં જાણીતું થઈ ગયું હતું.

પનારાએ કહ્યું, "એ રેલીમાં હાર્દિકને સાંભળવા માટે સમગ્ર ગુજરાતના પાટીદારો મોટી સંખ્યામાં આવ્યા હતા."

અલબત, એ કાર્યક્રમ પછી ગુજરાતભરના પાટીદારો રસ્તા પર ઊતરી પડ્યા હતા અને પાટીદારોની વસતી ન હોય તેવા વિસ્તારોમાં થયેલાં તોફાનમાં 14 લોકો મૃત્યુ પામ્યા હતા.

આ પછી રાજ્ય સરકારે કાયદાકીય કાર્યવાહી કરી હતી અને હાર્દિક પટેલને રાજદ્રોહના આરોપસર સુરતના લાજપોર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

રાજકારણમાં જોડવાનો ઇન્કાર અને બાદમાં કૉંગ્રેસનો હાથ

તેમણે અવારનવાર જણાવ્યું હતું કે તેઓ રાજકીય નેતા નથી, પણ સમાજસેવક છે.

હાર્દિક પટેલે ઉપવાસ પહેલાં બીબીસી ગુજરાતી સાથેના ફેસબૂક લાઇવમાં જણાવ્યું હતું કે તેઓ રાજકારણમાં આવવા ઇચ્છતા નથી, પણ મહારાષ્ટ્રમાં બાળાસાહેબ ઠાકરેની માફક સરકારને રિમોટ કન્ટ્રોલથી ચલાવવા ઇચ્છે છે.

બીબીસી ગુજરાતીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં હાર્દિકે કહ્યું હતું, "હું રાજકારણમાં ક્યારેય જોડાવા ઇચ્છતો નથી, પરંતુ એક કિંગમેકરની ભૂમિકા ભજવવા ઇચ્છું છું."

જોકે, ગત વર્ષે માર્ચ 2019માં લોકસભાની ચૂંટણી પહેલાં ગાંધીનગર જિલ્લામાં એક રેલી દરમિયાન કૉંગ્રેસના પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં હાર્દિક કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો