ટિકટૉક પર પ્રતિબંધ : ભારતને કેટલો ફાયદો? ચીનને કેટલું નુકસાન?

ચીન સાથે સરહદ પર તણાવની વચ્ચે સોમવારે ભારત સરકારે 59 ઍપ્લિકેશનો બંધ કરવાની જાહેરાત કરી

આ ઍપ્લિકેશનોમાં લોકપ્રિય સોશિયલ પ્લૅટફૉર્મ ટિકટૉક અને વીચૅટ પણ સામેલ છે.

અલીબાબા ગ્રૂપ દ્વારા સંચાલિત યુસી બ્રાઉઝર, ફેશન-વેન્ડર શાઇન અને બાયડુ નકશા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઍપ્લિકેશનોનો ઉપયોગ મોબાઇલ અને પર્સનલ કમ્પ્યુટર પર થાય છે.

ભારત સરકારે આ નિર્ણયને કટોકટીનું અને રાષ્ટ્રીય સુરક્ષા માટેનું જરૂરી પગલું ગણાવ્યું છે. લદ્દાખની સીમામાં ભારત અને ચીનની સેના સામ-સામે છે.

15 જૂને બંને દેશોના સૈન્ય વચ્ચે થયેલી હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા.

ભારતના માહિતી અને પ્રસારણમંત્રી રવિશંકર પ્રસાદે ટ્વીટ કર્યું હતું કે 'ભારતની સુરક્ષા, સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે આ પ્રતિબંધ જરૂરી છે. દેશના નાગરિકોના ડેટા અને ગુપ્તતામાં કોઈ પણ પ્રકારનું અતિક્રમણ અમને મંજુર નથી.'

'જરૂરી પગલું'

માહિતી અને પ્રસારણમંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું, " અમને ઘણા સ્રોતોથી આ ઍપ્સ વિશે ફરિયાદો મળી હતી. ઍન્ડ્રોઇડ અને આઈઓએસ પર આ ઍપ્લિકેશનો લોકોના વ્યક્તિગત ડેટામાં પણ અતિક્રમણ કરી રહી હતી. આ પ્રતિબંધથી દેશના મોબાઇલ અને ઇન્ટરનેટ વપરાશકારો સુરક્ષિત રહેશે. ભારતની સુરક્ષા, અખંડિતતા અને સાર્વભૌમત્વ માટે આ જરૂરી છે.''

ભારત સરકારે પોતાના નિવેદનમાં ચીન અથવા ચાઇનીઝ કંપનીનું નામ લીધું નથી.

આ પ્રતિબંધ કેવી રીતે લાગુ થશે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ચીન તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

ચીનની સત્તાધારી સામ્યવાદી પાર્ટી દ્વારા સંચાલિત 'ગ્લોબલ ટાઇમ્સ'ના મુખ્ય સંપાદક હુ શીજિને ટ્વિટ કર્યું:

"જો ચીનના લોકો ભારતીય વસ્તુઓનો બહિષ્કાર કરવા માંગતા હોય તો તેઓ આવી કોઈ વસ્તુ શોધી શકશે નહીં. ભારતીય મિત્રો, તમારે રાષ્ટ્રવાદથી આગળ વિચારવાની જરૂર છે."

ભારતીય થિંક-ટૅન્ક ગૅટવે હાઉસના ડિરેક્ટર બ્લાઈઝ ફર્નાન્ડીઝે ભારત સરકારના નિર્ણય અંગે જાપાની સામયિક 'એશિયન નિક્કી રિવ્યૂ'ને જણાવ્યું છે કે આ પ્રતિબંધથી ટિકટૉકની મુખ્ય કંપની 'બાઈટડાન્સ' પ્રભાવિત થશે.

ફર્નાન્ડીઝ કહે છે, "અલીબાબા અને ટૅન્સેન્ટ ચીનના ડિજિટલ સિલ્ક રૂટનો એક ભાગ છે. પ્રતિબંધને કારણે આ ઍપ્લિકેશનોનું રેટિંગ નકારાત્મક રહેશે અને તેના પ્રમોટરો પણ પ્રભાવિત થશે. ટિકટૉક આઈપીઓ પણ લાવી રહી છે. ભારતમાં ટિકટૉકના વપરાશકારો 30% છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે તેઓ મંગળવારે સાંજે ચાર વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. ભારત ચીન સાથેના આર્થિક સંબંધોની સમીક્ષા કરી રહ્યું છે અને આ પ્રતિબંધને આ સમીક્ષા સાથે જોડવામાં આવી રહ્યો છે.

સરકારે દેશની સરકારી ટૅલિકૉમને ચાઇનીસ કંપની ખ્વાવેનાં ઉપકરણોનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે. એવી પણ શક્યતા છે કે ભારત દ્વારા ચીનથી આયાત કરેલા માલ પર ભારે કર નાખવામાં આવે.

ચીનની ઍપને કેટલું નુકસાન?

ભારત સરકારના આ નિર્ણય અંગે ટિકટૉકના પ્રવક્તાએ કહ્યું, "ભારત સરકારે 59 ઍપ્સ પરના પ્રતિબંધ અંગે વચગાળાનો આદેશ આપ્યો છે. ભારતમાં બાઇટડાન્સ ટીમના 2000 લોકો સરકારના નિયમો અનુસાર કામ કરી રહ્યા છે. અમને ગર્વ છે કે ભારતમાં અમારા લાખો યુઝર્સ છે."

ટિકટૉક પોતાના નિવેદનમાં કહે છે, "અમે ભારત સરકારના આદેશને સ્વીકારવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અમે સરકાર સમક્ષ પોતાની વાત રજૂ કરવાનો પ્રયાસ કરીશું. ટિકટૉક ભારતીય કાયદા અનુસાર ડેટાની ગુપ્તતા અને સુરક્ષાજરૂરિયાતોને અનુસરે છે. અમે ભારતીયોના ડેટા કોઈ પણ વિદેશી સરકાર સાથે શૅર કરતા નથી. ત્યાં સુધી કે ચીની સરકારને પણ આપતા નથી. અમે ગ્રાહકોની ગુપ્તતાનો ભારે આદર કરીએ છીએ. "

ટિકટૉક ઈન્ડિયાના વડા નિખિલ ગાંધીએ કહ્યું, "ટિકટૉકે ઇન્ટરનેટનું લોકશાહીકરણ કર્યું છે. તે 14 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. ભારતમાં લાખો યુઝરો છે. જે લોકોની પ્રતિભાની નોંધ નથી લેવાતી, તેમને ટિકટૉકે એક મંચ પૂરું પાડ્યું છે. ઘણા યુઝર એવા છે જેમણે માત્ર ટિકટૉક કારણે ઇન્ટરનેટનો ઉપયોગ વિશે જાણ્યું છે. "

ટિકટૉકએ કોરોના વાયરસ સામેની લડત માટે 'પીએમ કેર્સ ફંડ'માં 30 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

'ગ્લોબલ ટાઇમ્સ' ભારત સરકારના આ નિર્ણય પર લખે છે, "આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. ભારતીય સૈનિકો દ્વારા ચીનની સરહદ ઓળંગીને ગેરકાયદે પ્રવૃત્તિ કરવામાં આવી હતી અને ચીની સુરક્ષાદળો ઉપર ઉશ્કેરણીજનક હુમલો કર્યો. આના કારણે 15 જૂને ગલવાન ખીણમાં ચીન અને ભારતના સુરક્ષાદળો વચ્ચે જીવલેણ અથડામણ થઈ હતી."

અખબાર એમ પણ લખે છે, "એ બાદથી ભારતમાં એક મજબુત રાષ્ટ્રવાદ ઊભો થયો છે અને ચાઇનીઝ ઉત્પાદનોના બહિષ્કારની માગ કરવામાં આવી રહ્યી છે. ભારતીય નાગરિકો ચીનમાં બનેલાં ટીવી તોડી રહ્યા છે અને તેવી તસવીરો સોશિયલ મીડિયા ઉપર બહોળા પ્રમાણમાં શૅર કરાઈ રહી છે."

પ્રતિબંધિત ઍપ્લિકેશનોમાં ચીનમાં ટ્વિટર સમકક્ષ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ વીબોનો પણ સમાવેશ થાય છે. વીબોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વૅરિફાઇડ એકાઉન્ટ છે અને તેમના 240,000 ફૉલોવર્સ છે."

ભારત સરકારની પ્રેસ-રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ગૃહમંત્રાલયના વિભાગના 'ઇન્ડિયન સાયબર ક્રાઇમ કૉઑર્ડિનેશન સેન્ટર'એ "દુર્ભાવનાપૂર્ણ આ ઍપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી હતી."

'ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશન' કહે છે, "આ કલમ 69-A હેઠળ આપવામાં આવેલો કાયદાકીય આદેશ નથી. અમારો પહેલો પ્રશ્ન પારદર્શકતા અને ડિસ્ક્લૉઝર છે." કાર્યકરોના સંગઠને ટ્વીટ કર્યું છે કે આવા કિસ્સામાં સામૂહિક રીતે નિર્ણય લેવાની જગ્યાએ વ્યક્તિગત નિર્ણય લેવા દેવા જોઈએ.

તેમનું કહેવું છે કે ડેટાસુરક્ષા અને નાગરિકોની ગોપનીયતા અંગેની ચિંતાઓ વાજબી છે.

"આને નિયમનકારી પ્રક્રિયા હેઠળ સુધારી શકાય છે. તે વ્યક્તિગત સ્વતંત્રતા, નવીનતા અને સુરક્ષાહિતોને પણ સુનિશ્ચિત કરી શકે છે."

'સ્વાગત'

ઘણી ભારતીય કંપનીઓએ ભારત સરકારના નિર્ણયનું સ્વાગત કર્યો છે.

ટિકટૉકની પ્રતિસ્પર્ધી વિડિઓ ચૅટ ઍપ્લિકેશન 'રૉપોસો'ની માલિક કંપની 'ઇનમોબી'એ કહ્યું કે તેના પ્લૅટફૉર્મને આ પગલાથી નવું બજાર મળશે. આ સાથે જ ભારતીય સોશિયલ નેટવર્ક શૅરચૅટે પણ સરકારના આ પગલાને આવકાર્યું છે.

ટિકટૉકના હરીફ 'બોલો ઈન્ડિયા'એ કહ્યું કે તેના મોટા હરીફો પરના પ્રતિબંધથી તેને ફાયદો થશે.

એક નિવેદનમાં સહ-સ્થાપક અને સીઈઓ વરુણ સક્સેનાએ કહ્યું, "અમે સરકારની ચિંતાઓ સમજી શકીએ છે. અમે આ નિર્ણયને આવકારીએ છે. આ બોલો ઇન્ડિયા અને અન્ય ભારતીય ઍપ્લિકેશનો માટે એક તક છે કે તેઓ ભારતીય સંસ્કૃતિ અને ડેટાસુરક્ષાને પ્રાથમિકતા આપીને સારી સેવાઓ પુરી પાડે."

અવકાશ કોણ ભરશે?

વિશ્લેષકોનું કહેવું છે કે આ પગલાથી ચાઇનીઝ ઍપ્લિકેશનો ઉપર અસર થશે.

ભારતમાં ચાઇનીઝ રોકાણો પર નજર રાખનારા 'લિંક લીગલ'ના સહયોગી સંતોષ પાઈએ 'ઇકૉનૉમિક ટાઇમ્સ'ને જણાવ્યું હતું કે, "વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી આર્થિક દબાણ પડશે કારણ કે આ ઍપ્સ ભારતીય બજારો પર ઘણો આધાર રાખે છે. કાયદાકીય દૃષ્ટિકોણથી પણ તે એક મજબૂત પગલું છે કારણ કે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓને કોર્ટમાં પડકારવા મુશ્કેલ છે. "

તેઓ જણાવે છે કે હવે એ જોવાનું છે કે ભારતીય ઍપ્લિકેશનો આ અવકાશ ભરી શકે છે કે અમેરિકન ઍપ્સ માર્કેટ-શૅર પર કબજો કરી લે છે.

ભારતીય સોશિયલ ઍપ્સના રોકાણકારોનું કહેવું છે કે ચાઇનીઝ ઍપ્લિકેશનો પરના પ્રતિબંધને કારણે સ્પર્ધા ઓછી થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો