અનલૉક-2 : પહેલી જુલાઈથી શું ખુલ્લું રહેશે? શું રહેશે બંધ?

કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા કન્ટેઇન્મૅન્ટ ઝોન સિવાયના વિસ્તારો માટે અનલૉક-2 માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જે મંગળવાર મધરાત્રી બાદથી અમલમાં આવશે.

તા. 31મી જુલાઈ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.

અનલૉક-2ની મુખ્ય વાતો

મેટ્રો રેલ, સિનેમા હૉલ, સ્વિમિંગ પુલ, બાર, જિમ્નૅશિયમ, ઑડિટોરિયમ, સભાખંડ તથા સમાન પ્રકારનાં સ્થળો ઉપર નિષેધ ચાલુ રહેશે.

સામાજિક,રાજકીય, ખેલ, મનોરંજન,શૈક્ષણિક, સાંસ્કૃતિક તથા ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યાના એકઠા થવા ઉપરનો પ્રતિબંધ યથાવત્ રહેશે પરંતુ તેમાં સ્થિતિની સમીક્ષા કરીને જરૂર મુજબ ઢીલ આપવામાં આવશે.

નવી માર્ગદર્શિકમાં વધુ કેટલીક આર્થિક પ્રવૃત્તિઓને તબક્કાવાર ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મંત્રાલયનું કહેવું છે કે રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય મંત્રાલયો સાથે 'વ્યાપક મસલતો' અને ફિડબૅકના આધારે આ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે.

ટ્રેન તથા વિમાનવ્યવહારમાં તબક્કાવાર રીતે છૂટ આપવામાં આવશે.

નાઇટ કર્ફ્યુ રાત્રે નવ વાગ્યાના બદલે 10 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી અમલી રહેશે.

આ સાથે ઔદ્યોગિક વિસ્તારમાં ઉત્પાદનકાર્યમાં, મુસાફરની અવરજવર (બસ, રેલવે જે હવાઈમાર્ગે)માં છૂટ રહેશે.

કેન્દ્ર તથા રાજ્ય સરકારોને આધીન ટ્રેનિંગ સંસ્થાનો 15મી જૂલાઈ શરૂ થઈ શકશે. તેમને અનુસરવાની નિયમાવલી ડિપાર્ટમેન્ટ ઑફ પર્સોનલ ઍન્ડ ટ્રેનિંગ દ્વારા બહાર પાડવામાં આવશે.

ક્યા છૂટ અપાઈ?

કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકારે કન્ટેઇન્મૅન્ટ ઝોન જાહેર કરીને ત્યાં માત્ર આવશ્યક ચીજવસ્તુઓને જ છૂટ આપવાની રહેશે.

સ્થાનિક જિલ્લાતંત્ર દ્વારા આ વિશેનો નિર્ણય લેવામાં આવશે અને તેની માહિતી કેન્દ્રીય મંત્રાલયને આપવાની રહેશે. કન્ટેઇન્મૅન્ટ ઝોનને લગતા નિષેધાત્મક આદેશોને લાગુ કરાવવાની જવાબદારી રાજ્ય સરકારની રહેશે.

કન્ટેઇન્મૅન્ટ ઝોનમાં જરૂર પડ્યે વધુ કેટલાંક નિયંત્રણ લાદી શકે છે અથવા તો આવા ઝોનની બહાર અમુક પ્રવૃત્તિ કરવાની છૂટ આપી શકે છે.

આંતરરાજ્ય તથા દેશમાં જ વ્યક્તિ કે સામાનની હેરફેર ઉપર કોઈ નિયંત્રણ લાદી નહીં શકે. આ પ્રકારની અવરજવર માટે કોઈ પણ જાતની અલગ મંજૂરી કે ઈ-પરમીટની જરૂર નહીં રહે.

સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક સહિતના કોવિડ-19 સંબંધિત રાષ્ટ્રીય નિર્દેશો લાગુ રહેશે.

65 વર્ષથી મોટી ઉંમરના વૃદ્ધો, અન્ય બીમારી ધરાવનારી વ્યક્તિ, ગર્ભવતી મહિલા તથા 10 વર્ષથી નીચેનાં બાળકોને અનિવાર્ય ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે.

આ પહેલાં આઠમી જૂનથી કન્ટેઇન્મૅન્ટ ઝોનની બહાર સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજરને આધીન ધાર્મિક સ્થળો, શૉપિંગ મૉલ, રેસ્ટોરાં તથા હોટલ વગેરેને ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો