ભારત-ચીન સીમાવિવાદ : એલએસીની દેખરેખ ભારત કેવી રીતે કરે છે?

    • લેેખક, જુગલ પુરોહિત
    • પદ, બીબીસી ન્યૂઝ

સામાન્ય રીતે ભારતમાં લોકો એલઓસી એટલે કે લાઇન ઑફ કંટ્રોલ અંગે વધુ જાણે છે, તેનાં ઘણાં કારણો છે.

એલઓસી ભારત અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરને બે ભાગમાં વિભાજિત કરતી 740 કિલોમીટર લાંબી સીમારેખા છે. એલઓસી પર યુદ્ધ થયાં છે. ફિલ્મ અને ડૉક્યુમૅન્ટરી બની છે. આ સિવાય સીમા પર સમયાંતરે ગોળીબાર થતો રહે છે, આથી એ હંમેશાં સમાચારોમાં રહે છે.

પરંતુ આ વાતો એલએસી એટલે ભારત અને ચીનને અલગ કરતી લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર લાગુ થતી નથી.

એલએસી, એલઓસીની તુલનામાં પાંચ ગણી મોટી સીમારેખા છે. 3488 કિલોમીટર લાંબી આ સીમારેખા ચાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખથી પસાર થાય છે. તેમ છતાં તેના વિશે લોકોને બહુ જાણકારી નથી. જોકે વાસ્તવિકતા એ છે કે આ કોઈ સીમારેખા પણ નથી. હકીકતમાં આ વિસ્તારમાં ભારત અને ચીનની પોતપોતાની લાઇન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ છે.

આથી આ વિસ્તારમાં ભારત-ચીન વચ્ચે થયેલા વર્તમાન વિવાદે લોકોને ચોંકાવ્યા નથી.

એલએસી પર નાનાંમોટાં ઘર્ષણથી લઈને હિંસક ઘર્ષણ અને એટલે સુધી કે એક યુદ્ધ પણ થઈ ચૂક્યું છે.

આથી સવાલ એ છે કે ભારત એલએસીની દેખરેખ કેવી રીતે કરે છે.

કેવી રીતે થાય છે દેખરેખ?

ભારતના ગૃહમંત્રાલયે 2004થી એલએસીની દેખરેખની જવાબદારી ઇન્ડો તિબેટિયન બૉર્ડન ફોર્સ એટલે કે ભારત-તિબેટ સીમાસુરક્ષાબળ (આઈટીબીપી)ને સોંપી. આ અગાઉ આઈટીબીપીની મદદ આસામ રાઇફલ્સના જવાન પણ કરતા હતા. જોકે આઈટીબીપીની રચના ભારત-ચીનના યુદ્ધ દરમિયાન જ 24 ઑક્ટોબર, 1962માં થઈ હતી.

જયવીર ચૌધરી આઈટીબીપીના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી) પદેથી 2010માં નિવૃત્ત થયા છે.

37 વર્ષની સેવા દરમિયાન તેઓ એ બધાં રાજ્યોમાં તહેનાત હતા, જ્યાંથી એલએસી પસાર થાય છે.

એલએસી પર ભારતની દેખરેખવ્યવસ્થા અંગે પૂછતાં જયવીર ચૌધરીએ જણાવ્યું, "આપણે આઈટીબીપી તરીકે એક સુરક્ષાબળ ઊભું તો કર્યું, પરંતુ તેની જરૂરિયાતોને યોગ્ય રીતે પૂરી કરાઈ નથી. સીમાની દેખરેખ કરનારા સુરક્ષાબળ તરીકે જે અમને મળે છે અને જેની અમને જરૂર છે, એમાં મોટું અંતર છે."

જોકે હાલના સમયમાં એલએસીના વિસ્તારમાં ભારતે પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા પર ધ્યાન આપ્યું છે.

ભારત સરકારના ગૃહમંત્રાલયના 2018-19ના વાર્ષિક રિપોર્ટ (2019-20નો વાર્ષિક રિપોર્ટ ઉપલબ્ધ નથી) અનુસાર, ભારત-ચીનની સીમાની દેખરેખ માટે આઈટીબીપીની 32 બટાલિયન તહેનાત છે. પ્રત્યેક બટાલિયનમાં કમસે કમ એક હજાર જવાન મોજૂદ હશે.

એટલે કે પ્રત્યેક બટાલિયન પર 110 કિલોમીટરની સીમાસુરક્ષાની જવાબદારી છે. આ સીમા દુનિયાના સૌથી જોખમીભર્યા વિસ્તારમાં પસાર થાય છે, 9000 ફૂટથી લઈને 18750 ફૂટની ઊંચાઈ પર દુર્ગમ પર્વત અને જંગલોનો વિસ્તાર છે.

જયવીર ચૌધરી કહે છે, "મને ખબર છે કે સીમારેખા પર વધુ સુરક્ષાબળોને તહેનાત કરાયા છે, પરંતુ સીમા પર પ્રભાવી દેખરેખ કરવા માટે મોજૂદ સંખ્યાથી ત્રણ ગણા વધુ જવાનોની જરૂર છે."

ભારતના ગૃહમંત્રાલયના 2018-19ના રિપોર્ટ અનુસાર, 3488 કિલોમીટર લાંબી સીમા પર 178 બૉર્ડર પોસ્ટ છે, એટલે કે બે પોસ્ટ વચ્ચે 20 કિલોમીટરનું અંતર છે. વાસ્તવિક સ્તરે તેનું કેટલું મહત્ત્વ છે?

જયવીર ચૌધરી કહે છે, "શું મારે તેનો જવાબ આપવાની જરૂર છે? પર્વતીય વિસ્તારોમાં ઘણી વાર કોઈ પણ દિશામાં 100 મીટર સુધી જોઈ શકવું મુશ્કેલ હોય છે. ઉત્તર પૂર્વનાં જંગલોમાં ઘણી વાર બે ફૂટ આગળની ચીજ દેખાતી નથી. હકીકતમાં આપણે સાઇન્ટિફિટ અને સિસ્ટેમેટિક ઍપ્રોચની જરૂર છે અને હાલ તેની કમી છે."

પરંતુ આ મુદ્દાઓ પર સરકાર અને ગૃહમંત્રાલય કેવી રીતે અજાણ રહી શકે છે? આ અંગે ગૃહમંત્રાલયથી ઘણી વાર પૂછવા છતાં પણ અમને હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.

જયવીર ચૌધરીએ જણાવ્યું, "સરકાર આ ખામીઓ અંગે જાણે છે, પરંતુ ઘણી વાર બજેટ ઓછું હોવાનું કારણ જણાવવામાં આવે છે, તેનાથી વાત ત્યાં જ સમાપ્ત થઈ જાય છે. કેવી રીતે કામ થાય, તેનું એક ઉદાહરણ આપું છું. માનો કે તમને 10 વાહન અને તેના ઈંધણ માટે ફંડ મળ્યું. બાદમાં તમને પાંચ અન્ય વાહન માટે ફંડ આપવામાં આવે, પરંતુ આ ગાડીઓ માટે વધુ ઈંધણ ખરીદવાની મંજૂરી નથી મળતી. તમે જણાવો કે આ પાંચ વાહનોનું તમે શું કરશો?"

મેં જયવીર ચૌધરીનું ધ્યાન દોર્યું કે આઈટીબીપીનું બજેટ 2009-10માં 1134.05 કરોડ રૂપિયા હતું, જે 2018-19માં વધીને 6190.72 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.

આના પર જયવીર ચૌધરીએ કહ્યું, "પરંતુ આ દરમિયાન સુરક્ષાબળોની સંખ્યા પણ વધી છે. મેં તમને કાર અને ઈંધણનું ઉદાહરણ આપ્યું છે, તમે તેના પર વિચારો તો તમને તમારો જવાબ મળી જશે. સમસ્યા માત્ર બજેટની નથી, બજેટનો ઉપયોગ કેવી રીતે કરો છો, તેની સાથે પણ જોડાયેલી છે."

આ સિવાય જયવીર ચૌધરી અન્ય એક પાસા પર ધ્યાન આપે છે.

તેઓએ કહ્યું, "આઈટીબીપી ગૃહમંત્રાલયને રિપોર્ટ કરે છે. અમારી પાછળ સેના તહેનાત હોય છે, જેની સાથે આઈટીબીપી ઘણી વાર જૉઇન્ટ પેટ્રોલિંગનું કામ કરે છે. સેના રક્ષામંત્રાલયને રિપોર્ટ કરે છે. ગૃહમંત્રાલય પોતાના ચાર્ટર પ્રમાણે સીમાની દેખરેખ, આંતરિક સુરક્ષા અને અન્ય પાસાંઓ પર કામ કરે છે. એવામાં સીમાની દેખરેખ અને તેના મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે એક અલગથી મંત્રાલય કેમ ન હોવું જોઈએ? આવું થતાં મને વિશ્વાસ છે કે આપણો દૃષ્ટિકોણ વધુ કેન્દ્રીત અને સાઇન્ટિફિક હશે."

સેનાનો દૃષ્ટિકોણ

પૂર્વ નૉર્ધન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ડીએસ હુડા (નિવૃત્ત) જ્યારે જમ્મુ-કાશ્મીરસ્થિત ઉધમપુરના મુખ્યાલયમાં બેસતાં હતા ત્યારે તેઓને એલઓસી અને એલએસી, બંને પર કામ કરવાની તક મળી હતી.

તેમનું પણ માનવું છે કે એલએસી પર વધુ દેખરેખ રાખવાની જરૂર છે.

તેઓ સ્પષ્ટ કરતા એ પણ કહે છે, "હું આવું એટલા માટે નથી કહેતો કે ગલવાન ખીણમાં સીમા પર હિંસક ઘર્ષણ થયું છે."

ડીએસ હુડ્ડા હંમેશાં તકનીકમાં રોકાણ વધારવાની વાત કરે છે.

તેઓએ કહ્યું, "આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ એવી છે કે અહીં ગમે તેટલા સુરક્ષાબળોને તહેનાત કરાશે, તેઓ પૂરતા નહીં હોય."

તો મુશ્કેલી શું છે? શું ફંડની ખામી છે કે સમસ્યાને સમજવામાં મુશ્કેલી પડી રહી છે કે પછી એલએસીને એટલું પ્રાધાન્ય નથી મળતું, જેટલું મળવું જોઈએ?

આ પૂછતા લેફ્ટનન્ટ જનરલ હુડાએ જણાવ્યું, "સમસ્યાને લઈને સમજ પણ છે, સ્પષ્ટતા પણ છે, પરંતુ એ વિસ્તારમાં તમે જે કરી રહ્યા છો તેને સતત યથાવત્ રાખવો એક મોટો પડકાર છે. વિસ્તાર એવો છે જ્યાં તકનીકીને સરળતાથી સ્થાપિત કરી શકાય તેમ નથી."

ચીનની સેનાની તાકાત

ચીનની સેના અંગે પૂછતા જયવીર ચૌધરી કહે છે, "ચીનના સૈનિકો જ્યાં પણ હોય ત્યાં તેમની સાથે એક રાજકીય પ્રતિનિધિ તહેનાત હોય છે. સેનાએ એ પ્રતિનિધિના નિર્દેશો પ્રમાણે કામ કરવું પડે છે. એક રીતે જોઈએ તો આ તેમની નબળાઈ છે કે તેઓ ખુદ કોઈ નિર્ણય લઈ શકતા નથી."

જયવીર ચૌધરીએ ચીનની સેનાના મજબૂત પક્ષ અંગે વિસ્તારથી વાત કરી.

તેઓએ કહ્યું, "તેમની પાસે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે તેઓ આખી કમાન્ડને એક જગ્યાએથી બીજી જગ્યાએ માત્ર 12 કલાકમાં ટ્રેનલાઇનથી તહેનાત કરી શકે છે. આપણે એવું કરવા માટે હજારો વાહનોની જરૂર પડશે. તેઓએ તેમનાં ઉપકરણો વિકસિત કરી લીધાં છે, જરૂર પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કર્યું છે. તેમની સીમા પર એવા રસ્તા છે જ્યાં જેટ વિમાન ઊતરી શકે છે. તેમની ટ્રેન અને હવાઈપટ્ટી વર્ષો સુધી સેવામાં રહે છે. આપણે તેની સાથે તુલના ન કરી શકીએ. આપણું કામ આ તરફ વધ્યું છે, આપણે ઝડપથી કામ પણ કરી રહ્યા છીએ, પરંતુ હજુ ઘણુંબધું કરવાની જરૂર છે. વિસ્તારમાં અવરજવર કે ગતિવિધિઓ મામલે ચીનના મુકાબલે આપણે કમજોર છીએ."

જયવીર ચૌધરી આઈટીબીપી મુખ્યાલયના ડીઆઈજી ઇન્ચાર્જ સહિત આઈટીબીપી અકાદમીના નિદેશક પણ રહી ચૂક્યા છે.

તેઓએ જણાવ્યું, "જે ઉપલબ્ધ હોય એમાંથી સૌથી સારો વિકલ્પ પસંદ કરવાની આપણી ટેવ છે. પણ આ યોગ્ય દૃષ્ટિકોણ નથી. આપણે દરેક સુરક્ષાબળની સાથે રિસર્ચ ઍન્ડ ડેવલપમૅન્ટની ટીમ બનાવવી જોઈએ અને જરૂરિયાતોનું આકલન અને તેને પૂરા કરવા પર ભાર આપવો જોઈએ. આપણે આપણી વિચારસરણીમાં બદલાવ લાવવાની જરૂર છે."

આઈટીબીપી અને ભારતીય સેના કેવી રીતે એકસાથે કામ કરે છે, એ અંગે પૂછતા ચૌધરીએ જણાવ્યું, "વાસ્તવિક સ્તરે આપણો તાલમેલ ઘણો સારો છે. મારું માનવું છે કે સુરક્ષાબળો જેટલાં સ્વતંત્ર હશે, આપણો તાલમેલ એટલો જ સારો હશે. ઘણા સ્રોતથી માહિતી મળવાથી દેશને જ ફાયદો થાય છે."

જોકે સેનાના ઘણા અધિકારીઓનું માનવું છે કે એ વિસ્તારમાં આઈટીબીપી પર ઑપરેશનલ નિયંત્રણ સેનાનું હોવું જોઈએ. આ માગ કેટલી વાજબી છે?

આ અંગે પૂછતા જયવીર ચૌધરીએ કહ્યું, "હું તેની સાથે સહમત નથી. કોઈ એકને મહત્ત્વ આપવું યોગ્ય ન કહેવાય. દરેક સુરક્ષાબળની પોતાની ભૂમિકા છે. કોઈએ પણ મોટા ભાઈ જેવું વર્તન કરવાની જરૂર ન હોવી જોઈએ. જોકે આજે ભારતીય સેના સતત મોટા ભાઈ જેવું વર્તન કરવાની કોશિશ કરી રહી છે. તેમ છતાં આપણામાં સારો તાલમેલ છે. પણ આઈટીબીપીને કોઈ અન્ય સુરક્ષાબળના નિયંત્રણમાં લાવવું એ આપણો ઉદ્દેશ ન હોવો જોઈએ."

આ બાબતે રક્ષામંત્રાલયે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો