ભારત-ચીન સીમાવિવાદ : PM નરેન્દ્ર મોદીના નિવેદન અને સેટેલાઇટ તસવીરો પર ઉઠ્યાં સવાલો

વરિષ્ઠ કૉંગ્રેસ નેતા કપિલ સિબ્બલે રવિવારે ભારત-ચીન સીમાવિવાદ અંગેની સર્વપક્ષીય બેઠક પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા નિવેદન પર સવાલ ઉઠાવ્યો છે.

કપિલ સિબ્બલે સવાલ કર્યો કે, ''વડા પ્રધાને કોઈ પણ ચીની સૈનિક ભારતની સીમામાં નથી આવ્યો એવું કેમ કહ્યું અને એ પછી પીએમના અધિકૃત નિવેદનમાંથી એ શબ્દોને કેમ હઠાવવામાં કેમ આવ્યા? જો ભારતીય સીમામાં કોઈએ પ્રવેશ નથી કર્યો તો 20 સૈનિકોનાં મૃત્યુ કેવી રીતે થયાં? અને 85 સૈનિકો ઘાયલ કેવી રીતે થયાં? ચીની સૈનિકોએ આપણા 10 સૈનિકો અને અધિકારીઓને પકડી કેમ લીધાં?''

શુક્રવારે 19 જૂને સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાને કહ્યું હતું કે, ''ન તો કોઈએ આપણા વિસ્તારમાં ઘૂસણખોરી કરી છે કે ન તો કોઈ પોસ્ટ પર કબજો કર્યો છે.'' એમણે એમ પણ કહ્યું હતું કે ''ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે થયેલી હિંસામાં દેશના 20 જવાન શહીદ થયા છે.''

પીએમ મોદીએ કહ્યું હતું કે, નભારતે કૂટનીતિને રસ્તે ચીનની સરકાર સામે વાંધો ઉઠાવ્યો છે અને તેના પછી દેશની સેનાને સીમાની રક્ષા માટે જરૂરી પગલાં ઉઠાવવા માટે નિર્ણય લેવાની છૂટ પણ આપી છે.''

જોકે, આ બાદ શનિવારે વડા પ્રધાનના કાર્યાલયે એમના નિવેદન પર સ્પષ્ટીકરણ આપ્યું અને કહ્યું કે ''ચીનના સૈનિકો ગલવાન ઘાટીમાં નિર્માણકાર્ય કરી રહ્યાં હતા અને એમણે એને રોકવાનો ઇન્કાર કર્યો એટલે ત્યાં હિંસા થઈ.''

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક વીડિયો ટ્વીટ કરીને કહ્યું કે ''ભારત અને ચીન વચ્ચે લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલમાં પૈગોંગ ઝીલ પાસે ભારતની સીમાની અંદર ચીની સૈનિકો છે અને સેટેલાઇટ ફોટોમાં એ સાફ દેખાય છે.''

આ વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે ગલવાન ઘાટીમાં સીમાની સામે તરફ ચીની સૈનિકોએ મોટું નિર્માણકાર્ય કર્યુ છે એ સેટેલાઇટ તસવીરોમાં સાફ દેખાય છે. પૈગોંગમાં આઠ કિલોમિટર લાંબા વિસ્તાર પર ચીની સૈનિકોએ કબજો કરી રાખ્યો છે જેને ભારત પોતાનો વિસ્તાર માને છે.

કૉંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ પણ સવાલ કર્યો છે કે ''વડા પ્રધાનનું નિવેદન આવ્યું કે આપણા ભૂભાગમાં કોઈ ઘૂસણખોરી નથી. આના બે કલાક પછી ચીનનું નિવેદન આવ્યું કે ગલવાન ઘાટી એમની છે. વડા પ્રધાન અને ચીન બેઉ એક ભાષા કેવી રીતે બોલી રહ્યાં છે?''

ભાજપનો જવાબ

જોકે, રાહુલ ગાંધી અને કૉંગ્રેસના આરોપ પર ભાજપ પણ ચૂપ નથી. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું કે, ''વિદેશી બાબતોની સલાહકાર સમિતિમાં મારી સાથે રાહુલ ગાંધી અને શશિ થરૂર પણ સામેલ છે પરંતુ તેઓ ચીનના જૂઠને ફેલાવી રહ્યાં છે અને સીમાવિવાદ પર પ્રોપેગેન્ડા ચલાવી રહ્યાં છે.''

ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ ઇન્ડિયા ટુડેનો એક લેખ ટ્વીટ કર્યો છે અને કહ્યું કે ''ચીનની સેના સાથે ત્રણ વાર ઝડપ થઈ હતી. પહેલી ઝડપ પછી ભારતીય સૈનિકોએ કેટલાક ચીની સૈનિકોને અટકાયત કરી હતી. ત્રીજી વાર લડાઈ માટે ભારતીય સૈનિકોએ લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલ પાર કરી ચીની ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.''

જોકે, અમિત માલવીયનું આ ટ્વીટ ન તો શનિવારે ભારતના વિદેશ મંત્રાલયે આપેલા નિવેદન સાથે મેળ ખાય છે ન તો એમના પોતાના 17 જૂનના ટ્વીટ સાથે.

રવિવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવનું એક નિવેદન આવ્યું હતું. એમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય સેનાએ કદી લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલનું ઉલ્લઘંન નથી કર્યું.

નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ''ગલવાન ઘાટી સમેત ભારત-ચીનની લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલ સાથે જોડાયેલા તમામ વિસ્તારની ભારતીય સેનાને પૂર્ણ સમજ છે અને તે એનું પૂર્ણ સન્માન કરે છે. ભારતીય સેનાએ કદી લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલના ઉલ્લંઘનની કોશિશ નથી કરી.''

એમનું કહેવું હતું કે, ભારત લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલની સ્થિતિમાં એકતરફી બદલાવ કરવાનો આરોપ સહેજપણ નહીં સ્વીકારે. ભારતે કાયમ યથાસ્થિતિ જાળવી રાખવાની કોશિશ કરી છે.

17 જૂને અમિત માલવીયએ એક વીડિયો ટ્વીટ કરીને લખ્યું હતું કે ''ભારતની સીમામાં કોઈ ચીની સૈનિક નથી આવ્યા. એમાં સેટેલાઇટ તસવીરો દ્વારા સ્થિતિ સમજાવવાની કોશિશ થઈ હતી. એ ટેલિવિઝનનો એક વીડિયો રવિવારે રાહુલ ગાંધીએ રિટ્વીટ કર્યો છે.

15-16 જૂનના રોડ ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભારતના કમાન્ડિંગ ઑફિસર સહિત 20 સૈનિકો માર્યા ગયા હતા. ચીનના સૈનિકોને પણ નુકસાન થયું હોવાની વાતો આવી હતી પરંતુ ચીને કોઈ અધિકૃત પુષ્ટિ કરી નથી.

જે સ્થળે આ હિંસક અથડામણ થઈ તે સ્થળ ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા યાને કે લાઇન ઑફ ઍક્ચ્યુઅલ કંટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે. આ લાઇનની આસપાસ બેઉ દેશોની સેનાઓ દ્વારા થઈ રહેલા નિર્માણકાર્યને લઈને બેઉ દેશો વચ્ચે તણાવ છે.

કૉંગ્રેસે કહ્યું, વડા પ્રધાન અને ચીનની ભાષા એકસરખી કેવી રીતે હોય તો ભાજપનું કહેવું છે કે કૉંગ્રેસ પ્રૉપેગૅન્ડા ચલાવે છે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો