Solar Eclipse : સૂર્યગ્રહણ ભારતમાં ક્યાં અને કેવું દેખાશે?

રવિવારે એ એટલે કે 21 જૂને સૂર્યગ્રહણ દેખાશે. દેશના કેટલાક ભાગોમાં આ સૂર્યગ્રહણ જોવા મળશે, જ્યાં ખગોળ વિજ્ઞાનમાં રસ ધરાવતા લોકો 'રિંગ ઑફ ફાયર'ને જોઈ શકશે.

જોકે, દેશના મોટાભાગના વિસ્તારોમાં સૂર્યગ્રહણ આંશિક રીતે દેખાશે.

ક્યારે દેખાશે સૂર્યગ્રહણ?

સમાચાર એજન્સી પીટીઆઈએ કોલકાતા સ્થિત એમપી બિરલા તારામંડણના નિદેશક દેબી પ્રસાદ દ્વારીને ટાંકતા કહ્યું છે કે, સૂર્યગ્રહણની શરૂઆત રાજસ્થાનના ઘરસાણામાં સવારે 10 વાગ્યાને 12 મિનિટે થશે અને 11 વાગ્યાને 49 મિનિટ સુધી તે દેખાશે. 11 વાગ્યાને 50 મિનિટે સૂર્યગ્રહણ સમાપ્ત થઈ જશે.

રાજસ્થાનના સૂરતગઢ અને અનૂપગઢ હરિયાણાના સિરસા, રતિયા અને કુરુક્ષેત્ર, ઉત્તરાખંડના દેહરાદૂન, ચંબા અને જોશીમઠ જેવી જગ્યાએ એક મિનિટ માટે આગનો ગોળાકાર નજારો દેખાશે.

જોકે આ વખતે આ આગનો ગોળાકાર નજારો ગત વર્ષે 26 ડિસેમ્બરની જેવો નહીં જોવા મળે. દેબી પ્રસાદ દ્વારીએ કહ્યું કે આ વખતે 'રિંગ ઑફ ફાયર' થોડી સાંકડી દેખાશે.

તેમણે કહ્યું કે, "ગોળાકાર સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી સીધી રેખામાં આવે છે."

આ ખગોળીય ઘટના સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્રના આવવાને કારણે બને છે અને તેના કારણે થોડાક સમય માટે કેટલીક જગ્યાઓ પર અંધારું છવાઈ જાય છે.

રવિવારનું સૂર્યગ્રહણ એટલે પણ ખાસ છે કારણકે આ દરમિયાન સૂર્ય 'રિંગ ઑફ ફાયર'ની જેમ દેખાશે.

દુનિયામાં સૌથી પહેલા ક્યાં દેખાશે સૂર્યગ્રહણ?

દેશના મોટાભાગના વિસ્તારોમાં લોકો આંશિક સૂર્યગ્રહણ જ જોઈ શકશે. કોલકાતામાં આંશિક સૂર્યગ્રહણની શરૂઆત સવારે 10:46 વાગ્યાથી થશે અને આ 2:17 વાગ્યા સુધી રહેશે.

દિલ્હીમાં આની શરૂઆત સવારે 10:20 વાગ્યે થશે અને આ 10:20 વાગ્યે ખતમ થઈ જશે. મુંબઈમાં સવારે દસ વાગ્યાથી બપોરે 1:27 વાગ્યા સુધી રહેશે. ચેન્નઈમાં 10:22 વાગ્યાથી 1:41 વાગ્યા સુધી દેખાશે.

આફ્રિકામાં કોંગોના લોકો દુનિયામાં સૌપ્રથમ ગોળાકાર સૂર્યગ્રહણ નિહાળી શકશે અને ભારતના રાજસ્થાન સુધી પહોંચતા પહેલાં દક્ષિણી સૂડાન, ઇથોપિયા, યમન, ઓમાન, સાઊદી અરેબિયા, હિંદ મહાસાગર અને પાકિસ્તાનમાં જોવા મળશે.

ભારત પછી તિબેટ, ચીન અને તાઇવાનના લોકો આને જોઈ શકશે. પ્રશાંત મહાસાગર વચ્ચે પહોંચીને આ સમાપ્ત થઈ જશે.

ગ્રહણને લઈને આજે પણ અંધવિશ્વાસ

દુનિયામાં એવા લોકો પણ છે જેમના માટે ગ્રહણ ખતરાનું પ્રતીક છે જેમકે દુનિયાના ખતમ થવાની કે પછી ભયંકર ઘટનાઓની ચેતવણી.

હિંદુ મિથકોમાં આને અમૃતમંથન અને રાહુ-કેતુ નામક દૈત્યોની કહાણી સાથે સાંકળી દેવામાં આવ્યું છે અને આનાથી જોડાયેલા અંધવિશ્વાસ પ્રચલિત છે.

ગ્રહણ હંમેશાથી મનુષ્યને જેટલી નવાઈ પમાડે એટલું ડરાવતું પણ રહ્યું છે.

જ્યાર સુધી મનુષ્યને ગ્રહણના કારણોની માહિતી નહોતી, તેણે સૂર્યને ઘેરતી આ અંધારી છાયાને લઈને કેટલીક કલ્પનાઓ કરી અને કેટલીય કહાણીઓ રચી.

17મી સદીના યુનાની કવિ આર્કિલકસે કહ્યું હતું કે બપોરના સમયમાં અંધારું છવાઈ ગયું અને આ ઘટના બની ત્યાર પછી તેમને બીજી કોઈ પણ વાતને જોઈને અચરજ નહીં થાય.

મજાની વાત એ છે કે હવે જ્યારે આપણે ગ્રહણના વૈજ્ઞાનિક કારણો જાણીએ છીએ તો પણ તેનાથી જોડાયેલી કહાણીઓ અને તેની સાથે જોડાયેલી માન્યતાઓ પર વિશ્વાસ જેમનો તેમ છે.

કૅલિફૉર્નિયાની ગ્રિફિથ સેન્ટરના નિદેશક ઍડવિન ક્રપ કહે છે, ''17મી સદીના અંતિમ વર્ષો સુધી મોટાભાગના લોકોને ખબર નહોતી કે ગ્રહણ કેવી રીતે થાય છે અથવા તારા તૂટે છે. જોકે આઠમી સદીથી જ ખગોળશાસ્ત્રીઓને તેના વૈજ્ઞાનિક કારણનો જાણકારી હતી.''

ક્રપ પ્રમાણે, "ઓછી જાણકારી હોવાનું કારણ હું સંચાર અને શિક્ષાની કમી માનું છું. માહિતીનો પ્રસાર મુશ્કેલ હતો જેને કારણે અંધવિશ્વાસ આગળ વધ્યો."

તેઓ કહે છે, ''પ્રાચીન સમયમાં મનુષ્યની દિનચર્યા કુદરતના નિયમોના હિસાબથી સંચાલિત થતી હતી. આ નિયમોમાં કોઈ પણ ફેરફાર મનુષ્યને બેચૈન કરી દેતો હતો.''

ગ્રહણના વિષયમાં વિભિન્ન સભ્યતાઓની માન્યતાઓ

પ્રકાશ અને જીવનના સ્રોત એવા સૂર્યનું છુપાઈ જવું લોકો માટે બિહામણું હતું અને એટલે તેનાંથી જોડાયેલી કેટલીય કહાણીઓ પ્રચલિત થઈ. સૌથી વ્યાપક રૂપક હતું સૂર્યનો ગ્રાસ કરી જનાર દાનવનું.

એક તરફ પશ્ચિમી એશિયામાં માન્યતા હતી કે ગ્રહણ દરમિયાન ડ્રૅગન સૂર્યને ગળી જવાનો પ્રયત્ન કરે છે અને એટલે ત્યાં ડ્રૅગનને ભગાડવા માટે ઢોલ-નગારાં વગાડવામાં આવતા.

ચીનમાં માન્યતા હતી કે સૂર્યને ગળવાનો પ્રયત્ન કરનાર ખરેખર સ્વર્ગનો એક શ્વાન છે. પેરુના લોકો માનતા હતા કે આ વિશાળ પ્યૂમા હતું અને વાઇકિંગ માનતા હતા કે ગ્રહણના સમયે આસમાની વરૂઓની જોડી સૂર્ય પર હુમલો કરે છે.

ખગોળશાસ્ત્રી અને વેસ્ટર્ન કેપ વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર જરીટા હૉલબ્રુક કહે છે, ''ગ્રહણ વિશે વિભિન્ન સભ્યતાઓની માન્યતાઓ એ વાત પર નિર્ભર કરે છે કે ત્યાં પ્રકૃતિ કેટલી હદે ઉદાર છે. જ્યાં જીવન મુશ્કેલ છે, ત્યાં દેવીદેવતાઓ પણ ક્રૂર અને બિહામણા હોવાની કલ્પના કરવામાં આવી છે એટલે ગ્રહણથી જોડાયેલી કહાણીઓ પણ બિહામણી હોય છે. જ્યાં જીવન સરળ હોય છે, ભરપૂર ભોજન પાણી હોય છે ત્યાં ઈશ્વર અને પરાશક્તિઓ સાથે મનુષ્યનો સંબંધ અતિપ્રેમપૂર્ણ હોય છે અને તેમના મિથક પણ એવાં જ હોય છે. ''

મધ્યકાલીન યુરોપમાં પ્લેગ અને યુદ્ધોથી જનતા ત્રસ્ત રહેતી હતી, એવામાં સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ તેમને બાઇબલમાં પ્રલયના વર્ણનની યાદ અપાવતું હતું. પ્રોફેસર ક્રિસ ફ્રેન્ચ કહે છે, લોકો ગ્રહણને પ્રલય સાથે કેમ જોડે છે, આ સમજવું મુશ્કેલ નથી.

બાઇબલમાં ઉલ્લેખ છે કે કયામતના દિવસે સૂર્ય બિલ્કુલ કાળો થઈ જશે અને ચંદ્ર લાલ રંગોનો.

સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણમાં ક્રમશ: આવું જ થાય છે. પછી લોકોનાં જીવ પણ નાનાં હોય છે અને તેમનાં જીવનમાં આવી ખગોળીય ઘટના એકાદ વાર જ બને છે એટલે પણ તે ડરામણી લાગી શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો