You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તીડનું આક્રમણ : પાકિસ્તાનથી આવેલું તીડનું ઝુંડ ભારત માટે કેટલો મોટો ભય?
પાકિસ્તાનથી આવેલાં તીડના વિશાળ ઝુંડ પશ્વિમ અને મધ્ય ભારતમાં પાકનો નાશ કરી રહ્યાં છે.
નિષ્ણાતોનું માનવું છે કે ગત ત્રણ દાયકાઓમાં તીડનો આ સૌથી મોટો હુમલો છે.
ડ્રૉન, ટ્રેક્ટર અને ગાડીઓની મદદથી તીડના આ ઝુંડને શોધવામાં આવી રહ્યા છે અને કીટનાશકનો છંટકાવ કરીને તેને ભગાડવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
જોકે તીડનું આ દળ હાલ સુધી 50 હજાર હેક્ટરમાં ફેલાયેલાં પાક અને જમીનને બરબાદ કરી ચૂક્યું છે.
સરકારી સંસ્થા તીડ વૉર્નિંગ ઑર્ગેનાઇઝેશનના ડિરેક્ટર એલ ગુર્જરે ન્યૂઝ એજન્સી એએફપીને કહ્યું, "પ્રત્યેક વર્ગ કિલોમિટરના વિસ્તારમાં ફેલાયેલા આઠથી દસ તીડના ઝુંડ રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાંક વિસ્તારોમાં હાલ પણ સક્રિય છે."
તીડના હુમલાઓએ બંને રાજ્યોમાં મોસમી પાકને ભારે નુકશાન થયું છે. આજ પ્રમાણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક ગામમાં પણ નુકશાન થયું છે.
તીડનો આ હુમલો એવા સમયે થયો છે જ્યારે દેશ પહેલાથી જ કોરોના વાઇરસની મહામારીના ઝપેટમાં છે.
તીડના ઝુંડે રાજસ્થાનમાં આકરી તબાહી મચાવી હતી. ડેપ્યુટી ડિરેક્ટર ગુર્જર પ્રમાણે, "તીડના કેટલાક નાના ઝુંડ ભારતના બીજા રાજ્યોમાં પણ સક્રિય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઑર્ગેનાઇઝેશન પ્રમાણે અંદાજે ચાર કરોડની સંખ્યા ધરાવતું તીડનું એક ઝુંડ 35 હજાર લોકો માટે પર્યાપ્ત ખોરાકને પૂર્ણ કરી શકે છે.
રાજસ્થાનની રાજધાની જયપુરના રહેણાંક વિસ્તારમાં તીડનું ઝુંડ જોવા મળ્યું છે.
તીડને ભગાડવા માટે લોકોએ વિવિધ પ્રકારના રસ્તાઓ અપનાવ્યા. કેટલાકે કીટનાશકનો છંટકાવ કર્યો તો કેટલાક વાસણ ખખડાવ્યા હતા.
નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે જૂનમાં સ્થિતિ ગંભીર થઈ શકે છે.
સંયુક્ત રાષ્ટ્રના કહેવા પ્રમાણે, ભારે વરસાદ અને ચક્રવાતે ગત વર્ષે શરૂઆતમાં તીડના પ્રજનનમાં થયો વધારો અને આ જ કારણે અરબ સાગરમાં તીડની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો છે.
ભારતે 1993 પછી આટલો મોટો તીડનો હુમલો નથી જોયો.
પાકિસ્તાન સરહદને અડીને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં દર વર્ષે તીડના હુમલાથી પાકને નુકસાન થાય છે.
પરંતુ આ વખતે રાજસ્થાનની સરહદથી ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સુધી તીડ પહોંચી ગયા છે જે એક દુર્લભ વાત છે.
તીડ ચેતવણી કેન્દ્રનું કહેવું છે કે હવાની ગતિ અને દિશાના કારણે દક્ષિણ-પશ્વિમમાં તીડનો ભય વધી રહ્યો છે.
એક તીડમાંથી કેવી રીતે ફેલાય છે મહામારી?
કંસારી જેવું લાગતું આ રણપ્રદેશનું તીડ સામાન્ય રીતે ચુપચાપ એક જગ્યાએ એકલું જીવ્યા કરે છે. ઈંડાંમાંથી બહાર આવે ત્યારે શરૂઆતમાં પગથી ચાલતું રહે અને પછી પુખ્ત થાય ત્યારે તેને પાંખો આવે. આમ સરળ અને ધ્યાન ન ખેંચે એવું એનું જીવનચક્ર છે.
રણપ્રદેશનું તીડ જેકિલ અને હાઇડની જેમ નવું રૂપ ધારણ કરે છે. તેનું ટોળું બને અને રણમાં આછીપાતળી વનસ્પતિ માંડમાંડ ઊગી હોય તેના પર એકસામટાં તૂટી પડે ત્યારે નાનકડું તીડ એક મહાકાય માયાવી વિનાશકારી સ્વરૂપ ધારણ કરે છે.
સામૂહિક જીવન શરૂ કર્યા પછી તીડનો રંગ અને આકાર બદલાય છે અને તેનું ટોળું આક્રમક છે.
આ ટોળું કંઈ નાનુંસૂનું હોતું નથી. કેટલીક વાર એક ટોળાંમાં 10 અબજ તીડ હોય છે અને એકસો કિલોમિટરથી પણ લાંબું ટોળું ફેલાયેલું હોય તેવું બની શકે છે.
તીડનું ટોળું એક જ દિવસમાં 200 કિમી સુધી દૂર ઊડીને જઈ શકે છે. પોષણ મેળવીને ઈંડાં મૂકવાં માટેની તીડની જિજીવિષાને કારણે ગ્રામીણ વિસ્તારમાં પાકનો સોથ વળી જાય છે.
અઢી હજાર માણસોને આખું વર્ષ ચાલે તેટલું અનાજ તીડનું એક ટોળું થોડી વારમાં ખતમ કરી નાખે છે, એમ સંયુક્ત રાષ્ટ્રસંઘનું ફૂડ ઍન્ડ એગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન (FAO) જણાવે છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના જણાવ્યા અનુસાર છેલ્લે 2003-05માં પશ્ચિમ આફ્રિકામાં તીડનું આક્રમણ થયેલું ત્યારે ઊભા પાકને 2.5 અબજ ડૉલરનું નુકસાન થયું હતું.
1930, 1940 અને 1950ના દાયકામાં પણ તીડે તબાહી મચાવી હતી. તે વખતે કેટલાંક વર્ષે તીડનાં ઝુંડ દેશમાં ફરી વળ્યાં હતાં અને તેની સંખ્યા એટલી બધી હતી કે તેને 'પ્લેગ' ગણાવવો પડે.
FAOના અંદાજ અનુસાર રણપ્રદેશનાં તીડનાં ટોળાંને કારણે પૃથ્વી પરના દર 10માંથી એક માણસનું અનાજ ઓછું થાય છે. તેના કારણે તીડનાં ટોળાં વિશ્વના ઇતિહાસના સૌથી ઘાતક પ્રવાસી જંતુઓ ગણાય છે.
એક તીડ કેટલું ખાઈ શકે?
એક વયસ્ક તીડ દરરોજ પોતાના વજન જેટલો એટલે કે ગલભગ બે ગ્રામ આહાર ખાય છે. Source: ખાદ્ય અને કૃષિ સંગઠન (સંયુક્ત રાષ્ટ્ર)
તીડનાં ટોળાં ફરી વળ્યાં છે તે પ્રદેશની સરકારોને ચિંતા પેઠી છે કે પાકનો ઉતારો બહુ ઘટી જશે અને અનાજની અછત વધશે. આ વિસ્તારોમાં આમ પણ પૂર અને દુકાળને કારણે ખરાબ સ્થિતિ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના જણાવ્યા અનુસાર આ દેશોની 2 કરોડની જનતા માટે અનાજની તંગી ઊભી થઈ શકે છે.
FAOના તીડના આક્રમણના ફોરકાસ્ટિંગ ઑફિસર કિથ ક્રેસમેન કહે છે, "અમને સૌથી વધુ ચિંતા કેન્યા અને ઇથિયોપિયાની છે, કેમ કે સૌથી મોટાં તીડનાં ટોળાં આ દેશોમાં ફરી રહ્યાં છે."
તીડનાં ટોળાંને કેવી રીતે કાબૂમાં લેવાં?
બાયૉલૉજિકલ જંતુનાશકો, કુદરતી રીતે તીડનો શિકાર કરનારાં પક્ષીઓને છોડવાં જેવા પ્રયોગો પણ થતા રહે છે, પરંતુ મોટા કદનાં તીડનાં ટોળાં સામે જંતુનાશકનો છંટકાવ કરીને કાબૂમાં લેવાનો પ્રયાસ જ વધારે કરવો પડે છે.
હેન્ડપંપ, વાહનો કે પછી વિમાનથી જંતુનાશકોનો છંટકાવ કરવો પડે. જંતુનાશકો વડે જ તીડનો નાશ ઝડપથી થઈ શકે છે.
ક્રેસમેન કહે છે, "કેન્યા અને ઇથિયોપિયામાં- ખાસ કરીને સોમાલિયામાં આકાશમાંથી તીડનાં ટોળાંને કાબૂમાં લેવા પ્રયાસો કરવા જરૂરી બન્યા છે. જોકે સુરક્ષાની ચિંતાને કારણે હવાઈ રીતે પ્રયાસો મુશ્કેલ બન્યા છે."
"તીડ પુખ્ત બની ગયાં છે અને ઊડી રહ્યાં છે એટલે તેમના પર હવે ઉપરથી વિમાનથી જ વાર કરવો જરૂરી છે. તેનાથી સંખ્યા ઘટે અને ઓછાં ઈંડાં મૂકે."
છેલ્લા કેટલાક દાયકાથી તીડનું આક્રમણ ના જોયું તેવા પ્રદેશોમાં આ કામ મુશ્કેલ બની રહ્યું છે. તીડનો સામનો કરવાની વ્યવસ્થા પણ નથી હોતી અને સ્થાનિક રીતે કેવી રીતે તેનો સામનો કરવો તે કોઈને યાદ હોતું નથી.
સોમાલિયા, ઇથિયોપિયા અને કેન્યા તથા પાકિસ્તાનમાં લેવાઈ રહેલાં પગલાંના આધારે જ નક્કી થશે કે તીડનું આક્રમણ કાબૂમાં આવે છે કે નહીં. જો વર્તમાન આક્રમણ હજીય વધારે વિસ્તારોમાં ફેલાશે અને પાકનો નાશ થતો રહેશે તો તેને 'પ્લેગ' સમાન મહાઆપત્તિ જાહેર કરવી પડશે.
જોકે કેન્યાના અલી બિલા વાકો જેવા ખેડૂતો માટે તો બહુ મોડું થઈ ચૂક્યું છે. તીડનું આક્રમણ થાય ત્યારે તેમના માટે ખાલી ડબલાં ખખડાવીને અને ચીસો પાડીને તેને ભગાડવા સિવાય બીજું કશું થઈ શકે તેમ નથી.
તેમના જેવા ખેડૂતો સ્થિતિને નસીબના ખેલ સમજીને સ્વીકારી લેતા હોય છે.
"અલ્લાની મરજી. આ તો એમનું લશ્કર છે," એમ તેઓ કહે છે.
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો