ગુજરાત લૉકડાઉન 4.0 : ગુજરાતમાં દુકાનો ખૂલશે, બસો શરૂ થશે, રૂપાણીની જાહેરાત

ગુજરાત સરકાર દ્વારા ચોથા તબક્કાના લૉકડાઉન માટેના દિશાનિર્દેશ તથા સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર જાહેર કરી દેવાઈ છે.

સોમવારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ઉચ્ચ-સ્તરીય બેઠક મળી હતી, જેમાં આ અંગે વિચારણા હાથ ધરવામાં આવી હતી.

રૂપાણીએ રવિવારે ફેસબુક લાઇવ દ્વારા તા. 31મી મે સુધી ચાલનારા લૉકડાઉનની રૂપરેખા રજૂ કરી હતી, જેમાં રાત્રિ કર્ફ્યૂ તથા માસ્ક અને જાહેરમાં થૂંકવા પર દંડ અંગે ફોડ પાળ્યો હતો.

કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલય દ્વારા રવિવારે કેટલીક છૂટછાટોની જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ તાકિદ કરવામાં આવી છે કે રાજ્ય (કે કેન્દ્રશાસિત પ્રદેશો) લૉકડાઉનની જોગવાઈઓને વધુ કડક બનાવી શકે છે, પરંતુ તેમાં છૂટ નહીં આપી શકે.

ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસ તથા મૃતકોની સંખ્યાની બાબાતમાં ગુજરાત પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે છે.

વિજય રૂપાણીની જાહેરાતના મહત્ત્વના મુદ્દા

  • લૉકડાઉન 4.0માં કેન્દ્ર સરકારની ગાઇડલાઇનના આધાર લાલ, ઑરૅન્જ કે ગ્રીન ઝોનમાં વિભાજન અને મૉનિટરિંગ કરાશે.
  • જે વિસ્તારમાં કેસો બહાર આવી રહ્યા છે, તેને કન્ટેઇન્મૅન્ટ ઝોન તથા જ્યાં સ્થિતિ સારી તેને નૉન-કન્ટેઇન્મૅન્ટ ઝોન જાહેર કરાશે.
  • સાંજે સાત વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધીના કર્ફ્યૂનું કડકાઈપૂર્વક પાલન કરાવાશે.
  • કન્ટેઇન્મૅન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ વેચાણ (સવારે આઠ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી) અને સેવાઓ સિવાય કોઈ પ્રવૃત્તિને છૂટ નહીં.
  • હેરકટિંગ સલૂન તથા બ્યૂટીપાર્લરને શરતી મંજૂરી.
  • એન-95 માસ્ક રૂ. 65માં તથા રૂ. પાંચમાં થ્રી-લેયર માસ્ક અમૂલના પાર્લર પરથી મળી રહેશે.
  • સુરતમાં સોશિયલ ડિસ્ટન્સિંગની શરત સાથે ટેક્સ્ટાઇલ માર્કેટ શરૂ કરવા મંજૂરી, વિવિંગ અને લૂમ્સને 50 ટકા શ્રમિક રાખવાની શરતે મંજૂરી.
  • રાજ્યભરમાં માસ્ક નહીં પહેરનારી વ્યક્તિને રૂ. 200 તથા જાહેરમાં થૂંકનારને રૂ. 200નો દંડ પડકારાશે.
  • હાઈવે ઉપર રેસ્ટોરાં તથા ઢાબાને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શરૂ કરવા મંજૂરી.
  • કન્ટેઇન્મૅન્ટ ઝોન બહાર પાન-બીડીનાં ગલ્લાને લોકો એકઠાં ન થાય તે શરતે શરૂ કરવાની મંજૂરી.

શું ચાલુ, શું બંધ?

કોરોનાનો પંજો

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડેટા અનુસાર, સોમવાર સાંજની સ્થિતિ મુજબ રાજ્યમાં કોરોનાના 11,746 પૉઝિટિવ કેસ નોંધાયેલા છે, જેમાંથી લગભગ 10,700 અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢ જેવા મહાનગરોમાં નોંધાયેલા છે.

અમદાવાદ (8,683), સુરત (1,127), વડોદરા (682), ગાંધીનગર (180) અને ભાવનગર (112) એમ રાજ્યના પાંચ જિલ્લામાં ત્રણ કે તેથી વધુ અંકમાં કેસ નોંધાયેલા છે.

રાજ્યમાં 4804 દરદીઓને સારવાર બાદ રજા આપી દેવાઈ છે, જ્યારે 694નાં મૃત્યુ થયાં છે.

ઢીલ સામે લાલબત્તી

સોમવારે રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય સચિવોને પાઠવેલા સંદેશમાં કેન્દ્રીય ગૃહસચિવ અજય ભલ્લાએ કહ્યું :

"તા. 11મી મેના મુખ્ય પ્રધાનો તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સંવાદ થયો હતો, જેમાં વિચાર અને સહમતી બાદ જ ચોથા તબક્કાના લૉકડાઉન માટેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી."

ભલ્લાએ લખ્યું, "મેં અગાઉના પત્રોમાં પણ સ્પષ્ટપણે જણાવ્યું છે અને ફરી એક વખત જણાવવા માગીશ કે રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલાં દિશા-નિર્દેશોમાં ફેરફાર નહીં કરી શકાય કે ઢીલ નહીં આપી શકે."

"રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશો ઇચ્છે તો વધુ કેટલીક પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મૂકી શકે છે."

ભલ્લાએ પોતાના પત્રોમાં દિશાનિર્દેશોના કડકાઈપૂર્વક અમલ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવા માટેના નિર્દેશ આપવા આગ્રહ કર્યો છે.

કેન્દ્ર સરકારે સ્થિતિને આધારે જિલ્લા વહીવટીતંત્રને રેડ કે ઑરૅન્જ ઝોનમાં 'બફર' કે 'પ્રતિબંધિત વિસ્તાર' નક્કી કરી શકશે. આ સિવાય દિશા-નિર્દેશને આધીન રાજ્ય સરકારોને પોત-પોતાનાને ત્યાં રેડ, ઑરૅન્જ કે ગ્રીન ઝોન નક્કી કરવાના અધિકાર આપવામાં આવ્યા છે.

પ્રતિબંધિત વિસ્તારમાં લોકોની અવરજવર ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે, ત્યાં અન્ય ઝોનમાંથી નાગરિકો અવરજવર નહીં કરી શકે. માત્ર તબીબી સ્ટાફ કે આવશ્યક સેવા સાથે સંકળાયેલા લોકો જ અવરજવર કરી શકશે.

નિષેધાત્મક વિસ્તારોમાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓનો પુરવઠો પુરો પાડવા માટે જણાવવામાં આવ્યું છે.

નવા દિશા-નિર્દેશએ જૂના નિર્દેશોનું સ્થાન લેશે. નાગરિકોની અવરજવર સંબંધિત સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજરમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો