લૉકડાઉન 4.0 : એ 12 ચીજો જે તમે ભૂલથી પણ ન કરી શકો

17 મેના દિવસે કેન્દ્ર સરકારે કોરોના મહામારીને નાથવા માટે લૉકડાઉનને બે અઠવાડિયાં માટે લંબાવવાની જાહેરાત કરી હતી.

સરકારે કહ્યું કે હવે લૉકડાઉન 31 મે સુધી લંબાવવામાં આવ્યું છે.

આ દરમિયાન શું ખોલવામાં આવશે અને શું બંધ રહેશે, તે રાજ્ય સરકારે નક્કી કરવાનું રહેશે.

લૉકડાઉન 4.0 સાથે જોડાયેલા નિવેદનમાં ગૃહ મંત્રાલયે કહ્યું કે 31 મે સુધી કોવિડ-19 મહામારી સામે લડવા માટે જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રીય નિર્દેશોનું પાલન બધાયે કરવું અનિવાર્ય રહેશે.

આ કરવાનું ભૂલતાં નહીં

રાષ્ટ્રીય દિશાનિર્દેશની યાદીમાં 12 વસ્તુઓ સામેલ છે જેનું પાલન 31 મે સુધી કરવાનું અનિવાર્ય રહેશે.

  • જાહેર જગ્યાઓ અને ઑફિસોમાં ફેસ માસ્ક પહેરવું અનિવાર્ય રહેશે.
  • જાહેર જગ્યાઓ અને ઑફિસની આસપાસ થૂંકવા પર રોક હશે. થૂંકનારને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના કાયદા પ્રમાણે દંડ ભરવાનો રહેશે અથવા સજા આપવામાં આવશે.
  • બધા માટે જાહેર જગ્યા અને પરિવહનમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન અનિવાર્ય હશે.
  • લગ્નસમારોહમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે. સાથે જ આવા આયોજનમાં વધારેમાં વધારે 50 લોકો જ ભેગા થઈ શકશે.
  • કોઈના અંતિમ સંસ્કાર અથવા જનાજામાં મહત્તમ 20 લોકો સામેલ થઈ શકશે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાનું રહેશે.
  • જાહેર જગ્યા પર દારૂ, પાન, ગુટખા અને તમાકુના સેવન પર રોક હશે.
  • લૉકડાઉન 4.0 દરમિયાન જે દુકાનોને ખોલવાની પરવાનગી હશે તેમણે સુનિશ્ચિત કરવું પડશે કે લોકો વચ્ચે બે ગજનું અથવા ઓછામાં ઓછા છ ફૂટનું અંતર હોય. એક વખતમાં દુકાનમાં માત્ર પાંચ લોકો જ ખરીદારી કરી શકશે.
  • સરકારે ઑફિસો માટે પાંચ નિયમ બનાવ્યા છે. આમાં પહેલાં પ્રમાણે ઑફિસ એ સુનિશ્ચિત કરે કે જેટલું બને કર્મચારીઓ ઘરેથી કામ કરી શકે.
  • સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે માટે ઑફિસ, દુકાનો, બજારો અને ફૅક્ટરીઓમાં કર્મચારીએ માટે કામના કલાકો વહેંચી દેવામાં આવે.
  • ઑફિસમાં પ્રવેશ કરવા અને બહાર જવાની જગ્યા પર થર્મલ સ્કૅનિંગ, હૅન્ડવૉશ અને સૅનિટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવે.
  • વચ્ચે-વચ્ચે ઑફિસ અથવા કામની જગ્યાને સૅનિટાઇઝ કરવામાં આવે. સાથે જ ઑફિસોએ જોવું પડશે કે ડોર હૅન્ડલ જેવી જગ્યા જેને લોકો સતત અડતા રહે છે, તેને સૅનિટાઇઝ કરવામાં આવે.
  • ઑફિસો સુનિશ્ચિત કરે કે કર્મચારીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય અને તેના માટે કર્મચારીઓ વચ્ચે અંતર જાળવવા અને લંચબ્રેકના નિયમ તથા શિફ્ટમાં કામ કરવા જેવાં પગલાં લેવામાં આવે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો