કોરોના વાઇરસ : લૉકડાઉનમાં રેડીમેડ ગાર્મેન્ટ ક્ષેત્રને ટકાવવું કેટલું મુશ્કેલ?

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

દેશમાં રોજગારી આપતા મોટા ભાગના એકમો એમ.એસ.એમ.ઈ એટલે કે સૂક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના એકમો છે. તે ચાહે નાના એન્જિનિયરિંગ એકમો હોય, બ્રાસપાર્ટ બનાવતાં એકમો હોય, ઑટો પાર્ટ્સ બનાવતાં એકમો હોય કે પછી ઇલેક્ટ્રોનિક્સ અથવા ઍપરલ એટલે કે રેડિમેડ ગાર્મેન્ટ બનાવતા એકમો હોય.

આ બધા જ એકમો મોટે ભાગે રોજગારીપ્રચુર એકમો છે. મોટા ઉદ્યોગોમાં રોકાણ વધુ હોય છે, પરંતુ રોજગારી સીમિત હોય છે.

જ્યારે એમ.એસ.એમ.ઈ સૅક્ટર દેશમાં 15 કરોડથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે અને દેશના કુલ જીડીપીમાં 29 ટકા જેટલો ફાળો છે.

તેમજ નિકાસમાં 48 ટકા જેટલો ફાળો આપે છે. આમ દેશના વિકાસમાં એમ.એસ.એમ.ઈ સૅક્ટર મહત્ત્વનો ભાગ ભજવે છે.

રેડીમેડ ગાર્મેન્ટ એટલે કે ઍપરલ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને વિયેતનામ જેવા દેશોમાં આ ઉદ્યોગ ખૂબ વિકસ્યો છે.

'ગાર્મેન્ટ ઉદ્યોગને અવગણી ન શકાય'

દેશના ઍપરલ ઉદ્યોગની સરખામણીમાં બાંગ્લાદેશ, શ્રીલંકા વિકાસની દૃષ્ટિએ ભારત કરતાં ખૂબ જ આગળ નીકળી ગયા છે.

ઍપરલ ઉદ્યોગ દેશના કુલ જી.ડી.પી.માં (ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ, કુલ ઘરેલું ઉત્પાદન) બે ટકા હિસ્સો ધરાવે છે. દેશના કુલ ઇન્ડસ્ટ્રી આઉટપુટનો સાત ટકા જેટલો હિસ્સો ધરાવે છે, જ્યારે નિકાસમાં 15 ટકા હિસ્સો ધરાવે છે.

રોજગારીની વાત કરીએ તો ઍપરલ ઉદ્યોગ લગભગ 80 લાખથી વધુ લોકોને સીધી રોજગારી પૂરી પાડે છે.

આમ, ઍપરલ ઉદ્યોગ દેશના આર્થિક અને ઔદ્યોગિક વિકાસમાં મહત્ત્વનો ફાળો આપે છે.

કોરોના સંક્રમણને કારણે દેશભરમાં લૉકડાઉનની પરિસ્થિતિ ઊભી થતાં આ ઉદ્યોગ ઉપર પણ સંકટનાં વાદળો ઘેરાયાં છે.

તાજેતરમાં ક્લૉથ મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાએ લૉકડાઉન પછીની સ્થિતિ જાણવા કુલ એકમોમાંથી બે-તૃતીયાંશ જેટલા એકમોનો સરવે હાથ ધર્યો છે, તેમાં જાણવા મળ્યું કે હાલમાં 31 ટકા એકમો બંધ હાલતમાં છે, જે 25 લાખ લોકોને રોજગારી પૂરી પડે પાડે છે.

'લૉકડાઉનને લીધે રોજગારી પર ખતરો'

કોરોના સંક્રમણને કારણે જે લૉકડાઉન થયું એનાથી આ ક્ષેત્રે 25 લાખથી વધુ લોકોની રોજગારી ગઈ છે.

જે એકમોએ સર્વેમાં ભાગ લીધો હતો તેમના જણાવ્યા અનુસાર તેઓ તેમના કર્મચારીઓને એપ્રિલનો પગાર ચૂકવી શક્યા નથી, જ્યારે 92 ટકા એકમો માર્ચનો પગાર ચૂકવી શક્યા હતા.

ટેક્સ્ટાઇલ વૅલ્યૂ ચેઇનની દૃષ્ટિએ જોઈએ તો આ ક્ષેત્રમાં કુલ એક કરોડ કરતાં વધુ લોકો છે, જે સીધી અથવા આડકતરી રીતે રોજગારી મેળવે છે.

આ બધા લોકોની નોકરી ઉપર પણ મોટો ખતરો ઊભો થયો છે, જેમાં જિનિંગથી માંડી સ્પિનિંગ, વિવિંગ સુધીનાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે. લૉકડાઉનનો સમય વધારાતાં આ એકમોનું વેચાણ ઘટ્યું છે અને તેમના દ્વારા તૈયાર થયેલા માલનો જથ્થો વેચ્યા વગરનો પડી રહ્યો છે.

આ સ્થિતિમાં ઉદ્યોગકારોનું કહેવું છે કે તેમને એમ.એસ.એમ.ઈ.નું કોઈ ભવિષ્ય દેખાતું નથી.

આ સર્વેમાં ભાગ લેનારામાંથી 67 ટકા ઉદ્યોગકારો કહે છે કે વેચાણ ન હોવાને કારણે તેઓ એપ્રિલનો પગાર કર્મચારીઓનો ચૂકવી શકશે નહીં.

જરૂરી વર્કિંગ કૅપિટલ બૅન્કો પાસેથી પણ મળી રહે તેવું લાગતું નથી, તે જોતાં હાલના સંજોગોમાં એકમ ચાલુ કરવું કઠિન છે.

માલિકો કર્મચારીઓનો પગાર કરવા અસક્ષમ

કર્મચારીઓને પગાર ન ચૂકવાતાં ફૅક્ટરીના માલિકો ફૅક્ટરી ઉપર આવવાનું ટાળે છે.

ઍસોસિયેશને સરકારને કહ્યું છે કે મહિને 50 હજાર રૂપિયા જેટલી રકમ, પગાર માટેની સબસિડી પાંચ મહિના સુધી પૂરી પાડવામાં આવે. તેમજ પ્રોવિડન્ટ ફંડ માટે ત્રણ મહિના સુધી જે કર્મચારીઓનો પગાર 15 હજાર અથવા કે તેથી ઓછો છે તેમને ઍમ્પ્લૉયર અને ઍમ્પ્લૉયીના ભાગે આવતો શૅર પૂરો પાડવામાં આવે તો રાહત રહેશે.

ઍસોસિયેશને જણાવ્યું હતું કે નાણાકીય તરલતા માટે બૅન્કોએ કુલ લેણાં ઉપર પાંચ ટકા વ્યાજની રાહત આપવી જોઈએ અને 25 ટકા વધારાની કાર્યકારી મૂડી નક્કી કરેલા ધિરાણના નિયમો પ્રમાણે આપવી જોઈએ.

તેમજ લૉન અને વર્કિંગ કૅપિટલ પરનું મૉરેટોરિયમ ત્રણ મહિનાથી છ મહિના સુધી વધારવું જોઈએ.

આમ, આ ઉદ્યોગને બચાવવા માટે સરકારે વચ્ચે રહી એકમોને લૉન તેમજ વર્કિંગ કૅપિટલ આપવી બચાવી લેવાં જોઈએ.

આ એકમો દેશને જરૂરી 15 ટકા જેટલું ફોરેન-ઍક્સ્ચેન્જ પણ કમાવી આપે છે અને મોટી રોજગારી પણ પૂરી પડે છે, ત્યારે આ ઉદ્યોગ દેશની અર્થવ્યવસ્થા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે અને આ ક્ષેત્રને નકારી શકાય તેમ નથી.

એકમોને બચાવવા શું કરી શકાય?

રિઝર્વ બૅન્કે બીજા તબક્કામાં MSME ક્ષેત્ર માટે જે જાહેરાતો કરી છે, તેમાં સરકાર વચ્ચે રહી ઍપરલ અને અન્ય ક્ષેત્રોને લાંબા સમયગાળા માટેની લૉન તેમજ વર્કિંગ કૅપિટલ પ્રાપ્ત કરાવે તો જ આ એકમો બચી શકે તેમ છે અને બેકારી વધે નહીં.

આમ, દેશની કરોડરજ્જુ સમાન નાના એકમોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવી દેશને બેકારી અને ગરીબીના ખપ્પરમાં હોમાતો બચાવવો એ કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રાથમિકતા રહેવી જોઈએ.

ટેક્સ્ટાઇલ સૅક્ટર એક એવું સૅક્ટર છે કે જેમાં એક જગ્યાએ ક્યાંક મોટી અડચણ શરૂ થાય, તો તેની વધતી ઓછી અસર તેની સાથે જોડાયેલી પૂરી સપ્લાય ચેઇનને થાય છે.

આમ, લૉકડાઉન પછી પાંચ મહિના સુધી જો નાના ઉદ્યોગોને યોગ્ય નાણાપ્રવાહ મળી રહેશે તો ધીરે પણ મક્કમ ગતિએ આ ક્ષેત્રનો વિકાસ જરૂર થશે.

આ વાત બધા જ એમ.એસ.એમ.ઈ.ને લાગુ પડે છે માટે ક્લૉથ મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાએ નાણામંત્રી સાથે આ સમગ્ર બાબત હાથ ધરી સત્વરે એના ઉકેલ માટે કામે લાગવું જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો