કોરોના લૉકડાઉન : આ કપરા કાળમાં ભારત અર્થવ્યવસ્થાને કેવી રીતે ઉગારશે?

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

તાજેતરમાં મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે ચેતવણી આપી છે કે જો ભારતનાં નાણાકીય પરિમાણો નબળાં પડશે તો દેશનું રેટિંગ ઘટશે. આ જ રીતે ફિંચ રેટિંગે પણ આવી જ ચેતવણી આપી છે.

આનું મુખ્ય કારણ લાંબા ગાળાની મંદી અને હવે લૉકડાઉનની પરિસ્થિતિને જોતાં સરકારે જે આર્થિક અને સંસ્થાકીય સુધારા અમલમાં મૂકી આર્થિક ક્ષેત્રે જે પરિણામો મેળવવાં જોઈએ તે મેળવ્યાં નથી આવું રેટિંગ એજન્સીએ તેના અહેવાલમાં જણાવ્યું છે.

રેટિંગ એજન્સીઓએ 2020-21 માટે દેશના વિકાસદરનું અનુમાન જે પહેલાં 2.6 ટકા રાખ્યું હતું તે હવે શૂન્ય ટકા કરી દીધું છે. તેમજ મૂડીઝે ભારતને bba3થી baa2 રેટિંગ નકારાત્મક આઉટલૂક સાથે આપ્યું છે, જ્યારે S&P અને ફિંચે ભારતને BBB- રેટિંગ આપ્યું છે.

આનું મુખ્ય કારણ વધતું જતું દેવું (કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું મળીને) જી.ડી.પી.ના (ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્શન, કુલ ઘરેલું ઉત્પાદન) 70 ટકા જેટલું થવા પામ્યું છે.

આઈ.એમ.એફ.ના (ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડ) જણાવ્યા અનુસાર, આ કારણથી સરકારના હાથ મોટાં પૅકેજો જાહેર કરવાં બંધાયેલા છે.

'સરકારે જાહેર કરેલી રાહતો બહુ ઓછી'

અત્યાર સુધી કેન્દ્ર સરકારે જી.ડી.પી.ના 0.8 ટકા જેટલી રાહતો જાહેર કરી છે જે ખૂબ ઓછી છે. આની સામે અમેરિકાએ જી.ડી.પી.ના 10 ટકા જેટલી રાહતો જાહેર કરી છે.

જો ભારત જી.ડી.પી.ના 2થી 3 ટકા જેટલું રાહતપૅકેજ જાહેર કરે તો દેશની ફિસકલ ડૅફિસિટ 10થી 10.5 થઈ જાય તેવો અંદાજ બાંધી શકાય.

ઉપરાંત અન્ય કારણોમાં સામાજિક અને ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નબળું પડવું તેમજ નાણાકીય ક્ષેત્રે કથળતી જતી પરિસ્થિતિ અને વધારામાં પૂરું કોરોના વાઇરસની અસરને લીધે ઉદ્યોગ-ધંધા બંધ થતાં તેની અવળી અસર દેશના રેટિંગ ઉપર પડી છે.

ગત મહિને ફિંચે તેના રિપોર્ટમાં દેશની આર્થિક પરિસ્થિતિ નબળી પડી રહી છે એ બાબતે ચેતવણી આપી હતી. તેણે ઘટતો જતો વિકાસદર રેટિંગ ઉપર અસર કરશે એવું પણ કહ્યું હતું.

ફિંચે એ પણ કહ્યું હતું કે સરકાર સૂક્ષ્મ, નાના અને મધ્યમ એકમો માટે ઉદાર પૅકેજની જાહેરાત કરે, જેથી કરીને ઔદ્યોગિક વિકાસને સહાયતા મળે. લૉકડાઉનનો પિરિયડ વધારવાથી દેશના નાણાકીય આઉટલૂક પર વ્યાપક અવળી અસર થઈ છે.

આ બાબતે પ્રમુખ ઔદ્યોગિકગૃહોનું માનવું છે કે સરકાર પાસે દેશમાં આર્થિક ગતિવિધિઓ શરૂ કરવા સિવાય બીજો રસ્તો નથી, જેથી મોટા પાયે કંપનીઓમાં કામ કરતા લોકોની આર્થિક તંગી નિવારી શકાય.

'કામકાજ શરૂ કરવું જરૂરી'

આ અંગે દેશની અગ્રિમ હરોળની સોફ્ટવૅર કંપની ઇન્ફોસિસના ફાઉન્ડર નારાયણમૂર્તિએ કોરોનાથી ઍમ્પ્લૉયીઝની સુરક્ષાનાં પગલાં લઈ ઇકૉનૉમી ખોલી શકાય છે તેમ કહ્યું છે. તેમણે કહ્યું કે, “ઍમ્પ્લૉયીઝની સુરક્ષા માટે પૂરી સતર્કતા રાખવામાં આવે તો તમે કામકાજને ફરીથી શરૂ કરી શકો છો.”

તેમના મત મુજબ દરેક ભારતીય નાગરિકે આવનાર 12-18 મહિના સુધી કોરોના વાઇરસની સાથે જીવવાનું શીખવું પડશે અને એ અંગે પોતાની આદતો બદલવી પડશે.

એચ.ડી.એફ.સી.ના (હાઉસિંગ ડેવલ્પમેન્ટ ફાયનાન્સ કૉર્પોરેશન ) ચૅરમૅન દીપક પારેખના કહેવા મુજબ, આ વાઇરસ વૅક્સિન બની જાય ત્યાં સુધી ખતમ થવાનો નથી. તેમનું માનવું છે કે રોજ કમાઈને રોજ ખાવાવાળા વર્ગને નાણાંની જરૂર છે, ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે માસ્ક તેમજ હૅન્ડ ગ્લૉઝ ફરજિયાત પહેરી કામકાજ પર તેઓ પાછા ફરે તે જરૂરી છે.

મારુતિ સુઝુકીના ચૅરમૅન આર.સી. ભાર્ગવે કહ્યું કે ઉદ્યોગોને ફરીથી શરૂ કરવા અગત્યનું છે. તેની સાથે-સાથે એ પણ વિચારવું જોઈએ કે વાઇરસનો ચેપ નિયંત્રણમાં રહે, એમાં કોઈ બેદરકારી ન થાય.

અમિતાભ ચૌધરી (એમ.ડી. અને સી.ઈ.ઓ. ઍક્સિસ બૅન્ક)નું માનવું છે કે દેશમાં ઇકૉનૉમીના અમુક જ ભાગ ખોલવાથી પરિણામ આવવાનું નથી, કેમ કે દેશમાં જુદાં-જુદાં સૅક્ટરો અને પ્રવૃત્તિઓ એકબીજા ઉપર આધારિત હોય છે, આથી એક જગ્યાએ ઉદ્યોગ-ધંધા શરૂ કરવાથી કોઈ ફાયદો નથી.

તેમના કહેવા પ્રમાણે રેડ અને કન્ટેન્ટમૅન્ટ ઝોન સિવાય દેશમાં લૉકડાઉન ખોલવા પર વિચાર કરવો પડશે.

બીજી બાજુ પારલે પ્રોડક્ટ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અરુપ ચૌહાણે કહ્યું હતું કે જો ઉદ્યોગો શરૂ થાય તો ઍમ્પ્લૉયર પોતાના ઍમ્પ્લૉયીઝની સુરક્ષાનું ધ્યાન પણ રાખશે.

દેશમાં મોટા ભાગે કામ કરતા યુવા લોકોની સંખ્યા 90 ટકા છે અને દુનિયાભરમાં કોવિડ-19થી મરણ પામનાર લોકોની સંખ્યા મોટે ભાગે 60થી ઉપરની છે એટલે ચિંતાનો વિષય નથી તેવું બાયોકોનના હેડ કિરણ મજુમદાર શૉએ કહ્યું હતું.

એક સમાચારપત્રમાં બજાજ ઑટોના મૅનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજ માર્ચ મહિનામાં લેખ પ્રકાશિત કરી લૉકડાઉનનો વિરોધ કરી ચૂક્યા છે.

તેમના કહેવા પ્રમાણે, લૉકડાઉન એ સંકટનો ઉપાય નથી. તેમણે કહ્યું હતું કે યુવાધને કામ પર પાછા ફરવાની જરૂર છે.

રમેશ અય્યર (મૅનેજિંગ ડિરેક્ટર મહિન્દ્રા ફાઇનાન્સ)ના મત મુજબ બિઝનેસ શરૂ થતાં કર્મચારીઓ સાથે રહેશે જે થકી આત્મવિશ્વાસ વધશે.

જૂન-જુલાઈ કેસ વધશે તેવું અનુમાન

આ બધા વચ્ચે ચિંતા કરાવે તેવો એક વરતારો એઇમ્સના ડાઇરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કર્યો છે, જે મુજબ અત્યારના ટ્રૅન્ડને ધ્યાનમાં રાખતાં જૂન-જુલાઈમાં દેશમાં કોરોના સંક્રમણના કેસો વધી શકે છે.

ડૉ. રણદીપ ગુલેરિયાએ એ પણ કહ્યું છે કે કોરોના અંગે ચોક્કસ અવધારણા કરી શકાય નહીં, કારણ કે ઘણા એવા પૅરામિટર્સ છે કે જેને લીધે કોઈ ચોક્કસ ભવિષ્યકથન કરી શકાય નહીં.

આ બધું જોતાં એવું લાગે છે કે કોરોનાની રસી કે દવા શોધાઈ ના જાય ત્યાં સુધી આપણે ફક્ત કોરોના હૉટસ્પૉટને બાદ કરી ઉદ્યોગો તેમજ અન્ય રોજગારલક્ષી આર્થિક પ્રવૃત્તિઓને પરવાનગી આપવી જોઈએ.

સરકાર પાસેથી જે ડેટા ઉપલબ્ધ છે તે મુજબ અત્યારે 180 જિલ્લા એવા છે કે જ્યાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાનો એક પણ કિસ્સો સામે આવ્યો નથી. 164 જિલ્લા એવા છે કે જ્યાં છેલ્લા 14-20 દિવસમાં એક પણ કોરોનાનો કિસ્સો સામે આવ્યો નથી અને 136 જિલ્લા એવા છે કે જેમાં છેલ્લા 21-28 દિવસમાં એક પણ કોરોના કેસ નોંધાયો નથી.

આમાં 13 રાજ્યોનો સમાવેશ થાય છે, જેમાં મોટાં ભાગનાં રાજ્યો ઉત્તર પૂર્વેનાં છે જ્યાં આર્થિક પ્રવૃત્તિ જૂજ કહી શકાય તેટલી જ છે.

જે રાજ્યો દેશના કુલ આર્થિક વિકાસમાં મોટો ફાળો આપે છે, તેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ આવે છે. આ રાજ્યો દેશના કુલ આર્થિક વિકાસદરમાં લગભગ 50 ટકા જેટલો હિસ્સો ધરાવે છે.

કોરોના અસરગ્રસ્ત જિલ્લાઓના મોટા ભાગના જિલ્લાઓ આ રાજ્યોમાં આવેલા છે. સરકારે આ પ્રભાવિત જિલ્લાઓને પ્રાથમિકતા આપી છે, જેથી આ જિલ્લાઓમાંથી વધુ સંક્રમણ ન થાય.

'પરિસ્થિતિ થાળે પડતાં વાર લાગશે'

આમ, જે ક્ષેત્ર કોરોનાથી પ્રભાવિત છે અને તેને લીધે ઔદ્યોગિક ગતિવિધિ શરૂ થઈ શકી નથી તેવા ક્ષેત્રોને યોગ્ય ઉપાયોની મદદ લઈ જલદીથી કોરોનાથી મુક્ત થાય તેવું કરવું પડશે.

અમદાવાદમાં આ પ્રયત્ન ચાલુ છે. દેશની આમ જનતામાં પણ સ્વયં શિસ્તની કમી છે.

વૅક્સિનની વાત કરીએ તો આ બાબતે ઇઝરાયલ, ઇટાલી, યુ.કે. (યુનાઇટેડ કિંગ્ડમ) અને ઑસ્ટ્રેલિયા, ચીન, ભારત જેવા દેશો એમાં પ્રવૃત્ત છે, તેમાં ઇટાલી સૌથી આગળ છે, તો ઇઝરાયલ પણ આ બાબતે તેણે રસી શોધી લીધી છે તેવું કહે છે.

જલદીમાં જલદી રસી આવી જાય તેવી આશા રાખીએ અને આમ થાય તો ઉત્પાદન શરૂ થાય એટલે દેશમાં ઔદ્યોગિક ગતિવિધિઓ વેગ પકડે.

સાથે જ સરકારે આર્થિક પ્રવૃત્તિને વેગ આપવા હવે ઔદ્યોગિક ક્ષેત્રો જે પ્રભાવિત રેડ ઝોનમાં આવે છે તેમને ક્રમશ: ઑરૅન્જ અને ત્યારબાદ ગ્રીન ઝોનમાં ઝડપથી પરિવર્તિત થાય તેવી કોશિશ કડક અમલ સાથે કરવી પડશે.

ઉદ્યોગો શરૂ થાય ત્યારે કાચા માલ અને મજૂરોની તંગી રહેશે, પરંતુ ક્રમશ: એ પણ હલ થઈ જશે.

આમ છતાંય બધું જ પૂર્વવત્ થતાં 2020નો અંત આવી જાય તેવું હાલની પરિસ્થિતિ પરથી લાગી રહ્યું છે.

આ બધું જોતાં ભારતીય અર્થતંત્રને પાટે ચઢાવવું લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ છે. સરકારની ગણતરીપૂર્વકની સાહસવૃત્તિ અને એના વહીવટી તંત્ર પાસેથી કામ લેવાની ક્ષમતા બન્નેની અગ્નિપરીક્ષાનો આ સમય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો