કોરોના વાઇરસ : અસંગઠિત ક્ષેત્રો બાદ હવે સંગઠિત ક્ષેત્રો પર બેરોજગારીની અસર થવાની શરૂઆત

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

તાજેતરમાં સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમી (CMIE)એ ત્રણ મેના રોજ કરેલા એક સર્વે અનુસાર લૉકડાઉન પરિસ્થિતિને કારણે દેશમાં વ્યાપાર-ઉદ્યોગો બંધ છે. ગ્રીન ઝોનમાં હવે ધીરે-ધીરે વ્યાપાર-ધંધા શરૂ થયા છે અને સરકારે નિકાસ કરતાં એકમોને પણ મંજૂરી આપી છે તે જોતાં દેશમાં 10થી 20 ટકા જેટલી આર્થિક પ્રવૃત્તિ ચાલુ છે.

કોરોનાને કારણે દેશમાં લાગુ લૉકડાઉનની પરિસ્થિતિ સર્જાતાં બેરોજગારીનો દર વધી રહ્યો છે.

સેન્ટર ફૉર મૉનિટરિંગ ઇન્ડિયન ઇકૉનૉમીએ તાજેતરમાં આ અંગે એક સર્વે રિપોર્ટ પ્રકાશિત કર્યો છે.

આ સર્વે મુજબ 3 મે, 2020ના રોજ પૂરા થયેલા લૉકડાઉન-2માં દેશમાં બેરોજગારીનો દર વધીને 27.1 ટકા થયો હતો.

વધતી બેરોજગારી ચિંતાનું કારણ

આ અગાઉ સીએમઆઈએ પ્રકાશિત કરેલા સર્વે રિપોર્ટમાં એપ્રિલ 2020માં દેશમાં બેરોજગારી દર વધીને 23.50 ટકા પહોંચી ગયો હતો. બેરોજગારીના દરમાં 14.80 ટકા જેટલો વધારો થવા પામ્યો હતો. માર્ચ મહિનાની સરખામણીમાં એપ્રિલ મહિનામાં બેરોજગારીનો દર ખૂબ જ ઝડપથી વધવા પામ્યો હતો.

સીએમઆઈના ચીફ એક્ઝિક્યુટિવ મહેશ વ્યાસના જણાવ્યા અનુસાર, લૉકડાઉન લાંબા સમય સુધી ચાલવાને કારણે બેરોજગારીમાં વધારો થયો હતો. લૉકડાઉન જાહેર થતાં વ્યયસાય, ઉદ્યોગો બંધ થતાં તેની પહેલી અસર અસંગઠિત ક્ષેત્ર અને તેમાં કામ કરતા લોકો ઉપર પડી હતી.

ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશન (આઇએલઓ)એ કહ્યું કે ભારત, નાઇજીરિયા અને બ્રાઝિલમાં લૉકડાઉનને કારણે સૌથી વધારે સંખ્યામાં અસંગઠિત શ્રમિકો પ્રભાવિત થયા છે.

આઈએલઓના રિપોર્ટ અનુસાર ભારતની અર્થવ્યવસ્થામાં અસંગઠિત કામદારોની ભાગીદારી લગભગ 90 ટકા છે.

આ કારણે લગભગ 40 કરોડ કામદારો ગરીબી રેખા નીચે આવી જશે. દેશવ્યાપી લૉકડાઉનને પરિણામે નાના વેપાર તેમજ પ્રમાણમાં અસંગઠિત ક્ષેત્રે કામ કરતા કામદારો પ્રભાવિત થશે.

અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાત, મહારાષ્ટ્રમાંથી લાખોની સંખ્યામાં કામદારો પોતાના વતન તરફ ફરવા મજબૂર બન્યા છે.

'બીજા વિશ્વયુદ્ધ પછીનું ભયાનક સંકટ'

એક અનુમાન પ્રમાણે લૉકડાઉનને કારણે દુનિયાભરમાં 19.5 કરોડ લોકોની નોકરી ગઈ છે.

આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO)એ તેમના રિપોર્ટ 'આઈએલઓ મૉનિટરિંગ - બીજી આવૃત્તિ: કોવિડ-19 અને વૈશ્વિક કામકાજ'માં કોરોના સંકટને બીજા વિશ્વયુદ્ધ પછીનું ભયાનક સંકટ ગણાવ્યું છે.

ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશન (આઈએલઓ)ના ડાયરેક્ટર જનરલ ગાય રાઇડરે એક નિવેદનમાં કહ્યું હતું કે “છેલ્લાં 75 વરસ દરમિયાન આઈએલઓ માટે આ સૌથી મોટી પરીક્ષાની ઘડી છે. જો કોઈ એક દેશ અસફળ થશે, તો આપણે બધા અસફળ થઈ જઈશું. આપણે એ માટે સમાધાન શોધવાનું રહેશે જે વૈશ્વિક દેશોના તમામ વર્ગોની મદદ કરી શકે, તેમાંય ખાસ સૌથી નબળા અને એવા દેશો જે ઓછા સક્ષમ છે.

તાજેતરમાં એશિયન ડેવલપમૅન્ટ બૅન્ક અને આઈએમએફએ બહાર પડેલા રિપોર્ટમાં સ્પષ્ટ કહ્યું છે કે કોરોના વાઇરસના કારણે ભારતમાં ઘણું આર્થિક નુકસાન થવાનો ડર સેવાઈ રહ્યો છે. આને પરિણામે દેશમાં બેરોજગારીની સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરશે, જે 2008માં આવેલી મંદી કરતાં વધારે ભયાનક હશે.

સીએમઆઈએ દહેશત વ્યક્ત કરી છે કે જેમ-જેમ લૉકડાઉન લંબાશે તેમ અસંગઠિત ક્ષેત્ર પછી સંગઠિત ક્ષેત્રે પણ નોકરીઓ ઉપર સંકટનાં વાદળો છવાશે. કેટલીક કંપનીઓ ફડચામાં જશે. દેશમાં એક-બે વરસથી શરૂ થયેલ સ્ટાર્ટ-અપ કંપનીઓએ લે-ઑફની જાહેરાત કરી છે. વળી ઔદ્યોગિક સંગઠનોને પણ નાણાકીય કટોકટીને કારણે ભારે નુકશાન થવાની અને કર્મચારીઓના પગાર કરવા સક્ષમ ન હોવાની ચેતવણી ઉચ્ચારી છે.

ભારતીય રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ)એ તાજેતરમાં ફાયનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટ બહાર પડ્યો છે. તેમાં ચેતવણી આપી છે કે આગામી 9 મહિનામાં બૅન્કોની એનપીએ વધી શકે તેમ છે.

શ્રમિકો-નાના ધંધાદારીઓ સૌથી વધુ અસરગ્રસ્ત

રિઝર્વ બૅન્કના જણાવ્યા પ્રમાણે લૉનની ચુકવણીમાં નિષ્ફળતા અને ક્રૅડિટ ગ્રોથમાં નિષ્ફળતાને કારણે ગ્રોસ નૉન-પર્ફૉમિંગ ઍસેટ્સ (જીએનપીએ) રેશિયો 9.3 ટકાથી વધીને સપ્ટેમ્બર, 2020 સુધીમાં 9.9 ટકા થશે. આમ, ઘણી બધી કંપનીઓ એનપીએમાં વૃદ્ધિ કરશે.

સીએમઆઈએ રિપોર્ટમાં જણાવ્યું છે કે લોકોની સંગઠિત ક્ષેત્રમાં નોકરી જતાં તેઓ નવી નોકરીની શોધ કરી રહ્યા છે. આમાં સતત વધારો થયો છે. 3 મે સુધીમાં સંગઠિત ક્ષેત્રમાં બેરોજગારીનો દર 36.2 ટકા થઈ ગયો હતો જે અગાઉ 35.4 ટકા હતો. જોકે નાના અને મધ્યમ ઉદ્યોગોને આ પરિસ્થિતિમાં ટકી રહેવા ભારત સરકાર દ્વારા ઉદાર યોજનાઓનો લાભ મળશે તો જ આ એકમો બેઠા થઈ શકશે.

CMIEના અભ્યાસ અનુસાર, દેશમાં ખાસ કરીને એપ્રિલ મહિનામાં દૈનિક વેતન પર નભતા શ્રમિકો અને નાના વ્યાવસાયિકો સૌથી વધારે અસર પામ્યા છે.

સર્વે અનુસાર આ સંખ્યા 12 કરોડ (122 મિલિયન)થી વધારે થવા જાય છે કે જેમણે નોકરી ગુમાવી છે. તેમાં દુકાનદારો, નાની હોટેલ ચલાવતા કે ચાની કિટલી ચલાવતા લોકો, પાનના ગલ્લાવાળાઓથી માંડી શાકભાજી વેચતા ફેરિયાઓ, પાથરણાવાળા, રિયલ એસ્ટેટ કે અન્ય કૉન્ટ્રાક્ટ ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓ તથા રિક્ષા કે ટેક્સી ચલાવનાર લોકોનો સમાવેશ થાય છે.

દેશમાં આવા નાના વેપારીઓની સંખ્યા લગભગ 7 કરોડ આસપાસ છે.

તાજેતરમાં કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે મુજબ, 24 માર્ચથી 30 એપ્રિલ દરમિયાન નાના વેપારીઓ થકી 5.50 લાખ કરોડ રૂપિયા જેટલો વેપાર થવો જોઈએ તે થયો નથી. આ સંયોગોમાં સરકારી મદદ નહીં મળે તો લૉકડાઉન પછી 20 ટકા નાના વેપારીઓનો ધંધો બંધ થઈ જશે.

અત્રે એ નોધવું જોઈએ કે ભારતમાં અસંગઠિત ક્ષેત્રમાં નોકરી પર ધ્યાન રાખવા માટે અનેક સરકારી ધોરણો અપનાવવામાં આવે છે. જેમાં CMIE સર્વે લેબર માર્કેટનો પણ એક પ્રોક્સી તરીકે ઉપયોગ લેવામાં આવે છે.

આમ, દેશમાં સામાન્યમાં સામાન્ય વ્યક્તિથી માંડી નાના વેપારીઓ આર્થિક ભીંસમાં સપડાયા છે ત્યારે સરકારે જાહેર કરેલાં પ્રોત્સાહનોનો લાભ આ લોકોને અસરકારક રીતે મળે તે જરૂરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો