કોરોના લૉકડાઉન મોદી સરકારે કોઈ આયોજન વિના લાગુ કર્યું - દૃષ્ટિકોણ

સ્ટીવ હેન્કી અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સિટીમાં એપ્લાઈડ ઇકૉનૉમિક્સના પ્રોફેસર અને જોન્સ હોપકિન્સ ઇન્સ્ટિટ્યૂટ ફૉર એપ્લાઈડ ઇકૉનૉમિક્સ, ગ્લોબલ હેલ્થ અને બિઝનેસ એન્ટરપ્રાઈઝ સ્ટડીઝના સંસ્થાપક તથા સહ-નિર્દેશક છે.

તેઓ વિશ્વના જાણીતા અર્થશાસ્ત્રી છે. ભારત અને દક્ષિણ એશિયાના દેશોમાં તેમને ઉંડો રસ છે. બીબીસીના સંવાદદાતા ઝુબૈર અહમદને આપેલી એક ખાસ મુલાકાતમાં સ્ટીવ હેન્કીએ ભારતમાંના લૉકડાઉન અને મોદી સરકારની આર્થિક નીતિઓ ઉપરાંત બીજા ઘણા મુદ્દાઓ વિશે વાત કરી હતી.

પ્રોફેસર હેન્કીએ આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં શું કહ્યું હતું એ વિગતવાર વાંચો.

પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી પ્રોફેસર સ્ટીવ હેન્કીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર કોરોના કટોકટી સામે લડવા માટે પહેલાંથી તૈયાર ન હતી. તેમણે કહ્યું હતું કે "મોદી અગાઉથી તૈયાર ન હતા અને ભારત પાસે પૂરતાં સાધનો નથી."

પ્રોફેસર હેન્કીએ કહ્યું હતું કે "મોદીએ લાદેલા લૉકડાઉનની મુશ્કેલી એ છે કે તે કોઈ આયોજન વિના અમલી બનાવવામાં આવ્યું છે. વાસ્તવમાં મને એવું લાગે છે કે 'આયોજન'નો અર્થ જ મોદી જાણતા નથી."

પ્રોફેસર હેન્કીએ જણાવ્યું હતું કે, લૉકડાઉન સંપૂર્ણ નહીં, સ્માર્ટ હોવું જોઈએ. જે દેશોએ પોતાને ત્યાં કોરોના વાઇરસથી મોટું નુકસાન થતું અટકાવ્યું છે, એ દેશોએ આકરા પગલાં લીધાં ન હતાં. એ દેશોએ સટિક, સર્જિકલ અભિગમ અપનાવ્યો હતો.

અમેરિકન અર્થશાસ્ત્રી એકતરફી લૉકડાઉનની તરફેણ કરતા નથી.

તેમણે કહ્યું હતું કે "એ સ્પષ્ટતા કરી દઉં કે મેં ક્યારેય એકતરફી લૉકડાઉનની તરફેણ કરી નથી. મેં કાયમ સ્માર્ટ અને ટાર્ગેટેડ અભિગમની તરફેણ કરી છે. એવો અભિગમ દક્ષિણ કોરિયા, સ્વીડન અને સંયુક્ત આરબ અમિરાતે અપનાવ્યો હતો. મેં સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટ્સ અને ધાર્મિક કાર્યક્રમો રદ્દ કરવાની વાત એ કારણસર જ કરી હતી."

કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા માટે 24 માર્ચની મધરાતથી, ચાર કલાકની નોટિસ પર 21 દિવસનો લૉકડાઉન અમલી બનાવવામાં આવ્યું હતું અને તેને પછી તેને ત્રીજી મે સુધી લંબાવવામાં આવ્યું.

22 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં જનતા કર્ફ્યૂનો અમલ કરવાની અપીલ કરી હતી, જે સફળ રહી હતી.

મોદી સરકારની લૉકડાઉન નીતિ બાબતે ભારતમાં વધારે સવાલ ઉઠાવવામાં આવ્યા નથી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પનું સ્વાગત 24 ફેબ્રુઆરીએ અમદાવાદમાં લોકોથી ભરેલા સ્ટેડિયમમાં કરવામાં આવ્યું ત્યારે દેશમાં ઉત્સવનું વાતાવરણ હતું.

બરાબર એ જ સમયે ચીન, જાપાન અને ઇટાલી જેવા દેશોમાં કેટલાક વિસ્તારોમાં લૉકડાઉન અમલી બનાવવામાં આવ્યું હતું. ભારતમાં કોરોના વાઇરસનો પહેલો કેસ 30 જાન્યુઆરીએ નોંધાયો હતો.

ભારતની અન્ડરગ્રાઉન્ડ ઇકૉનૉમીનું કદ ઘટાડવું જરૂરી

પ્રોફેસર હેન્કી માને છે કે લૉકડાઉનના આકરાં પગલાંથી સમાજના નબળા વર્ગના લોકોને વધારે નુકસાન થયું છે.

તેમણે કહ્યું હતું કે "મોદીના આકરાં પગલાં દેશની વસતીમાં સૌથી વધારે જોખમવાળા વર્ગોમાં ગભરાટ ફેલાવનારા બની રહ્યાં છે. ભારતમાં 81 ટકા લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. ભારતની મોટી અન્ડરગ્રાઉન્ડ ઇકૉનૉમીનું કારણ અહીંની સરકારના બિનજરૂરી અને ત્રાસદાયક નિયમો છે. કાયદાઓનું પાલન થતું નથી અને અહીં પ્રોપર્ટી રાઇટ્સ બાબતે પણ અનિશ્ચિતતાઓ છે."

એ ખામીઓને દૂર કરવા માટે શું કરવું જોઈએ, એ સવાલના જવાબમાં પ્રોફેસર હેન્કીએ જણાવ્યું હતું કે અર્થતંત્રમાં સુધારા કરવા જોઈએ. કાયદાનું શાસન સ્થાપવું જોઈએ. કલંકિત અને ભ્રષ્ટ બાબુશાહી તથા ન્યાયવ્યવસ્થામાં પણ સુધારા કરવા જોઈએ.

તેમના જણાવ્યા મુજબ, ભારતીય કર્મચારીઓને એક આધુનિક તથા ઔપચારિક અર્થતંત્રમાં લાવવાની રીત, ખોટી રીતે અમલી બનાવાયેલું નોટબંધી જેવું પગલું ન હોઈ શકે.

દેશનું ખરાબ આરોગ્યસેવા માળખું

પ્રોફેસર હેન્કીએ કહ્યું હતું કે "ભારત કોરોનાના રોગચાળ માટે તૈયાર ન હતું. એ ઉપરાંત દેશમાં ટેસ્ટિંગ કે સારવારની સુવિધા પણ બહુ ઓછી છે. ભારતમાં પ્રત્યેક 1,000 લોકોએ 0.7 બેડ છે. દેશમાં પ્રત્યેક 1,000 વ્યક્તિએ માત્ર 0.8 ડૉક્ટર ઉપલબ્ધ છે. દેશનું આરોગ્યસેવા માળખું કેટલું નબળું છે તેનું એક ઉદાહરણ મહારાષ્ટ્રની સરકારી હૉસ્પિટલોમાં માત્ર 450 વેન્ટિલેટર્સ અને 502 આઈસીયુ બેડ્સ છે. આટલા ઓછાં સંસાધનને આધારે રાજ્યના 12.6 કરોડ લોકો ટકી રહ્યા છે."

તેમણે કહ્યું હતું કે, "કોરોના વાઇરસની મુશ્કેલી એ છે કે તે કોઈ લક્ષણ વિનાના કેરિયર્સમાં કોઈને ખબર ન પડે એ રીતે આ બીમારીનો ચેપ લોકોને લગાવી શકે છે. આ વાઇરસના અસરકારક સામનાનો એકમાત્ર ઉપાય, સિંગાપુરની માફક ટેસ્ટ અને ટ્રેસ પ્રોગ્રામ ચલાવવાનો છે, પણ ભારતમાં આ પ્રકારના પ્રોગ્રામ ચલાવવાની ક્ષમતા અત્યંત મર્યાદિત છે."

મુશ્કેલીના સમયે સરકારોનો પ્રતિભાવ

ચેપને ફેલાતો અટકાવવા માટે મોડેથી પગલાં લેવા બદલ આખી દુનિયામાં સરકારોની ટીકા કરવામાં આવી રહી છે.

આ બાબતે પ્રોફેસર હેન્કીએ કહ્યું હતું કે "કોરોના વાઇરસનો રોગચાળો શરૂ થતાંની સાથે જ દુનિયા બીજા વિશ્વયુદ્ધ પછીની આ સૌથી મોટી કટોકટી સામે લડવામાં જોડાઈ ગઈ છે. સંકટ નાનું હોય કે મોટું, તેના સામનાના પ્રયાસ સરકાર કરે એવી માગ હંમેશા થતી હોય છે."

"સરકારની નીતિઓ કે પગલાંને કારણે આ સંકટ સર્જાયું છે કે કેમ કે પછી સરકાર કોઈ સંકટ દરમિયાન થયેલા નુકસાનને અટકાવવામાં અને આ સંકટને ટાળવામાં નિષ્ફળ સાબિત થઈ છે કે કેમ એ વાતથી કોઈ ફરક પડતો નથી."

પ્રોફેસર હેન્કીએ કહ્યું હતું કે "બન્ને બાબતોમાં પ્રતિભાવ એક જ હોય છે. સરકારનો સ્કોપ અને સ્કેલ વધારવાની જરૂર હોય છે. તેનાં અનેક સ્વરૂપ હોઈ શકે છે, પણ એ બધાનું પરિણામ, સમાજ તથા અર્થતંત્ર પર સરકારની શક્તિના વધારે ઉપયોગના સ્વરૂપમાં દેખાતું હોય છે. સત્તા પર આ પકડ, કટોકટી પસાર થઈ જાય પછી પણ લાંબા સમય સુધી અસ્તિત્વમાં રહેતી હોય છે."

પ્રોફેસર સ્ટીલ હેન્કીના જણાવ્યા મુજબ, પહેલા વિશ્વયુદ્ધ પછીનાં બધાં સંકટમાં, આપણા જીવનમાં રાજનીતિકરણમાં કેટલો જોરદાર વધારો થયો છે એ આપણે જોયું છે. તેમાં આ પ્રકારના સવાલોને રાજકીય સવાલમાં પરિવર્તિત કરવાનું વલણ હોય છે. બધી બાબતોને રાજકીય બાબત ગણવામાં આવે છે. બધાં મૂલ્યોને રાજકીય મૂલ્ય માનવામાં આવે છે અને બધા નિર્ણય રાજકીય નિર્ણય હોય છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે નોબેલ પુરસ્કાર સન્માનિત અર્થશાસ્ત્રી ફ્રેડરિક હાયેક નવી વિશ્વ વ્યવસ્થાની સાથે આવનારી લાંબા ગાળાની સમસ્યાઓ ભણી ઇશારો કરે છે. હાયેક માને છે કે આકસ્મિક સ્થિતિ, હંમેશા વ્યક્તિગત આઝાદી સુનિશ્ચિત કરતા ઉપાયોને નિર્બળ બનાવતું કારણ બની રહી છે.

રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નિષ્ફળતા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશે પણ કહેવાઈ રહ્યું છે કે કોરોનાના ચેપને ફેલાતો અટકાવવા માટે તેમણે ફેબ્રુઆરીથી જ પગલાં લેવાં જોઈતા હતા.

આ બાબતે પ્રોફેસર સ્ટીવ હેન્કે કહ્યું હતું કે "કોઈ પણ સંકટમાં સમય તમારો દુશ્મન હોય છે. વધારે અસરકારકતા માટે આપણે આકરા અને સ્પષ્ટ નિર્ણયો ઝડપથી કરવા પડે છે."

"રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ એવું કરવામાં નિષ્ફળ રહ્યા છે, પણ એવા તેઓ એકલા રાજનેતા નથી. બીજી ઘણી સરકારોએ તો વધારે સુસ્તી દેખાડી છે. તેનું એક કારણ એ કે વુહાનમાં શું થઈ રહ્યું છે એ ચીને લાંબા સમય સુધી દુનિયાથી છૂપાવી રાખ્યું હતું. વિશ્વ આરોગ્ય સંગઠને પણ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના પાપ પર પડદો ઢાંકી રાખ્યો હતો. ચીન અત્યારે પણ તેના ટેસ્ટિંગના ડેટા શેર કરવા તૈયાર નથી."

વિશ્વ આરોગ્ય સંગઠનની કંગાળ ભૂમિકા

અમેરિકા રાષ્ટ્રપ્રમુખે વિશ્વ આરોગ્ય સંગઠનની ટીકા કરી તેના પ્રતિભાવમાં વિશ્વ આરોગ્ય સંગઠને જણાવ્યું હતું કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે કોરોના વાઇરસને ફેલાવા માટે અમને સંપૂર્ણપણે જવાબદાર ઠરાવ્યા નથી. તેમનું કહેવું એમ હતું કે વિશ્વ આરોગ્ય સંગઠને આ રોગચાળા સંબંધે યોગ્ય રીતે કામગીરી કરી ન હતી.

ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા મુજબ, વિશ્વ આરોગ્ય સંગઠને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના માઉથપીસ તરીકે કામ કર્યું છે.

પ્રોફેસર સ્ટીવ હેન્કીએ કહ્યું હતું કે "વિશ્વ આરોગ્ય સંગઠનના વડા ડો. ટેડ્રોસ અને વિશ્વ આરોગ્ય સંગઠન તેમના નિર્ધારિત પબ્લિક હેલ્થ મિશનથી વિપરીત ચીનમાં કમ્યુનિસ્ટોને ખુશ કરવામાં વ્યસ્ત છે. અન્ય સંગઠનોની માફક વિશ્વ આરોગ્ય સંગઠન પણ રાજકારણનો શિકાર છે. વિશ્વ આરોગ્ય સંગઠનને લાંબા સમય પહેલાં મ્યુઝિયમમાં મોકલી આપવાની જરૂર હતી."

પાંચ 'પી'ના પદાર્થપાઠ

પ્રોફેસર સ્ટીવ હેન્કીના જણાવ્યા મુજબ, "કોઈ સંકટ વખતે કરાયેલી પૂર્વતૈયારી બાદમાં રાહતનું કારણ બનતી હોય છે, પણ સરકારો આવાં સંકટોનો ઉપયોગ સત્તા પર પોતાની પકડ મજબૂત બનાવવા માટે કરતી હોવાનું જોવા મળ્યું છે. મારી સલાહ, મેં રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રીગનની આર્થિક સલાહકાર પરિષદમાં આપેલી સેવા દરમિયાન મળેલા પદાર્થપાઠ પર આધારિત છે. એ વખતે જિમ બેક વ્હાઇટ હાઉસના ચીફ ઑફ સ્ટાફ હતા."

પ્રોફેસર સ્ટીવ હેન્કીએ ઉમેર્યું હતું કે જિમ બેકરે પાંચ પી એટલે કે 'પ્રાયર પ્રિપરેશન પ્રીવેન્ટ્સ પુઅર પર્ફોર્મન્સ'નો આગ્રહ રાખ્યો હતો. તેનો અર્થ એ થાય કે અગાઉથી કરેલી તૈયારી પછીના સમયમાં તમને મુશ્કેલીમાંથી બચાવે છે. સરકાર હોય કે બિઝનેસ, આ પાંચ પીને અનુસરવાથી અનિશ્ચિતતા તથા ઉથલપાથલ ભરેલી આ દુનિયામાં ખુદને જીવતા રાખી શકાય છે.

સ્પષ્ટ રીતે કહીએ તો આપણે એવી સંસ્થાઓ બનાવવી જોઈએ જે ટકાઉ હોય અને નુકસાન ખમવાની ક્ષમતા ધરાવતી હોય. એવું કરવાથી અનિશ્ચિતતાના અને સંકટના સમયે સંભવિત નકારાત્મક દુષ્પરિણામનો સામનો કરવામાં મદદ મળતી હોય છે. અનિશ્ચિતતા તથા સંકટનો અગાઉથી તાગ મેળવી શકાય અને એ સંદર્ભે પ્રભાવશાળી પગલાં લઈ શકાય એ માટે પણ આવી સંસ્થાઓ બનાવવી જોઈએ.

સિંગાપુરે ખુદને કઈ રીતે બદલ્યું?

સિંગાપુરમા સંક્રમણ ફરીથી ફેલાવાનું જોખમ સર્જાયું છે, પણ તેનો અત્યાર સુધીનો રેકોર્ડ સરાહનીય રહ્યો છે.

પ્રોફેસર સ્ટીવ હેન્કીએ કહ્યું હતું કે "મને હાલ સિંગાપુરનું ઉદાહરણ યાદ આવે છે. 1965માં સિંગાપુરની રચના થઈ ત્યારે તે એક બેસહારા અને મલેરિયાના પ્રકોપથી પીડાતો પ્રદેશ હતું, પણ સિંગાપુરે ત્યાંથી માંડીને અત્યારે ખુદને વિશ્વના ફાઇનાન્શિયલ સુપરપાવર તરીકે પરિવર્તિત કરવામાં સફળતા મેળવી છે."

"તેનું શ્રેય કુઆન લીની નાનકડી સરકારને મળે છે. તેમણે ફ્રી માર્કેટના તેમના વિઝન અને પાંચ પીને અપનાવીને લક્ષ્ય હાંસલ કર્યું છે."

"આજે સિંગાપુર વિશ્વનાં ટોચના ફ્રી માર્કેટ અર્થતંત્રો પૈકીનું એક છે. સિંગાપુરમાં નાનકડી, ભ્રષ્ટાચારમુક્ત અને અસરકારક સરકાર છે."

તેથી મોટાભાગના દેશોની સરખામણીએ સિંગાપુર કોરોના વાઇરસનો સારી રીતે સામનો કરવામાં શા માટે સફળ રહ્યું છે એ વિશે કોઈને આશ્ચર્ય થવું ન જોઈએ."

ટેસ્ટિંગનો વ્યાપ વધારવો અનિવાર્ય

કોરોના માટે ટેસ્ટિંગનું પ્રમાણ વધારવાનો આગ્રહ દરેક દેશ રાખી રહ્યો છે.

પ્રોફેસર સ્ટીવ હેન્કીએ કહ્યું હતું કે "જે દેશો પાંચ પીનું પાલન કરે છે એ દેશો જ સારી કામગીરી કરી રહ્યા છે. તેમાં દક્ષિણ કોરિયા, સિંગાપુર, હોંગકોંગ, સ્વીડન અને જર્મની જેવી મજબૂત ફ્રી માર્કેટ ઇકૉનૉમીનો સમાવેશ થાય છે. આ દેશો આજે ઓછી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે."

"આ દેશોએ કોરોનાના સામનાના પગલાં વહેલાસર લેવાનું શરૂ કરી દીધું હતું. આ દેશોએ ટેસ્ટિંગનો વ્યાપ ઝડપથી વધાર્યો હતો. જર્મનીનું અર્થતંત્ર હવે ઉઘડવું શરૂ થયું છે."

સ્વીડનનું ઉદાહરણ પણ આપી શકાય. સ્વીડને ક્યારેય આકરાં પગલાં લીધાં ન હતાં. એ કારણે સ્વીડનમાં સ્કૂલો અને મોટાભાગની ઇન્ડસ્ટ્રીઝ ચાલુ જ રહી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો