કોરોના વાઇરસ : 'રોગચાળાનો સામનો કરવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નમૂનેદાર કામગીરી' - દૃષ્ટિકોણ

    • લેેખક, રામ માધવ
    • પદ, ભાજપના મહાસચિવ

વર્ષ 1914 પહેલાં યુરોપ, અમેરિકા અને તેની વસાહતોમાં જવા માટે કોઈ વીઝા, પાસપૉર્ટની જરૂર પડતી ન હતી. પછી પહેલું વિશ્વ યુદ્ધ થયું અને સંજોગો બદલાઈ ગયા.

દેશોએ પોતપોતાનો પ્રદેશ આંકી લીધો અને રાષ્ટ્રીય સરહદોની રેખાઓ તણાઈ ગઈ. એ પછી આર્થિક તંગી અને મંદીનો દૌર શરૂ થયો. રાષ્ટ્રવાદની ભાવના અતિ-રાષ્ટ્રવાદની ચરમસીમા પર પહોંચી ગઈ અને તે બીજા વિશ્વ યુદ્ધનું કારણ બની.

બીજા વિશ્વ યુદ્ધ પછી પારસ્પરિક સંબંધવાળી, એકમેક પર નિર્ભર અને સંસ્થાગત વૈશ્વિક દુનિયાએ આકાર લીધો. પાછલાં 75 વર્ષના ચડાવઉતાર પછી પણ એ વૈશ્વિક વ્યવસ્થા યથાવત્ રહી છે.

કોરોના વાઇરસથી સર્જાયેલો રોગચાળો દુનિયાની વર્તમાન વ્યવસ્થાને પહેલાં જેવી પરિસ્થિતિમાં મૂકવાની ધમકી આપી રહ્યો છે.

પહેલા વિશ્વ યુદ્ધ પછી દુનિયાના દેશો આત્મકેન્દ્રી અને સત્તા સમર્થક બન્યા હતા. કેટલાક રાજકીય વિજ્ઞાનીઓએ કોરોના વાઇરસના સમયમાં એવી જ દુનિયાના ઉદયની ભવિષ્યવાણી કરી છે.

તેમાં દુનિયા વધુ સાંકડી અને સંકીર્ણ રાષ્ટ્રવાદથી ભરેલી હશે. 'રાષ્ટ્રોનું પ્રત્યાગમન' નવી વ્યંજના છે. અર્થશાસ્ત્રીઓ વૈશ્વિકીકરણ અને મુક્ત વેપારના દિવસોની વાતો કરી રહ્યા છે.

આટલી નિરાશા ક્યાંથી ઉપજી છે? માત્ર 0.125 માઇક્રો વ્યાસવાળો કોરોના વાઇરસ, જે આપણી પલકના એક હજારમાં હિસ્સા સમાન છે, તેમાંથી? કદાચ નહીં.

એક વાઇરસે નહીં, પણ દુનિયાના બે સૌથી શક્તિશાળી દેશોએ સમગ્ર વિશ્વના આત્મવિશ્વાસને ખળભળાવી મૂક્યો છે. હૂવર ઇન્સ્ટિટ્યૂશનના અમેરિકન ઇતિહાસકાર નિએલ ફર્ગ્યૂસને આ બન્ને દેશોને 'ચીમેરિકા' કહે છે.

ગયા દાયકા કે તેનાથી થોડા વધુ સમયથી ચીન અને અમેરિકાએ આર્થિક સંબંધોવાળું મૉડલ વિકસાવ્યું છે. જેની તુલના ફર્ગ્યૂસન નિચેબેઈ (ગત સદીના અંત સુધીના અમેરિકા-જાપાન વચ્ચેના મજબૂત આર્થિક સંબંધ) સાથે કરે છે.

કોરોના વાઇરસે આ 'ચીમેરિકા'ને કાલ્પનિક ધારણામાં બદલી નાખ્યું છે.

ચીનના ત્રણ સિદ્ધાંત

ચીની નેતૃત્વ પર વિશ્વથી સચ્ચાઈ છુપાવવાના આક્ષેપ થઈ રહ્યા છે, જેને કારણે વાઇરસ બીજા દેશો સુધી પહોંચ્યો અને રોગચાળો બની ગયો.

ચીનના દાવાઓને પડકારવામાં આવી રહ્યા છે અને તેમના આંકડા બાબતે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

ચીનના સત્તાવાર આંકડા મુજબ, તેમને ત્યાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 82,000 છે અને 4500 લોકો મૃત્યુ પામ્યાં છે.

જોકે, વૉશિંગ્ટનસ્થિત થિંક ટૅન્ક અમેરિકન એન્ટરપ્રાઇઝ ઇન્સ્ટિટ્યૂટના ડેરેક સિઝર્સે કહ્યું છે કે ચીનમાં સંક્રમિત લોકોની સંખ્યા 29 લાખ સુધીની હોઈ શકે છે.

ચીનનો સમાવેશ એવા કેટલાક દેશોમાં થાય છે, જે દેશો કોઈ પણ પરંપરાગત પાઠ્યક્રમનું પાલન કરતા નથી.

ચીન ઘરઆંગણે ઐતિહાસિક અનુભવોને અપનાવવાની વાત કરે છે. ચીન આજે જે કંઈ પણ છે તે એક લાંબી ક્રાંતિનું પરિણામ છે. એ ક્રાંતિ પછી માઓએ 1949માં ચીનની સત્તા કબજે કરી હતી.

ચીનનો વૈશ્વિક દૃષ્ટિકોણ ત્રણ મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતોને આધારે નક્કી થાય છે. એ ત્રણ સિદ્ધાંતો એટલે જીડીપીવાદ, ચીનને કેન્દ્રમાં રાખવાની ભાવના અને પોતાનામાં અસાધારણ ક્ષમતા હોવાની ભાવના.

આ ત્રણેય સિદ્ધાંત માઓની ક્રાંતિમાંથી જ નીપજ્યા હતા. ડાંગ શિઆઓ પિંગે 1980ના દાયકામાં જાહેરાત કરી હતી કે 'સૌથી મહત્ત્વનો સિદ્ધાંત આર્થિક વિકાસ છે.' ચીની અર્થશાસ્ત્રીઓ તેને જીડીપીવાદ કહે છે.

બીજો સિદ્ધાંત ખુદને કેન્દ્રમાં રાખવાની ચીનના ભાવના પર આધારિત છે. માઓએ સ્વતંત્રતા, સ્વાયતતા અને આત્મનિર્ભરતાનો આગ્રહ રાખ્યો હતો.

વેંગ શેનના સંગીતવાળા ચીનના વિખ્યાત દેશભક્તિ ગીત 'ગેચાંગ જુગુઓ'માં પહાડ, મેદાનો અને યાંગત્ઝે તથા હવેંગ નદી પર વસેલા વિશાળ અને સુંદર ચીનને પોતાનો દેશ કહેવામાં આવ્યો છે.

એ ગીતના ભાવનાનું દરેક ચીની નાગરિક પોતાના જીવનમાં અક્ષરશઃ અનુસરણ કરે છે.

ત્રીજો સિદ્ધાંત ચીનની અસાધારણ ક્ષમતા સાથે જોડાયેલો છે. ચીનને બીજા કોઈ પાસેથી કશું શીખવામાં રસ નથી.

ક્રાંતિના સમયમાં માઓએ આપેલા આદેશ 'અભ્યાસ અને કામ કરો'નું ચીન પાલન કરે છે. પોતાની સમસ્યાઓનું નિરાકરણ પોતાની બુદ્ધિ વડે કરવાનો આગ્રહ ચીનના નેતાઓ રાખે છે.

કોરોના સામેની લડાઈમાં એશિયન દેશોની કામગીરી બહેતર

ઐતિહાસિક સમાનતા હંમેશાં સાચી હોય તેવું બનતું નથી. ચીનનો રાષ્ટ્રવાદી દૃષ્ટિકોણ, ઘણા અંશે બીજા વિશ્વ યુદ્ધ પહેલાના જર્મનીના દૃષ્ટિકોણ જેવો છે.

વાંશિક શ્રેષ્ઠતા, ઐતિહાસિક દાવાઓ અને આર્યોની અસાધારણ પ્રકૃતિથી દુનિયા 1930ના દાયકામાં બહુ પરિચિત હતી. એ જમાનામાં ઘણા દેશો માટે એ સામાન્ય વાત હતી.

હિટલરે પૂર્વ ચેકોસ્લોવેકિયાના જર્મનભાષીઓવાળો હિસ્સો સુડેટેનલેન્ડ કબજે કરી લીધો ત્યારે યુરોપે હિટલરને પડકારવાને બદલે તેને રાજી કરવાનો નિર્ણય લીધો હતો.

રુઝવેલ્ટ દૂર રહીને પરિસ્થિતિ નિહાળી રહ્યા હતા, જ્યારે બ્રિટન, ફ્રાન્સ અને ઇટાલીએ મ્યુનિક કરાર હેઠળ હિટલર માટે ઉજવણી કરી રહ્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ફ્રૅન્કલીન રુઝવેલ્ટે તો હિટલરનાં વખાણ કરતાં કહ્યું હતું કે "આખી દુનિયાના લોકો તમારી કાર્યવાહીને માનવજાતની ઐતિહાસિક સેવા તરીકે યાદ રાખશે તેની મને ખાતરી છે."

હિટલરે માત્ર એક જ વર્ષમાં પોતાના વચનમાંથી પલટીને વધારે આક્રમકતા દેખાડવાનું શરૂ કરી દીધું હતું તેમાં કશું આશ્ચર્યજનક નથી. તેનાથી જ બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી.

1939-40માં જે સ્થિતિ બ્રિટનની હતી એ આજે અમેરિકાની છે. છેક મોડેમોડે જાગતાં પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસને અમેરિકાને બરબાદ કરવાની છૂટ આપી છે.

28 ફેબ્રુઆરીએ સાઉથ કેરોલિનામાં ડોનાલ્ડ ટ્રમ્પે, રોગચાળો ફેલાવવાની ચેતવણીને ધ્યાનમાં નહીં લેવાનું તેમના સમર્થકોને જણાવ્યું હતું.

તેમણે રોગચાળાની ચેતવણીને મીડિયાનો ઉન્માદ ગણાવી હતી અને કહ્યું હતું કે કોરોનાનું જોખમ નવું છળ સાબિત થશે.

બીજી તરફ બેલ્ટ ઍન્ડ રોડનો લાભ લેવા માટે ખુશામત કરતાં ચીન સુધી પહોંચેલા યુરોપના દેશો રોગચાળાને રોકવા માટે સંઘર્ષ કરતા હતા.

રસપ્રદ વાત એ છે કે જે દેશો આ ચેપી રોગનો જોશભેર સામનો કરી રહ્યા છે તે પૈકીના મોટા ભાગના એશિયાના લોકશાહી દેશો છે. તેમનું નેતૃત્વ દક્ષિણ કોરિયા કરી રહ્યું છે.

સિંગાપોર ટેસ્ટિંગ મારફત આ રોગચાળાને નાથવામાં સફળ રહ્યું છે. હૉંગકૉંગ અને તાઇવાને સાર્સ વાઇરસના ભૂતકાળના અનુભવમાંથી પાઠ ભણીને કોરોનાના સંક્રમણને રોકવા માટે સમયસર અસરકારક પગલાં લીધાં છે.

બહેતર સંઘર્ષની આશા?

બીજી તરફ ભારતે કોરોનાને પડકારવા માટે લોકતાંત્રિક સક્રિયતાનું ઉદાહરણ રજૂ કર્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્ય સરકારો સાથે મળીને લૉકડાઉન તથા સોશિયલ ડિસ્ટન્સિંગની જોગવાઈઓનું પાલન કરાવવામાં સફળ થયા છે.

તેઓ મોખરે રહીને નેતૃત્વ કરી રહ્યા છે અને તેમને સામાન્ય લોકોને સંપૂર્ણ ટેકો છે.

1.3 અબજ લોકોની વસતી ધરાવતા દેશમાં અત્યાર સુધી 21,000થી વધુ લોકોને જ કોરોનાનો ચેપ લાગ્યો છે. વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ કોઈ આપખુદ કે અધિકારીવાદી નિર્ણય કર્યો નથી.

અલબત્ત, ઇસ્લામોફોબિયા જેવી ઉશ્કેરણી અને ખોટી માહિતી ફેલાવવાના પ્રયાસ થયા છે, પણ એવી ઉશ્કેરણીનો સામનો નરેન્દ્ર મોદીએ પૂરતી ગંભીરતા, સંયમ અને આશાવાદી દૃષ્ટિકોણ સાથે કર્યો છે.

તેમણે સાબિત કર્યું છે કે દૂરદર્શી નેતૃત્વ ધરાવતો લોકશાહી દેશ ઉદારવાદી મૂલ્યો સાથે બાંધછોડ કર્યા વિના આવા પડકારોનો સામનો કરી શકે છે.

જે નવી વૈશ્વિક વ્યવસ્થા આકાર લઈ રહી છે તેમાં ભારત - અમેરિકા અને જર્મની જેવા દેશો સાથે મળીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેખાડેલા માનવ સંસાધન આધારિત વિકાસ સહયોગના આધારે નવી દુનિયાના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

આ સમય નવા ઍટલાન્ટિક ચાર્ટરનો છે. પર્યાવરણ, સ્વાસ્થ્યસેવા, ટેક્નોલૉજી અને લોકતાંત્રિક ઉદારવાદ નવા ઍટલાન્ટિક ચાર્ટરના પાયાના મુદ્દા બની શકે છે.

આજે ચીન સામે પણ એક તક છે. આખી દુનિયામાં તેની ટીકા થઈ રહી છે. દેશમાં પણ અશાંતિ વધી રહી છે.

શી જિનપિંગના નેતૃત્વ સામે સતત પડકાર આવી રહ્યા છે. ચીનની નેતાગીરી હવે ડેંગના આદેશ ભણી પાછી વળે સમય આવી ગયો છે. એ આદેશમાં 'નદીઓ પાર કરવા માટે પથ્થરોની અનુભૂતિની' વાત કરવામાં આવી હતી.

ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીમાં એક કહેવત છેઃ લક્સિયન દુઝેંગ તેનો અર્થ થાય છે - તબક્કાવાર સંઘર્ષ. કેટલાક લોકો માટે એ સત્તાનો સંઘર્ષ પણ હોય છે, પરંતુ એ પક્ષના નવા અભિગમ માટેના સંઘર્ષને પણ પ્રતિબિંબિત કરે છે.

ભૂતકાળમાં આવો સંઘર્ષ થયો પણ છે. સવાલ એ છે કે દુનિયાએ આ વખતે બહેતર સંઘર્ષની આશા રાખવી જોઈએ?

(લેખક ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી છે. આ લેખમાં વ્યક્ત વિચાર તેમના અંગત છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો