ગુજરાતના આર્થિક વિકાસનો માર્ગ કેવી રીતે તૈયાર થયો?

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બી.બી.સી. ગુજરાતી માટે

ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અને આર્થિક વિકાસની જે ઝાકઝમાળ આપણે આજે જોઈએ છીએ તે કાંઈ આજકાલની ઘટના નથી. એનો એક લાંબો ઇતિહાસ છે. આ ઇતિહાસમાં ગુજરાતનું આર્થિક પાટનગર અમદાવાદ એક વિશિષ્ટ સ્થાન ભોગવે છે.

અમદાવાદને આ સ્થાન કઈ રીતે પ્રાપ્ત થયું તે અંગે ઘણીબધી દંતકથાઓ પ્રચલિત છે. 'જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા'વાળી ઉક્તિ મુજબ બાદશાહના શિકારી કૂતરાઓની સામે સસલું ધસી ગયું ત્યારે આ વિસ્તાર પાણીદાર છે એવું તારણ કાઢીને બાદશાહે અહીંયાં શહેર વસાવવાનું નક્કી કર્યું.

આ શહેર એટલે આજનું અમદાવાદ. પણ આને કોઈ ઇતિહાસકારે નોંધ્યું હોય તેવું જણાતું નથી. એટલે આ વાતને લોકવાયકા જ ગણવી રહી.

સાગર, સાહસ અને સમૃદ્ધિ

વ્યક્તિગત રીતે એવું લાગે છે કે ખૂબ લાંબો દરિયાકાંઠો ધરાવતું ગુજરાત રાજ્ય અને એની સાગરખેડુ સાહસિક પ્રજા દેશ-વિદેશ સાથે વેપાર કરીને અઢળક સંપત્તિ રળતી થઈ એટલે શરૂઆતના ગુજરાતનો વિકાસ ક્રયવિક્રય એટલે કે વેપાર-વાણિજ્યને કારણે થયો.

આ વિકાસ પાછળ ગુજરાતી સાહસિકોની બજારોને સમજવાની શક્તિ અને ઊભી થતી તકોને ઝડપવાની ક્ષમતાની સાથોસાથ ગુજરાતીના વિશિષ્ટ ગુણો, સુલેહ અને સમાધાન, સહકાર અને સહિષ્ણુતા પણ કારણભૂત છે.

વેપારવણજ અને સાહસિકવૃત્તિ એ ગુજરાતીઓને રાજ્યની બહાર પણ સાહસ કરવા માટે પ્રેર્યા અને અન્ય દેશોનાં બંદરોમાં પોતાનાં થાણાં નાખી વેપાર વિકસાવી ગુજરાતના વહાણવટીઓ અને વેપારીઓ દ્વારા આગવી વ્યાપારિક સંસ્કૃતિનું સર્જન થયું.

આગળ જતા આ જ વ્યાપારી સંસ્કૃતિના વારસદારો વિદેશોમાંથી યંત્રો અને ટેકનૉલૉજી લઈ આવતા થયા અને વૈશ્વિક ઔદ્યોગિક ક્રાંતિની સાથોસાથ ગુજરાતમાં પણ ઔદ્યોગિક વિકાસની દિશાઓ ખૂલવા માંડી.

ગતિશીલતા અને નવું અપનાવવાની આવડત, દરિયાપાર પહોંચીને વિશ્વના વિવિધ ભાગોમાં પથરાવું અને એ રીતે અનેક સંસ્કૃતિને પોતાનામાં સમાવી ગુણગ્રાહી બનવું પણ પોતાનું ગુજરાતીપણું ન છોડવું, એ ગુજરાતી સંસ્કૃતિની વિશિષ્ટતા છે.

આ વાતને ઘણાં વરસો પહેલાં 'જે જાય જાવે (વર્તમના સમયના ઇન્ડોનેશિયાનું એક સ્થળ) તે પાછો ના આવે અને જો પાછો આવે તો પરિયાના પરિયા ખાય એટલું લાવે' જેવી કહેવતનું રૂપ અપાયું હશે.

આવી જ રીતે 'ડાહ્યો દીકરો દેશાવર ખેડે અને ડાહી વહુ ચૂલો સંભાળે' એ પણ ગુજરાતી સંસ્કૃતિ અને મિજાજ સાથે જોડતી કહેવત છે. 'લંકાની લાડી અને ઘોઘાનો વર' જેવું વિધાન વિદેશો સાથે લગ્નસંબંધ અને એ રીતે સામાજિક સંબંધોથી પણ જોડાવાનું બનતું હશે તેનું સૂચક છે.

પ્રો. મકરંદ મહેતાના શબ્દોમાં કહીએ તો, "ગુજરાતી વેપારીઓ સ્પર્ધામાં અન્ય હરીફોને હંફાવવા નફોતોટો ઓછો રાખતા અને કદાચ તેથી જ વધારે ધન પ્રાપ્ત કરતા."

"દરિયાપાર-ગમન અને વિદેશ વસવાટની પરંપરાએ ગુજરાતને માત્ર સમૃદ્ધિ જ નથી આપી, એણે ગુજરાતીઓને જગતને પારખવાની દૃષ્ટિ પણ આપી છે. વિદેશીઓ ગુજરાતીઓને 'ગુજરાતી ભાષા બોલતી વ્યાપારી કોમ' તરીકે સૈકાઓથી ઓળખતા આવ્યા છે."

ઇતિહાસની આરસીમાં અમદાવાદ

ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદની સ્થાપના 15મી સદીમાં થઈ, એમ ગણીને ઘણા લોકો ચાલતા હોય છે, પણ આ માન્યતા અંગે ચર્ચા ઊભી કરે તેવા પુરાવા આપણને મળે છે.

હિન્દુના પ્રાચીન ઇતિહાસમાં ગુજરાત અંગેના ઉલ્લેખોમાં ક્યાંક 'સુરાષ્ટ્ર', 'આનર્ત', 'અપરાંત' જેવાં નામો આવતાં હોય, પણ આજનું અમદાવાદ જેને કિનારે વસ્યું છે એ સાબરમતીનું નામ 'શ્વભ્રવતી' એટલે કે 'કોતરોમાંથી વહેતી નદી' અને અમદાવાદની ભૂમિ 'શ્વભ્રદેશ' તરીકે બારમી સદીના ગ્રંથોમાં ઉલ્લેખાયેલ છે.

પદ્મપુરાણમાં 'શ્રાભ્રમતી'નો ઉલ્લેખ છે, જે બદલાતાં સમય સાથે 'સાબરમતી' થયું હશે. કેટલાકનો એવો પણ મત છે કે સાબરમતીનું નામ 'સાબર' હતું અને 'હાથમતી' સાથે તેનો સંગમ થતાં બંને શબ્દ જોડાઈને 'સાબરમતી' બન્યું.

આ 'શ્વભ્રવતી'ના કાંઠે 'આશાવલ' હતું, જેનો ઉલ્લેખ 10મી સદીથી આરબ મુસાફરોના વર્ણનોમાં અને સંસ્કૃત પ્રબંધોમાં આવે છે.

આ વિસ્તારમાં ભીલોનું આ રાજ્ય હતું જેનો મૂળ પુરુષ આશો ભીલ હતો. પ્રબંધ ચિંતામણી મુજબ, આશા ભીલને હરાવી કર્ણદેવ સોલંકીએ એનું નામ બદલી 'કર્ણાવતી' રાખ્યું. ઇતિહાસકારોએ આશાવલને સારી વસતિવાળું, ઉદ્યોગી અને સારી પેદાશવાળા શહેર તરીકે વર્ણવ્યું છે.

અમદાવાદ એટલે...

દસમી સદીથી ગુજરાતનાં નગરોમાં પાટણ, ખંભાત અને ત્યારબાદ આશાવલનું નામ આવે છે. જ્યારે સુરત, ભરૂચ અને ખંભાતનાં બંદરો ધમધમતાં હતાં ત્યારે ભરૂચથી પાટણ અને મોડાસા થઈ ઉત્તર હિન્દમાં જવાતું હતું.

અમદાવાદ ગૅઝેટિયર મુજબ તારીખ 4થી માર્ચ 1411 અમદાવાદનો સ્થાપના દિવસ ગણાય છે. આમ પ્રાચીન સમયથી આશાવલ કહો, કર્ણાવતી કહો કે અમદાવાદ, વેપારવણજના કેન્દ્ર તરીકે ખંભાત, ભરૂચ અને સુરત જેવાં બંદરો સાથે જોડાયેલ શહેર તરીકે જાણીતું છે.

અહીંયાં વસનારા સમાધાનકારી વૃત્તિ ધરાવતા કુશળ વેપારીઓ હતા. અમદાવાદ - અહમદાવાદ એટલે અહમ-અહંકાર અને વાદ એટલે મત-મતાંતર અથવા મતભેદ બંનેની જેમાંથી બાદબાકી થઈ છે તેવો પ્રદેશ.

કાળક્રમે અમદાવાદમાં જે કોઈ આવ્યું તેણે એક યા બીજી રીતે વિકાસને ગતિશીલ બનાવવામાં પોતાનો ફાળો આપ્યો.

ગુજરાતનાં એ રત્નો

આ ઉપરાંત ગુજરાતમાં 13મી સદીમાં કચ્છમાં જગડુશા (1210-1275), 14મી અને 15મી સદીમાં ખંભાત અને પંચમહાલમાં નાઇજિરિયાથી આવેલા ગુલામબાબા ઘોર (1396-1465), રાંદેર અને સુરતમાં મલિક ગોપી (1456-1515), સુરતમાં વીરજી વોરા (1585-1670) અને ભીમજી પારેખ (1610-1686) અને અમદાવાદમાં શાંતિદાસ ઝવેરી (1590-1660) જેવા મહાન વેપારીઓ થઈ ગયા.

બ્રિટિશ સલ્તનતનો સૂર્ય જ્યારે સોળે કળાએ ખીલ્યો હતો તે સમયમાં રણછોડલાલ છોટાલાલ (1823-1898), જમશેદજી તાતા (1839-1904), મફતલાલ ગગલભાઈ (1873-1944) નાનજી કાલિદાસ મહેતા (1889-1969), અંબાલાલ સારાભાઈ (1890-1967) અને કસ્તુરભાઈ લાલભાઈ જેવા વેપારી તેમજ પ્રાયોજકો થઈ ગયા.

આમાંથી કેટલા કે વિદેશથી ટેકનૉલૉજી અને મશીનરી મંગાવી આધુનિકીકરણ અને જમાના સાથે તાલમેલ સાધી આગળ વધવાનો પ્રયત્ન કર્યો.

સુરતના પ્રાયોજક ભીમજી પારેખે 1672માં લંડનથી પ્રિન્ટિંગ ટેકનૉલૉજિસ્ટ હેનરી હિલ્સને બોલાવી પ્રિન્ટિંગ ટેકનૉલૉજી આ દેશમાં લાવવાનો પ્રયત્ન કર્યો.

ટૂંકમાં જેમ-જેમ સમય આગળ વધતો ગયો, એની તાસીર પારખીને ગુજરાતી પોતાની ઉદ્યોગસાહસિકતા અને તીક્ષ્ણ વેપારી બુદ્ધિના સહારે આગળ વધતો ગયો.

આમ તો આ નામાવલી ખૂબ લાંબી થાય પણ શાંતિદાસ શેઠ, કસ્તુરભાઈ લાલભાઈ, રણછોડલાલ છોટાલાલ, અંબાલાલ સારાભાઈ, બેચરદાસ લશ્કરી, ચિનુભાઈ બેરોનેટ, બી. ડી. અમીન, નાનજી કાલિદાસ મહેતા, મૂળજીભાઈ માધવાણી, થારિયા ટોપણ, અલીદીના વિશ્રામ, પ્રેમચંદ પોપટ ચંદેરિયા, જયકૃષ્ણ હરિવલ્લભદાસ જેવાં અનેક નામ ગુજરાતના વિકાસનો ઇતિહાસ લખવો હોય તો આપણી નજર સામે ઊભરે છે.

એક બાજુ દેશમાં આઝાદીની લડત ચરમસીમાએ હતી તે સમયગાળા દરમિયાન જ અમદાવાદના મિલઉદ્યોગે એવી તો હરણફાળ ભરી કે અમદાવાદને 'ભારતના માન્ચેસ્ટર'ની ઓળખ સાંપડી.

સુરતનો જરીઉદ્યોગ, વડોદરામાં કેમિકલ અને ફાર્માસ્યુટિકલ, રાજકોટમાં ફાઉન્ડ્રી અને ડીઝલ એન્જિન, થાન અને હિંમતનગરમાં સિરામિક, જામનગરમાં બ્રાસ પાર્ટસ, ખંભાતમાં અકીક, ભાવનગરમાં મૉનો ફિલામૅન્ટ યાન જેવા ઔદ્યોગિક એકમો ધીરેધીરે અસ્તિત્વમાં આવવા લાગ્યા.

વિકાસનું વહેણ

આજથી લગભગ છ દસક પહેલાં અસ્તિત્વમાં આવેલ ગુજરાત તેની સ્થાપના સમયે ઔદ્યોગિક દૃષ્ટિએ આઠમા ક્રમે હતું.

દેશનો ત્રીજા ભાગનો દરિયાકાંઠો અને કોઠાસૂઝ તેમજ સાહસિક વેપારવૃત્તિ ધરાવતી ગુજરાતી પ્રજાએ ઔદ્યોગિક અને વાણિજ્યિક વિકાસને રાજ્યના વિકાસના ઉદ્દીપક તરીકે સ્વીકારી વિકાસની વાટ પકડી.

આમેય માથાદીઠ એક એકર કરતાં ઓછી ખેડાણલાયક જમીન ધરાવતા ગુજરાત માટે વિકાસના ઉદ્દીપક તરીકે ઔદ્યોગિક અને વાણિજ્યિક વિકાસને સ્વીકાર્યા સિવાય કોઈ રસ્તો નહોતો.

મુંબઈમાં વસતા ગુજરાતી ઉદ્યોગસાહસિકોએ પણ ખાસ કરીને વાપી-અંકલેશ્વર પટ્ટીમાં (દક્ષિણ ગુજરાત) પોતાના એકમો સ્થાપવા માટે પસંદ કરી ગુજરાતની વિકાસયાત્રામાં પોતાનો ફાળો આપ્યો.

મુંબઈ-અમદાવાદ બ્રૉડગેજ રેલવે લાઇન, આ લાઇનને બરાબર સમાંતર આવેલ હાઈવે, વીજળીની પૂરતી ઉપલબ્ધિ સુમેળભર્યા મજદૂર સંબંધો, મહીથી દમણગંગા સુધીની નદીઓના વિસ્તારમાં પાણીની ઉપલબ્ધિ, રાજ્યની સરકારોનું પ્રગતિશીલ વહીવટી તંત્ર અને એનો રચનાત્મક અભિગમ, મુંબઈ-અમદાવાદ વચ્ચે લગભગ સમાન અંતરે આવેલાં નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી જેવાં શહેરોને કારણે સામાજિક આંતરમાળખાકીય સવલતોની ઉપલબ્ધિ.

ગુજરાતનું શાંત અને વેપાર માટે અનુકૂળ એવું સલામત જનજીવન જેવાં અનેક પરિબળોએ આ વિકાસને પ્રેર્યો અને પોષ્યો. ગુજરાતના વિકાસની આ યાત્રા એના પ્રથમ ત્રણ દાયકામાં રાજ્યને દેશમાં ઔદ્યોગિક રાજ્યોમાં અગ્રિમસ્થાને લઈ આવી.

ગુજરાત, બૉમ્બે અને મુંબઈ

ગુજરાતના આર્થિક અને ઔદ્યોગિક વિકાસની તવારીખ ભૂતકાળની કેટલીક ઘટનાઓને સાચા સંદર્ભમાં સમજવા માટે સમજવી પડશે. જે તે સમયે દ્વિભાષી મુંબઈ રાજ્યનું ગુજરાત એક અંગ હતું.

ભાષાકીય ધોરણે અલગઅલગ રાજ્યની રચના થઈ ત્યારે મહાગુજરાત માટેની માગ બુલંદ બની અને તેમાંથી ગુજરાત એક અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું.

એ સમયે મુંબઈ (અગાઉ બૉમ્બે) આજની જેમ જ વેપાર-ઉદ્યોગ માટેનું મુખ્ય કેન્દ્ર તેમજ આયાત-નિકાસ માટેનું મુખ્ય બંદર હતું.

મુંબઈના વિકાસમાં ગુજરાતીઓએ ઘણો મોટો ફાળો આપ્યો છે અને મુંબઈ તેમજ તેની આસપાસ ઘણું મોટું રોકાણ કર્યું છે, એ બહાના હેઠળ મુંબઈ ગુજરાતનો જ ભાગ બને એવી લાગણી અને માગણી ગુજરાતની હતી.

જોકે આ શક્ય ન બન્યું અને મુંબઈ વર્તમાન સમયના મહારાષ્ટ્રમાં ભળ્યું એટલે ગુજરાતને અને ગુજરાતીઓની આ આકાંક્ષા પૂરી ન થઈ.

આગળ જતાં ગુજરાત અલગ રાજ્ય બન્યું તેની સાથેસાથે મુંબઈમાં વસતા ગુજરાતીઓએ પણ ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવાની શરૂઆત કરી.

...એટલે ઔદ્યોગિક વિકાસ જરૂરી

સ્થાપના સમયથી જ ગુજરાતની પ્રગતિ અને આર્થિક વિકાસમાં ઔદ્યોગિક વિકાસ મહત્ત્વનું પરિબળ છે તે નીચેના મુદ્દા પર ધ્યાન આપતાં સમજી શકાશે.

ગુજરાતમાં ખેતીવિકાસની મર્યાદા : રાજ્યની સ્થાપના સમયે માથાદીઠ ખેડાણલાયક જમીન એક એકર કરતાં પણ ઓછી હતી. તેવા સંયોગોમાં આર્થિક વિકાસના સાધન તરીકે ઔદ્યોગિક વિકાસને આગળ કરીને ચાલવાની પરિસ્થિતિ ઊભી થાય એ સ્વાભાવિક છે.

તે ઉપરાંત કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં માત્ર આકાશિયા એટલે કે વરસાદ આધારિત ખેતી હોવાના કારણે વિકાસના ઉદ્દીપક તરીકે ગુજરાત પાસે ઔદ્યોગિક વિકાસનું સાધન વાપરવા સિવાય કોઈ વિકલ્પ ન હતો.

નર્મદા યોજના સંપૂર્ણ રીતે સાકાર થશે તોય 30થી 32 લાખ હેક્ટરથી વધુ બારમાસી સિંચાઈ શક્ય બનવાની નથી. (હાલમાં આશરે 18 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ પૂરી પાડે છે) તે સંયોગોમાં ગુજરાતે પોતાની પ્રગતિ જાળવી રાખવા અને વાણિજ્યિક વિકાસનો વેગ જાળવી રાખવા સિવાય કોઈ આરો નથી.

ગુજરાતમાં શહેરીકરણ : દેશમાં ઝડપથી શહેરીકરણ પામતાં રાજ્યોમાંનું ગુજરાત એક છે. 2011ના સેન્સસ પ્રમાણે ગુજરાતમાં 43 ટકા લોકો શહેરોમાં વસે છે. આ સંયોગોમાં ગ્રામ્ય રોજગારી જેટલી જ બલકે તેથી પણ વિશેષ અગત્ય શહેરી રોજગારી ઊભી કરવાની જરૂરત છે. આ માટે ઔદ્યોગિક અને વાણિજ્ય વિકાસ અગત્યનો છે.

વેરો અને સામાજિક વિકાસ : ગુજરાત રાજ્યની મોટા ભાગની આવક વેચાણવેરો, વીજળી ઉપકર, વાહનવેરો, પેટ્રોલ-ડીઝલ પરના વેચાણમાંથી આવે છે.

તેનો આધાર ઉદ્યોગો છે. આ આવક ઓછી થાય તો રાજ્યનો સામાજિક વિકાસ જાળવી રાખવાનું મુશ્કેલ બનશે અને શિક્ષણ, આરોગ્ય જેવી સામાજિક સેવાઓ પર પ્રતિકૂળ અસર થશે.

બિહાર અને ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યો આ તાણ અનુભવી રહ્યાં છે.

શ્રમ સંસાધન : ગુજરાતના મધ્યમવર્ગે પોતાનાં સંતાનોના ઉચ્ચ શિક્ષણમાં ઘણું મૂડીરોકાણ કર્યું છે. ગુજરાતમાં આજે વિપુલ સંખ્યામાં એન્જિનિયરો, ટેકનિશિયનો અને મૅનેજરો પ્રાપ્ય છે.

ઉદ્યોગોનો વિકાસ મંદ પડતાં રોજગારીની તકો ઘટી ગઈ છે. ખેતી અને આનુસંગિક ક્ષેત્રો તેમને અનુકૂળ કામ આપી શકે તેમ નથી. આ પરિસ્થિતિ લાંબો સમય ચાલુ રહી તો મધ્યમવર્ગમાં મોટો અજંપો થશે.

ખેતી અને ઉદ્યોગ પૂરક : કૃષિઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળે અને તેમાંથી પણ મૂલ્યવૃદ્ધિ આધારિત પેદાશો ઉત્પાદિત કરી શકાય તે જોવું હોય તો પણ કૃષિ આધારિત ઉદ્યોગો અને ખેતઉત્પાદનોના સલામત સંગ્રહ તેમજ પરિવહન માટે પણ સંબંધિત ઉદ્યોગો તેમજ કોલ્ડ સ્ટોરેજ ટ્રાન્સપૉર્ટ જેવી આંતરમાળખાકીય સવલતો જરૂરી છે.

ખેતી અને ઉદ્યોગો એકબીજાના પૂરક બને તેમાં બન્નેનું હિત છે. જો ઉદ્યોગો ન હોય તો જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતર, ડીઝલ, વીજળી, ટ્રાન્સપૉર્ટ માટેનાં સાધનો, કોલ્ડ સ્ટોરેજ વિગેરે ઉપલબ્ધ બની શકે ખરું?

સાથે જ જો ખેતીનો વિકાસ અને તે થકી ગ્રામ્ય રોજગારી અને ગ્રામ્ય અર્થતંત્ર સજીવન ન રહે તો ગ્રામ્ય બજારો ઉપર આધારિત વેપાર કે ઉદ્યોગ નભી શકે ખરા?

ખેતી તથા ઉદ્યોગ સમતોલ વિકાસ માટે એકબીજાના પૂરક છે, પ્રતિસ્પર્ધી નહીં તે વાત પણ સમજાવી જોઈએ.

સુરતની સૂરત બદલતા ઉદ્યોગ

આમ ગુજરાતના જન્મ સમયથી જ ઔદ્યોગિક વિકાસ - આર્થિક વિકાસ સાધવાનું સાધન બન્યું.

ઔદ્યોગિક વિકાસ માટેની કામગીરી રાજ્યની વ્યવસ્થામાં કેન્દ્રસ્થાને રહેતાં અહીંનું વહીવટી તંત્ર પ્રગતિશીલ અભિગમ અને ઉદારનીતિ માટે જાણીતું બન્યું.

ગુજરાત અલગ રાજય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારે અમદાવાદ તેના કાપડ ઉદ્યોગ માટે, વડોદરા અને અતુલ જેવાં સ્થળો તેના રસાયણ ઉદ્યોગ માટે, સુરત જરી ઉદ્યોગ માટે, રાજકોટ ડીઝલ એન્જિન અને ફાઉન્ડ્રી ઉદ્યોગ માટે, જામનગર પિત્તળના ભાગો જેવા ઉદ્યોગ માટે વિકાસકેન્દ્ર તરીકે પ્રસ્થાપિત હતાં જ.

આ વિકાસકેન્દ્રો અને ત્યાંનું ઔદ્યોગિક વાતાવરણ પણ ભાવિ વિકાસના ઉદીપક માટે મદદરૂપ બન્યાં એમ કહીએ તો ખોટું નથી.

આ બધું હોવા છતાંય રાજ્યનું બે-તૃતીયાંશ કરતાં વધુ ઔદ્યોગિક ઉત્પાદન કાપડ અને તેના આનુસંગિક ઉદ્યોગોમાંથી આવતું હતું. એટલે કાપડ ઉદ્યોગ એ ગુજરાતનો મુખ્ય ઉદ્યોગ હતો એમ કહી શકાય.

કાપડ ઉપરાંત ગુજરાત જરી, કાગળ, ડીઝલ એન્જિન, દવાઓ, થાન અને વાંકાનેરમાં ચિનાઈ માટીનાં વાસણો અને અન્ય ઉત્પાદનો, ખંભાતમાં અકીક, સંખેડામાં ફર્નિચર, જામનગરમાં પિત્તળના ભાગ અને આઇટમો, સુરેન્દ્રનગરમાં મશીનરી તેમજ અમદાવાદ અને વડોદરા જેવાં શહેરોમાં ટેક્સ્ટાઇલ મશીનરી અને તેના ભાગો જેવી ચીજવસ્તુઓનું મુખ્યત્વે ઉત્પાદન કરતું હતું.

સુરતમાં પાવરલૂમ ઉદ્યોગના પગરણ મંડાઈ રહ્યાં હતાં અને હજુ દૂરની ક્ષિતિજે હીરા ઉદ્યોગ ઉદય થાય તેવી શક્યતાઓ વર્તાતી હતી.

અમદાવાદમાં 74 કરતાં વધુ મિલો હોવાથી તે 'ભારતના માન્ચેસ્ટર' તરીકે ઓળખાતું હતું.

રિફાઇનરીએ બદલી દિશા-દશા

'60ના દાયકાના ઔદ્યોગિક ગુજરાતનું ચિત્ર રાજ્યોની સ્થાપના સાથે જ એકદમ ઝડપથી પરિવર્તિત થવા માંડે એવી નોંધપાત્ર ઘટના લગભગ રાજ્યની સ્થાપનાની સાથે સાથે જ આકાર લઈ ચૂકી હતી.

આ ઘટના એટલે વડોદરા નજીક કોયલી ખાતે ગુજરાત રિફાઇનરીની સ્થાપના.

ગુજરાતમાં અંકલેશ્વર અને ઉત્તર ગુજરાતના તેલ ક્ષેત્રોમાંથી આવતું ક્રૂડઑઈલ પ્રોસેસ કરવાની યોજના ઘડાઈ, જેણે ગુજરાતના ઔદ્યોગિક વિકાસનું ચિત્ર પલટાવી નાખવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.

ગુજરાત રિફાઇનરીની સ્થાપનાને પગલેપગલે આ રિફાઇનરીમાંથી ઉપલબ્ધ બનનાર નેપ્થા જેવી ફિડસ્ટૉક અને બેન્ઝિન તથા અન્ય કેમિકલ ઉપર આધારિત ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કૉમ્પ્લેક્સ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ, પોલીમર કૉર્પોરેશન ઑફ ગુજરાત (જેને પાછળથી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ કંપનીમાં ભેળવી દેવામાં આવ્યું છે), ગુજરાત આલ્કલીઝ, પેટ્રોફિલ્સ એ.બી.એસ. પ્લાસ્ટિકસ (હાલ બાયર એ.બી.એસ.), ગુજરાત પોલિબ્યૂટિન, પોલિકેમ વગેરે અનેક એકમો અસ્તિત્વમાં આવ્યા.

એક તબક્કે 'પેન્શનરોના સ્વર્ગ' અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી થકી 'શિક્ષાધામ' તરીકે જાણીતી વડોદરાનગરી રાતોરાત કરવટ બદલીને દેશની એક અગ્રગણ્ય ઔદ્યોગિક નગરી તરીકે પ્રસ્થાપિત બની.

એવું કહેવાય છે કે હજીરાનું ગંજાવર ઔદ્યોગિક રોકાણ થયું તે દર ચોરસ કિલોમીટર દીઠ ભારતમાં સૌથી વધારે હતું.

આ રીતે વડોદરા-નંદેસરી પટ્ટી આ સઘન રોકાણને કારણે દેશની મુખ્ય ઔદ્યોગિકપટ્ટી બની, એટલું જ નહીં પણ પેટ્રોકેમિકલ કૉર્પોરેશન અને સંલગ્ન ઔદ્યોગિક એકમોમાંથી જે કાચો માલ ઉપલબ્ધ બન્યો તેને પરિણામે ગુજરાતમાં ડાઇઝ અને ઇન્ટરમીડિયેટથી માંડીને દવાઓ સુધીના કેમિકલ અને સંલગ્ન આઇટમોનું મોટું ઉત્પાદન શરૂ થયું.

આ એકમોને પગલે ભરૂચ નજીક પાલેજ ખાતે ગુજરાત કાર્બન, ભરૂચ ખાતે નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ, ત્યાંથી થોડું આગળ જઈએ તો ગુજરાત નાયલોન્સ, અંકલેશ્વર અને પાનોલીની ઔદ્યોગિક વસાહતોમાં દવાઓ, કેમિકલ્સ અને રંગના અનેક કારખાનાં, ટેક્સ્ટાઇલ, ટેક્સચ્યૂરાઇઝિંગ જેવી પ્રવૃત્તિ, સુરત ખાતે હજીરા નજીકનું ક્રિભકો (કૃષક ભારતી કો-ઑપરેટિવ લિમિટેડ)નું ખાતરનું કારખાનું અને અત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો પેટ્રોકેમિકલ્સ કૉમ્પ્લેક્સ અને એસ્સાર સ્ટીલનું જંગી સ્પૉન્જ આયર્ન તથા અન્ય પેદાશો બનાવતું સંકુલ.

અતુલ ખાતે સિબાતુલ અને અતુલના એકમો અને વાપી ઔદ્યોગિક વસાહતમાં વળી પાછા ડાયસ્ટફ્સ અને ઇન્ટરમીડિયેટથી માંડી દવાઓ સુધીના અનેક એકમોને કારણે વાપીથી અમદાવાદ સુધીની પટ્ટી ઔદ્યોગિક વિકાસથી ધમધમી ઊઠી.

આ પટ્ટીમાં જ કાચથી માંડી સ્કૂટર સુધી બનાવતાં અનેક નાના-મોટા એકમો ઉમેરાયા.

નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સનું ખાતરનું કારખાનું મિથેનોલથી માંડી ઇલેક્ટ્રોનિક સુધીનાં ક્ષેત્રે પ્રવૃત્ત બન્યું. હાલોલ અને કાલોલ ખાતેની ઔદ્યોગિક વસાહતો, કાથીપુરા, મકરપુરા, સાવલી, ઝઘડિયા, નંદેસરી જેવી ઔદ્યોગિક વસાહતો અને છેક ખૂણામાં વિઠ્ઠલ ઉદ્યોગનગર સુધી ઔદ્યોગિક વિકાસ પ્રસર્યો.

આમ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે ઔદ્યોગિક વિકાસમાં એનો ક્રમ આઠમો હતો તેના બદલે માત્ર પાંચ દાયકા જેટલા સમયમાં અગ્રક્રમે આવી ઊભું છે.

કાપડના તાણાવાણાથી વિકાસ

ઔદ્યોગિક વિકાસની વિશ્લેષણ કરીએ તો મુખ્યત્વે નીચેનાં બે તારણ કાઢી શકાય તેમ છે :

(1) રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે લગભગ બે-તૃતીયાંશ જેટલું ઔદ્યોગિક ઉત્પાદન કાપડ અને સંલગ્ન ઉદ્યોગોમાંથી આવતું હતું. આજે એ ઘટીને લગભગ 25 ટકા જેટલું થયું છે.

આમ છતાં કાપડ અને સંલગ્ન ઉદ્યોગો ગુજરાતના મુખ્ય ઉદ્યોગો છે અને રાજ્યના ઔદ્યોગિક વિકાસમાં એનો મોટો ફાળો છે એમ કહીએ તો ખોટું નથી.

(2) ગુજરાત રાજ્યની સ્થાપનાના અગાઉના વરસે જે ઔદ્યોગિક પરિસ્થિતિ પ્રવર્તતી હતી તે મુજબ કાપડ ઉદ્યોગ મોટામાં મોટો ઉદ્યોગ હતો. 'ભારતના માન્ચેસ્ટર' ગણાતા અમદાવાદમાં કાપડની 74 જેટલી મિલ હતી.

ઉપરોક્ત કોષ્ટકમાં કૌંસમાં દર્શાવેલા આંકડા કુલ ઉદ્યોગ સામે જે-તે ઉદ્યોગની ટકાવારી દર્શાવે છે અને આ માહિતી ઉદ્યોગ કમિશનર (ગાંધીનગર) દ્વારા સમયાંતરે કરવામાં આવેલી સામાજિક-આર્થિક સમીક્ષાનો આધાર લેવામાં આવ્યો છે.

મોટા ઉદ્યોગોમાં રોકાયેલ કામદારોમાંથી લગભગ 75 ટકા કામદારો જિનિંગ પ્રેસિંગ અને સુતરાઉ કાપડ ઉદ્યોગના ક્ષેત્રે જ રોજી મેળવતા હતા.

ગુજરાતની સ્થાપના સમયે એટલે કે 1961માં 2069 જેટલા એકમો નોંધાયેલા હતા. '73માં એન.એન.એસ. (નેશનલ સૅમ્પલસરવે) પ્રમાણે, ત્રણ લાખથી વધુ લઘુઉદ્યોગના એકમોનો સમાવેશ થાય છે, જે દ્વારા કુલ 20 લાખથી વધુ લોકોને રોજગારી મળે છે.

હાલ રાજ્યમાં સૌથી વધુ એકમો હોઝિયરી અને તૈયાર વસ્તુઓના ઉત્પાદન સાથે સંકળાયેલા છે. ઔદ્યોગિક ઉત્પાદનની દૃષ્ટિએ 1961માં ગુજરાત આઠમા ક્રમે હતું, જે આજે અગ્રિમ હરોળમાં સ્થાન પામ્યું છે.

"Ease of Doing Business"ની દૃષ્ટિએ ગુજરાત

રાજયમાં બિઝનેસ માટે અનુકૂળ વાતાવરણ અને રોકાણકરો માટે આકર્ષક નીતિ જેવા વિભિન્ન પરિમાણોની ગણતરી કરી ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પૉલિસી ઍન્ડ પ્રમોશન અને વર્લ્ડ બૅન્ક દ્વારા "Ease of Doing Business" ટાઇટલ હેઠળ દર વરસે રાજ્યોના મૉનિટરિંગ ક્રમ અપાય છે તેમાં અન્ય રાજયોની તુલનાએ મુજબ ગુજરાત 2015માં પ્રથમ ક્રમે હતું, તે જે 2016માં ત્રીજા ક્રમે અને 2017માં પાંચમા ક્રમે હતું, તેણે 2018માં પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું હતું. જોકે જે હયાત એકમો છે તેઓ અત્યારના આર્થિક અને નાણાકીય ખેંચનો સામનો કરી રહ્યા છે.

વૈવિધ્યસભર ઔદ્યોગિક વિકાસ

ઉદારીકરણ પહેલાં પણ ગુજરાતે ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે ઘણું મોટું કાઠું કાઢ્યું હતું. રાજ્યમાં થયેલા ઔદ્યોગિક વિકાસને પરિણામે રાજ્યના વિકાસની તરાહ બદલાઈને રાસાયણિક તથા એને સંલગ્ન દવાઓ જેવા ઉદ્યોગો તરફી થઈ છે.

એક અંદાજ મુજબ ગુજરાતમાં આવેલા મુખ્ય ઉદ્યોગોનો દેશમાં ફાળો જોઈએ તો કાપડ ઉદ્યોગ (25 ટકા), સોડાઍશ (91 ટકા), હીરા ઉદ્યોગ (80 ટકા), મીઠું (66 ટકા), પ્લાસ્ટિક (65 ટકા), પેટ્રોકેમિકલ્સ (62 ટકા), ક્રૂડઑઈલ (53 ટકા), રસાયણ (35 ટકા), દવાઓ (35 ટકા) અને નેચરલ ગેસ (30 ટકા) ગણી શકાય.

આ ઉપરાંત શ્વેતક્રાંતિને કારણે દેશમાં જાણીતું બનેલું ગુજરાત અમૂલ ડેરી અને મહેસાણાની દૂધસાગર, સાબર, બનાસ તેમજ અન્ય ડેરી થકી સહકારી ક્ષેત્રે દૂધઉત્પાદનમાં અગ્રસ્થાને છે.

મહેસાણા તેમજ અંકલેશ્વર અને ગાંધારનાં તેલક્ષેત્રોને પરિણામે ક્રૂડઑઈલ તેમજ ગૅસના ઉત્પાદનમાં પણ આ રાજ્ય મોખરાનું સ્થાન ધરાવે છે.

ગુજરાતી રિફાઇનરી ઉપરાંત સૌરાષ્ટ્રમાં રિલાયન્સ જૂથની રિફાઇનરી કાર્યરત છે. તે ઉપરાંત અન્ય રોકાણોને જોઈએ તો સિમેન્ટ, લિગ્નાઇટ અને ફ્લોરસ્પાર તથા બૉક્સાઇટ, આરસ, ગ્રૅનાઇટ, બેન્ટૉનાઇટ વગેરેનું ઉત્પાદન પણ રાજ્યમાં થાય છે.

હીરા ઉદ્યોગ રાજ્યમાં એક મુખ્ય ઉદ્યોગ તરીકે વિકસ્યો છે જેનાં મુખ્ય કેન્દ્રોમાં સુરત, અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતમાં કલોલ, સિદ્ધપુર, પાલનપુર, ડીસા જ્યારે સૌરાષ્ટ્રમાં ગારિયાધાર, અમરેલીનો સમાવેશ થાય છે.

જર-ઝવેરાત અને આભૂષણોના ઉત્પાદન અને નિકાસક્ષેત્રે રાજકોટ આજે દેશમાં અગ્રસ્થાને છે. આમ, ગુજરાત ઔદ્યોગિક વિકાસ છેલ્લા પાંચ દાયકામાં બહુ મોટું કાઠું કાઢ્યું છે અને વૈવિધ્યકરણની દિશા પકડી છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી.

ઉપરોક્ત મુખ્ય ઉદ્યોગો ઉપરાંત રાજકોટ ખાતે ડીઝલ એન્જિન, જામનગર ખાતે બ્રાસ પાર્ટસ, અમદાવાદ, વડોદરા અને સુરત ખાતે ટેક્સ્ટાઇલ લૂમ્સ અને ટેક્સચ્યુરાઇઝિંગ અને અન્ય ટેક્સ્ટાઇલ મશીનરી બનાવતા ઉદ્યોગો, છત્રાલ, અમદાવાદ વડોદરા, સુરત તેમજ વાપી ખાતે પ્લાસ્ટિક તેમજ કાગળ ઉદ્યોગને લગતી મશીનરી બનાવતા ઉદ્યોગો અને દક્ષિણ ગુજરાતમાં ક્રાફ્ટ અને રાઇટિંગ પેપર બનાવતા ઉદ્યોગો આ ભાતીગળ ચિત્રમાં જુદા-જુદા રંગ પૂરે છે.

અલંગ ખાતે વહાણ ભાંગવાનો ઉદ્યોગ વિકસ્યો જેણે અલંગને વિશ્વના અગ્રણી શિપબ્રેકિંગ યાર્ડનો દરજ્જો અપાવ્યો છે.

ઉદારીકરણ અને ઔદ્યોગિક વિકાસ

દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે રોકાણ માટેના નીતિ-નિયમોમાં ફેરફાર થતાં તેમજ વિદેશી વ્યાપાર માટેના નિયમોમાં સુધારા થતાં દેશની આર્થિક પ્રગતિ માટે યોગ્ય દિશા મળી.

વળી દેશમાં વિદેશી રોકાણકારો તેમજ સ્થાનિક રોકાણકારોની સંખ્યામાં વધારો થતો ગયો, જેને પગલે દેશના મહત્ત્વનાં ઔદ્યોગિક રાજયોમાં રોકાણ વધ્યાં.

દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે પહેલેથી જ આગળ પડતાં રાજ્ય તરીકે જેને ગણવામાં આવે છે તે ગુજરાતમાં ઉદારીકરણને કારણે થયેલ મૂડીરોકાણ તેમજ તેની દિશાનો ખ્યાલ કરવા ઉદારીકરણ પછીના સમયથી અત્યાર સુધીમાં થયેલ મૂડીરોકાણની તરાહનો આપણે અભ્યાસ કરીશું.

ઑગસ્ટ 1991થી ઉદારીકરણ અમલી બનતા ગુજરાતમાં વિવિધ ક્ષેત્રે રોકાણ થયાં હતાં.

1991માં આ ક્ષેત્રે કુલ 292 જેટલા ઉદ્યોગ સ્થાપવાની દરખાસ્તો સાંપડી હતી તે દ્વારા રૂ. 8224 કરોડનું રોકાણ થયું હતું.

તે વખતે દેશમાં ઉદારીકરણના અમલીકરણ પછીના પ્રથમ વરસમાં ગુજરાતમાં દેશના કુલ મૂડીનું 10 ટકા જેટલું મૂડીરોકાણ થયું હતું, જે 1992-93માં વધીને 18 ટકા જેટલું થયું હતું. જ્યારે 1995-96ના વરસમાં આ રોકાણ વધીને 27.20 ટકા જેટલું થયું હતું. તે વખતે ઔદ્યોગિક રોકાણક્ષેત્રે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને હતું.

જ્યારે સપ્ટેમ્બર 2001 સુધીની પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત દેશમાં થયેલા કુલ રોકાણના આશરે 16.74 ટકા હિસ્સો હતો, જે અત્યારે 12 ટકા જેટલો થયો છે.

આમ ગુજરાતમાં ઉદારીકરણ પછીની રોકાણ તરાહમાં 1993ના વરસને બાદ કરતા દરેક વરસે રોકાણમાં વધારો થતો ગયો છે, પણ દેશમાં થતા કુલ રોકાણોમાં ટકાવારી 2016 પછી સ્થિર રહેવા પામી છે.

ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પૉલિસી ઍન્ડ પ્રમોશન દ્વારા એસ.આઈ.એ. સ્ટેટિસ્ટિક્સ દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતીના આધારે ઉરોક્ત કોષ્ટક તૈયાર કરવામાં આવ્યું છે.

તેના આધારે દેશમાંની રાજ્યવાર રોકાણની વિગતોનો અભ્યાસ કરતા ઑગસ્ટ 1991થી 2018-2019 સુધીના સમયગાળામાં થયેલા રોકાણ મુજબ રોકાણની દૃષ્ટિએ ગુજરાત રોકાણની દૃષ્ટિએ પ્રથમ સ્થાને છે, જ્યારે યુનિટની દૃષ્ટિએ મહારાષ્ટ્ર પછી બીજું સ્થાન આવે છે.

આમ, દેશમાં થયેલ રોકાણની તરાહનો અભ્યાસ કર્યા પછી ગુજરાત રાજ્ય ઔદ્યોગિક વિકાસના મહત્ત્વના કેન્દ્ર તરીકે ઊપસી રહ્યું છે.

ગુજરાતમાં ખાનગીકરણ પછી થયેલ ઉદારીકરણ પછી ગુજરાતમાં ખાસ કરીને કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે તેમજ કાપડ ઉદ્યોગ ક્ષેત્રે સારું રોકાણ થયેલ છે.

અન્ય ઉદ્યોગોમાં ઇજનેરી, ફૂડ પ્રોસેસિંગ, દવા ઉદ્યોગ, ગ્લાસ, સિરામિક અને સિમેન્ટ ઉદ્યોગ ક્ષેત્રે રોકાણ થયેલ છે. આમ, ગુજરાતમાં રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વડોદરા, નાંદેસરી, હજીરા, જામનગર. કાપડ ઉદ્યોગમાં અમદાવાદ અને સુરત મુખ્ય કેન્દ્રો તરીકે ઊપસી આવ્યાં છે.

દક્ષિણ ગુજરાતમાં વહેતી બારમાસી નદીઓ આ ઉદ્યોગ માટે પાણી પૂરું પાડે છે. કાપડ ઉદ્યોગના લાંબા અનુભવે રંગ-રસાયણના ક્ષેત્રે પણ ગુજરાતના ઉદ્યોગસાહસિકો પાસે આવડત અને ટેકનૉલૉજી છે જે ખાસ કરીને વાપી વિસ્તારમાં વધુ વિકસ્યો છે એજ રીતે પેપર ઉદ્યોગ પણ વિકસ્યો છે.

કેન્દ્રીય સરકાર દ્વારા રોકાણ નહીં

ઔદ્યોગિક રોકાણના આંકડામાં મોખરે પહોંચેલ ગુજરાતે અહીં પહોંચતા પહેલાં ઘણી લાંબી દડમજલ કરી છે. રાજ્યની સ્થાપના સમયે ઔદ્યોગિક વિકાસની દૃષ્ટિએ આઠમા ક્રમે રહેલું ગુજરાત એંશીના દાયકાના ઉત્તરાર્ધમાં બીજા ક્રમે પહોંચી ગયું હતું.

લગભગ અઢી દાયકાની આ વિકાસયાત્રામાં રાજ્યમાં સ્થપાયેલા લઘુ અને મધ્યમ ઉદ્યોગોનો યશસ્વી ફાળો રહ્યો હતો.

અત્રે એ નોંધવું ઉલ્લેખનીય છે કે કોઈ મોટા ઔદ્યોગિક ગૃહોના વિશાળકાય ઔદ્યોગિક સંકુલોમાં થતું મસમોટું રોકાણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસની હરણફાળના આ સુવર્ણસમયમાં ગુજરાતે જોયું ન હતું.

જાહેર ક્ષેત્રીય રોકાણોમાં પણ ઓ.એન.જી.સી. (ઑઈલ ઍન્ડ નેચરલ ગૅસ કૉર્પોરેશન) કે આઈ.પી.સી.એલ. (ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કૉર્પોરેશન લિમિટેડ)માં થયેલાં રોકાણને બાદ કરતાં હિંદુસ્તાન ઍરોનૉટિક્સ, ભારત હૅવી ઇલેક્ટ્રિકલ્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, ઇન્ડિયન ટેલિફોન ઇન્ડસ્ટ્રીઝ જેવા કેન્દ્ર સરકાર દ્વારા પુરસ્કૃત જાહેરસાહસો અથવા ઑર્ડિનન્સ ફૅક્ટરી જેવાં સંકુલો ગુજરાતને મળ્યાં ન હતાં.

ગુજરાતમાં કેન્દ્રીય જાહેરસાહસોનું રોકાણ દેશની સરખામણીમાં ચાર ટકા કરતાં પણ ઓછું હતું. આમ છતાં સુરતનો આર્ટસિલ્ક ઉદ્યોગ, સુરત, અમદાવાદ, અમરેલી, મહેસાણા કે પાલનપુર જેવાં અનેક કેન્દ્રોમાં ફેલાયેલો હીરા ઉદ્યોગ, રાજકોટનો ડીઝલ એન્જિન ઉદ્યોગ, જેતપુરનો સાડી પ્રિન્ટિંગ ઉદ્યોગ, જામનગરનો બ્રાસ પાર્ટ ઉદ્યોગ, સુરેન્દ્રનગર, મોરબી, થાન અને હિંમતનગરમાં વિકસેલ સિરામિક ઉદ્યોગ, અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં વિકસેલ મશીન ટૂલ્સ અને બેરિંગ્સ બનાવતા એકમો વિકસ્યા.

આવી જ રીતે અમદાવાદ અને રાજકોટનો ફાઉન્ડ્રી ઉદ્યોગ, વાપી, અંકલેશ્વર, નંદેસરી કે સુરત, અમદાવાદમાં સ્થપાયેલ કેમિકલ ઇન્ટરમીડિયેટ, ડાયસ્ટફ અને ફાર્માસ્યૂટિકલ ફૉર્મ્યુલેશનનો ઉદ્યોગ, અમદાવાદથી વાપી ધરીમાં અનેક નાના-મોટા પ્લાસ્ટિક પ્રોસેસિંગ એકમો, નાના ડિટર્જન્ટ્સ અને સાબુ બનાવતા એકમો, આવા અનેક એકમોથી ગુજરાતની ઔદ્યોગિક વસાહતો અને ઔદ્યોગિક કેન્દ્રો ધમધમતાં હતાં.

ગુજરાતમાં મુખ્ય મથક ધરાવતા આજના સમયના અનેક ખ્યાતિપ્રાપ્ત ઔદ્યોગિક ગૃહોનો જન્મ રાજ્યના અસ્તિત્વના પ્રથમ અઢી દાયકામાં જે બીજ વવાયાં તેમાંથી થયો છે.

અમદાવાદનો મિલ ઉદ્યોગ માંદો પડ્યો પણ 1977માં માત્ર 50થી 60 કરોડ મીટર કાપડનું ઉત્પાદન કરતું સુરત પાવરલૂમ ઉદ્યોગના વિકાસને કારણે 500 કરોડ મીટર કાપડ બનાવતું થયું, જેને કારણે ગુજરાતના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ટેક્સ્ટાઇલ ક્ષેત્રનો ફાળો 33 ટકા જેટલો રહેવા પામ્યો છે, એ વાત વિસારી શકાય નહીં.

આમ ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગો મુખ્ય પ્રેરકબળ રહ્યા છે એ વાત જોઈએ તો લઘુ ઉદ્યોગ ક્ષેત્રે હાલની શું પરિસ્થિતિ છે તે જાણવું જોઈએ. નીચેના કોઠામાં લઘુ ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતનો વિકાસદર આપ્યો છે.

ગુજરાતમાં લઘુ થયેલ વિકાસની વાત કરીએ તો ગુજરાતની સ્થાપના વખતે માત્ર 2169 એકમ હતા, છેલ્લે 2015-16માં થયેલા 73માં નેશનલ સૅમ્પલરવે દ્વારા પ્રાપ્ત આંકડાઓ મુજબ ગુજરાતમાં આજે ત્રણ લાખથી વધુ એકમો છે જે અંદાજે 20 લાખ લોકોને રોજગારી પૂરી પડે છે

જોકે કેટલાક સમયથી નોટબંધીને પરિણામે રાજ્યમાં કેટલાય એકમો માંદગીના બિછાને પડ્યા છે તે જોતાં ભારતના નાણામંત્રીએ લઘુ અને મધ્યમ એકમોને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે. તે જોતાં આવનાર સમયમાં આ ક્ષેત્રે કેવું પરિવર્તન આવશે તે તો સમય જ બતાવશે.

રસ્તા, બંદર અને સવલત

આંતર માળખાકીય સવલતોની વાત કરીએ તો આ વિકાસને ગતિવંત રાખવા માટે કેટલીક પાયાની સવલતો જરૂરી છે તેમાં મારા મત પ્રમાણે આવનારાં વરસોમાં વીજળી, પરિવહન માટે રસ્તાઓ, અને ઔદ્યોગિક ઉત્પાદન માટે પાણી તેમજ પ્રદૂષણ નિયંત્રણ મહત્ત્વના મુદ્દા બની રહેનાર છે.

ઉદારીકરણ પછી આંતર માળખાકીય ક્ષેત્રે થયેલ ખાનગીકરણને લીધે ગુજરાતમાં વીજળી, રસ્તા, બંદરો જેવાં ક્ષેત્રોમાં થયેલ ખાનગી રોકાણને કારણે ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં આંતરમાળખાકીય સવલતોએ એક ઉદ્દીપકની ભૂમિકા ભજવી છે.

વીજ ક્ષેત્રે સ્થાપિત ક્ષમતા 1960માં 315 મેગાવૉટ હતી, જે જાન્યુઆરી 2018માં વધીને 30394 મેગાવૉટ થઈ છે, જેમાંથી અંદાજે 7645 મેગાવૉટની ક્ષમતા પવનઊર્જા, જળવિદ્યુત તેમજ અન્ય બિનપરંપરાગત રીતે ઊભી કરવામાં આવી છે. જેમાં 459 મેગાવૉટ જેટલી રિન્યુએબલ ઊર્જા ઉમેરાશે. જે ગુજરાતમાં વીજઉત્પાદન ક્ષેત્રે સારી સ્થિતિ ધરાવે છે.

રોડ-પરિવહન ક્ષેત્રે થયેલી પ્રગતિની વાત કરીએ તો ગુજરાતમાંથી પસાર થતાં સ્વર્ણિમ ચતુર્ભુજ (golden quadrilateral) અને નેશનલ હાઈવે ડેવલપમૅન્ટ પ્રોજેક્ટથી ગુજરાતને સારો ફાયદો થયો છે.

રાજ્ય સરકાર તરફથી 4697 કિમી નેશનલ હાઇવે અને 17201 કિમી સ્ટેટ હાઇવે પ્રોજેક્ટ વિકસ્યા છે, જે ગુજરાતમાં આકાર લઈ રહેલા સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોન (SEZ) અને ધોલેરા SIR (સ્પેશિયલ ઇન્વૅસ્ટમૅન્ટ રિજન) તેમજ રાજ્ય મુખ્ય શહેરોને જોડશે.

બંદરોની વાત કરીએ તો ગુજરાતમાં કુલ મળીને 47 બંદરો છે, જેમાંથી 46 બંદરો નાનાં કદનાં છે.

ખાનગીકરણને કારણે આજે મુન્દ્રા, પીપાવાવ, હજીરા, સિક્કા, દહેજ, હજીરા, જખૌ, સલાયા, મૂળદ્વારકા જેવાં ખાનગી બંદરો અને કૅપ્ટિવ જેટીઓ બિલ્ડ, ઑપરેટ, મેઇનટૅનન્સ ઍન્ડ ટ્રાન્સફરના મૉડલ પર વિકસ્યાં છે.

ગુજરાતનાં નાનાં બંદરો આજે દેશના દરિયાઈ પરિવહનમાં 32 ટકા જેટલો હિસ્સો ધરાવે છે અને છેલ્લાં દસ વરસમાં વાર્ષિક 15 ટકા જેટલો વધારો થયો છે.

1995માં ગુજરાત સરકારે હાથ ધરેલા ખાનગીકરણને પરિણામે આજે દેશમાં મુંદ્રા અને પીપાવાવ, હજીરા જેવાં બંદરો દેશનાં મોટાં શહેરોની સરખામણીમાં ઊભાં રહી શક્યાં છે.

આ ઉપરાંત રાજ્યમાં શિપ બિલ્ડિંગ અને શિપબ્રેકિંગ ક્ષેત્રે પણ ખાનગીકરણને પરિણામે રોજગારીની તકો વધી છે.

દરિયાકિનારાના વિસ્તારના વિકાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતી ઘોઘા દહેજ રો-રો (સાધનો અને પેસેન્જર માટે) ફેરી શરૂ થઈ છે જેને સારો પ્રતિસાદ મળ્યો છે, એજ એટે પૉર્ટ રેલ લિંકેજિસ અને ખાનગી જેટી તદુપરાંત સાથે સંકળાયેલ સેવાક્ષેત્રના વિકાસ થયો છે.

ઉદ્યોગ કમિશનર દ્વારા તેમની વેબસાઇટ ઉપર દર્શાવેલ આંકડા મુજબ ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતમાં કુલ 47માંથી 20 જેટલા સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોન કાર્યરત છે, જેમાં વિવિધ ઉદ્યોગો, જેવાં કે એપરલ, ફાર્મા, ઇન્ફર્મેશન ટેકનૉલૉજી, કેમિકલ્સ, ઇલેક્ટ્રોનિક્સ, એન્જિનિયરિંગ, નૉન-કન્વેન્શનલ ઍનર્જી (સોલર ઇક્વિપમૅન્ટ અને સોલર સેલ) અને મલ્ટિ પ્રોડક્ટ એકમો સ્થપાયા છે.

અમદાવાદ, કચ્છ, વડોદરા, સુરત, ગાંધીનગર, જામનગર ભરૂચ, અમરેલી જિલ્લામાં સ્થપાયા છે. બાકીના 17 જેટલા પ્રોજેકટસ અમલીકરણના વિવિધ તબક્કામાં છે.

વિકાસને વેગ આપતાં ઉદ્દીપક

(1) ગુજરાત તેની ઉદ્યોગસાહસિકતા માટે દેશ-વિદેશમાં વિખ્યાત છે. માત્ર ગુજરાતમાં નહીં પણ ગુજરાત બહાર અન્ય પ્રાંતોમાં તેમજ દુનિયાના વિવિધ દેશોમાં જઈ ગુજરાતીએ સારી એવી નામના મેળવી છે.

આ ગુણને કારણે લીધે ગુજરાતમાં નાના અને મધ્યમ એકમો ગુજરાતના આર્થિક વિકાસ માટે તથા રોજગારી ઊભી કરવા માટે પાયાનું સ્થાન ધરાવે છે, જેનું મુખ્ય શ્રેય ગુજરાતીઓના લોહીમાં રહેલી ઉદ્યોગસાહસિકતાને આભારી છે.

(2) કોઈ પણ રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે જે તે રાજ્યની સરકાર ઔદ્યોગિક વિકાસ માટે કેવો ભાગ ભજવે છે તે જરૂરી છે. ગુજરાત સરકાર તેના સ્થાપનાના સમયથી અત્યાર સુધીના વિકાસ માટે પોષક એવી નીતિ અને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.

(3) ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટે મહત્ત્વની ગણાતી માળખાકીય સવલતો જેવી કે રસ્તા (સ્વર્ણિમ ચતુર્ભુજ અને નેશનલ હાઈવે પ્રોજેક્ટ), પાણી, વીજળી (સરપ્લસ), બંદરો (ખાનગી બંદરોનો વિકાસ) તેમજ તેને જોડતી રેલ-રોડ સેવાઓનો વિકાસ અને અમદાવાદથી મુંબઈ સુધીની રેલવે લાઇન તેમજ આવનાર વરસોમાં તૈયાર થનાર બુલેટ ટ્રેનનો પ્રોજેકટ ગુજરાતનાં વિકાસ માટે મહત્ત્વનો બની રહેશે.

(4) ગુજરાતમાં છેલ્લાં કેટલાક વરસોમાં સ્થપાયેલી ટેકનિકલ અને મૅનેજમૅન્ટ શિક્ષણ સંસ્થાઓએ ઉદ્યોગો માટે જરૂરી માનવ સંસાધન પૂરા પાડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ઇન્ફર્મેશન ટેકનૉલૉજીથી લઈને મૅનેજમૅન્ટ ક્ષેત્રે હવે પૂરતો મૅન-પાવર ઉપલબ્ધ છે.

(5) ગુજરાતમાં સ્થપાયેલા સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોન - ગુજરાતના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. કંડલા, સુરત અને અમદાવાદમાં સ્થપાયેલ સ્પેશિયલ ઇકૉનૉમિક ઝોનને પરિણામે દેશની કુલ નિકાસમાં ગુજરાતનો ફાળો નોંધપાત્ર છે.

(6) લઘુ અને મધ્યમ એકમો રાજ્યના વિકાસમાં પાયાની ભૂમિકા ભજવે છે. લઘુ ઉદ્યોગ થકી મહત્તમ લોકોને સીધી અથવા આડકતરી રીતે રોજગારી ઉપલબ્ધ થાય છે.

(7) ગુજરાતમાં થતો ઝડપી વિકાસ શહેરીકરણને આભારી છે. અન્ય રાજ્યો કરતાં ગુજરાતની માથાદીઠ વાર્ષિક આવક એક લાખ 60 હજાર રૂપિયા છે (2018-19), જે દેશની માથાદીઠ આવક રૂપિયા એક લાખ 26 હજાર કરતાં વધારે છે, જેથી મધ્યમ અને ઉચ્ચ મધ્યમ વર્ગની ખરીદશક્તિ વધુ છે, જે લઘુ ઉદ્યોગ માટે પ્રોત્સાહન પૂરું પાડે છે.

(8) રાજ્ય સરકાર દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રોગ્રામ દ્વારા વિવિધ માળખાકીય સવલતોનો વિકાસ થયો છે જેની સફળતાને પરિણામે નવા મૂડીરોકાણ થઈ રહ્યાં છે.

વણથંભ્યો વિકાસ અને ગુજરાત

આ તો થઈ માત્ર છ દાયકાના ગુજરાતના વિકાસની વાત. આ ગાળામાં અનેક પરિવર્તન આવી ગયા પણ ગુજરાતના વિકાસની ગાથા તો ઘણી પુરાણી છે.

પાછું વાળીને જોઈએ તો જેટલે દૂર સુધી જોઈ શકાય એટલે દૂર ખૂબ મોટા દરિયાકિનારો ધરાવતું આ રાજ્ય એના વેપાર સાહસિકોના નામે ઘણીબધી સિદ્ધિઓ લખાયેલી છે.

આપણે તેજાના અને મરી-મસાલા, કાપડ, ચામડું અને હસ્તકલાની ચીજવસ્તુઓની નિકાસ કરતા અને આ વેપારમાંથી ધૂમ કમાઈને એ નાણું ગુજરાતમાં ઠાલવતાં.

દૂરસુદૂર જાવા, સુમાત્રા અને બોર્નીઓ કે પછી અરબસ્તાન, પૂર્વ આફ્રિકા અથવા યુરોપ આપણા શાહ સોદાગરોના વહાણો દરિયો ખેડતા અને વિશ્વ સાથે વેપાર કરતા.

કચ્છના જખૌથી માંડીને દરિયાકિનારે અનેક જગ્યાએ વહાણને બાંધવાનો ઉદ્યોગ હતો. ગુજરાતના ખારવા, મેર અને વાઢેરો સિંહબાળની જેમ ગમે તેવાં તોફાની દરિયા સામે બાથ ભીડતા જરાય ગભરાતા નહોતા.

'આનર્ત' કહો કે લાટ કહો કે 'સુરાષ્ટ્ર' કે 'કચ્છ' આ પ્રદેશ સાચા અર્થમાં મેરી ટાઇમ સ્ટેટ હતું અને એટલે ગુજરાતના વિકાસની ગાથાને માત્ર 100 વર્ષના ઇતિહાસની મર્યાદામાં ઘટેલી ઘટનાઓથી જોડવાનું ઉચિત નથી.

ઇતિહાસની આરસીમાં ગુર્જરરત્નો

આ એ ગુજરાત છે જ્યાંના શેઠિયાઓ મોગલ સમ્રાટને પૈસા ધીરી શકતા. આ એ ગુજરાત છે જ્યાં એક નગરશેઠે મોં માગ્યા પૈસા આપીને પોતાના શહેરને લૂંટતું બચાવ્યું હતું.

આવા ગુજરાતના વિકાસમાં કોણે યોગદાન આપ્યું અને એમાંથી કોના નામ પસંદ કરવા એ સરળ નથી.

ગુજરાતના વિકાસની ગાથા ક્યારે શરૂ થઈ એ સમજવા માટે પાછું વાળીને ભૂતકાળમાં જોઈએ તો ક્યાંક ભદ્રેશ્વર બંદરેથી દરિયાપાર વેપાર કરતા દાનેશ્વરી જગડુશા શેઠ, તો ક્યાંક વળી ગુજરાતના વહાણવટાના વિકાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખી જનાર ગુજરાતની પ્રથમ સ્ત્રી નાખુદા કબી માલમ.

ભારતનાં પ્રથમ વહાણવટી મહિલા કબીબહેનન કસ્ટા, તો ક્યાંક વળી ખંભાત, ભરૂચ અને સુરતનાં ધમધમતાં બંદરો. આ સમૃદ્ધિથી આકર્ષાઈને સુરતને બે વાર શિવાજીએ હુમલો કરેલો.

1759 ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ સુરતના સ્વાભિમાન ગણાતા કિલ્લાને જીતી લઈને તેની ટોચ ઉપર યુનિયન જેક લહેરાવેલો.

સુરતના નગરશેઠ અને મહાજનોના વડા શાહ સોદાગર વીરજી વોરા, જેણે 1646માં પ્રથમ વાર ચા અને કૉફીનો ભારતીય બજારમાં પ્રવેશ કરાવ્યો.

સત્તરમા સૈકામાં સુરતમાં રહેતા વીરજી વોરાની સાથે સાથે દરિયાપારના દેશો સાથે વેપાર કરીને અતિ સમૃદ્ધ થયેલા વેપારીઓ માણેકચંદ વોરા, સમરસિંહ વોરા અને જીવજી વીરજી જેવા જૈન મહાજન સામે ભીમજી પારેખ, હરી વૈશ્ય, તુલસીદાસ પારેખ અને મોહનદાસ જેવા વૈષ્ણવોની યાદ આવે છે. આ એક જમાનો હતો જ્યાં ક્યારેક સુરતનું કસ્ટમ હાઉસ લંડન અને વેનિસની સમકક્ષ ધમધમતું રહેતું.

12મા સૈકા સુધી સમગ્ર ભારત તાડપત્ર અને ભોજપત્ર ઉપર લખાણ લખતું. આપણને કાગળ ખંભાત બંદરના વેપારીઓએ સાથે પરિચય કરાવ્યો. તેરમા સૈકામાં આરબ દેશો સાથે વેપાર કરતા ખંભાતના વેપારીઓએ ત્યાંથી કાગળની આયાત શરૂ કરી.

15મા સૈકા સુધીમાં ગુજરાતમાં કાગળનો વપરાશ સરળ બન્યો. નિકોલો ક્વૉન્ટી નામના ઇટાલિયન મુસાફરે 1940માં લખ્યું, 'માત્ર ખંભાત અને ગુજરાતના લોકો જ કાગળનો ઉપયોગ કરે છે, બીજા તમામ ભારતીય લોકો વૃક્ષનાં પાંદડાંમાંથી કાગળ - તાડપત્ર બનાવીને તેની ઉપર લખે છે.'

ખંભાતના વેપારીઓની આ ક્રાંતિકારી પહેલના કારણે 17મા સૈકાની શરૂઆતથી જ અમદાવાદ કાગળનું ઉત્પાદન કરતું મોટું કેન્દ્ર બન્યું અને દેશ-વિદેશમાં કાગળની નિકાસ કરતું થયું.

ખંભાતની આજુબાજુ ગળીનું ઉત્પાદન પણ થતું. સાથે-સાથે સોલંકીકાળમાં શેરડીનો પાક થતો હોવાથી તેના રસમાંથી ગોળ, ખાંડ અને સાકર બનાવવાનો ઉદ્યોગ પણ અહીં ખીલ્યો હતો.

હાથબ, ઘોઘા અને ભાવનગર પણ એ જમાનામાં વિદેશો સાથે વેપાર કરતા ગુજરાતનાં બંદરો હતાં. ભૃગુ ઋષિના નામ સાથે જોડાયેલું ભરૂચ જમીનમાર્ગ દ્વારા છેક અફઘાનિસ્તાન સુધી સંકળાયેલું હતું.

ભરૂચના વેપારીઓ વેપારમાં ઓછાં નાણાં રોકીને અઢળક દ્રવ્ય રળે છે તેમ કહેવાતું. દરિયાઈ સંસ્કૃતિનો અસલી મિજાજ ધરાવતું શહેર અને એની જાહોજલાલી લગભગ 7મી સદી સુધી ચાલુ રહી.

આ બધી પરિસ્થિતિ અને પરંપરાઓમાં ઘડાઈને નાનજી કાલિદાસ, માધવાણી કે ચંદરિયા જેવા સાહસિકોએ દરિયાપાર પૂર્વ આફ્રિકાના દેશોમાં પોતાના વેપાર-વાણિજ્ય અને ઔદ્યોગિક સામ્રાજ્ય સ્થાપ્યાં.

ઉપરોક્ત પરિપ્રેક્ષ્યમાં ગુજરાતની વિકાસગાથામાં વિશિષ્ટ પ્રદાન કરનાર, ગુજરાતી ખમીરને રોશન કરનાર, ગુજરાતની સમૃદ્ધિ અને વિકાસની ગાથાને આગળ વધારનાર ચુનંદા પાત્રો વિશે આપણે વાત કરીશું.

આ પ્રયાસ સ્વયં સિદ્ધ નથી જ. ગુજરાતના સામાજિક વિકાસના ઇતિહાસમાં આઝાદીની લડાઈ માટે કાર્યરત અને ગુજરાતના સમાજ જીવનમાં તેમજ જાહેર જીવનને ઊજળું કરનારા મહાકવિ પ્રેમાનંદ, અખો, પીર કાયમુદ્દીન ચિશ્તી, ફરદુનજી મર્ઝબાન, હરકોર શેઠાણી, કવિ દલપતરામ, વિદેશી હોવા છતાં ગુજરાતી ભાષા સાહિત્ય અને સમાજ સુધારણાના પ્રણેતા ઍલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ, ત્યારબાદ પુરાતત્ત્વવિદ્ ડૉક્ટર ભગવાનદાસ, ઇન્દ્રજિત ભટ્ટ, ગુલામ હિન્દના ક્રિકેટર જામ રણજિતસિંહ, પ્રખર સમાજસુધારક લાલશંકર ઉમિયાશંકર.

ઉપરાંત ગુજરાતી લિપિના શોધક અને અંધજનોના પથદર્શક નીલકંઠરાય છત્રપતિ, ગુજરાતમાં સુશાસનની મિશાલ ખડી કરનાર શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ, ગોંડલ નરેશ ભગવતસિંહજી, ભાવનગર નરેશ કૃષ્ણકુમારસિંહજી, ગુજરાતનાં નારીરત્નો ડૉ. મોટીબહેન કાપડિયા, મીઠુબહેન પીટીટ, અનસૂયા સારાભાઈ, હંસાબહેન મહેતા, લક્ષ્મીબેન ગોસાણી, ફોટોગ્રાફી ક્ષેત્રે પોતાની અમીટ છાપ અંકિત કરનાર હોમાઈ વ્યારાવાલા, મણિબહેન પટેલ, ઇલાબહેન ભટ્ટ વગેરે ઉપરાંત ઉમાશંકર જોશી, ઇન્દુલાલ યાજ્ઞિક, સંજય કુમાર, ઉપેન્દ્ર ત્રિવેદી જેવાં અનેક નામો ગુજરાતના ઇતિહાસના દરિયામાં ડૂબકી મારીને તો મોંઘેરા મોતીની જેમ પેટાળમાં પડ્યાં છે. આ બધાની વાત કરવી હોય તો એક કરતાં વધુ ગ્રંથ રચાય.

આજના તબક્કે નિયતિએ મેં માત્ર ગુજરાતના આર્થિક, વાણિજ્યિક અને ઔદ્યોગિક વિકાસમાં જેમણે પ્રદાન કર્યું છે તેવા ચુનંદા નામ પસંદ કરીને તેના ઉપર લખવા માટે નક્કી કર્યું છે.

આ મારું મૅન્ડેટ છે. એને વફાદાર રહી આ શ્રેણી મારી મતિ અનુસાર કરાયેલી પસંદગી, ઉપલબ્ધ માહિતીઓને આધારે રજૂઆત પામી છે. એમાં જે કંઈ સારું છે તે આ બધા જ વ્યક્તિત્વ વિશેષનું છે અને મર્યાદા છે એ ક્યાંક ઉપલબ્ધ માહિતીની, તો ક્યાંક એને મઠારીને મૂકવાની આવડતની છે.

સંદર્ભસૂચિ:

  • એસઆઈઈએ સ્ટેટેસ્ટિક્સ, ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ડસ્ટ્રીયલ પૉલિસી ઍન્ડ પ્રમોશન, ગવર્મેન્ટ ઑફ ઇન્ડિયા
  • ઑફિસ ઑફ ડૅવલપમૅન્ટ કમિશનરેટ (એમ.એસ.એમ.ઈ), મિનિસ્ટ્રી ઑફ માઇક્રો, સ્મોલ ઍન્ડ મીડિયમ ઍન્ટરપ્રાઇસિસ, ગવર્મેન્ટ ઑફ ગુજરાત, NSS 73rd round (2015-16)
  • ઉદ્યોગ કમિશનર, ગુજરાત સરકાર, ગાંધીનગર
  • "Ease of Doing Business Report 2019" ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્ડસ્ટ્રિયલ પૉલિસી ઍન્ડ પ્રમોશન અને વર્લ્ડ બૅન્ક, નવી દિલ્હી
  • જય નારાયણ વ્યાસ, ઔદ્યોગિક ગુજરાત : આજ અને આવતી કાલ, પ્રકાશક : નવ ભારત સાહિત્ય મંદિર
  • ગુજરાત અને દરિયો, મકરંદ મહેતા, પ્રકાશક : દર્શક ઇતિહાસ નિધિ, વડોદરા, પ્રથમ આવૃત્તિ 2012
  • History of International Trade and Custom Duties in Gujarat, Makrand Mehta, Darshak Itihas Nidhi, Vadodara, First Edition, 2009
  • Merchants and Ports of Gujarat, Makrand Mehta, Darshak Itihas Nidhi, Vadodara, First Edition 2016
  • "આજનું અમદાવાદ" સંપાદકો : વિઠ્ઠલદાસ શાહ, જયંતકુમાર પાઠક, કૃષ્ણલાલ શાહ, પ્રકાશક : ધી સંદેશ લિમિટેડ વતી શ્રી નંદલાલ ચુનીલાલ બોડીવાલા, અમદાવાદ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો