મોંઘવારીમાંથી રાહત મેળવવા હજુ થોડા મહિના રાહ જોવી પડશે

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

વ્યક્તિનાં હાથમાં જે કંઈ આવક આવે તે આવક ભલે એક સરખી જ રહે પણ એ રકમમાંથી શું ખરીદી શકાશે? એટલે કે એની ખરીદશક્તિનો આધાર, જેને આપણે સાદી ભાષામાં 'મોંઘવારી' તરીકે ઓળખીએ છીએ તે 'ફુગાવાના દર' પર રહે છે.

જો ફુગાવાનો દર વધે, તો રૂપિયાની ખરીદશક્તિ ઘટતી જાય અને એથી ઊલટું જો ફુગાવાનો દર ઘટે તો રૂપિયાની ખરીદશક્તિ વધતી જાય.

દુનિયામાં એવો એક પણ દેશ નથી જ્યાં ભાવવધારો ના થતો હોય, ભાવવધારો સતત અને સાર્વત્રિક થાય ત્યારે એને 'ફુગાવા' તરીકે ઓળખવામાં આવે છે.

નાણાંના પુરવઠામાં વધારો થાય ત્યારે ફુગાવાજન્ય પરિબળોને વેગ મળે છે. નાણાકીય ફુગાવો એ ફુગાવાનો પ્રથમ તબક્કો છે. નાણાંનો પુરવઠો વધે તો સ્વાભાવિક રીતે સેવાઓની કિંમતમાં વધારો થાય છે.

પણ જ્યારે ચીજવસ્તુઓની એકદમ અછત ઊભી થાય અથવા એના ઉત્પાદન માટે લાગતી ચીજવસ્તુના ભાવ વધી જાય, ત્યારે ભાવમાં વધારો થાય છે અને આ પરિસ્થિતિમાં નાણાંના પુરવઠાને પાછળ રાખી દઈને ચીજવસ્તુના ભાવ વધે છે.

આપણે કન્ઝ્યુમર ઇન્ફ્લૅશન (Consumer Inflation) એટલે કે ગ્રાહક માટેના ભાવ વધારાના એક તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ.

ડિસેમ્બર-2019માં કુલ મોંઘવારીનો દર 7.5 ટકા હતો. તે જાન્યુઆરી-2020માં ઘટવાને બદલે વધી ને 7.60 ટકા થયો. અત્યાર સુધી મોંઘવારી માટે ખાદ્ય પદાર્થોની ચીજવસ્તુઓના ભાવમાં અસહ્ય વધારાને કારણભૂત ગણવામાં આવતો.

પણ ફૂડ ઇન્ફ્લેશન (Food Inflation) એટલે કે ખાદ્ય પદાર્થોની મોંઘવારીનો દર ડિસેમ્બર-2019માં 14.19 ટકા હતો, તે 2020 ના જાન્યુઆરી મહિનામાં ઘટીને 13.63 ટકા થયો. આમ છતાં પણ મોંઘવારી વધી.

હવે મૂળ વાત પર આવીએ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની મૉનિટરી પોલિસીની મીટિંગ ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં મળી.

આ સમિતિએ વ્યાજદરોમાં કોઈ ઘટાડો કરવાનું ઉચિત ના માનતાં ખાદ્યપદાર્થો તેમજ બળતણ સિવાયના ભાવ વધારાને કાળજીપૂર્વક નિયંત્રિત કરવાની વાત પર ભાર મૂક્યો છે.

કારણ કે આવનાર સમયમાં મોબાઇલ સેવાઓના ચાર્જમાં સંભવિત વધારો, દવાઓની વધતી જતી કિંમતો અને ઑટોક્ષેત્ર માટે ઍમિશનનાં સુધારેલા નિયમો આ બધાના કારણે સરવાળે મોંઘવારીમાં વધારો થાય તે માટેની પ્રબળ પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી ચિંતા રિઝર્વ બૅન્કની મૉનિટરી પોલીસી કમિટીએ કરી.

આ કમિટીના મંતવ્ય મુજબ કમ સે કમ 2020-21ના પ્રથમ છ મહિના તો આ બધાં પરિબળો મોંઘવારી વધારા તરફી કામ કરશે.

માત્ર ડુંગળીએ લોકોને રડાવ્યા નથી

શાકભાજીના ભાવ સિવાય ખાધાખોરાકીની ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે. શાકભાજી સિવાયના ખાધાખોરાકીની આઇટમોમાં ભાવ વધારવાના કારણે ફુગાવાનો દર વધતો રહેશે એવી આશંકા સેવાઈ હતી, જે સાચી પડી છે.

જાન્યુઆરી-2020માં કઠોળ, ઈંડાં, માછલી અને માંસ, દૂધ અને દૂધનાં ઉત્પાદનો, તેલ અને ચરબી, ફળો, ખાંડ અને મસાલાની કિંમતમાં વધારો થયો છે. એટલે માત્ર ડુંગળીનો ભાવ વધારો રડાવે તેવું રહ્યું નથી.

ઊલટાનું હવે તો ડુંગળીના મબલખ પાકને કારણે ડુંગળીના ભાવ એવા ગગડ્યા છે કે અગાઉ ડુંગળીના ભાવના કારણે ગૃહિણીઓ રડતી હતી, હવે ડુંગળી પાણીના મોલે વેચાતાં ખેડૂતો રડે છે.

કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (Consumer Price Index)માંથી ખાદ્ય પદાર્થો, બળતણનું, વીજળીનું, પેટ્રોલ અને ડિઝલનું, વાહનો માટે વપરાતા બીજા બળતણને કાઢી નાખો એટલે બાકી રહે એને Core CPI કહેવાય આ ઇન્ડેક્સ ખાદ્ય પદાર્થો અને બળતણના ભાવ વધારા સિવાયની ઇન્ડેક્સ છે.

જે ડિસેમ્બર-2019માં 3.47 ટકા હતી તે વધીને જાન્યુઆરી-2020માં 3.84 ટકા થઈ છે. ઘરભાડાને કાઢી નાખીએ તો સુપર કોર યાર્ડસ્ટિક તરીકે જાણીતો સૂચકાંક પણ ઊંચો ગયો છે. આમ ભાવ વધારો એ માત્ર ખાદ્ય પદાર્થો અને તેમાંય શાકભાજી અને ફળફળાદી ને કારણે ઉપર જઈ રહ્યો છે એવું નથી.

હવે અન્ય ક્ષેત્રોમાં પણ એણે પ્રવેશ કર્યો છે અને એ રીતે ભાવ વધારાનો પાયો વધુ પહોળો બન્યો છે.

આમ હજુ પણ થોડાક વધુ મહિના મોંઘવારીમાંથી રાહત મેળવવા માટે રાહ જોવી પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો