You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
NSA : અજિત ડોભાલે દિલ્હી હિંસા પર RSS અને અમિત શાહનું નામ લેનારને રોક્યા
દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભડકેલી કોમી હિંસામાં અત્યાર સુધી 27 લોકોનાં મૃત્યુ થયા છે.
3 દિવસ પછી પણ હજી સ્થિતિ સામાન્ય થઈ નથી. બુધવારે જ્યારે એક તરફ દિલ્હી હાઈકોર્ટે પોલીસની ભૂમિકા પર કડક ટિપ્પણી કરી તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ઉત્તર-પૂર્વીય દિલ્હીમાં હિંસાનો ભોગ બનેલા વિસ્તારોની મુલાકાત લીધી અને લોકોને મળ્યા.
અજિત ડોભાલને એક વૃદ્ધ મુસલમાને કહ્યું કે, યમુનાપારના મુસલમાનો પર જુલમ કરવામાં આવ્યો છે.
આ વાત કરતા તેમણે આરએસએસ અને અમિત શાહનું નામ લીધું તો અજિત ડોભાલે એ વૃદ્ધને એવું કહ્યું કે, એટલું જ બોલો જેટલાની મારા કાનને જરૂર હોય.
એ વૃદ્ધે કહ્યું કે, જ્યા મુસલમાનોની સંખ્યા ઓછી છે ત્યાં એમની પર અત્યાચાર થઈ રહ્યો છે પરંતુ અમે કોઈ હિંદુ પર જુલમ નથી થવા દીધો.
વૃદ્ધે કહ્યું કે, ''આરએસએસ અને અમિત શાહના કહેવા પર આ બધું થઈ રહ્યું છે.'' આ વાક્ય પર અજિત ડોભાલે એમને રોકવાની કોશિશ કરી પરંતુ તેઓ બોલતા રહ્યા. પછી અજિત ડોભાલ ત્યાંથી નીકળી ગયા.
આ જ ક્રમમાં અજિત ડોભાલને એક મુસ્લિમ છોકરીએ રડતાં રડતાં કહ્યું કે, '' અમે લોકો અહીં સુરક્ષિત નથી. દુકાનો સળગાવી દીધી. અમે સ્ટુડન્ટ છીએ અને ભણી નથી શકતાં. પોલીસ પોતાનું કામ નથી કરી રહી. અમે ભયભીત છીએ, રાતે ઉંઘી નથી શકતાં સર.''
આના જવાબમાં અજિત ડોભાલે કહ્યું કે, ''હવે તમે ફિકર ન કરો. હવે પોલીસ પોતાનું કામ કરશે. હું ગૃહમંત્રી અને વડા પ્રધાનના નિર્દેશ પર અહીં આવ્યો છું. આપ ભરોસો રાખો. ઇંશાઅલ્લાહ સૌ સારું થશે. ટૅન્શન ન રાખો. આપણે એકબીજાની સમસ્યા વધારવાની નથી, ઓછી કરવાની છે.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અજિત ડોભાલે લોકોને મળીને એમના રક્ષણ માટે આશ્વાસન આપ્યું અને કહ્યું કે કોઈએ ડરવાની જરૂર નથી.
ડોભાલે કહ્યું કે, ''મારો સંદેશ સૌને માટે છે. અહીં કોઈ દુશ્મન નથી. જેઓ પોતાના દેશને પ્રેમ કરે છે, સમાજને પ્રેમ કરે છે, પડોસીનું ભલું ઇચ્છે છે એ સૌએ પ્રેમથી રહેવું જોઈએ. અહીં સૌ એકતાથી રહે છે અને કોઈ કોઈનું દુશ્મન નથી. કેટલાક અસામાજિક તત્ત્વો છે અને અમે એમની સાથે કડકાઈથી વર્તીશું. પોલીસ એનું કામ કરશે. ઇંશાઅલ્લાહ બધું ઠીક થશે.''
અજિત ડોભાલે કેટલાક લોકોને એમ પણ કહ્યું કે, ''પ્રેમની ભાવના બનાવી રાખો. આપણો એક દેશ છે અને આપણે સાથે મળીને રહેવાનું છે, સાથે મળીને દેશને આગળ વધારવાનો છે.''
એક વિસ્તારમાં ડોભાલે કહ્યુ કે સ્થિતિ પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.
ડોભાલની સાથે સ્થાનિક પોલીસ અધિકારીઓનો કાફલો પણ હતો. હિંસાથી સૌથી વધારે પ્રભાવિત જાફરાબાદની પણ અજિત ડોભાલે મુલાકાત લીધી. તેમણે કહ્યું કે, સ્થિતિ અંકુશમાં છે અને લોકો સંતુષ્ટ છે.
જોકે, બુધવારે સવારે ભજનપુરા વિસ્તારમાં એક દુકાન સળગાવી દેવાની ઘટના બની હતી.
સમાચાર સંસ્થા પીટીઆઈ મુજબ અમુક વિસ્તારમાં પથ્થરમારાની ઘટના પણ બની હતી. મંગળવારે સાંજે પણ અજિત ડોભાલે સીલમપુર, જાફરાબાદ, મૌજપુર અને ગોકુલપુરીની મુલાકાત લીધી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો