કેજરીવાલે લીધા શપથ : હેટ્રિક પહેલાંના આપના અરવિંદની કહાણી

    • લેેખક, દિલનવાઝ પાશા
    • પદ, બીબીસી સંવાદદાતા

અરવિંદ કેજરીવાલે રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં ત્રીજી વખત દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા.

કેજરીવાલની સાથે અન્ય નેતાઓ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, ઇમરાન હુસૈન, રાજેન્દ્રપાલ ગૌતમે પણ શપથ લીધા હતા.

દિલ્હીમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે વારાણસી ગયા હતા.

શપથ લીધા બાદ અરવિંદ કેજરીવાલે સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે હું દિલ્હીવાસીઓની જિંદગીમાં ખુશીઓ લાવવાની કોશિશ કરીશ.

ત્રીજી વખત મુખ્ય મંત્રી બન્યા પહેલાના કેજરીવાલની કહાણી

બીજી ઑક્ટોબર, 2012ના દિવસે અરધી બાંયનું ખમીસ, ઢીલું પૅન્ટ અને માથા પર 'મૈં હું આમ આદમી' લખેલી ટોપી પહેરીને અરવિંદ કેજરીવાલ કૉન્સ્ટિટ્યૂશન ક્લબના મંચ પર આવ્યા હતા. તેમની પાછળ મનીષ સિસોદિયા, પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર કુમાર, કુમાર વિશ્વાસ, ગોપાલ રાય અને ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનમાં તેમની સાથે રહેલા અન્ય લોકો બેઠા હતા.

રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરતાં કેજરીવાલે કહ્યું હતું, "આજે આ મંચ પરથી જાહેર કરીએ છીએ કે અમે હવે ચૂંટણી પણ લડી દેખાડીશું. આજથી દેશના નાગરિકો ચૂંટણીના રાજકારણમાં ઝંપલાવી રહ્યા છે અને તમે હવે તમારા દિવસો ગણવાનું ચાલુ કરી દો."

તેમણે કહ્યું હતું, "અમારી સ્થિતિ એ અર્જુન જેવી છે, જે કુરુક્ષેત્રના મેદાનમાં ઊભેલો છે અને તેની સામે બે દ્વિધા છેઃ એક- હું હારી નહીં જાઉં અને બીજી- સામે મારા પોતાના લોકો ઊભા છે. એ વખતે અર્જુનને કૃષ્ણે કહ્યું હતું કે હાર અને જીતની ચિંતા ન કરો. લડો."

ભ્રષ્ટાચાર વિરુદ્ધના આંદોલનને રાજકીય પક્ષમાં પરિવર્તિત કર્યા બાદ કેજરીવાલ ચૂંટણી લડ્યા એટલું જ નહીં, જિત્યા પણ ખરા.

ત્રીજી વખત દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતીને તેમણે પુરવાર કર્યું છે કે કેજરીવાલ પાસે મોદી મૅજિકને ભેદવાની ચાવી છે.

સામાજિક કાર્યકર તરીકેની ઓળખ

ભારતીય મહેસૂલ સેવાના અધિકારી અને આઈઆઈટીમાં અભ્યાસ કરી ચૂકેલા કેજરીવાલે તેમનું રાજકીય સ્થાન 2011ના ભ્રષ્ટાચારવિરોધી આંદોલનમાં તૈયાર કર્યું હતું, પરંતુ એ પહેલાં તેઓ એક સામાજિક કાર્યકર તરીકે પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યા હતા.

2002ના પ્રારંભિક મહિનાઓમાં કેજરીવાલ ભારતીય મહેસૂલી સેવામાંથી રજા લઈને દિલ્હીના સુંદરનગરી વિસ્તારમાં તેમના એક્ટિવિઝમના પ્રયોગ કરી રહ્યા હતા.

કેજરીવાલે ત્યાં એક બિનસરકારી સંગઠનની સ્થાપના કરી હતી, જેને 'પરિવર્તન' નામ આપવામાં આવ્યું હતું. કેજરીવાલ તેમના કેટલાક દોસ્તો સાથે મળીને એ વિસ્તારમાં મૂળભૂત પરિવર્તન લાવવા ઇચ્છતા હતા.

થોડા મહિનાઓ પછી ડિસેમ્બર-2002માં કેજરીવાલના બિનસરકારી સંગઠન 'પરિવર્તન' દ્વારા શહેરી ક્ષેત્રમાં વિકાસના મુદ્દે પહેલી જનસુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

એ સમયે તેમની પૅનલમાં જસ્ટિસ પી. બી. સાવંત, માનવાધિકાર કાર્યકર હર્ષ મંદર, લેખિકા અરુંધતિ રોય અને આરટીઆઈ ઍક્ટિવિસ્ટ અરુણા રાય જેવાં લોકો સામેલ હતાં.

એ પછીનાં ઘણાં વર્ષ સુધી કેજરીવાલ ઉત્તર પ્રદેશની સીમા પાસે પૂર્વ દિલ્હીના વિસ્તારોમાં વીજળી, પાણી અને રૅશન જેવા મુદ્દાઓ માટે કામ કરતા રહ્યા હતા.

2006માં કેજરીવાલને 'ઊભરતા નેતૃત્વ' માટે રૅમન મૅગ્સેસે ઍવૉર્ડ આપવામાં આવ્યો ત્યારે તેમને આગવી ઓળખ મળી હતી.

એક અધિકારી કેજરીવાલ

એ વખતે અરવિંદ કેજરીવાલ સાથે જોડાયેલા અને અત્યાર સુધી તેમની સાથે કામ કરતા અમિત મિશ્રા કહે છે, "અરવિંદ ઘણા સ્ટ્રૅઈટ ફૉરવર્ડ હતા. જે કામ જોઈએ એ સ્પષ્ટ કહેતા હતા. તેમાં આનાકાનીની શક્યતા ન હતી. હા, તર્કસભર દલીલ જરૂર સાંભળતા હતા."

"એ દિવસોમાં અમે પરિવર્તનના નેજા હેઠળ મોહલ્લાસભાઓ યોજતા હતા. મોહલ્લાસભા દરમિયાન અમે સ્થાનિક વહીવટ બાબતે ચર્ચા કરતા હતા. અમે લોકોની સભામાં અધિકારીઓને બોલાવીને તેમને સવાલ કરતા હતા."

અમિત મિશ્રા કહે છે, "કેજરીવાલ એ સમયે નાની-નાની નીતિઓ બનાવતા હતા અને અધિકારીઓ તથા નેતાઓને મળતા હતા. તેમની સામે ટક્કર લેતા હતા.તેઓ ઍપૉઇન્ટમૅન્ટ લઈને નેતાઓને મળતા હતા. તેઓ એવા પ્રયાસ કરતા કે તેમણે ઉઠાવેલા મુદ્દાઓ વિશે સંસદમાં સવાલ પૂછવામાં આવે."

કેજરીવાલ ઘણાં વર્ષો સુધી સુંદરનગરીમાં પાયાના મુદ્દાઓ માટે કામ કરતા રહ્યા હતા. માહિતીના અધિકાર માટે ચાલતા અભિયાનમાં પણ તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી.

અમિત મિશ્રા ઉમેરે છે, "સુંદરનગરીના લોકો અને તેમની સમસ્યાઓને સમજવા માટે અરવિંદ કેજરીવાલે એક ઝૂંપડી ભાડે રાખી હતી અને તેમાં રહ્યા હતા. તેઓ લોકોની પાયાની જરૂરિયાતોને સમજ્યા હતા. તેઓ લોકોની જરૂરિયાતને સરકારની નીતિમાં સામેલ કરવાના પ્રયાસ કરતા હતા."

ભ્રષ્ટાચાર સામે મોરચો માંડ્યો

દિલ્હીમાં 2010માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાં થયેલા કથિત ગોટાળાના સમાચાર મીડિયામાં પ્રકાશિત થયા પછી લોકોમાં ભ્રષ્ટાચાર સામેનો ગુસ્સો વધી રહ્યો હતો.

સોશિયલ મીડિયા પર 'ઇન્ડિયા અગૅઈન્સ્ટ કરપ્શન' ઝુંબેશ શરૂ થઈ અને કેજરીવાલ તેનો ચહેરો બની ગયા હતા. દિલ્હી અને દેશના અનેક વિસ્તારોમાં ભ્રષ્ટાચાર વિરોધી જાહેરસભાઓ યોજાવા લાગી હતી.

ગાંધીવાદી સમાજસેવક અણ્ણા હઝારેએ એપ્રિલ-2011માં ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનલોકાયુક્ત-લોકપાલની માગણી સાથે દિલ્હીના જંતરમંતર પર ધરણાં શરૂ કર્યાં હતાં. મંચ પર આગળ અણ્ણા હતા અને પાછળ કેજરીવાલ.

દેશના અલગ-અલગ વિસ્તારોમાંથી આવેલા યુવક-યુવતીઓ એ આંદોલન સાથે જોડાઈ ગયા હતા. એ વિરોધપ્રદર્શનમાં લોકોની ભીડ અને ભ્રષ્ટાચાર સામેનો લોકોનો ક્રોધ દિનપ્રતિદિન વધી રહ્યો હતો.

અણ્ણાએ નવમી એપ્રિલે તેમના અનિશ્ચિત સમયનાં ધરણાં પર પૂર્ણવિરામ મૂક્યું હતું. જોશીલા યુવાઓની ભીડે અડધી બાંયનું શર્ટ પહેરતી કાળી મૂછવાળી નાના કદની એક વ્યક્તિને ઘેરી લીધી હતી. એ વ્યક્તિ કેજરીવાલ હતા.

યુવાઓ ભારત માતાકી જય અને ઈન્કિલાબ ઝિંદાબાદના નારાઓ લગાવી રહ્યા હતા. તેઓ કહી રહ્યા હતા કે અણ્ણાએ આંદોલન બંધ કરવું ન જોઈએ અને તેઓ ખામોશ હતા.

અણ્ણા હજારે સાથે આંદોલન

એ સમય સુધીમાં કેજરીવાલ ભ્રષ્ટાચારવિરોધી આંદોલનના આર્કિટેક્ટ બની ચૂક્યા હતા. ત્યાર બાદ થોડા મહિનાઓમાં તેમણે 'ટીમ અણ્ણા'નો વિસ્તાર કર્યો હતો.

સમાજના દરેક વર્ગના લોકોને તેમાં સામેલ કર્યા હતા, સૂચનો માંગ્યાં હતાં અને એક વિરાટ જનઆંદોલનની પરિકલ્પના કરી હતી.

ઑગસ્ટ-2011માં દિલ્હીના રામલીલા મેદાનમાં અણ્ણા હઝારેનું જનલોકપાલ માટે મોટું આંદોલન શરૂ થયું હતું.

માથા પર 'મેં અણ્ણા હું' ટોપી પહેરેલા લોકોનાં ટોળેટોળાં ઉમટવા લાગ્યાં હતાં. મીડિયાએ તેને 'અણ્ણાક્રાંતિ' એવું નામ આપ્યું હતું.

કેજરીવાલ એ ક્રાંતિનો ચહેરો બની ગયા હતા. પત્રકારો તેમની પાસે ટોળે વળવા લાગ્યા હતા. કેજરીવાલનાં ઇન્ટરવ્યૂ થવા લાગ્યાં હતાં.

જોકે, કેજરીવાલ જે ઇચ્છતા હતા તે લક્ષ્ય એ આંદોલનથી હાંસલ નહોતું થયું. એટલે કેજરીવાલે દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં મોટી સભાઓ યોજવાનું શરૂ કર્યું હતું.

તેઓ મંચ પર આવતા અને નેતાઓની ઝાટકણી કાઢતા હતા. નેતાઓના ભ્રષ્ટાચારની વિગત જાહેર કરતા હતા.

કેજરીવાલની ઇમેજ ઍન્ગ્રી યંગમૅનની બની ગઈ હતી. એવા ઍન્ગ્રી યંગમૅન, જે વ્યવસ્થાથી હતાશ હતા અને પરિવર્તન ઇચ્છતા હતા. દેશના હજારો યુવાઓને તેમનામાં પોતાપણું અનુભવતા હતા.

કેજરીવાલે તેમના પહેલા ધરણાનો મોટો કાર્યક્રમ અણ્ણા હઝારેના માર્ગદર્શનમાં જુલાઈ-2012માં જંતરમંતર પર શરૂ કર્યો હતો.

એ વખતે તેમના અને તેમના કાર્યકરોના માથા પર 'મેં હું અણ્ણા' લખેલી ટોપીઓ જ હતી અને મુદ્દો હતા-ભ્રષ્ટાચાર તથા જનલોકપાલ.

આંદોલન બાદ રાજકારણમાં પ્રવેશ

એ ધરણામાં કેજરીવાલને સધિયારો આપવા માટે અણ્ણા હઝારે પણ જંતરમંતર પહોંચ્યા હતા.

કેજરીવાલનું વજન ઓછું થયું ગયું અને દેશમાં તેમની ઓળખ વ્યાપક બનવા લાગી.

કેજરીવાલનું એ આંદોલન પૂરું થયું ત્યાં સુધીમાં એ સ્પષ્ટ થઈ ગયું હતું કે તેઓ રાજકારણમાં પ્રવેશી રહ્યા છે.

પોતે ચૂંટણીના રાજકારણમાં ક્યારેય પ્રવેશશે નહીં એવું તેઓ વારંવાર કહેતા રહ્યા હતા એ અલગ વાત છે.

રસ્તા પર સંઘર્ષ દ્વારા પોતાની ઓળખ બનાવી ચૂકેલા કેજરીવાલે દસ દિવસના ઉપવાસને ખતમ કરતાં કહ્યું હતું, "નાની લડાઈથી મોટી લડાઈ તરફ આગળ વધી રહ્યા છીએ. સંસદનું શુદ્ધિકરણ કરવું છે. હવે આંદોલન સડક પર પણ થશે અને સંસદની અંદર પણ થશે. સત્તાને દિલ્હીમાંથી ખતમ કરીને દેશના દરેક ગામ સુધી પહોંચાડવી છે."

કેજરીવાલે સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ હવે એક રાજકીય પક્ષની રચના કરશે અને ચૂંટણીના રાજકારણમાં ઝંપલાવશે. તેમણે કહ્યું હતું, "આ પક્ષ નહીં હોય, પણ આંદોલન હશે. અહીં કોઈ હાઈ કમાન્ડ નહીં હોય."

કેજરીવાલ રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય જાહેર કરી રહ્યા હતા અને વિરોધ પ્રદર્શનમાં સામેલ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકરોના ચહેરા પરના ભાવ બદલાઈ રહ્યા હતા.

અનેક કાર્યકરોએ કેજરીવાલના નિર્ણયને સ્વીકાર્યો હતો અને આગળની લડાઈ માટે ખુદને તૈયાર કર્યા હતા. બીજી તરફ એવા લોકો પણ હતા, જેમણે કેજરીવાલના નિર્ણય સામે સવાલ ઉઠાવ્યો હતો.

'કૉલેજકાળમાં રાજકારણની વાતો ક્યારેય કરી નહોતી'

રાજકારણમાં પ્રવેશવાના કેજરીવાલના નિર્ણયને યાદ કરતાં અમિત મિશ્રા કહે છે, "અરવિંદ શરૂઆતમાં હંમેશાં કહેતા હતા કે રાજકારણમાં જોડાવાની તેમની કોઈ ઇચ્છા નથી."

"તેઓ કહેતા કે હૉસ્પિટલમાં ડૉક્ટર દર્દીની સારવાર ન કરતા હોય એનો અર્થ એવો નથી કે આપણે ડૉક્ટર બની જઈએ."

"જોકે, જનલોકપાલ આંદોલન દરમિયાન દરેક તરફથી નિરાશા મળી ત્યારે અરવિંદે નિર્ણય કર્યો હતો કે હવે રાજકારણમાં ઝંપલાવવું જ પડશે."

આઈઆઈટીમાં તેમની સાથે ભણેલા તેમના દોસ્ત રાજીવ સરાફ કહે છે, "કૉલેજના સમયમાં અમે રાજકારણની વાતો ક્યારેય કરી ન હતી. ચાર વર્ષમાં અમે રાજકારણની વાતો ક્યારેય કરી હોય એવું મને યાદ નથી. અરવિંદે રાજકારણમાં ઝંપલાવ્યું એ અમારા માટે આશ્ચર્યજનક હતું."

રાજીવ સરાફ કહે છે, "અરવિંદ કૉલેજ પછી કોલકાતામાં નોકરી કરતા હતા ત્યારે તેમનો મધર ટેરેસા સાથે સંપર્ક થયો હતો."

"એ પછી તેઓ આઈઆરએસમાં જોડાયા હતા. ત્યાં વ્યાપક ભ્રષ્ટાચાર તેમની નજરે પડ્યો હતો. મને લાગે છે કે રાજકારણમાં જોડાવાનો તેમનો નિર્ણય તર્કસંગત હતો. રાજકારણમાં જોડાવાનું તેમણે પહેલેથી નક્કી કર્યું ન હતું."

ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં કેજરીવાલની ઇમેજ એન્ગ્રી યંગમેનની બની હતી, પણ કૉલેજના દિવસોમાં તેઓ શાંત સ્વભાવના, બહુ ઓછું બોલતા યુવાન હતા.

એ દિવસોના યાદ કરતાં રાજીવ સરાફ કહે છે, "અમે કૉલેજમાં હતા ત્યારે અરવિંદ બહુ શરમાળ અને શાંત હતા."

"અમારી સાથે જ ફરતા હતા. અમે એમને બહુ બોલતા સાંભળ્યા ન હતા. અણ્ણાના આંદોલન પછી અમને તેમની એન્ગ્રી યંગમેનની ઇમેજ જોવા મળી હતી, જે તેમના કૉલેજકાળની ઈમેજથી બિલકુલ વિપરીત છે. લોકો સમય સાથે બદલાતા હોય છે. કેજરીવાલ પણ બદલાયા છે."

લોકોની સમસ્યા માટે લોકોના પૈસે ચૂંટણી

કેજરીવાલે તેમના પક્ષની વિધિવત રચનાની જાહેરાત 26 નવેમ્બર, 2012ના રોજ કરી હતી. કેજરીવાલે જણાવ્યું હતું કે તેમના પક્ષમાં કોઈ હાઈ કમાન્ડ નહીં હોય અને તેઓ લોકોની સમસ્યાઓ માટે લોકોના પૈસે ચૂંટણી લડશે.

કેજરીવાલે રાજકારણનો માર્ગ પસંદ કર્યો ત્યારે તેમના ગુરૂ અણ્ણા હઝારેએ પણ કહી દીધું હતું કે અરવિંદ સત્તાના રસ્તા પર ચાલી નીકળ્યા છે.

પક્ષની રચના પછીના દિવસોમાં અરવિંદ તેમને મળતું બધું પક્ષ સાથે જોડી રહ્યા હતા. તેમની વેગન-આર કારમાં તેમનો ઇન્ટરવ્યૂ કર્યા બાદ મેં ટેપરેકૉર્ડર બંધ કર્યું કે તરત જ કેજરીવાલે કહ્યું હતું કે પત્રકારત્વ છોડો, અમારા પક્ષમાં જોડાઈ જાઓ. આ સમય નિષ્પક્ષ રહેવાનો નહીં, પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઊભા થવાનો છે.

કેજરીવાલ મને તો બરાબર ઓળખતા પણ ન હતા અને મને પક્ષમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું. વાસ્તવમાં તેમને જે કોઈ મળતું હતું, તેમને તેઓ તેમના નવા પક્ષમાં જોડાવાનું આમંત્રણ આપતા હતા.

તેમની આ સંગઠનાત્મક ક્ષમતા આગળ જતાં તેમની સૌથી મોટી તાકાત બની હતી. કેજરીવાલે એવા લોકોને પક્ષમાં લાવ્યા હતા, જેઓ ભૂખ્યા રહીને તેમના માટે કામ કરવા તૈયાર હતા, લાઠી-દંડા ખાવા તૈયાર હતા.

એ સ્વંયસેવકોની તાકાત પર કેજરીવાલ 2013માં દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. રાજકારણમાં પદાર્પણ કરનારા તેમના પક્ષે 28 બેઠકો જીતી હતી.

ખુદ કેજરીવાલે નવી દિલ્હી બેઠક પરથી તત્કાલીન મુખ્ય પ્રધાન શીલા દીક્ષિતને 25,000થી વધુ મતથી હરાવ્યાં હતાં, પરંતુ એ શીલા દીક્ષિતના કૉંગ્રેસ પક્ષ સાથે મળીને તેમણે સરકાર રચવી પડી હતી.

મેટ્રોમાં પ્રવાસ કરીને રામલીલા મેદાન સુધી

કેજરીવાલ દિલ્હી મેટ્રોમાં પ્રવાસ કરીને મુખ્ય પ્રધાન તરીકે સોગંદ લેવા રામલીલા મેદાન પર પહોંચ્યા હતા. જે રામલીલા મેદાનમાં તેઓ અણ્ણા સાથે ઉપવાસ પર બેઠા હતા એ જ રામલીલા મેદાન તેમની શપથવિધિનું સાક્ષી બન્યું હતું.

સોગંદ લીધા બાદ કેજરીવાલે ભારત માતાકી જય, ઇન્કલાબ ઝિંદાબાદ બાદ અને વંદે માતરમના નારા લગાવ્યા હતા અને કહ્યું હતું, "આજે અરવિંદ કેજરીવાલે નહીં, દિલ્હીના દરેક નાગરિકે મુખ્ય પ્રધાનપદના સોગંદ લીધા છે. આ લડાઈ અરવિંદ કેજરીવાલને મુખ્ય પ્રધાન બનાવવા માટેની નહીં, પણ સત્તા લોકોના હાથમાં આપવા માટેની હતી."

પોતાની જીતને કુદરતનો ચમત્કાર ગણાવતાં કેજરીવાલે ઈશ્વર, અલ્લાહ અને ભગવાનન આભાર માન્યો હતો.

સોગંદ લીધાના થોડા દિવસ પછી જ કેજરીવાલ દિલ્હી પોલીસમાંના ભ્રષ્ટાચાર વિરુદ્ધ રેલ ભવન બહાર ધરણા પર બેસી ગયા હતા. દિલ્હીની ઠંડીમાં મફલરધારી કેજરીવાલ ભ્રષ્ટાચાર વિરુદ્ધ બોલ્યા ત્યારે લોકોને એવું લાગ્યું હતું કે કોઈ તેમની વાત કરી રહ્યું છે.

કેજરીવાલની એ સરકાર માત્ર 49 દિવસ જ ટકી શકી હતી, પણ એ 49 દિવસોમાં દિલ્હીના રાજકારણે એક નવો યુગો નિહાળ્યો હતો. કેજરીવાલ તેમના જાહેર ભાષણોમાં ભ્રષ્ટ અધિકારીઓનો વીડિયો બનાવવાનું આહ્વાન કરતા હતા અને ભ્રષ્ટ અધિકારીઓ તેમને સાંભળતા તથા તેમનાથી ડરતા હતા.

મુખ્ય મંત્રીપદે રાજીનામું આપી રસ્તા પર

કેજરીવાલ બનતી ઝડપે જનલોકપાલ ખરડો પસાર કરાવવા ઇચ્છતા હતા, પણ ગઠબંધન સરકારમાં તેમનો ભાગીદાર કૉંગ્રેસ પક્ષ એ માટે તૈયાર ન હતો.

આખરે 2014ની 14 ફેબ્રુઆરીએ કેજરીવાલે દિલ્હીના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું હતું અને ફરી રસ્તા પર આવી ગયા હતા.

કેજરીવાલે એ સમયે કહ્યું હતું, "મને સત્તાનો મોહ હોત તો મેં મુખ્ય પ્રધાનદ છોડ્યું ન હોત. મેં સિદ્ધાંતોને કારણે મુખ્ય પ્રધાનપદ છોડ્યું છે."

એ ઘટનાના થોડા મહિના બાદ જ લોકસભાની ચૂંટણી યોજાવાની હતી. નરેન્દ્ર મોદીને પડકારવા કેજરીવાલ બનારસ પહોંચી ગયા હતા. લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતા પહેલાં કરેલા ભાષણમાં કેજરીવાલે કહ્યું હતું, "દોસ્તો, મારી પાસે કશું નથી. હું તો તમારા પૈકીનો એક છું. આ લડાઈ મારી નથી. આ લડાઈ ભ્રષ્ટાચારમુક્ત ભારતનું સપનું નિહાળતી દરેક વ્યક્તિની છે."

બનારસમાં કેજરીવાલ 3.70 લાખથી વધુ મતથી હાર્યા હતા. તેમને સમજાઈ ગયું હતું કે રાજકારણમાં લાંબી રેસ માટે પહેલાં નાના મેદાનમાં પ્રેક્ટિસ કરવી પડશે. એ પછી તેમણે દિલ્હીમાં જ પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.

પક્ષના નિરાશ કાર્યકરો માટે બહાર પાડેલા એક નિવેદનમાં કેજરીવાલે જણાવ્યું હતું, "આપણો પક્ષ હજુ નવો છે. ઘણું કામ બાકી છે. આપણે બધાએ મળીને આ સંગઠન મજબૂત બનાવવાનું છે. આગામી સમયમાં આપણે સાથે મળીને સંગઠનને મજબૂત કરીશું. મને આશા છે કે આ સંગઠન દેશને ફરી આઝાદ કરાવવામાં મોટી ભૂમિકા ભજવશે."

કેજરીવાલે સામાન્ય માણસ જેવો વેશ અપનાવ્યો હતો. તેઓ સાદા કપડા પહેરતા હતા અને વેગન-આર કારમાં ફરતા હતા, ધરણાં કરતા હતા અને લોકોની વચ્ચે જતા હતા.

એ દરમિયાન એક વીડિયો બહાર પાડીને કેજરીવાલે કહ્યું હતું, "હું તમારા પૈકીનો એક છું. હું અમે મારો પરિવાર તમારા જેવા જ છીએ. તમારી જેમ જ રહીએ છીએ. હું અને મારો પરિવાર તમારી માફક જ આ વ્યવસ્થામાં જીવવાનો પ્રયાસ કરીએ છીએ."

એ પછીના સમયગાળામાં ખાંસતા કેજરીવાલ મફલરમેનના સ્વરૂપમાં જોવા મળ્યા હતા. એ દિવસોમાં ગળામાં મફલર પહેરતા કેજરીવાલ દિલ્હીમાં જ્યાં જગ્યા મળતી ત્યાં જનસભા યોજતા હતા.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલે દિલ્હીના લોકો પાસેથી સંપૂર્ણ બહુમતીની માગણી કરી હતી અને લોકોએ તેમને ઐતિહાસિક વિજય અપાવ્યો હતો.

દિલ્હી વિધાનસભાની કુલ 70માંથી 67 બેઠકો જીતીને કેજરીવાલે 2015ની 14 ફેબ્રુઆરીએ ફરીવારે દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે સોગંદ લીધા હતા.

એ વખતે તેમની પાસે પૂર્ણથી પણ વધારે બહુમતી હતી. આપેલાં વચનો પાળવા માટે પૂરાં પાંચ વર્ષ હતાં, પણ જે જનલોકપાલ ખરડો લાવવાનું વચન તેમણે આપ્યું હતું એ પૂર્ણ કરી શક્યા ન હતા.

પાંચ વર્ષમાં તેમણે દિલ્હીનું આરોગ્ય, શિક્ષણ અને અન્ય સરકારી સેવાઓ સુધારવાની દિશામાં કામ કર્યું હતું.

વચ્ચે-વચ્ચે તેઓ કેન્દ્ર સરકાર સહકાર ન આપતી હોવાના આક્ષેપ કરતા રહ્યા હતા.

મફત વીજળી-પાણી જેવી લોકરંજક યોજનાઓ તેમણે અમલી બનાવી હતી અને ખુદને ઇમાનદારીનું પ્રમાણપત્ર વારંવાર આપ્યું હતું.

જોકે, એ બધામાં ભ્રષ્ટાચાર અને જનલોકપાલના મુદ્દાઓ ક્યાંક ખોવાઈ ગયા. દિલ્હીમાં ભ્રષ્ટાચાર કેટલો ઘટ્યો છે એ દિલ્હીવાળાઓ જ જાણે છે. ઘણા લોકોને તો જનલોકપાલ યાદ પણ નથી.

જે કેજરીવાલે કહ્યું હતું કે તેઓ રાજકારણમાં ક્યારેય નહીં આવે, એ કેજરીવાલ ત્રીજીવાર મુખ્ય પ્રધાન બનવાના છે.

તેમણે કહ્યું હતું કે તેઓ સામાન્ય માણસની માફક રહેશે. લાલ બત્તીવાળી કારનો ઉપયોગ નહીં કરે.

હવે એ જ કેજરીવાલ દિલ્હીમાં આલિશાન મુખ્ય પ્રધાન આવાસમાં રહે છે અને વેગન-આર કારનું સ્થાન લક્ઝરી કારે લઈ લીઘું છે.

જે પક્ષની રચના કરતી વખતે કેજરીવાલે કહ્યું હતું કે તેમાં કોઈ હાઈ કમાન્ડ નહીં હોય, એ પક્ષમાં કેજરીવાલ એકમાત્ર હાઈકમાન્ડ છે. પક્ષમાં જે નેતાઓનું કદ કેજરીવાલ જેવું થઈ શકતું હતું એ નેતાઓ એક પછી એક પક્ષ છોડીને ચાલ્યા ગયા છે.

કેજરીવાલ હવે 51 વર્ષના છે. દેશના રાજકારણમાં ડગલાં ભરવા માટે તેમની પાસે અનુભવ પણ છે અને સમય પણ ઘણો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો