દિલ્હી વિધાનસભા : 'ભાજપને ન રામ કામ લાગ્યા, ન હનુમાન'

    • લેેખક, ડૉ. ધીમંત પુરોહિત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

દિલ્હીમાં ભાજપને ન રામ કામમાં આવ્યા, ન હનુમાન. ન શાહીનબાગ, ન કાશ્મીર.

એક નાનું રાજ્ય, જે પૂર્ણ રાજ્ય પણ નથી એના ચૂંટણીજંગમાં ભાજપે એમના વડા પ્રધાન ઉતાર્યા, ગૃહમંત્રી ઉતાર્યા, કેન્દ્રીય મંત્રીઓ ઉતાર્યા અને રાજ્યના મુખ્ય મંત્રીઓ પણ ઉતાર્યા. આમ છતાં, આ બધા મળીને પણ ભાજપની બેઠકો બે આંકડા સુધી ન પહોચાડી શક્યા.

હા, મનોજ તિવારી જેવા ભાજપના પ્રદેશઅધ્યક્ષ એવું આશ્વાસન જરૂર અપાવી શકે કે "મેં દિલ્હીમાં ભાજપની સીટો ડબલ કરી આપી, 3ની 8 થઈ ગઈ."

બાય ધ વે, આ એ જ પ્રદેશ અધ્યક્ષ છે, જેમણે ભાજપ માટે 48 અને પછી 55 સીટોની ભવિષ્યવાણી ટ્વિટર પર કરીને પાછી સલાહ આપી હતી, કે આ ટ્વીટ સેવ કરી રાખજો.

આ એ જ પ્રદેશઅધ્યક્ષ છે, જેમનો રાષ્ટ્રીય અધ્યક્ષ પરનો એક કથિત પત્ર વાઇરલ થયો હતો, જેમાં એમણે સલાહ આપી હતી કે "દિલ્હીની પરિસ્થિતિ જોતાં, હવે વડા પ્રધાન અને ગૃહમંત્રી જેવા મોટા નેતાઓને ચૂંટણીથી દૂર રાખવા જોઈએ, જેથી હારની જવાબદારી માત્ર મારે માથે નાખી શકાય."

આ નવા કેજરીવાલ પાકા દિલ્હીછાપ રાજકારણી

સામે પક્ષે, દિલ્હી ચૂંટણી 2020 માત્રને માત્ર અરવિંદ કેજરીવાલનો સૉલો શો છે.

કેજરીવાલનું આ નવું વર્ઝન 3.0 છે. આ કેજરીવાલ અણ્ણાના આંદોલનવાળા ક્રાંતિકારી કેજરીવાલ નથી, કે 2015ના કેજરીવાલ પણ નથી. આ નવા કેજરીવાલ પાકા દિલ્હીછાપ રાજકારણી છે.

આ કેજરીવાલને પોતાના પાછલાં પાંચ વર્ષનો હિસાબ ગાઈવગાડીને આપતા આવડે છે. મફત વીજળી, પાણી, મુસાફરી જેવી યોજનાઓ થકી વોટ માગતા આવડે છે.

આમ તો કેજરીવાલ અને તેમની પાર્ટી સેક્યુલર છાપ ધરાવે છે, પણ હિંદુ વોટ માટે ટીવી પર હનુમાનચાલીસા એમને ગાતા આવડે છે અને ભાજપના નેતાઓને હનુમાનચાલીસા કે ગીતા નથી આવડતી એવું પણ તે કહી શકે છે.

આ કેજરીવાલને શાહીનબાગ ગયા વગર મુસ્લિમ વોટ માટે શાહીનબાગને સપોર્ટ કરતા આવડે છે અને મતદાન અગાઉ અને પરિણામ પછી હનુમાનજીનાં દર્શન માટે મંદિર જવાનું પણ તેઓ ચૂકતા નથી.

કેજરીવાલનો હનુમાનપ્રેમ એટલો મજબૂત છે કે ભાજપના નેતા રવીન્દ્ર રૈના ઑફિશિયલ રીઍક્શનમાં કહે છે કે "કેજરીવાલે હનુમાનચાલીસા ગાઈ એટલે જ જીત્યા." હાસ્તો, બાકી અજેય નરેન્દ્ર મોદી-અમિત શાહને કોઈ કાળા માથાનો માનવી હરાવી શકે ખરો?

કૉંગ્રેસે સતત બીજી વાર ઝીરોનું સાતત્ય જાળવી રાખ્યું

ત્રીજો પક્ષ કૉંગ્રેસ. એણે સતત બીજી વાર ઝીરોનું સાતત્ય જાળવી રાખ્યું છે.

એક ટીવી ડિબેટમાં કૉંગ્રેસનાં પ્રવક્તા બહેને મને આનું કારણ બહુ જ ઉત્સાહથી ઑનઍર સમજાવેલું.

એ બહેનનું કહેવું હતું કે, "દુશ્મનનો દુશ્મન દોસ્ત એ નાતે અમે કૉંગ્રેસે રણનીતિના ભાગરૂપે જ આ રીતે આપના સમર્થનમાં હારવાનું નક્કી કરેલું, જેથી ભાજપને સત્તામાં આવતો રોકી શકાય."

ત્રણ વાર દિલ્હી વિધાનસભામાં સત્તામાં રહેલી 135 વરસ જૂની આ પાર્ટીએ એની આ રણનીતિને કારણે કહો કે પછી જનતાએ આપેલા જાકારાને કારણે કહો, આ વખતે 70માંથી 63 સીટો પર ડિપૉઝિટ પણ ગુમાવી.

2014ની લોકસભા ચૂંટણીઓમાં દિલ્હીએ 7માંથી 7 બેઠકો નરેન્દ્ર મોદીના ભાજપને આપી હતી અને તરત જ 2015માં આવેલી દિલ્હી વિધાનસભાની 70 બેઠકોનું પરિણામ હતું - આપ : 67 અને ભાજપ : ૩.

લોકસભા અને વિધાનસભાનાં અલગઅલગ સમીકરણો

ભારતનો પરિપકવ મતદાતા કોઈનો દોરવાયો દોરવાતો નથી કે નથી માત્ર પ્રચારથી કોઈની વાતોમાં આવી જતો.

એ જ્યારે લોકસભા માટે વોટિંગ કરે છે ત્યારે એના મનમાં અલગ સમીકરણ હોય છે અને એ જ મતદાતા વિધાનસભા માટે વોટિંગ કરે ત્યારે એના મનમાં અલગ સમીકરણો હોય છે.

જરૂરી નથી, કે મતદાતાએ લોકસભામાં જેને વોટ આપ્યો એ જ પાર્ટીને વિધાનસભામાં પણ આપે જ અને એ વાત ફરી એક વાર સાબિત થઈ ગઈ છે.

બાકી વોટિંગનાં બે દિવસ પહેલાં રામમંદિરના નિર્માણ માટે ટ્રસ્ટની જાહેરાત, કાશ્મીરમાંથી કલમ 370 હઠાવી દેવાના પ્રચારપડઘમ, નાગરિકતા સંશોધન કાયદાનો રાષ્ટ્રવ્યાપી વિવાદ અને શાહીનબાગ વિરોધપ્રદર્શન જેવા મુદ્દાઓથી કોમી ધ્રુવીકરણના પ્રયાસો ઓછા નથી થયા.

એ તમામ મુદ્દાઓ છતાં ભાજપને સિંગલ ડિજિટમાં સમેટાઈ જવું પડે એનું કારણ માત્ર કેજરીવાલ કે એનું ડેવલપમૅન્ટ મૉડલ હોઈ શકે?

આ ગંજાવર જીત અને કારમી હાર વચ્ચે જોકે બે બાબતોમાં ઇજ્જત બચી પણ ગઈ છે. એક, ટીવી ચેનલોના ઍક્ઝિટ પોલની અને બીજું ઇલેક્શન કમિશનના ઈવીએમની.

દિલ્હીના 2020નાં આ પરિણામો પછી કમસે કમ હવે ઈવીએમના સેટિંગની શંકા-કુશંકાઓ અને ચર્ચાઓ પર પૂર્ણવિરામ લાગી જવું જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો