SC-ST, OBC અનામત અંગેના વિવાદિત પરિપત્રને ગુજરાત સરકારે રદ કર્યો

ઓબીસી-એસસી-એસટીને સરકારી નોકરીઓમાં અનામતને લઈને કરેલા વિવાદિત પરિપત્રને ગુજરાત સરકારે રદ કરવાની જાહેરાત કરી છે.

એલઆરડીની પરીક્ષા આપનારાં અનામત વર્ગનાં મહિલા ઉમેદવારો છેલ્લા કેટલાક દિવસથી આંદોલન કરી રહ્યાં છે. તેમણે ફરિયાદ કરી હતી કે સરકારે બિનઅનામત વર્ગમાં અનામત વર્ગનાં યોગ્ય મહિલા ઉમેદવારોને મેરિટ યાદીમાં સ્થાન આપ્યું નથી.

આથી અનામત વર્ગમાં આવતાં મહિલા ઉમેદવારોએ પોતાને અન્યાય થઈ રહ્યો હોવાની ફરિયાદ કરી હતી.

આ મહિલા ઉમેદવારો બિનઅનામત વર્ગમાં અનામત વર્ગનાં યોગ્ય મહિલા ઉમેદવારોને સમાવી લેવાની માગણી સાથે છેલ્લા ઘણા દિવસથી આંદોલન પર બેઠાં હતાં.

ગુજરાતના અનેક જિલ્લાઓમાં વિરોધ થઈ રહ્યો હતો. આથી સરકારે આ પરિપત્રને રદ કરવાની અને નવો પરિપત્ર બહાર પાડવાની જાહેરાત કરી છે.

શ્રમ અને રોજગારમંત્રી દિલીપ ઠાકોરે બીબીસી સહયોગી ભાર્ગવ પરીખને જણાવ્યું, "અલગઅલગ સમાજના લોકોની રજૂઆતો ઘણા સમયથી મળી રહી હતી જેના સંદર્ભમાં અમે આજે ઓબીસી અને અન્ય જ્ઞાતિના આગેવાનો સાથે મુખ્ય મંત્રીની અધ્યક્ષતામાં બેઠક કરી હતી. આ બેઠકમાં એલઆરડી મુદ્દે પરિપત્રમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. હવે કોઈ પણ સમાજને અન્યાય ન થાય તે પ્રકારે નવો પરિપત્ર જાહેર કરવામાં આવશે."

નોંધનીય છે કે ગાંધીનગરમાં 62 દિવસથી ઓબીસી-એસસી, એસટી સમાજનાં મહિલા ઉમેદવારો ધરણાં કરી રહ્યાં હતાં.

અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસીના સત્તાપક્ષના સાંસદો અને ધારાસભ્યોએ જ નહીં અનામત વર્ગના કેટલાક મંત્રીઓએ પણ અનામત વર્ગનાં મહિલાઓને એલઆરડીની ભરતીમાં અન્યાય અંગે મુખ્ય મંત્રીને પત્ર લખ્યા હતા.

ત્યારે ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે તેમને ટોણો મારી આ બધું કૉંગ્રેસનું કારસ્તાન હોવાનું જણાવ્યું હતું.

જૂનાગઢની સરકારી કચેરીમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા મ્યાંજરભાઈ હૂણે પોતાના બે દીકરાને એલઆરડીની ભરતીમાં અન્યાય થયો છે તેવી સ્યૂસાઈડ નોટ સાથે કચેરીમાં જ આત્મહત્યા કરી લીધી હતી.

તેને કારણે ભારતીય જનતા પક્ષના માલધારી-રબારી સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સરકારે તાબડતોડ જૂનાગઢ દોડાવવા પડ્યા હતા.

વિવાદિત પરિપત્ર કયો છે?

ગુજરાત સરકારના મુખ્ય મંત્રી હસ્તકના સામાન્ય વહીવટ વિભાગે એક ઑગસ્ટ 2018ના પરિપત્રથી મહિલા અનામત અંગે ઉપસ્થિત થયેલા 13 મુદ્દાનું સ્પષ્ટીકરણ કરતા સરકારી આદેશો કર્યા છે.

આ પરિપત્રના મુદ્દા 12 અને 13 સામે અનામતતરફીઓનો વ્યાપક રોષ જોવા મળે છે.

અનામત વર્ગનાં મહિલા ઉમેદવારો જો ઊંચું મેરિટ ધરાવતા હોય તો તેમને સામાન્ય વર્ગમાં ગણવાનું તો આ પરિપત્રમાં જણાવ્યું છે, પરંતુ રોસ્ટર ક્રમાંકમાં તેમને અનામત સંવર્ગમાં જ ગણવાનું જણાવીને ઓપન મેરિટના ખ્યાલનો અનર્થ કરી દેવાયો છે.

કેમ કે જો ઑપન મેરિટના ઉમેદવારને અનામતમાં ગણવાના હોય તો અનામત વર્ગના નીચા મેરિટના ઉમેદવારને તેનો કશો લાભ મળતો નથી.

હાલની લોકરક્ષકદળની ભરતીમાં અનુસૂચિત જાતિ અને ઓબીસીનાં ઘણાં મહિલા ઉમેદવારો ઑપન મેરિટમાં આવતાં હોવા છતાં તેમને ઑપનમાં ગણવામાં આવ્યા નથી.

જ્યારે અનામત વર્ગનાં મહિલાઓ એક ઑગસ્ટ 2018ના પરિપત્રની અન્યાયી જોગવાઈઓને કારણે આ સમગ્ર પરિપત્ર જ રદ કરવા આંદોલન કરી રહ્યાં છે, ત્યારે બિનઅનામત વર્ગનાં મહિલાઓ પણ તેમનો હક ડૂબી રહ્યાની રજૂઆતો કરી રહ્યાં છે.

શું હતો આખો વિવાદ?

લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કૅડર વર્ગ-ત્રણ (બિનહથિયારધારી અને હથિયારધારી પોલીસ કૉન્સ્ટેબલ અને જેલસિપાહી)ની 6189 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા 15 ઑગસ્ટ, 2018ના રોજ જાહેરાત આપવામાં આવી હતી.

તેમાં બીજી 3524 જગ્યાઓ ઉમેરાતાં કુલ 9613 જગ્યાઓની સીધી ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

લેખિત પરીક્ષા, શારીરિક કસોટી અને અન્ય વધારાના ગુણ સાથે ખાલી જગ્યાના દોઢગણા એટલે કે 14891 ઉમેદવારોને શૈક્ષણિક અને અન્ય લાયકાતનાં પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવ્યા હતા.

જાહેરાત મુજબ બિનઅનામત વર્ગના પુરુષોની 3554 અને મહિલાઓની 1578, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના પુરુષોની 1657 અને મહિલાઓની 823, અનુસૂચિત જનજાતિની પુરુષો માટેની 996 અને મહિલાઓની 462 અને અનુસૂચિત જાતિના પુરુષોની 429 અને મહિલાઓની 214 મળી કુલ 6636 પુરુષ અને 3077 મહિલા લોકરક્ષકદળની ખાલી જગ્યાઓ પર ભરતી કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.

30 નવેમ્બર, 2019ના કુલ 9713 ઉમેદવારોમાંથી 8135 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી.

જેમાં તમામ અનામત વર્ગની પુરુષ અને મહિલા અનામત જગ્યાઓ અને બિનઅનામત વર્ગની પુરુષોની ખાલી જગ્યાઓનો સમાવેશ થઈ ગયો છે, પરંતુ કોઈ અકળ કારણસર બિનઅનામત વર્ગની 1578 મહિલા અનામત જગ્યાઓનું સિલેક્ટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું નથી. તેને કારણે અસંતોષ ઊભો થયો છે.

ભરતી બોર્ડ તે માટે સરકારના એક ઑગસ્ટ 2018ના પરિપત્ર અને ગુજરાત હાઈકોર્ટના 29 નવેમ્બર, 2019ના ચુકાદાનું કારણ જણાવે છે.

એ પ્રમાણે અનામત વર્ગના મહિલા ઉમેદવારો ઊંચું મેરિટ ધરાવે છે અને બિનઅનામત જગ્યાએ પસંદગીના હકદાર છે, તેમ છતાં તેમને અનામત વર્ગના ગણવામાં આવ્યા હોઈ અન્યાય થયાનું અને સરકાર બિનઅનામત વર્ગનાં મહિલાઓને તેમના કરતાં નીચું મેરિટ હોવા છતાં તેમની પસંદગી થઈ હોવાનું જણાવે છે.

જ્યારે કુલ 9713 ખાલી જગ્યાઓની ભરતીની જાહેરાત હોય, તમામ જગ્યાઓ માટે એકસરખી પસંદગી પ્રક્રિયા હોય, ત્યારે બિનઅનામત વર્ગનાં મહિલાઓની 1578 જગ્યાઓનું સિલેક્ટ લિસ્ટ જાહેર ન કરવા પાછળનો સરકારનો ઇરાદો મલિન હોવાનું કોઈને પણ લાગે તે સ્વાભાવિક છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો