Delhi Election Result : નરેન્દ્ર મોદીએ આપ્યા અરવિંદ કેજરીવાલને અભિનંદન

અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી દિલ્હીમાં સત્તા પર પરત ફરશે, જ્યારે નરેન્દ્ર મોદીના ભાજપે વધુ પાંચ વર્ષ માટે સત્તાનો વનવાસ ભોગવવો પડશે.

આમ આદમી પાર્ટીએ દિલ્હીની 70માંથી 62 બેઠકો જીતી, ભાજપને 8 બેઠક મળી છે. કૉંગ્રેસ એક પણ બેઠક મળી નથી.

આમ આદમી પાર્ટીને જંગી બહુમતી મળી છે.

ચૂંટણીપંચ મુજબ આમ આદમી પાર્ટીને 53.57 ટકા મતો મળ્યા છે. જ્યારે ભાજપને 38.51 ટકા મતો મળ્યા છે.

કૉંગ્રેસ પાર્ટીના 70 ઉમેદવારો પૈકી 63 ઉમેદવારોએ ડિપોઝિટ પણ ગુમાવી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અરવિંદ કેજરીવાલને અભિનંદન આપ્યા છે અને તેના જવાબમાં કેજરીવાલે કેન્દ્ર સાથે સારી રીતે કામ કરવાની આશા વ્યક્ત કરી છે.

પાર્ટીની જીત બાબતે અરવિંદ કેજરીવાલે પત્ની અને પોતાના પરિવાર સાથે પાર્ટીઑફિસથી કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું, "દિલ્હી આઇ લવ યુ. દિલ્હીએ ત્રીજી વાર પોતાના દીકરા પર ભરોસો કર્યો. આ દિલ્હીના તમામ પરિવારની જીત છે."

"દિલ્હીના લોકોએ આજે દેશમાં એક નવી રાજનીતિને જન્મ આપ્યો છે. જેનું નામ છે કામની રાજનીતિ. દિલ્હીના લોકોએ સંદેશ આપ્યો જે સ્કૂલ, મોહલ્લા ક્લિનિક બનાવશે અને જે 24 કલાક અને સસ્તી વીજળી આપશે. તેને વોટ મળશે. આ નવા પ્રકારની રાજનીતિ છે. આ દેશ માટે શુભ બાબત છે. આ રાજનીતિ દેશને 21મી સદીમાં લઈ જશે. આ અમારી ભારતમાતાની જીત છે."

હનુમાન અંગે તેમણે કહ્યું, "આજે મંગળવાર છે. હનુમાનજીનો દિવસ છે. હનુમાનજીએ દિલ્હી પર કૃપા વરસાવી છે. હનુમાનજીનો આભાર"

અરવિંદ કેજરીવાલે કહ્યું, "અરવિંદના પત્નીના જન્મ દિવસ છે. મેં તો કેક ખાઈ લીધી છે. દિલ્હીના લોકો તમામ લોકો ઉજવણી માટે તૈયાર છે."

આપ નેતા અને નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા અગાઉ પાછળ ચાલી રહ્યા હતા પણ તેમની જીત થઈ છે.

તો આપ નેતા આતિશી પણ પાછળ ચાલી રહ્યાં હતાં તે પણ જીતી ગયાં છે.

ગત વિધાનસભા ચૂંટણીમાં આપને 67 તથા ભાજપને ત્રણ બેઠક મળી હતી, જ્યારે કૉંગ્રેસ તેનું ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહી હતી.

દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર 8 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું.

પ્રશાંત કિશોરે કહ્યું, 'થેન્ક યુ, દિલ્હી'

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ (નવી દિલ્હી) જીત્યા છે, જોકે, નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયા (પટપડગંજ) બેઠક પર વિજયી થયા છે.

કેજરીવાલે તેમના ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ તેમણે ટ્વીટ કર્યું, 'દેશની આત્માની રક્ષા કરવા બદલ દિલ્હીનો આભાર.'

બીબીસી ગુજરાતીના સંવાદદાતા જય મકવાણા આપના મુખ્યાલયથી જણાવે છે કે ત્યાં ઉત્સાહનો માહોલ છે અને કાર્યકરો નાચગાન કરીને ઉજવણી કરી રહ્યાં છે.

આપના કાર્યાલયની બહાર 'રાષ્ટ્રનિર્માણ માટે આપ સાથે જોડાઓ'નાં બૅનર લાગ્યાં છે, જ્યારે ભાજપના મુખ્યાલયની બહાર 'વિજય અમને અભિમાની નથી બનાવતો, હાર અમને નિરાશ નથી કરતી' એવાં પોસ્ટર લાગ્યાં છે.

ચંદીગઢ, મુંબઈ (મહારાષ્ટ્ર) અને કાનપુર (ઉત્તર પ્રદેશ) સહિત અલગઅલગ શહેરોમાં આપના કાર્યાલયે ઉજવણીના અહેવાલ મળી રહ્યા છે.

લોકસભામાં કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું, "બધા જાણતા હતા કે આમ આદમી પાર્ટી ત્રીજી વખત સત્તામાં પરત ફરશે. કૉંગ્રેસની હારથી સારો સંદેશ નહીં જાય. ભારતીય જનતા પાર્ટી અને તેના સાંપ્રદાયિક ઍજન્ડા વિરુદ્ધ આમ આદમી પાર્ટીનો વિજય મહત્ત્વનો છે."

પ્રતિક્રિયા

મતગણતરી દરમિયાન આપના નેતા સંજય સિંહે કહ્યું કે 'ભાજપે દિલ્હીની ચૂંટણીને હિંદુસ્તાન-પાકિસ્તાનની મૅચ ગણાવી હતી. પરિણામ જુઓ, હિંદુસ્તાન જીતી ગયું.'

બીજી બાજુ, દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ આપના વિજય બાદ ક્હ્યું હતું કે ભાજપના પરિણામની જવાબદારી તેમની છે.

દિલ્હી કૉંગ્રેસના વડા સુભાષ ચોપડાએ પાર્ટીના પરાજયની જવાબદારી સ્વીકારી છે અને હાર માટે આપ તથા ભાજપની ધ્રુવીકરણની રાજનીતિને જવાબદાર ઠેરવી છે.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનાં પુત્રી શર્મિષ્ઠાએ ટ્વીટ કર્યું, 'મનોમંથન બહુ થયું, હવે ઍક્શન લેવાનો સમય આવી ગયો છે.'

ઍક્ઝિટ પોલથી જ આપ આગળ

ચૂંટણી પછી લગભગ તમામ ઍક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને ઓછામાં ઓછી 44 અને વધુમાં વધુ 61 બેઠકો મળશે એવું અનુમાન વ્યક્ત કર્યું હતું.

આની સામે ભાજપને વધુમાં વધુ 28 અને ઓછામાં ઓછી 9 બેઠકો મળશે એવું અનુમાન કરાયું હતું.

કૉંગ્રેસને દિલ્હીમાં મહત્તમ 3 બેઠકો મળી શકે છે, એમ ઍક્ઝિટ પોલની આગાહી હતી, જે ખોટી પડતી જણાય છે.

ઉલ્લેખનીય છે કે બીબીસી કોઈ ઍક્ઝિટ પોલ નથી કરતું અને ઍક્ઝિટ પોલ સાચા જ પડે તેવું હોતું નથી.

ઍક્ઝિટ પોલથી વિપરીત ભાજપનો 48 બેઠકો જીતવાનો દાવો હતો

તમામ ઍક્ઝિટ પોલ આમ આદમી પાર્ટીની ફરી સરકાર બનશે એમ કહી રહ્યાં હતાં ત્યારે ભારતીય જનતા પાર્ટીના દિલ્હીના પ્રદેશ પ્રમુખ અને સાંસદ મનોજ તિવારીએ ટ્વીટ કરીને કહ્યું, "તમામ ઍક્ઝિટ પોલ થશે ફેલ... મારું ટ્વીટને સાચવીને રાખજો..."

"ભાજપ દિલ્હીમાં 48 બેઠકો સાથે સરકાર બનાવશે. કૃપા કરીને ઇવીએમને દોષ આપવાનું બહાનું અત્યારથી ના કાઢતા."

જોકે, ચૂંટણી પરિણામ બાદ તેમણે કહ્યું હતું કે 'હાર કે જીત, દિલ્હી ભાજપના અધ્યક્ષ તરીકે તેમની જવાબદારી છે.'

મતદાનની ટકાવારીનો વિવાદ

દિલ્હી ચૂંટણી પૂરી થયા પછી પણ વિવાદમાં રહી અને મતદાનની ટકાવારી 24 કલાક પછી જાહેર થઈ.

8 ફેબ્રુઆરીએ ચૂંટણી પૂરી થયા પછી મતદાનની અંતિમ ટકાવારી અને કઈ બેઠકો પર કેટલું મતદાન થયું તે ચૂંટણીપંચે જાહેર કર્યું નહોતું. આને લઈને વિવાદ ઊભો થયો હતો.

આપના નેતા સંજય સિંહે 9 ફેબ્રુઆરીએ કહ્યું કે દિલ્હીમાં કેટલા ટકા મતદાન થયું તે જનતા જાણવા માગે છે. ચૂંટણીપંચ આટલી વાર શા માટે કરી રહ્યું છે?

લોકસભાની ચૂંટણીમાં એક કલાકમાં મતદાનની ટકાવારી ચૂંટણીપંચ કહી દે છે તો દિલ્હી જેવા નાના રાજ્યમાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે?

આને લઈને આપના નેતા મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યું હતું કે, "ભાજપના નેતાઓ મતદાનના આંકડા આપે છે અને ચૂંટણીપંચ મતદાન પૂર્ણ થવાને 24 કલાક પછી પણ મતદાનની ટકાવારી જાહેર નથી કરી રહ્યું. હજી ડેટા ભેગો થઈ રહ્યો છે એમ કહેવામાં આવી રહ્યું છે. ચાલી શું રહ્યું છે સીઈઓ દિલ્હી ઑફિસ?"

શું મતદાનનો ફાઇનલ આંકડો ભાજપની ઑફિસથી તમને મળવાનો છે?

આ વિવાદ પછી ચૂંટણીપંચે 9 ફેબ્રુઆરીએ સાંજે પત્રકારપરિષદમાં મતદાનની ટકાવારી જાહેર કરી હતી.

ચૂંટણીપંચે કર્મચારીઓએ ડેટા ભેગો કરવા આખી રાત કામ કર્યું હોવાનું કહ્યું.

ચૂંટણીપંચે કહ્યું કે દિલ્હીમાં 62.59 ટકા મતદાન થયું છે, જે ગત લોકસભાની ચૂંટણી કરતાં 2 ટકા વધારે છે. સૌથી વધારે મતદાન બલ્લિમારાનમાં 71.6 ટકા અને સૌથી ઓછું કૅન્ટોન્ટમેન્ટમાં 45.4 થયું છે.

દિલ્હીમાં ચૂંટણીપ્રચાર અને વિવાદ

ઉલ્લેખનીય છે કે દિલ્હીના શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં 16 ડિસેમ્બરથી પ્રદર્શન ચાલી રહ્યું છે.

દિલ્હીના શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાયદાના થઈ રહેલા વિરોધ પર ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે 'દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ શાહીનબાગમાં બિરયાની ખવડાવી રહ્યા છે.'

આ મામલે ચૂંટણીપંચે યોગી આદિત્યનાથને કારણદર્શક નોટિસ પણ પાઠવી હતી.

તો ચૂંટણીપ્રચાર દરમિયાન વિવાદિત ભાષણ મામલે ચૂંટણીપંચે ભાજપના નેતા અનુરાગ ઠાકુર, પરવેશ વર્મા અને કપિલ મિશ્રાને પણ નોટિસ પાઠવી હતી અને થોડા દિવસ માટે પ્રચાર પર રોક લગાવી દીધી હતી.

પરવેશ વર્માએ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને 'આતંકવાદી' કહ્યા હતા.

ચૂંટણીપંચે મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને પણ ભાજપની ફરિયાદ પર કારણદર્શક નોટિસ આપી હતી.

ચૂંટણીને દિવસે પણ કેજરીવાલ અને સ્મૃતિ ઈરાની વચ્ચે મહિલાઓને લઈને તકરાર થઈ હતી.

2015ની ચૂંટણીનાં પરિણામ

2015માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 સીટ પર જીત મેળવી હતી.

જ્યારે 3 સીટ ભારતીય જનતા પાર્ટીને મળી હતી. કૉંગ્રેસને એક પણ સીટ મળી ન હતી.

ફરી એક વખત 2020માં કૉંગ્રેસને એક પણ બેઠક મળતી નથી જણાય રહી.

2015ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની 54.34 ટકા વોટ મળ્યા હતા, જ્યારે ભારતીય જનતા પાર્ટીને 32.19 ટકા વોટ અને કૉંગ્રેસને 43.21 ટકા મત મળ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો