You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનમાં એક પ્રાચીન મંદિર હિંદુઓને પરત સોંપાયું, બલૂચિસ્તાન હાઈકોર્ટે આદેશ કર્યો હતો
પાકિસ્તાનના બલૂચિસ્તાનના ઝોબ જિલ્લામાં લાંબા સમયથી બંધ મંદિર હિંદુઓને સોંપી દેવાયું છે.
ઝોબના વહીવટીતંત્રના કહેવા પ્રમાણે, મંદિરમાં ચાલતી સ્કૂલને ટૂંકસમયમાં વૈકલ્પિક જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવશે.
મંદિર સોંપવા માટે એક કાર્યક્રમ આયોજિત કરાયો હતો, જેમાં મંદિરની ચાવી હિંદુઓને સોંપી દેવાઈ હતી.
આ કાર્યક્રમની અધ્યક્ષતા જામા મસ્જિદના મૌલાના અલ્લાહ દાદ કાટકરે કરી હતી.
મુસ્લિમ ધર્મગુરુઓ, કબીલાઓના વડા, સરકારી કર્મચારી ઉપરાંત અનેક હિંદુ અને શીખ આ કાર્યક્રમમાં સામેલ થયાં હતાં.
મંદિરનો ઇતિહાસ
ઝોબમાં હિંદુસમાજના વડા સલીમ જાનના કહેવા પ્રમાણે, 'આમ તો આ મંદિર ખૂબ જ પ્રાચીન છે, પરંતુ વર્ષ 1929માં તેનું પુનઃનિર્માણ કરાયું હતું. મંદિર ઉપર આ વર્ષ પણ અંકિત છે.'
તેઓ કહે છે, 'પાકિસ્તાન બન્યું, તે પછી અહીં વસતાં મોટાભાગના હિંદુ હિજરત કરી ગયા. ત્યારબાદ મંદિર બંધ હતું પરંતુ 30 વર્ષ અગાઉ મંદિરમાં પ્રાથમિક સ્કૂલ શરૂ કરવામાં આવી હતી.'
હિંદુસમાજના ચૅરમૅન સલીમ જાનના કહેવા પ્રમાણે, થોડા સમય પહેલાં બલૂચિસ્તાનની હાઈકોર્ટમાં આ અંગે સુનાવણી થઈ હતી. તે સમયે હાઈકોર્ટના વડા જસ્ટિસ જમાલ ખાન મંદોખીલની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મંદિર હિંદુઓને સોંપી દેવાનો આદેશ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મંદિરવાપસી પર પ્રતિક્રિયા
ઝોબ જિલ્લાના વહીવટી અધિકારીઓ તથા ધર્મગુરુઓએ મંદિરવાપસીને ધાર્મિક સદ્દભાવનાનું ઉદાહરણ ગણાવ્યું હતું.
સલીમ જાનના કહેવા પ્રમાણે, '70 વર્ષ બાદ હિંદુસમાજને તેમનું સૌથી મોટું ધર્મસ્થળ મળ્યું છે. આથી, વધુ આનંદની કોઈ વાત ન હોઈ શકે.'
તેમણે બલૂચિસ્તાનની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તથા જિલ્લા વહીવટીતંત્રનો પણ આભાર માન્યો હતો.
જાને કહ્યું કે ચીફ જસ્ટિસે સ્મશાનઘાટ તથા રહેણાંક કૉલોની માટે જમીન અપાવવાનું આશ્વાસન આપ્ચું છે.
ઝોબના ગરીબાબાદમાં પણ હિંદુઓનું એક મંદિર આવેલું છે. જે બિસ્માર હાલતમાં છે, જેના સમારકામ માટે સ્થાનિક અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો