ભારત કે ચીન? આ રીતે બદલાઈ રહી છે શ્રીલંકા સાથેની વિદેશનીતિ

    • લેેખક, કમલેશ
    • પદ, બીબીસી સંવાદદાતા

શ્રીલંકાના વડા પ્રધાન મહિંદા રાજપક્ષે આ સમયે પાંચ દિવસીય ભારતયાત્રા પર છે. તેઓએ શનિવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી.

આ દરમિયાન બંને દેશો વચ્ચે સંયુક્ત આર્થિક પરિયોજનાઓ, વેપાર, રોકાણ, કનેક્ટિવિટી વધારવા, સુરક્ષા અને આતંકવાદ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ.

રાજપક્ષે વડા પ્રધાન બન્યા બાદ તેમની આ પહેલી વિદેશયાત્રા છે.

તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી ટ્વીટ કરી પીએમ મોદી અને તેમની વચ્ચેની મુલાકાત પર ખુશી વ્યક્ત કરાઈ હતી અને આ મુલાકાતથી સહયોગના નવા રસ્તા બનાવવાની અને સંબંધોને મજબૂત કરવાની પણ વાત કરાઈ.

તો ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કર્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિમંત્રણ પર શ્રીલંકાના વડા પ્રધાન ભારત પહોંચ્યા. તેમનું ઉષ્માભેર સ્વાગત કરાયું. કાર્યભાર સંભાળ્યા પછી આ તેમની પહેલી વિદેશયાત્રા છે, જેનાથી બંને દેશના સંબંધોને ઊર્જા મળશે."

ભારત-શ્રીલંકાના બદલાતા સંબંધો

ભારત અને શ્રીલંકા વચ્ચે દેખાઈ રહેલા મજબૂત સંબંધ અને સહયોગ તેનાં અનુમાનોથી સાવ વિપરીત છે, જે શ્રીલંકાની રાષ્ટ્રપતિની ચૂંટણી સમયે કરાતાં હતાં.

નવેમ્બર 2019માં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગોટોભાયા રાજપક્ષેનો મુકાબલો તત્કાલીન રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના સાથે હતો, જેમાં ગોટોભાયાએ જીત મેળવી હતી.

મહિંદા રાજપક્ષેને ચીનની નજીકના માનવામાં આવે છે. તેમના ભાઈ ગોટોભાયા રાજપક્ષે પણ ચીન તરફ ઝૂકાવ ધરાવતાં હોવાનું કહેવાય છે.

એવા સમયે ભારત માટે શ્રીલંકા સાથેના સંબંધો સકારાત્મક દિશામાં લઈ જવા મુશ્કેલ રહેશે એવું લાગતું હતું.

ચીન શ્રીલંકામાં સતત પોતાનો પ્રભાવ વધારવાની કોશિશ કરી રહ્યું છે અને શ્રીલંકામાં તેનું સ્વાગત પણ થયું છે.

આવા સમયે શ્રીલંકાની વિદેશનીતિ ચીન અને ભારતમાંથી કોના તરફ ઝૂકશે એ કહેવું મુશ્કેલ હતું. પરંતુ હવે સ્થિતિ જુદી નજર આવી રહી છે. વર્તમાન સ્થિતિ જોઈએ તો શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિથી લઈને વડા પ્રધાને પહેલી વિદેશયાત્રા ભારતની કરી છે.

તો સવાલ એ થાય કે આ બદલાતી પરિસ્થિતિનું કારણ શું છે?

'ચીનની દેવાનીતિને શ્રીલંકા સમજી ગયું છે'

આ અંગે વરિષ્ઠ પત્રકાર ટીઆર રામચંદ્રન કહે છે કે શ્રીલંકાની વિદેશનીતિમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ચીન તરફ જતું શ્રીલંકા હવે ભારત તરફ મજબૂત સંબંધો બનાવવાની કોશિશ કરી રહ્યું છે. તેની પાછળ ચીનની કરજ નીતિ અને ભારતની સકારાત્મક પહેલ કારણભૂત છે.

રામચંદ્રન કહે છે, "થોડા સમયથી ભારત અને શ્રીલંકાના સંબંધો સારા નથી રહ્યા અને દરમિયાન જ્યારે મૈત્રીપાલા સિરિસેના ત્યાંના રાષ્ટ્રપતિ બન્યા તો જોવા મળ્યું કે તેમના કાર્યકાળમાં શ્રીલંકાનો ચીન તરફ ઝુકાવ હતો."

"પરંતુ ચીનની નીતિ એવી છે કે તે જ્યારે કોઈ નાના દેશને પોતાની સાથે રાખવા માગે તો ત્યાં એટલા બધા પૈસા લગાવી દે છે કે એ દેશ તેની કરજની જાળમાં ફસાઈ જાય."

"આવાં ઘણાં ઉદાહરણ આફ્રિકામાં જોવાં મળ્યાં છે, જ્યાં ચીને ઘણા નાના દેશોને પોતાના દેવાં તળે દબાવી દીધા."

ટીઆર રામચંદ્રનના જણાવ્યા પ્રમાણે, "શ્રીલંકામાં થયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મહિંદા રાજપક્ષેના નાના ભાઈ અને પૂર્વ રક્ષામંત્રી ગોટાભાયા રાજપક્ષે રાષ્ટ્રપતિ ચૂંટાયા તો એવું લાગતું હતું કે શ્રીલંકામાં પણ આ મુશ્કેલી સર્જાઈ શકે છે."

"પરંતુ શ્રીલંકાને સમજાઈ ગયું છે કે જો તે ચીનની સતત મદદ લેતું રહેશે તો એ પણ ચીનનું એક 'સેટેલાઇટ સ્ટેટ' બની જશે. આ બદલાતા એક વલણનું ઉદાહરણ છે હમ્બનટોટા બંદર."

શ્રીલંકાએ ચીનનું દેવું ન ભરી શકવાને કારણે હમ્બનટોટા બંદરને ચીનની મર્ચેન્ટ પૉર્ટ હૉલ્ડિંગ્સ લિમિટેડ કંપનીને 99 વર્ષ માટે ભાડાપેટે આપ્યું હતું. વર્ષ 2017માં આ બંદરને 1.12 અબજ ડૉલરમાં આ કંપનીને સોંપાયું હતું.

તેમજ નજીકમાં જ અંદાજે 15,000 એકર જમીન પર એક ઇન્ડસ્ટ્રીયલ ઝોન માટે ચીનને આપી હતી.

'ચીનના દેવામાં ડૂબેલું રહેતું હતું શ્રીલંકા'

આ બંદરને ઉદાહરણ તરીકે રજૂ કરાય છે કે શ્રીલંકા કેવી રીતે ચીનના દેવામાં ડૂબેલું રહેતું હતું અને પોતાની રાષ્ટ્રીય અને આંતરિક સંબંધો સાથે જોડાયેલી સંપત્તિ ચીનને સોંપવા મજબૂર થઈ રહ્યું છે.

એ પણ કહેવાયું કે હમ્બનટોટા બંદરના નિર્માણ માટે શ્રીલંકાએ ચીન પાસેથી જેટલું કરજ લીધું છે એ ચૂકવી નહીં શકે અને તેને કારણે બંદરની માલિકી ચીનના હાથમાં આપી દીધી છે.

મહિંદા રાજપક્ષેના કાર્યકાળના અંતિમ વર્ષમાં ચીને હમ્બનટોટા બંદર, એક નવું ઍરપૉર્ટ, એક કૉલ પાવર પ્લાન્ટ અને રોડનિર્માણમાં 4.8 અબજ ડૉલરનું રોકાણ કર્યું હતું.

2016માં આવતાંઆવતાં આ દેવું છ અબજ ડૉલર થઈ ગયું હતું. રાજપક્ષે 2005થી 2015 સુધી શ્રીલંકાના રાષ્ટ્રપતિ રહ્યા હતા.

તો રાજકીય રીતે ત્રિન્કોમાલી પૉર્ટ પ્રોજેકટ્ પર ભારતની નજર હતી, પરંતુ સિરિસેનાના શાસનકાળમાં તેને વિકસિત કરવાનું કામ કામ ભારતને ન મળ્યું.

જોકે હવે શ્રીલંકા હમ્બનટોટા બંદરને પરત લેવા માગે છે.

મહિંદા રાજપક્ષેની સરકાર દરમિયાન સેન્ટ્રલ બૅન્કના ગર્વનર રહી ચૂકેલા અજિત કબરાલે ગત વર્ષે નવેમ્બરમાં કહ્યું કે અમે તેને પરત લેવા માગીશું. આદર્શ સ્થિતિ એ છે કે યથાસ્થિતિમાં એ પરત લેવાય. એવી સહમતી થઈ હતી કે અમે કોઈ પણ બાધ વિના દેવું ભરપાઈ કરી દેશું.

હમ્બનટોટા બંદર ભારત માટે રાજનીતિક રીતે મહત્ત્વનું છે. માટે ચીનને ભાડે આપતાં ભારતની પણ ચિંતા વધી ગઈ હતી.

ટીઆર રામચંદ્રનનું કહેવું છે કે બંદર હિંદુસ્તાન માટે એક મોટી સમસ્યા બની રહ્યું હતું.

જો આ બંદર ચીન પાસે 99 વર્ષ માટે રહી ગયું તો તેની નૌસેનાનું પૂરું ધ્યાન ત્યાં રહેશે. આ હિંદ મહાસાગર ક્ષેત્ર માટે એક ગેટ વે છે. તો ચીનના કરજને કારણે શ્રીલંકાની હાલત પણ ઘણી કફોડી થઈ શકે છે.

આ કારણે પણ ગોટાભાયા રાજપક્ષે ભારત આવ્યા અને સંબંધોને મજબૂત બનાવવાની કોશિશ કરી.

ભારત તરફથી પણ પહેલ

વિશેષજ્ઞ ભારત અને શ્રીલંકા વચ્ચેના ઘરોબાનું એક કારણ એ પણ માને છે અને એ છે રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરની શ્રીલંકાયાત્રા.

હકીકતમાં શ્રીલંકામાં નવી સરકાર બનતાં ભારતે પણ મિત્રતાનો હાથ લંબાવવામાં મોડું ન કર્યું. ગોટાભાયા રાજપક્ષેએ રાષ્ટ્રપતિપદ સંભાળતાં જ આગળના દિવસે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર શ્રીલંકા પહોંચી ગયા હતા.

તેઓએ ગોટાભાયા રાજપક્ષે સાથે મુલાકાત કરી અને તેમને ભારત આવવા માટે પીએમ નરેન્દ્ર મોદી તરફથી આમંત્રણ પણ આપ્યું.

બાદમાં ગોટાભાયા રાજપક્ષે નવેમ્બરમાં ભારત આવ્યા અને બંને દેશો વચ્ચે મિત્રતા જોવા મળી.

આ મુલાકાતને લઈને શ્રીલંકાની વિદેશનીતિ પર નજર રાખતાં જાણકારો પણ નવાઈ પામ્યા હતા, કેમ કે ગોટાભાયા ચીનની નજીકના માનવામાં આવતા હતા.

બાદનાં જાન્યુઆરીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની શ્રીલંકાની મુલાકાત દરમિયાન ભારત તરફથી શ્રીલંકાને 50 મિલિયન ડૉલરની મદદ કરવાનું વચન પણ આપવામાં આવ્યું હતું.

ભારતના આ પગલા પર રામચંદ્રન કહે છે, "વિદેશમંત્રી એસ. જયશંકરનું શ્રીલંકા જવું મહત્ત્વપૂર્ણ રહ્યું અને પછી પીએમ મોદીના આમંત્રણ પર ગોટાભાયાનું ભારત આવવું પણ મહત્ત્વનું હતું. બાદમાં બંને દેશો વચ્ચે સારી વાતચીત ચાલી અને બગડી રહેલા સંબંધો સુધરતાં જોવા મળ્યા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો