અરવિંદ કેજરીવાલનું એ મૉડલ જેણે નરેન્દ્ર મોદી-અમિત શાહ સામે જીત અપાવી

    • લેેખક, રમેશ ઓઝા
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

દિલ્હીની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો પછી બે પ્રશ્ન દરેકનાં મનમાં ઘોળતા હશે.

એક તો એ કે આમ આદમી પાર્ટી અને તેમના નેતા અરવિંદ કેજરીવાલ 2013-14ના મૉડમાં પાછા જશે એટલે કે રાષ્ટ્રીય પક્ષ અને રાષ્ટ્રીય નેતા બનવાનો ફરી એક વાર પ્રયાસ કરશે ખરા?

બીજો પ્રશ્ન એ કે ભારતીય જનતા પક્ષ અને નરેન્દ્ર મોદી હવે શું માર્ગ અપનાવશે? જે માર્ગ અત્યાર સુધી અપનાવતા આવ્યા છે તે જ માર્ગે હજુ વધુ આક્રમકતાથી જશે કે પછી થોડી પીછેહઠ કરશે?

આ બંને પ્રશ્નો અત્યારે એટલા માટે પૂછવામાં આવી રહ્યા છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો વિજય સાધારણ વિજય નથી.

હિંદુ-મુસ્લિમ ધ્રુવીકરણનો પ્રચાર

ભાજપે પૂરી તાકાત દિલ્હીમાં લગાડી હતી. વડા પ્રધાને પોતે પ્રચાર કર્યો હતો.

અમિત શાહે પક્ષના અધ્યક્ષને બાજુએ મૂકીને પ્રચાર અને ચૂંટણી મૅનેજમેન્ટ પોતાના હાથમાં લીધું હતું.

હિંદુ-મુસ્લિમ અને પાકિસ્તાનના નામે ધ્રુવીકરણ કરવામાં કાંઈ બાકી નહોતું રાખ્યું. ભાજપે જે પ્રચાર કર્યો હતો એ નિમ્ન સ્તરનો હતો.

ખુલ્લે આમ હિંસાને પ્રોત્સાહન આપનારો પ્રચાર આ પહેલાં કોઈ ચૂંટણીમાં કરવામાં આવ્યો નહોતો.

આ ઉપરાંત લાલકૃષ્ણ અડવાણી અને ડૉ. મુરલી મનોહર જોશીને છોડીને દરેક નેતાઓને પ્રચારમાં ઉતારવામાં આવ્યા હતા.

રાજ્યોના મુખ્ય મંત્રીઓને પક્ષ માટે પ્રચાર કરવા દિલ્હી બોલાવવામાં આવ્યા હતા અને ત્રણસો સંસદસભ્યોને 70 વિધાનસભાક્ષેત્રો વહેંચી આપવામાં આવ્યાં હતાં. ઘર દીઠ એક કાર્યકરને મૂકવામાં આવ્યો હતો.

ભાજપનું ધોવાણ કેમ થયું?

ભાજપ પાસે અઢળક પૈસા છે, પડ્યો બોલ ઝીલનાર પોલીસતંત્ર હતું, આંગળિયાત ચૂંટણીપંચ હતું અને ડરાવનારી, બદનામ કરનારી અને જૂઠાણાં ફેલાવનારી ટ્રૉલ્સની આર્મી છે અને છતાં દિલ્હીમાં ભાજપનું ધોવાણ થયું છે.

આમ કેમ થયું? શું આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં કરેલાં કામો સામે હિંદુરાષ્ટ્રવાદનો પરાજય થયો છે કે પછી હિંદુરાષ્ટ્રવાદના અત્યંત વિકૃત ચહેરાને લોકોએ નકાર્યો છે?

મને એમ લાગે છે કે બંને તત્ત્વોએ કામ કર્યું છે. ૮૫ ટકા હિંદુઓને સતત 15 ટકા મુસલમાનોનો ભય બતાવતાં રહો, દરેક સમજદાર હિંદુને દેશદ્રોહી ઠરાવતાં રહો, આર્થિક સંકટ સામે આંખ આડા કાન કરતાં રહો, અમુક મીડિયા સતત પાકિસ્તાનનો અને દેશદ્રોહીઓનો ભય બતાવીને હિંદુઓને ઉશ્કેર્યા કરે, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, જામિયા મિલિયા કે ગાર્ગી કૉલેજમાં અભદ્ર પ્રદર્શન કરવામાં આવે, નવ વરસની બાળકી સામે દેશદ્રોહનો આરોપ કરીને તેમની ધરપકડ કરવામાં આવે, શાહીનબાગના આંદોલનકારીઓ બળાત્કાર કરવા તમારા ઘરમાં ઘૂસી જશે એવો ભય બતાવવો, કોઈ યુવક ઉશ્કેરાઈને હાથમાં પિસ્તોલ લઈને ગોળીબાર કરે અને તેની નોંધ પણ લેવામાં ન આવે એ જરા વધારે પડતું હતું.

કોઈએ હિંદુરાષ્ટ્રના આવા ચહેરાની કલ્પના નહીં કરી હોય. શું હિંદુરાષ્ટ્ર આવું અભદ્ર, વિકૃત, માથાભારે અને ભયભીત છે? દિલ્હીના મતદારોને આવો પ્રશ્ન થયો હોય એ સ્વાભાવિક છે.

અહીં એક વાત નોંધવી જોઈએ કે તીન તલાકને ફોજદારી ગુનો બનાવવામાં આવ્યો હોવા છતાં, કાશ્મીરનું વિભાજન કરવામાં આવ્યું હોવા છતાં, આર્ટિકલ 370 રદ કર્યો હોવા છતાં, રામમંદિરના ખટલામાં સર્વોચ્ચ અદાલતે હિંદુત્વવાદીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હોવા છતાં, રામમંદિર બાંધવા સરકારે ટ્રસ્ટની રચના કરી હોવા છતાં, નાગરિક ધારામાં સુધારો કરવામાં આવ્યો હોવા છતાં, નાગરિક નોંધણી જાહેર કરી હોવા છતાં દિલ્હીના મતદારોએ હિંદુ બનીને હિંદુત્વવાદી પક્ષને મત આપવાનું મુનાસીબ નથી માન્યું.

મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં પણ પરાજય

પાછું આવું એકલા દિલ્હીમાં નથી બન્યું. ભાજપનો આ પહેલાં મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં પણ પરાજય થયો છે.

હરિયાણામાં ભાજપએ દુષ્યંત ચૌટાલા સાથે મળીને સરકાર ભલે રચી હોય, પણ ભાજપનો પરાજય થયો હતો એ હકીકત છે. પાછું આમાંનું કોઈ રાજ્ય નિર્ણાયક પ્રમાણમાં મુસ્લિમ વસતી ધરાવતું નથી.

દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં કૂલ એક કરોડ 47 મતદારોમાં મુસ્લિમ મતદારોનું પ્રમાણ માત્ર 12.78 ટકા છે. આનો અર્થ એ થયો કે હિંદુઓએ હિંદુ બનીને મત આપવાનો ઇનકાર કર્યો છે.

સામે પક્ષે આમ આદમી પાર્ટીએ તેણે કરેલાં કામોને કહી બતાવીને મત માગ્યા હતા. પક્ષના નેતાઓ કરેલાં કામોની યાદી આપતા હતા, જે કામ વચન આપવા છતાં નથી થઈ શક્યાં તે માટે માફી માગતા હતા અને તે સાથે કેન્દ્ર સરકારની દિલ્હી સરકારના માર્ગમાં વિઘ્નો નાખવાની આડોડાઈની પણ યાદ અપાવવાનું નહોતા ચૂક્યા.

આમ આદમી પાર્ટી હવે પછી શું કામ કરવાની છે એનાં ગૅરંટીકાર્ડ પણ વહેંચતાં હતાં. કામ નક્કર હતું એની આમ આદમી પાર્ટીના દુશ્મનો પણ ના પાડી શકે એમ નથી.

દિલ્હીના મતદારોને લાગ્યું હોવું જોઈએ કે આમ આદમી પાર્ટીએ તેમની સુખાકારીની ચિંતા કરી છે અને તેમાં વધારો કરવાના પ્રામાણિક પ્રયત્નો કર્યા છે.

જો કામ કરતી સરકારની કદર કરવામાં ન આવે તો એ નમકહરામી ગણાય. પરંપરાગત રીતે ભાજપના સમર્થક મતદારોએ પણ આમ આદમી પાર્ટીને મત આપ્યા છે.

આમ કામની કદર અને હિંદુરાષ્ટ્રની વિકૃતિને જાકારો એમ બંને તત્ત્વોએ કામ કર્યું છે. અન્યથા આવો ભવ્ય વિજય આમ આદમી પાર્ટીને ન મળ્યો હોત.

હવે શું?

શું અરવિંદ કેજરીવાલ વડા પ્રધાન બનવાનાં સપનાં જોતાં થશે? શું તેઓ રાષ્ટ્રીય સ્તરે કદ વિસ્તારવાનો પ્રયાસ કરશે?

આવી એક શક્યતા 2013-15નાં વર્ષોમાં પેદા થઈ હતી અને તે તેમણે પોતે જ 2015ની દિલ્હીની વિધાસભાની ચૂંટણીમાં અભૂતપૂર્વ વિજયના મદમાં ગુમાવી દીધી હતી એ તમે જાણો છો. હવે તેઓ પાછો એવો પ્રયાસ કરશે?

સુજ્ઞ વાચકને ધ્યાનમાં આવ્યું હશે કે આ વખતના ચૂંટણીપ્રચારમાં ભાજપના ભયભીત, વિકૃત અને અભદ્ર રાષ્ટ્રવાદ અને હિન્દુત્વવાદ તેમ જ ઉપરથી કૃતિશૂન્યતાની સામે કેજરીવાલે તેને નકાર્યા વિના નરવા રાષ્ટ્રવાદ અને હિંદુવાદ અને ઉપરથી કૃતિશીલતાનું મૉડલ રજૂ કર્યું હતું જે અવિરોધી હોય.

નરવો રાષ્ટ્રવાદ એટલે માત્ર અને માત્ર રાષ્ટ્રનું વ્યાપક હિત પછી ભલે પ્રસંગ આવ્યે હિંદુતરફી હોવાની ઇમેજ બને.

કાશ્મીર અંગે કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણયોને આમ આદમી પાર્ટીએ ટેકો આપ્યો હતો.

નાગરિક ધારામાં સુધારો કરવાના ખરડાને આમ આદમી પાર્ટીએ ટેકો આપ્યો હતો. આ સિવાય અનેક વખત અરવિંદ કેજરીવાલે ભાજપને અને હિંદુત્વવાદીઓને અનુકૂળ આવે એવી ભૂમિકા લીધી છે.

કેજરીવાલે કોઈને પજવે નહીં એવા નરવા હિંદુવાદનું મૉડલ પણ રજૂ કર્યું. હિંદુ હોવાનો ગર્વ હોય એટલું પૂરતું છે. ખૂંટિયાની જેમ ચારેબાજુ તોફાન મચાવવાં એ હિંદુ હોવાનાં લક્ષણો નથી.

બન્યું એવું કે ભાજપ દ્વારા મોકલવામાં આવેલા એક પત્રકારે અરવિંદ કેજરીવાલને પૂછ્યું હતું કે તમને હનુમાન ચાલીસા મોઢે છે?

અરવિંદ કેજરીવાલ કોઈ ઓછા ચાલાક નથી. તેમણે માત્ર હકારમાં જવાબ નહોતો આપ્યો, આખેઆખી હનુમાન ચાલીસા બોલી બતાવી.

મતદારોને ખાતરી થઈ ગઈ હતી કે આ તો કામ કરનારો હિંદુ છે અથવા હિંદુ હોવા છતાં કામ કરી જાણે છે.

અત્યાર સુધી હિંદુ હોવાનો દાવો કરનારાઓને કામ કરતાં નથી જોયા. તેમને માત્ર ગાળો દેતાં જ જોયા છે.

કેજરીવાલે વિકસાવેલું મૉડલ

આમ પ્રખર રાષ્ટ્રવાદ, અવિરોધી નરવો તેમજ હળવો હિંદુવાદ અને ઉપરથી નકારી ન શકાય એવું ટકોરાબંધ કામ અથવા શાસન અને અરવિંદ કેજરીવાલે વિકસાવેલું મૉડલ છે.

વિધિનો ખેલ એવો છે કે દિલ્હી મૉડલનું આવું રસાયણ વિકસાવી આપવામાં ભાજપના નેતાઓએ અને મુખ્યત્વે અમિત શાહે મદદ કરી છે.

કહો કે તેમણે જ વિકસાવી આપ્યું છે, બાકી અરવિંદ કેજરીવાલ પાસે નકારી ન શકાય એવાં નક્કર કામો સિવાયની બીજી બે ચીજો નજરે પડે એ રીતની નહોતી.

દિલ્હીમાં જ્યારે ફૂંફાડા મારતો અને ચારેબાજુએ તોફાન મચાવતો ખૂંટિયા-પ્રચાર ચાલતો હતો ત્યારે અરવિંદ કેજરીવાલને સમજાઈ ગયું હતું કે નક્કર કામની સાથે જો રાષ્ટ્રવાદ અને હિંદુવાદને માનવીય ચહેરો આપવામાં આવે તો ભાજપ તળેની જાજમ ખેંચી શકાય એમ છે અને એમ જ બન્યું.

સરેરાશ હિંદુ હિંદુસિંહની કલ્પના કરે છે, ખૂંટિયા હિંદુની નહીં.

સવાલ એ છે કે શું કેજરીવાલ પ્રખર રાષ્ટ્રવાદ, અવિરોધી નરવો હિંદુવાદ અને નક્કર કામના મૉડલને લઈને રાષ્ટ્રીય રાજકારણમાં પાછા જશે અને જશે તો તેઓ સફળ થશે?

યાદ રહે, 2013-14માં તેમણે રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેમની પાસે આવું મૉડલ નહોતું. હમણાં કહ્યું એમ આવું મૉડલ તો નરેન્દ્ર મોદી-અમિત શાહે વિકસાવી આપ્યું છે.

બીજું, ત્યારે નરેન્દ્ર મોદીની બંધ મુઠ્ઠી લાખની હતી જે અત્યારે ઉઘાડી પડી ગઈ છે અને તે સાવ ખાલી છે.

કેજરીવાલ રાષ્ટ્રીય રાજકારણમાં આવશે?

આ જોતાં અરવિંદ કેજરીવાલ રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે એવી પૂરી શક્યતા છે અને તેવો તેમણે સંકેત પણ આપી દીધો છે. આમાં તેઓ સફળ થશે કે કેમ એ સવાલ છે.

સમસ્યા એ છે કે અરવિંદ કેજરીવાલ એટલા જ તાનાશાહ છે જેટલા નરેન્દ્ર મોદી. તેમનો સ્વભાવ લોકતાંત્રિક નથી. બધાને સાથે લઈને ચાલવા જેટલી તેમનામાં સહિષ્ણુતા નથી.

રાષ્ટ્રીય નેતા બનવાના ગુણ તેઓ ધરાવતાં નથી એ 2015માં જ સાબિત થઈ ગયું હતું. આમ છતાં અરવિંદ કેજરીવાલ આ કરી બતાવશે તો એ ભારતીય રાજકારણની સુખદ અને કહો કે દૈવી ઘટના હશે.

અને ભાજપ? ભાજપ માર્ગપરિવર્તન કરશે કે પછી માથાભારે હિંદુત્વનો જે માર્ગ અપનાવ્યો છે એ માર્ગે હજુ વધુ આક્રમકતા સાથે જશે? કહેવું મુશ્કેલ છે.

એક તો ખોટી દિશામાં, અત્યંત ઝડપથી અને વધારે પડતાં આત્મવિશ્વાસ તેમ જ સાહસ સાથે તેમણે ટૂંકા સમયમાં લાંબુ અંતર કાપી નાખ્યું છે.

હવે પાછા ફરે તો પણ ઇમેજ બદલી શકાય એમ નથી અને હવે જો ઇમેજ બદલવી હોય તો સૌથી પહેલાં અમિત શાહનો ભોગ આપવો પડે. આ અઘરું છે પણ આવું બને પણ ખરું.

આ તો રાજકારણ છે અને જો બને તો પણ તેમાં કેટલી સફળતા મળે એ પ્રશ્ન તો છે જ. બીજું નરેન્દ્ર મોદી-અમિત શાહની હથરોટી તેઓ અત્યારે જે કરી રહ્યા છે એમાં જ છે.

હિંદુને ડરાવો, હિંદુને રડાવો, હિંદુને લલકારો, હિંદુને ઉશ્કેરો, હિંદુને બને એટલો બેશરમ બનાવો અને ઉપરથી શરમાયા વિના ગમે તે વચનો આપો.

આમાં અને માત્ર આમાં જ તેમની બંનેની હથરોટી છે.

ખરું પૂછો તો જે મૉડલ અરવિંદ કેજરીવાલને હાથ લાગ્યું છે તે ભાજપનું હોવું જોઈતું હતું. એની જગ્યાએ નરેન્દ્ર મોદી-અમિત શાહે એ મૉડલ અરવિંદ કેજરીવાલ માટે વિકસાવીને આપ્યું છે. એક વાત નક્કી, ભારતીય રાજકારણ માટે હવે પછીના મહિનાઓ નિર્ણાયક હશે.

(લેખમાં વ્યક્ત થયેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો