You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્રમાં એકતરફી પ્રેમમાં મહિલા પ્રોફેસરને જીવતાં સળગાવી દેવાયાં, લોકોમાં આક્રોશ
મહારાષ્ટ્રના હિંગણઘાટની પીડિતાના તેમના દરોડા ગામમાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
એ પ્રોફેસર યુવતીને જીવતી સળગાવી દેવાની ઘટના ત્રીજી ફેબ્રુઆરીએ બની હતી. એ પછી સારવાર દરમિયાન યુવતીનું મોત થયું હતું.
આ ઘટનામાં એકતરફી પ્રેમમાં મહિલા પ્રોફેસર પર પેટ્રોલ ફેંકી જીવતાં સળગાવી દેવામાં આવ્યાં છે.
પીડિતાના મૃત્યુથી ગામવાસીઓ એકદમ ગુસ્સામાં છે અને તેમણે આરોપીઓનો કબજો પોતાને સોંપી દેવાની માગણી પોલીસ પાસે કરી છે.
ગામવાસીઓએ ઠેકઠેકાણે રસ્તારોકો આંદોલન કર્યું હતું. પીડિતાના મૃતદેહને લઈ જતી એમ્બ્યુલન્સ પર પથ્થરમારો કર્યો હતો.
તેથી એમ્બ્યુલન્સનો કાચ તૂટી ગયો હતો. પોલીસે આંદોલનકર્તા ગ્રામજનો પર હળવો લાઠીચાર્જ કર્યો હતો.
મીડિયા સાથે વાત કરતાં પીડિતાના પિતાએ કહ્યું હતું, "મારી દીકરીને જેવી પીડા થઈ હતી તેવી જ પીડા આરોપીઓને જાહેર જનતા સમક્ષ આપવી જોઈએ. છેલ્લા સાત દિવસમાં મારી દીકરીને બહુ પીડા થઈ હતી."
"મારી દીકરીને જે ત્રાસ થયો છે એવો જ ત્રાસ આરોપીઓને પણ થવો જોઈએ. મારી દીકરીના મૃત્યુનું પ્રકરણ નિર્ભયાકેસની માફક લંબાવું જોઈએ નહીં. તેને વહેલામાં વહેલી તકે ન્યાય મળવો જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીડિતાના ડેથ સર્ટિફિકેટમાં શું લખ્યું છે?
સવારે સાડા છ વાગ્યે પીડિતાના હ્રદયના ધબકારા ધીમા પડતા ગયા હતા. તેમને બચાવવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા.
સવારે 6.55 વાગ્યે પીડિતાએ અંતિમ શ્વાસ લીધા હતા. પીડિતાના શરીરનો 35 ટકા હિસ્સો દાઝી ગયો હતો. સેપ્ટિક શૉક તેના મૃત્યુનું કારણ હતો. (જે દર્દીઓ આવા ચેપ સામે જંગ લડતા હોય છે તેમનું બ્લડપ્રેશર ઝડપથી ઘટતું જાય છે અને ચેપ સામે લડવામાં તેમણે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.)
પીડિતાનો મૃતદેહ પોલીસને પૉસ્ટમૉર્ટમ માટે સોંપવામાં આવ્યો હોવાનું ઓરેન્જ સિટી હૉસ્પિટલના સંચાલક ડૉ. અનુપ મરારે બહાર પાડેલા મેડિકલ બુલેટિનમાં જણાવવામાં આવ્યું હતું.
પત્રકારપરિષદમાં ડૉક્ટરે શું કહ્યું?
ડૉક્ટરે જણાવ્યું હતું કે "અમે પીડિતાને બચાવવાના અમારાથી બનતા તમામ પ્રયાસ કર્યા હતા. તેની તબિયત ગઈ કાલે રાતથી વધારે બગડી હતી. અમે વૅન્ટિલેટરની માત્રા પણ વધારી હતી. બ્લેડપ્રેશર ઘટતું જતું હતું. તેથી દવાઓનું પ્રમાણ વધારવામાં આવ્યું હતું. આજે તેનો હાર્ટ રેટ પણ ઘટી ગયો હતો."
ડૉક્ટરે વધુમાં જણાવ્યું, "એ માટે અમે દવાનું પ્રમાણ વધાર્યું હતું, પણ કમનસીબે અમે તેને બચાવી શક્યા નહીં અને સવારે 6.55 વાગ્યે અમે પીડિતાને મૃત જાહેર કરી હતી. તેનું હૃદય બે વખત બંધ પડી ગયું હતું. પહેલીવાર બંધ પડ્યું ત્યારે તેને ફરી ધબકતું કરવામાં અમે સફળ થયા હતા, પણ બીજી વખત અમે તેને ફરી ધબકતું કરી શક્યા ન હતા."
ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં કેસ ચલાવવાના પ્રયાસ
પીડિતાના પિતાએ મૃતદેહનો કબજો સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો, પણ રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે તેમને સમજાવ્યા પછી તેઓએ મૃતદેહનો કબજો સ્વીકાર્યો હતો.
પીડિતાના મૃત્યુ બાબતે પ્રતિક્રિયા આપતાં અનિલ દેશમુખે કહ્યું હતું, "હિંગણઘાટની પીડિતાનું કમનસીબે મૃત્યુ થયું છે એ અત્યંત દુખદ બાબત છે. તેને બચાવવાના બધા પ્રયાસ અમે કર્યા હતા. નાગપુરના અને મુંબઈના ડૉક્ટરોએ પણ પ્રયાસ કર્યા હતા."
અનિલ દેશમુખે એમ પણ કહ્યું હતું, "મેં પીડિતાના પિતા સાથે આજે જ વાત કરી હતી. રાજ્ય સરકાર તેમની સાથે છે એવું મેં તેમને જણાવ્યું હતું. અમે પીડિતાના ભાઈને નોકરી આપીશું."
"વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમ જિલ્લા કલેક્ટર તથા પોલીસવડાના સંપર્કમાં છે. આ કેસ ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં વહેલામાં વહેલી તકે કઈ રીતે ચલાવી શકાય એ દિશામાં તેઓ કામ કરી રહ્યા છે."
મહિલા તથા બાળકલ્યાણમંત્રી યશોમતી ઠાકુરે પ્રસાર માધ્યમો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "આરોપીઓને આકરામાં આકરી સજા મળે તેવા પ્રયાસ સરકાર કરશે. મહિલાઓના સલામતી બાબતે જાગૃત રહેવાની જરૂર છે.
હિંગણઘાટમાં શું થયું હતું?
વર્ધા જિલ્લાના હિંગણઘાટ ગામના નંદોરી ચોકમાં એક યુવતીને પેટ્રોલ છાંટીને સળગાવી દેવાની ઘટના ત્રીજી ફેબ્રુઆરીએ બની હતી.
એ યુવતીના શરીરનો 40 ટકા હિસ્સો દાઝી ગયો હતો. એ પછી પીડિતાને નાગપુરની ઓરેન્જ સિટી હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ ઘટનાને પગલે સમગ્ર મહારાષ્ટ્રમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ઘટનાના વિરોધમાં અનેક સરઘસ કાઢવામાં આવ્યાં હતાં.
રાજકીય નેતાઓ પણ આ પ્રકરણની ગંભીરતાને સમજ્યા હતા. હિંગણઘાટ તેમજ વર્ધા જિલ્લાના સમુદ્રપુરમાં પણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને આ ઘટના સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ઘટના વખતે શું થયું હતું?
ત્રીજી ફેબ્રુઆરીએ સવારે સવા સાતેક વાગ્યે એક મહિલાનો "બચાવો... બચાવો" એવો પોકાર સાંભળ્યો ત્યારે ત્યાંથી પસાર થતા વિજય કુકડેને એવું લાગ્યું હતું કે કોઈ વાહન અકસ્માત થયો હશે.
તેમણે તેમનું દ્વિચક્રી વાહન થોભાવ્યું ત્યારે તેમને સળગી રહેલી એક યુવતી જોવા મળી હતી.
ક્ષણભરનો વિલંબ કર્યા વિના વિજય કુકડેએ પીડિતાના શરીર પર પાણી નાખીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો, પણ જ્વાળા ઓછી થતી ન હતી. શાળાએ જતી એક છોકરીએ પોતાનું સ્વેટર કાઢીને યુવતીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
વિજય કુકડેએ કહ્યું હતું, "એ યુવતી અત્યંત પીડાદાયક અવસ્થામાં રડતી હતી. તેને શ્વાસ લેવામાં ભારે તકલીફ થતી હતી. તેનું માથું, ગળું અને ચહેરો આગને કારણે બળી ગયા હતા. સ્કૂલે જતી એક નાનકડી છોકરીના સ્વેટરથી આગ બુઝાવીને એ યુવતીને હૉસ્પિટલે લઈ જવામાં આવી હતી. એ ઘટના હું જીવનભર ભૂલી નહીં શકું."
આગ બુઝાવ્યા બાદ યુવતીને એક કારમાં હિંગણઘાટની સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી.
વિજય કુકડેએ ઉમેર્યું હતું, "હું મારાં સંતાનોને શાળાએ મૂકવા ગયો હતો. પાછો ઘરે આવતો હતો ત્યારે નંદોરી ચોકમાં એક છોકરો ઊભો હતો અને તેના હાથમાં સળગતી મશાલ જેવું કંઈક હતું."
"મને એમ થયું કે ઠંડી છે એટલે ચૂલો સળગાવવા માટે તેણે એમ કર્યું હશે, પણ પાછળ વળીને જોયું તો એ છોકરાએ જ એક યુવતીને આગ ચાંપી હતી."
રાહદારીઓની સતર્કતા
આરોપીએ પેટ્રોલ છાંટીને આગ ચાંપી દેતાં પીડિતા પ્રાધ્યાપિકા હેબતાઈ ગયાં હતાં અને સળગતાં કપડાં સાથે જ એ ફસડાઈ પડ્યાં હતાં.
પીડિતાની ચીસનો અવાજ સાંભળીને દસમા કે અગિયારમા ધોરણની એક વિદ્યાર્થિની દોડીને તેમની પાસે આવી હતી.
કેટલાક લોકો પાણી છાંટીને પીડિતાને બચાવવાના પ્રયાસ કરતા હતા ત્યારે એ વિદ્યાર્થિનીએ પોતાનું સ્વેટર કાઢીને પીડિતાના શરીર પર નાખ્યું હતું અને આગ બુઝાવી હતી.
સુશીલ ઘોડે નામના એક સ્થાનિક યુવકે પણ મદદ કરી હતી. વિજય કુકડે પીડિતાને એક કારમાં હૉસ્પિટલે લઈ ગયા હતા.
હિંગણઘાટનો ઘટનાક્રમ
- સવારે સાતને પાંચ મિનિટે પ્રાધ્યાપિકા એસટી બસમાંથી નંદોરી ચોકમાં ઊતર્યાં હતાં
- સવારે 7.07 વાગ્યે પ્રાધ્યાપિકા કૉલેજ ભણી હળવા પગલે ચાલતાં થયાં હતાં. એ જ સમયે એસટી બસની પાછળ દ્વિચક્રી વાહન પર આવેલો આરોપી વિકેશ નગરાળે નંદોરી ચોક પાસે રોકાયો હતો.
- સવારે 7.10 વાગ્યે વાહનમાંથી પેટ્રોલ કાઢીને તેણે મશાલ સળગાવી હતી અને ચાલતો-ચાલતો પ્રાધ્યાપિકાની પાછળ ગયો હતો.
- સવારે 7.15 વાગ્યે પ્રાધ્યાપિકા ચાલતાં-ચાલતાં ન્યૂ મહાલક્ષ્મી કિરાણા ધાન્યભંડાર નામની દુકાન સુધી પહોંચ્યાં હતાં. આરોપી વિકેશ નગરાળે ઝડપથી પ્રાધ્યાપિકાની નજીક આવ્યો હતો અને પ્રાધ્યાપિકા પર પેટ્રોલ છાંટ્યું હતું.
- સવારે 7.17 વાગ્યે પેટ્રોલથી લથબથ પ્રાધ્યાપિકા પર સળગતી મશાલ ફેંકીને આરોપી તેના દ્વિચક્રી વાહન પર બેસીને પલાયન થઈ ગયો હતો.
- સવારે 7.20 વાગ્યે હુમલો કરતી વખતે આરોપીએ તેનું વાહન ચાલુ રાખ્યું હતું. હુમલા બાદ ધમાચકડી થઈ હતી. તેમાં એક વ્યક્તિએ આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પણ આરોપી છટકી ગયો હતો.
- સવારે 7.20 વાગ્યે પીડિતાને એક કારમાં સરકારી હૉસ્પિટલે લઈ જવામાં આવ્યાં હતાં.
ગૃહમંત્રી પીડિતાને મળ્યા હતા
રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ મંગળવારે રાતે હૉસ્પિટલમાં જઈને પીડિતાને મળ્યા હતા. તેમણે ડૉક્ટરોને પીડિતાની તબિયત બાબતે પૃચ્છા કરી હતી.
અનિલ દેશમુખે કહ્યું હતું, "મહિલાવિરોધી હિંસક કૃત્યો કરનાર આ ગુનેગારને અમે છોડીશું નહીં. આંધ્ર પ્રદેશની માફક અમે પણ ટૂંક સમયમાં આકરો કાયદો બનાવીશું."
ડૉક્ટરે કહ્યું, શેતાનને શરમાવે એવું કૃત્ય
હિંગણઘાટની પીડિતાની સારવાર કરી ચૂકેલા નાગપુરની ઓરેન્જ સિટી હૉસ્પિટલના ડૉક્ટર અનુપ મરારે કહ્યું હતું, "છેલ્લાં 35 વર્ષથી હું ઇમરજન્સી વિભાગમાં કામ કરું છું, પરંતુ શેતાન સુધ્ધાં શરમાઈ જાય એવી રીતે એક પ્રાધ્યાપિકાને જીવતાં સળગાવવાની આ ઘટનાથી હું અત્યંત વ્યથિત છું."
"પીડિતાને પેટ્રોલ છાંટીને આગ ચાંપવામાં આવી હોવાને કારણે તેનું ચહેરો, ગળું, કાન, વાળ અને દાંત પણ સળગી ગયાં હતાં. મારી 35 વર્ષની કારકિર્દીમાં એક ડૉક્ટર તરીકે કે એક માણસ તરીકે આવી કોઈ ઘટના જોઈ નથી. આ હમલો શેતાનને પણ શરમાવે તેવો છે."
તેમણે ઉમેર્યું હતું, "પીડિતાને અમારી હૉસ્પિટલમાં સમયસર લાવવામાં આવી હતી. અમે પીડિતાને કૃત્રિમ શ્વાચ્છોશ્વાસ પર રાખી હતી અને સારવાર શરૂ કરી હતી."
સોમવારે સવારે પીડિતાએ અંતિમ શ્વાસ લીધા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો