You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આંતરજ્ઞાતીય-લગ્ન કરનાર દંપતીને અપાઈ છાણ ખાવાની સજા
- લેેખક, સમીરાત્મજ મિશ્ર,
- પદ, ઝાંસીથી, બીબીસી ગુજરાતી માટે
ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં કેટલાંક લોકોએ એક દંપતી પર મૂકેલાં સામાજિક બહિષ્કારને હઠાવવા માટે છાણ ખાવાનો અને ગૌમૂત્ર પીવાનો આદેશ કર્યો છે.
એવું ન કરતાં પાંચ લાખ રૂપિયાનો આર્થિક દંડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જોકે, પોલીસે સ્થળે પહોંચીને પંચને સૂચના આપી છે અને છ લોકોની સામે કાર્યવાહી પણ હાથ કરી છે. દંપતીએ કરેલાં આંતરજ્ઞાતીય લગ્નને લોકો ગુનો માની રહ્યા છે.
ઝાંસી જિલ્લાના પ્રેમનગર વિસ્તારના ગ્વાલટોલીમાં રહેતાં ભૂપેશ યાદવે પાંચ વર્ષ પહેલાં આસ્થા જૈન સાથે આંતરજ્ઞાતીય લગ્ન કર્યાં હતાં.
ભૂપેશ યાદવે બીબીસીને કહ્યું કે આ લગ્ન બંને પરિવારની પરવાનગીથી થયા હતા, પરંતુ સમાજના લોકોને આ પસંદ આવ્યું નથી, એટલે તેમને સમાજની બહાર મૂકી દીધા છે.
શું કરી રહ્યું છે વહીવટીતંત્ર
ભૂપેશ યાદવના કહેવા પ્રમાણે, "સમાજમાંથી અમારો બિહષ્કાર કરવા સિવાય અમારા પિતાજીને પણ ધમકીઓ આપવામાં આવે છે."
"ગત વર્ષે બહેનના લગ્નમાં સમાજની એક પણ વ્યક્તિ આવી ન હતી. હવે પંચાયતમાં એ ચુકાદો આપવામાં આવ્યો છે કે સમાજમાંથી બહિષ્કારનો નિર્ણય એ શરતે પરત લઈ શકાય છે કે મારી પત્નીને છાણ ખાવું પડશે અને ગૌમૂત્ર પીવું પડશે."
"એવું ન કરીએ તો પાંચ લાખ રૂપિયા આપવા પડશે. અમે પંચાયતની શરતોને માનવાની ના પાડી દીધી છે."
ભૂપેશ યાદવે પંચાયતના આ નિર્ણય અંગે જિલ્લાના ઉચ્ચઅધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઝાંસીના જિલ્લા અધિકારી શિવ સહાય અવસ્થી અને એસ.એસ.પી. (સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ) ડી. પ્રદીપ કુમારે પીડિત દંપતીના ઘરે જઈને સી.ઓ. (સર્કલ ઓફિસર) અને સિટી મેજિસ્ટ્રેટને મોકલીને આખી ઘટનાની જાણકારી માંગી.
ડી.એમ. (ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ ) શિવ સહાય અવસ્થીનું કહેવું છે કે કેસની તપાસ કરાવવામાં આવી રહી છે. સમાજનું ફરમાન સંભળાવનાર પંચની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને દંપતીને સુરક્ષા આપવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે કેટલાંક દિવસ પહેલાં ન્યાતમાં સામેલ કરવા માટે ગ્વાલ સમાજના લોકોએ એક પંચાયત પણ બોલાવી હતી.
જેમાં પંચાયતે પોતાના હુકમમાં કહ્યું હતું કે દંપતીને ગૌમૂત્ર પીવાની અને છાણ ખાવાની શરતે જ ન્યાતમાં સામેલ કરી શકાય છે.
ગત સપ્તાહે પંચાયત બેસીને નિર્ણય પર અમલ કરવાની હતી, પરંતુ તે પહેલાં પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ ત્યાં પહોંચીને પંચાયતના આ મનસૂબા પર પાણી ફેરવી દીધું.
પોલીસે પંચાયતમાં સામેલ છ લોકોની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.
ઝાંસીના વરિષ્ઠ પોલીસ અધીક્ષક ડી. પ્રદીપ કુમારે બીબીસીને કહ્યુ, "જ્યારે આ ઘટનાની જાણકારી મળી, તો અમે અધિકારીઓને સ્થળે મોકલ્યા."
"સિટી મૅજિસ્ટ્રેટ સલીલ પટેલ અને સી.ઓ. સિટી સંગ્રામ સિંહ પોલીસની સાથે ત્યાં પહોંચ્યાં અને તેમણે પંચાયતના સભ્યોને આ વિશે કાયદાકીય જાણકારી આપી."
ડી. પ્રદીપ કુમારે કહ્યું, "તેમણે સૂચના આપવામાં આવી કે તે ફરીથી આ વિશે પંચાયતનું આયોજન કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. પીડિત દંપતી અને તેમના પરિવારના સભ્યોને સૂચના આપવામાં આવી છે."
'પરિવારને પણ આપ્યો ત્રાસ'
ભૂપેશના પત્ની આસ્થા જૈન એક કૉલેજમાં નોકરી કરે છે. આસ્થા કહે છે કે તે બંનેએ પ્રેમ લગ્ન જરૂર કર્યા હતા, પરંતુ બંને પરિવારજનોએ કોઈ આપત્તિ દર્શાવી નથી અને તમામ લોકો લગ્નમાં સામેલ પણ થયા હતા.
આસ્થાના કહેવા પ્રમાણે, "ભૂપેશ અને અમારા પરિવારના કોઈપણ સભ્યને તકલીફ નથી થઈ, પરંતુ સમાજના લોકોએ ભૂપેશના પરિવારના સામાજિક બહિષ્કારનું ફરમાન જાહેર કર્યું છે."
"લોકોએ સામાજિક કાર્યો, લગ્ન-સમારોહ વગેરેમાં ભૂપેશના પરિવારને બોલાવતા ન હતા. પછી ભૂપેશના પરિવારે, જ્યારે સમાજના લોકો પાસેથી સામાજિક બહિષ્કાર પરત લેવાની અપીલ કરી તો તે લોકોએ આવી વિચિત્ર શરત મૂકી દીધી."
વ્યવસાયે પ્રૉપર્ટી ડીલરનું કામ કરી રહેલાં ભૂપેશ યાદવ કહે છે કે પંચાયતના ફરમાન પછી તેમના પરિવારને ભારે અપમાન સહન કરવું પડી રહ્યું છે.
તેઓ કહે છે કે તેમના માતાને મહોલ્લામાં યોજાતી ભાગવત કથામાંથી ભાગ લેવાથી રોકવામાં આવ્યા હતા.
પંચાયતમાં જોકે ગામ અને સમાજના અનેક લોકો સામેલ થયા હતા, પરંતુ આ વિશે હાલમાં કોઈ પણ કંઈ કહેવાની ના કહી રહ્યા છે.
નામ ન આપવાની શરતે એક ઘરડાં વ્યક્તિએ માત્ર એટલું જ કહ્યું કે આવી શરત માટે કેટલાંક લોકો જ દબાણ કરી રહ્યા હતા, ના કે સમાજના તમામ લોકો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો