ભારત નાગરિકતા આપશે તો અડધું બાંગ્લાદેશ ખાલી થઈ જશે - કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી

નરેન્દ્ર મોદી સરકારના ગૃહરાજ્ય મંત્રી જી કિશન રેડ્ડીએ એક નિવદન આપતા કહ્યું છે કે, જો ભારત નાગરિકતા આપશે તો અડધું બાંગ્લાદેશ ખાલી થઈ જશે.

સમાચાર સંસ્થા પીટીઆઈએ મુજબ જી કિશન રેડ્ડીએ કહ્યું કે "જો ભારત એમને નાગરિકતા ઑફર કરશે તો અડધું બાંગ્લાદેશ ખાલી થઈ જશે. જો નાગરિકતાની ખાતરી આપવામાં આવશે તો અડધોઅડધ બાંગ્લાદેશી ભારત આવી જશે. કોણ એની જવાબદારી લેશે? કેસીઆર કે રાહુલ ગાંધી?"

મંત્રીએ હૈદરાબાદમાં સંત રવિદાસ જંયતી પ્રસંગે યોજાયેલા એક કાર્યક્રમમાં આ નિવેદન આપ્યું છે. એમણે તેલંગાણાના મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવને નાગરિકતા કાયદો કઈ રીતે ભારતમાં રહેનારાં લોકો વિરુદ્ધ છે તે સાબિત કરવાનો પડકાર પણ ફેંક્યો અને અસુદ્દિન ઔવેસીના પક્ષને ટીઆરએસનો મિત્ર ગણાવ્યો.

અમદાવાદના નારોલ-પિરાણા રોડ પરની ફેકટરીમાં ભીષણ આગ, 4નાં મોત

અમદાવાદમાં નારોલ-પિરાણા રોડ પર આવેલી એક કાપડની ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી.

આ આગમાં ચાર કર્મચારીનાં મૃત્યુ થયાં હોવાનું અહેવાલોમાં નોંધાયું છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે શનિવારે લાગેલી આગને ઓલવવા માટે કુલ 19 ફાયરવાહનો પહોંચ્યાં હતાં.

એએફઈએસ (અમદાવાદ ફાયર ઍન્ડ ઇમરજન્સી સર્વિસ)ના અધિકારીઓ અનુસાર તેમને શનિવારે 5.48 કલાકે ફોન આવ્યો હતો કે નારોલ-પિરાણા રોડ પર નંદન ડેનિમ લિમિટેડના પરિસરમાં એક મોટો વિસ્ફોટ થયો છે. શરૂઆતમાં 12 વાહનો મોકલવામાં આવ્યાં હતાં અને પછી અન્ય 7 મોકલાયાં હતાં.

નંદન ડેનિમના અધિકારીએ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે વિસ્ફોટનું કારણ જાણી શકાયું નથી અને કેટલું નુકસાન થયું છે એનો અંદાજ નથી.

અધિકારીના જણાવ્યા પ્રમાણે અંદાજે 10 લોકો અંદર ફસાયા હોવાની માહિતી મળી હતી, અન્યની શોધખોળ ચાલુ છે.

વિસ્ફોટ થયાની જાણ થતાં આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

કોરોના વાઇરસને કારણે મૃત્યુઆંક 800ને પાર

ચીનના હુબેઈ પ્રાંતના સ્વાસ્થ્ય આયોગનું કહેવું છે કે કોરોના વાઇરસને કારણે મૃતકોની સંખ્યા વધીને 780 થઈ ગઈ છે.

આ સાથે જ આખા ચીનમાં આ વાઇરસને કારણે થયેલાં મૃત્યુનો આંકડો 804 પહોંચી ગયો છે.

એ રીતે જોઈએ તો કોરોના વાઇરસથી થયેલાં મૃત્યુની સંખ્યા લગભગ 20 વર્ષ પહેલાં આવેલા સાર્સ વાઇરસથી થયેલાં મૃત્યુથી પણ વધી ગઈ છે.

સાર્સ વાઇરસ 2003માં ફેલાયો હતો અને બે ડઝનથી વધુ દેશોમાં તેના દર્દીઓ જોવા મળ્યા હતા. સાર્સને કારણે 774 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

અત્યાર સુધીમાં આખી દુનિયામાં 34,800 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે અને મોટા ભાગે ચીનના જ છે.

વેલેન્ટાઇન દિવસે સ્કૂલોમાં માતાપિતાની પૂજા મામલે વિવાદ

સુરત જિલ્લાની સ્કૂલોમાં 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડેની જગ્યાએ માતાપિતાપૂજન દિવસ મનાવાશે.

એનડીટીવીના રિપોર્ટ પ્રમાણે, સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ આ અંગે સ્કૂલોને એક પરિપત્ર મોકલ્યો છે.

પરિપત્ર પ્રમાણે બાળકોને ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોના સંસ્કાર આપવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે.

પરિપત્રની એક કૉપી પીટીઆઈને મળી છે, જેમાં માતાપિતાપૂજન દિવસ ઊજવવાનો દિશાનિર્દેશ આપવામાં આવ્યો છે. તો વિપક્ષ કૉંગ્રેસે આ નિર્ણયનો વિરોધ કર્યો છે.

કૉંગ્રેસના નેતા અને પ્રવક્તા મનીષ દોષીએ કહ્યું કે આ નિર્ણય એક નવો વિવાદ પેદા કરવાની દિશામાં પગલું છે. આ એક નાટક છે, કેમ કે શિક્ષણ વિભાગ દિશાહીન છે.

ગુજરાત પોલીસ અને ન્યાયપાલિકામાં મહિલા પ્રતિનિધિત્વની ઘટ

ગુજરાતમાં પોલીસ અને ન્યાયપાલિકામાં મહિલાઓ અને હાંસિયામાં ધકેલાયેલા વર્ગનું ઓછું પ્રતિનિધિત્વ ચિંતાનું કારણ બન્યું છે.

વિવિધ નાગરિક સંગઠનો અને તાતા ટ્રસ્ટના સહયોગથી બૉમ્બે હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ મોહિત શાહે ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાં ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2019 રજૂ કર્યો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા અહેવાલ મુજબ શનિવારે જાહેર કરાયેલા એક રિપોર્ટમાં કહેવાયું કે પોલીસ, જેલપ્રણાલિ, ન્યાયપાલિકા અને કાયદા સહાય મામલે ભારતમાં ગુજરાતનું સ્થાન આઠમું છે.

પોલીસદળમાં અનુસૂચિત જાતિના અધિકારીઓના પ્રતિનિધિત્વની બાબતમાં ગુજરાતે સારું કામ કર્યું છે, પરંતુ અનુસૂચિત જનજાતિના સમુદાયની 30 ટકા જગ્યા ખાલી છે. જ્યારે ઓબીસીની 61 ટકા જગ્યા ખાલી છે.

રિપોર્ટ પ્રમાણે ગુજરાત પોલીસદળમાં અનામતની નીતિને લાગુ કરવામાં નિષ્ફળ રહ્યું છે.

18 મહિનામાં આ રિપોર્ટ તૈયાર કરાયો છે, જેમાં મહારાષ્ટ્રે 10માંથી 5.92 અંક મેળવીને ટોચનું સ્થાન મેળવ્યું છે. જ્યારે ગુજરાતને 10માંથી 5.09 અંક મળ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો