INDvsNZ: એ પાંચ કારણો જેને લીધે ભારતે ન્યૂઝીલૅન્ડ સામેની સિરીઝ ગુમાવી

    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

ઑકલૅન્ડ ખાતે શનિવારે રમાયેલી બીજી વન-ડે ક્રિકેટ મૅચમાં ન્યૂઝીલૅન્ડ સામે ભારતનો પરાજય થયો.

તાજેતરમાં ભારત આ રીતે કોઈ સિરીઝમાં હાર્યું નથી. 2003 બાદ ભારત ન્યૂઝીલૅન્ડ સામે સળંગ ત્રણ વન-ડે હાર્યું હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે. અગાઉ વિશ્વ કપની સેમિફાઇનલમાં ભારતનો પરાજય થયો હતો.

વન ડે સિરીઝ જીતીને વિશ્વ કપની સેમિફાઇનલનો બદલો લેવાની જે તક ભારત પાસે હતી તે તેણે ગુમાવી દીધી.

ભારતે ન્યૂઝીલૅન્ડ સામે 5-0થી ટી20 સિરીઝ જીતી હતી. આમ છતાં વન ડેમાં ભારત અચાનક તેનું ફૉર્મ ગુમાવી બેઠું છે ત્યારે જાણો એ પાંચ કારણો જેને લીધે ભારતનો પરાજય થયો.

જસપ્રિત બુમરાહની નિષ્ફળતા

બુમરાહ ભાગ્યે જ નિષ્ફળ જતા હોય છે. વર્તમાન ક્રિકેટજગતમાં બુમરાહ જેટલા ખતરનાક બૉલર બીજા કોઈ નથી. જો તમારો સ્ટ્રાઇક બૉલર નિષ્ફળ રહે તો તમે પરાજયને આમંત્રણ આપો છો તે અહીં સાચું પડ્યું છે.

બુમરાહ છેલ્લી ત્રણ મેચમાં એકેય વિકેટ લઈ શક્યા નથી. ઑસ્ટ્રેલિયા સામે વાનખેડે સ્ટેડિયમ ખાતે પુનરાગમન કર્યા બાદ તેમણે પાંચ મૅચમાં 237 રન આપ્યા છે અને તેની સામે તેને માત્ર એક જ વિકેટ મળી છે અને તે પણ રાજકોટમાં ભારતે મૅચ લગભગ જીતી લીધી હતી ત્યારે છેક 11મા ક્રમના ઍડમ ઝમ્પાની વિકેટ તેમને મળી હતી.

પૂંછડિયા ખેલાડીઓને આઉટ કરવામાં નિષ્ફળતા

આ સમસ્યા ભારતની કાયમી સમસ્યા છે. વર્ષોથી બનતું આવ્યું છે કે હરીફ ટીમના છેલ્લા ત્રણથી ચાર બેટ્સમૅનમાંથી એકાદ જામી જાય તો તેમને આઉટ કરવામાં ભારતને તકલીફ પડતી હોય છે. બીજી વન ડેમાં પણ આમ જ બન્યું હતું.

ન્યૂઝીલૅન્ડે 42મી ઓવરમાં 197 રનના સ્કોરે તેની આઠમી વિકેટ ગુમાવી દીધી હતી. દસમા ક્રમનાં કાયલ જૅમિસન રમવા આવ્યા ત્યારે તેમની ઇનિંગ્સનો અંત નજીક જણાતો હતો પરંતુ તેને બદલે કિવિ બેટ્સમૅન 50 ઓવર રમી ગયા.

આ ગાળામાં બુમરાહ અને શાર્દૂલ ઠાકુર સહિત ભારતના એકેય બૉલર એક વિકેટ ખેરવી શક્યા નહીં.

રૉસ ટૅલર તો સ્થાપિત બૅટ્સમૅન છે પરંતુ જૅમિસનને આઉટ કર્યા હોત તો ન્યૂઝીલૅન્ડનો સ્કોર 220ની આસપાસ હોત. ભારતનો 22 રનથી પરાજય થયો હતો. આમ કિવિ ટીમની નવમી વિકેટ ભારતને ભારે પડી ગઈ.

ભારતના પૂંછડિયા ખેલાડીઓએ આદત જાળવી રાખી

એક તરફ ભારતીય બૉલર્સ હરીફ ટીમના અંતિમ ત્રણ કે ચાર બૅટ્સમૅનને આઉટ કરી શકતા નથી તો બીજી તરફ ભારતના ખુદના પૂંછડિયા ખેલાડીઓ ક્યારેય મોટું યોગદાન આપી શકતા નથી.

રવીન્દ્ર જાડેજા જામી ગયા હતા અને તેમને બીજે છેડેથી સ્ટૅન્ડ આપવાની જરૂર હતી ત્યારે નવદીપ સૈની સિવાય કોઈ ટક્યું નહીં.

રવીન્દ્ર જાડેજા અને નવદીપ સૈનીની જોડી ન તૂટી હોત તો કદાચ મૅચનું પરિણામ અલગ હોત.

રૉસ ટૅલર જેવી ભૂમિકા જાડેજા નિભાવી શક્યા હોત પરંતુ તેમને યોગ્ય સહકાર સાંપડ્યો ન હતો અને અંતે હતાશામાં તેમણે પણ પોતાની વિકેટ ફેંકી દીધી.

જ્યારે જાડેજાને સ્ટ્રાઇક આપવાની જરૂર હતી ત્યારે ચહલ અને સૈની જેવા બૅટ્સમૅન જાતે જ મૅચ પૂરી કરી નાખવાના મૂડમાં હોય તે રીતે બૅટિંગ કરતા હતા.

નવદીપ સૈની અને ચહલ ઉતાવળ ન કરી હોત તો મૅચમાં જે પ્રેશર ન્યૂઝીલૅન્ડ પર ઊભું થયું હતું એ વધત અને ભારત હાથમાં આવેલી બાજી હારી ન જાત.

નિરૂપયોગી કેદાર જાધવ અને મનીષ પાંડેને તક ન મળી

ભારતીય ટીમમાં કેદાર જાધવને એક ઑલરાઉન્ડર તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

તેમની ધીમી સ્પિન બૉલિંગ ટીમને એકાદ સ્પૅલ ઓછો કરાવી શકે તેમ હતી પરંતુ તેમને એકેય ઓવર આપવામાં ન આવી.

જાધવને માત્ર બેટ્સમૅન તરીકે લેવાનો કોઈ અર્થ ન હતો કેમ કે એમ જ હોય તો તેમના કરતાં મનીષ પાંડે બહેતર બૅટ્સમૅન છે.

મનીષ પાંડેએ ટી20માં પુરવાર કરી દીધું હતું કે તે આસાનીથી બૅટિંગ કરી શકે છે. કુલદીપ યાદવના ચાઇનામેન બૉલની પણ ખોટ પડી કેમ કે તેમના સ્થાને આવેલા ચહલે બે વિકેટ જરૂર લીધી પરંતુ એ વખતે બૅટ્સમૅનો આક્રમક મૂડમાં હતા અને ચહલને તેની બૉલિંગને કારણે નહીં પરંતુ બૅટ્સમૅનોની ઉતાવળને કારણે વિકેટ મળી હતી.

રોહિત શર્માની ખોટ પડી

ભારતીય ટીમને વન ડેમાં રોહિત શર્માની ખોટ પડી રહી છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા બધુ સંભાળી શકે છે પરંતુ રોહિતની ગેરહાજરીમાં કોહલી પર કપ્તાની ઉપરાંત બૅટિંગને એમ બંને જવાબદારી આવી જતી હોય છે.

ન્યૂઝીલૅન્ડની અલગ આબોહવામાં કપરી વિકેટો પર રમવાનો રોહિત જેટલો અનુભવ બીજા કોઈ પાસે નથી.

આ મૅચમાં લોકેશ રાહુલ પણ નિષ્ફળ રહ્યા હતા. તે સતત રમી રહ્યા છે અને દરેક મૅચમાં તેમની પાસેથી મોટા સ્કોરની અપેક્ષા રાખવી ક્યારેય નુકસાનકર્તા બને છે જે શનિવારે પુરવાર થઈ ગયું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો