Delhi Election : ભાજપે કહ્યું, 'આ તમામ ઍક્ઝિટ પૉલ થશે ફેલ, બનશે અમારી સરકાર'

દિલ્હી ચૂંટણીમાં આજે મતદાન પૂર્ણ થઈ ગયું છે અને ઍક્ઝિટ પોલ મુજબ ફરી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેમ કહેવાય છે.

લગભગ તમામ ઍક્ઝિટ પોલ આમ આદમી પાર્ટીને ઓછામાં ઓછી 44 અને વધુમાં વધુ 61 બેઠકો મળશે એ બતાવે છે.

આની સામે ભાજપને વધુમાં વધુ 28 અને ઓછામાં ઓછી 9 બેઠકો મળશે એવો વર્તારો છે.

કૉંગ્રેસને દિલ્હીમાં મહત્તમ 3 બેઠકો મળી શકે છે એમ ઍક્ઝિટ પોલ જણાવે છે.

ભારતીય જનતા પાર્ટીના દિલ્હીના પ્રદેશ પ્રમુખ અને સંસદસભ્ય મનોજ તિવારીએ ટ્વીટ કરીને કહ્યું, "તમામ ઍક્ઝિટ પોલ થશે ફેલ..., મારું ટ્વીટને સંભાળીને રાખજો.."

"ભાજપ દિલ્હીમાં 47 બેઠકો સાથે સરકાર બનાવશે.. કૃપા કરીને ઇવીએમના દોષ આપવાનું બહાનું અત્યારથી ના કાઢતાં." 

સાંજે સાડા છ વાગ્યા સુધી દિલ્હીમાં 55.18 ટકા મતદાન થયું છે અને 11 તારીખે પરિણામ જાહેર થશે.

ઍક્ઝિટ પોલમાં આવી રહેલાં આંકડાઓ પ્રમાણે આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે.

ઉલ્લેખનીય છે કે ઍક્ઝિટ પોલ સાચા જ પડે તેવું હોતું નથી અને બીબીસી કોઈ ઍક્ઝિટ પોલ કરતું નથી.

દિલ્હીમાં ચૂંટણીપ્રચાર અને વિવાદ

ઉલ્લેખનીય છે કે દિલ્હીના શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં 16 ડિસેમ્બરથી પ્રદર્શન ચાલી રહ્યું છે.

દિલ્હીના શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાયદાના થઈ રહેલા વિરોધ પર ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે 'દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ શાહીનબાગમાં બિરયાની ખવડાવી રહ્યા છે.'

આ મામલે ચૂંટણીપંચે યોગી આદિત્યનાથને કારણદર્શક નોટિસ પણ પાઠવી હતી.

તો ચૂંટણીપ્રચાર દરમિયાન વિવાદિત ભાષણ મામલે ચૂંટણીપંચે ભાજપના નેતા અનુરાગ ઠાકુર, પરવેશ વર્મા અને કપિલ મિશ્રાને પણ નોટિસ પાઠવી હતી અને થોડા દિવસ માટે પ્રચાર પર રોક લગાવી દીધી હતી.

પરવેશ વર્માએ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને 'આતંકવાદી' કહ્યા હતા.

2015ની ચૂંટણીના પરિણામ

2015માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 સીટ પર જીત મેળવી હતી. જ્યારે 3 સીટ ભારતીય જનતા પાર્ટીને મળી હતી. કૉંગ્રેસને એક પણ સીટ મળી ન હતી.

2015ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની 54.34 ટકા વોટ મળ્યા હતા, જ્યારે ભારતીય જનતા પાર્ટીને 32.19 ટકા વોટ અને કૉંગ્રેસને 43.21 ટકા મત મળ્યા હતા.

કેવી રીતે થાય છે ઍક્ઝિટ પોલ?

દેશની મુખ્ય સર્વે સંસ્થા સીએસડીએસના નિદેશક સંજય કુમાર કહે છે કે ઍક્ઝિટ પોલ અંગે ધારણા છે કે મતદાતા મત આપીને મતદાનમથક બહાર નીકળે ત્યારે તેમને પૂછવામાં આવે છે.

સર્વેમાં મતદારોને ઘણા સવાલો પૂછવામાં આવે છે. જોકે, તેમાં સૌથી મહત્ત્વનો સવાલ હોય છે કે તમે કોને મત આપ્યો છે?

હજારો મતદારોનાં ઇન્ટરવ્યૂ કરીને આ આંકડા એકઠા કરવામાં આવે છે. આંકડાનું વિશ્લેષણ કરીને અંદાજ કાઢવામાં આવે છે, એટલે કે એ શોધવામાં આવે છે કે કયા પક્ષને કેટલા ટકા મત મળ્યા હશે.

ઍક્ઝિટ પોલ કરવા, આંકડા ભેગા કરવા અને તે આંકડાને લોકો સમક્ષ લાવવા માટે ઘણી મહેનત અને લાંબી પ્રક્રિયા હોય છે.

એવું નથી કે દરેક વખતે ઍક્ઝિટ પોલ સાચા જ સાબિત થાય, જેનું તાજું ઉદાહરણ છે 2015ની વિધાનસભાની ચૂંટણી. 2015ની ચૂંટણીના ઍક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા.

ઍક્ઝિટ પોલ ખોટા કેવી રીતે પડે છે?

ઍક્ઝિટ પોલ મોટા પાયે ખોટા કેવી રીતે પડે છે? એવો સવાલ પણ થાય છે.

આ સવાલના જવાબમાં સંજય કહે છે, "ઍક્ઝિટ પોલ ફેલ જવાનું સૌથી મોટું ઉદાહરણ 2004ની લોકસભાની ચૂંટણીઓ છે. જેમાં પણ ઍક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા."

"સર્વે કરનારાઓએ એ વાતનો ખ્યાલ રાખવો જરૂરી છે કે તેઓ દરેક તબક્કાના મતદારો પાસે જાય."

"આપણે ત્યાં મતદાનને ગુપ્ત મતદાન કહેવામાં આવે છે. એવામાં મતદારો પાસેથી એ જાણવું કે તેમણે કોને મત આપ્યો છે તે પણ એક પડકાર છે. કેટલીક વખત તેઓ સાચું બોલે છે કે નહીં તેના પર પણ શંકા હોય છે."

જોકે, સંજયને તેનાથી આશ્ચર્ય થતું નથી. તેઓ કહે છે કે મોટા ભાગના મતદારો સાચું બોલે છે. એવું બની શકે કે કોઈ મતદાર ખોટું બોલી જાય. મતદારો સાચું બોલ્યા કે ખોટું તેનો નિર્ણય ચૂંટણીનાં પરિણામો આવ્યાં બાદ થઈ જાય છે.

સંજય કહે છે કે જો તમે છેલ્લાં 10-15 વર્ષના ઍક્ઝિટ પોલ જોશો તો પરિણામો આ સર્વેની આજુબાજુ જ આવ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો