You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
India U19 vs Bangladesh U19, Final : બાંગ્લાદેશે ભારતને હરાવી અંડર-19 વર્લ્ડ કપ જીત્યો
બાંગ્લાદેશે ભારતને હરાવી અંડર-19 વર્લ્ડ કપ જીતી લીધો છે.
બાંગ્લાદેશને જીતવા માટે 54 બૉલમાં 15 રનની જરૂર હતી અને મૅચ વરસાદને લીધે અટકી હતી.
એ પછી તેમને 28 બૉલમાં 6 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેણે પૂરો કર્યો.
ભારતે આપેલા 178 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રોમાંચક બનેલી મૅચમાં બાંગ્લાદેશે 7 વિકેટ ગુમાવી 170 રન કરી લીધા હતા અને ડકવર્થ લૂઇસ મુજબ બાંગ્લાદેશ વિજેતા બન્યું હતું.
બાંગ્લાદેશે ચાર વખત વિશ્વચૅમ્પિયન બનનાર ભારતને હરાવીને પહેલી વાર અંડર-19 વર્લ્ડ કપ જીત્યો છે.
ભારતથી વિપરીત બાંગ્લાદેશે બેટિંગમા મજબૂત શરૂઆત કરી હતી.
ઓપનિંગ બૅટ્સમૅન પરવેઝ હુસેન ઇમોમ અને તંઝિદ હસને 50 રનની ભાગીદારી કરી હતી.
જોકે, રવિ બિશ્નોઈએ આ ભાગીદારી તોડ્યા પછી મૅચની સ્થિતિ પલટાઈ ગઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇન ફોર્મ બૅટ્સમૅન મહમુદુલ હસન જોયને પણ રવિ બિશ્નોઈએ 8 રને બૉલ્ડ કરી દીધા હતા.
એ પછી તોહિદ હિરદોય અને શહાદત હોસેન પણ બિશ્નોઈનો શિકાર બન્યા.
શહાદત હોસેનનું શાનદાર સ્ટમ્પિંગ વિકેટકીપર ધ્રુવ જુરેલે કર્યું હતું.
આમ બાંગ્લાદેશ 50 રને વિનાવિકેટની સ્થિતિમાંથી 65 રનમાં 4 વિકેટ પર આવી ગયું હતું.
રિટાયર્ડ હર્ટ થયેલા ઓપનિંગ બૅટ્સમૅન પરવેઝ હૌસેન ઇમોન ફરી રમવા આવ્યા હતા અને તેમણે 47 રન કર્યા પરંતુ યશસ્વી જયસ્વાલની બૉલિંગમાં તેઓ આકાશ સિંઘને હાથે કૅચ આઉટ થયા હતા.
ભારત તરફથી બિશ્નોઈ પછી બૉલિંગમાં સફળતા સુશાંત મિશ્રાને મળી હતી.
સુશાંત મિશ્રાએ શમીન હૌસેન અને ઑલરાઉન્ડર અવિશેક દાસને આઉટ કર્યા હતા.
જોકે, કૅપ્ટન અને મિડલ ઑર્ડર બૅટ્સમૅન અકબર અલીએ વિકેટ જાળવી રાખી બેટિંગ કરી હતી અને ટીમને મોટી જીત અપાવી.
અકબર અલીને મૅન ઑફ ધ મૅચ જાહેર કરાયા હતા.
એમણે 77 બૉલમાં નૉટ આઉટ 43 રન કર્યા હતા.
જયસ્વાલને ન મળ્યો સાથ
અગાઉ બાંગ્લાદેશે ટૉસ જીતી ભારતને બેટિંગ આપી હતી. બાંગ્લાદેશના બૉલરોના શાનદાર પ્રદર્શન સામે ભારતની ટીમ ફક્ત 177 રન કરી ઑલઆઉટ થઈ ગઈ હતી.
ઓપનિંગ બેટ્સમૅન સકસેના જલ્દી આઉટ થઈ ગયા હતા અને એ પછી યશસ્વી જયસ્વાલ અને તિલક વર્માએ બાજી સંભાળી હતી.
એ પછી તિલક વર્મા 38 રને બાઉન્ડરી પર કૅચ આઉટ થઈ ગયા હતા.
તિલક વર્મા પછી રમવા આવેલા કૅપ્ટન પ્રિયમ ગર્ગ ફક્ત 9 બૉલમાં 7 રન કરી આઉટ થઈ ગયા હતા.
યશસ્વી જયસ્વાલ 88 રને આઉટ થઈ ગયા પછી ભારતની ખરાબ હાલતની શરૂઆત થઈ હતી અને બીજા બૉલે સિદ્ધેશ વીર પણ આઉટ થઈ ગયા હતા.
જયસ્વાલ અને વીરની બેઉ વિકેટ શોરિફૂલ ઇસ્લામે લીધી હતી.
એ પછી ધ્રુવ જુરેલ 22 રને અને રવિ બિશ્નોઈ પણ ફક્ત 2 રને રન આઉટ થઈ ગયા હતા.
અર્થવ અનકોલેકર ફક્ત 2 રને બૉલ્ડ થયા હતા.
કાર્તિક ત્યાગી શૂન્ય રને આઉટ થયા હતા.
છેલ્લી વિકેટ સુશાંત મિશ્રાની પડી હતી. તેમણે 2 રન કર્યા હતા.
આમ, ભારતની ટીમ 47.2 ઓવરમાં ફક્ત 177 રન જ કરી શકી હતી.
બાંગ્લાદેશની ઘાતક બૉલિંગ
ઓપનિંગ બૅટ્સમૅન દિવ્યાંગ સકસેનાને ફક્ત 2 રને શરૂઆતમાં જ આઉટ કરીને બાંગ્લાદેશે ધાક ઊભી કરી હતી.
એ પછી તિલક વર્મા સાથે યશસ્વીએ ધીમી રમતથી ભાગીદારી કરી હતી અને જોકે બાંગ્લાદેશના બૉલરોએ એ ભાગીદારી તોડ્યા પછી આખી સ્થિતિ પલટાઈ ગઈ હતી.
બાંગ્લાદેશ તરફથી શોરિફૂલ ઇસ્લામે 2, તંઝિમ હસન શકિબે 1, અવિશેક દાસે 3 અને રકિબૂલ હસને 1 વિકેટ ઝડપી હતી.
બાંગ્લાદેશના તમામ બૉલરોએ ચુસ્ત બૉલિંગ કરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો