2012 Delhi gang rape : જાણો કોણ હતા નિર્ભયાના દોષી, પીડિત પરિવારે ચુકાદાને આવકાર્યો

ગુરૂવારે મોડી રાત અને શુક્રવારે વહેલી સવારના કાયદાકીય જંગમાં પરાજય બાદ નિર્ભયા ગૅંગરેપ કેસના ચારેય ગુનેગારોને સવારે 5.30 કલાકે ફાંસી આપી દેવામાં આવી છે.

નિર્ભયાનાં માતાએ આ ચુકાદાને આવકાર્યો છે અને તેમણે કહ્યું કે મોડે-મોડે મને ન્યાય મળ્યો તે બદલ હું ન્યાયતંત્ર, તમામ સરકારો તથા રાષ્ટ્રપતિનો આભાર માનું છું.

મોડી રાત્રે અલગ-અલગ કાયદાકીય દલીલોને આગળ કરીને ચારેય ગુનેગારોએ પહેલાં દિલ્હી હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા અને તેમને સાંભળવામાાં આવ્યા હતા, પરંતુ તેઓ કાયદાકીય જંગ હારી ગયા.

શુક્રવારે એ ઘટનાને સાત વર્ષથી વધુ સમય બાદ બાકીના ચાર દોષીઓને દિલ્હીની તિહાર જેલમાં ફાંસી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી.

16 ડિસેમ્બર, 2012 પછી દેશમાં જ્યારે પણ કોઈ બાળકી, છોકરી કે મહિલા પર સામૂહિક બળાત્કારની ઘટના બની છે, ત્યારે એ દરેક ઘટનાની સરખામણી નિર્ભયા ગેંગરેપ સાથે કરવામાં આવે છે.

દિલ્હીમાં બનેલી નિર્ભયા ગેંગરેપની ઘટનામાં આચરવામાં આવેલી ક્રૂરતા વિશે જેમણે સાંભળ્યું કે વાંચ્યું હતું તેમને એ વાતમાં વિશ્વાસ કરવાનું મુશ્કેલ લાગ્યું હતું કે આ બધું કેટલાક 'માણસો'એ કર્યું હતું.

2012માં બનેલી એ ઘટનામાં છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને અદાલતમાં તેઓ દોષી સાબિત થયા છે.

એક દોષીએ સજાના અમલ દરમ્યાન જેલમાં જ આત્મહત્યા કરી લીધી હતી.

એક દોષી સગીર વયનો હતો. તેને બાળસુધાર ગૃહમાં મોકલી આપવામાં આવ્યો હતો, જેની બાદમાં મુક્તિ થઈ હતી.

જ્યારે બાકીના ચારેય ગુનેગારોનીની ફાંસીની સજા યથાવત્ રાખવામાં આવી હતી.

ફાંસીની સાથે-સાથે

  • ચારેય ગુનેગારોનાં મૃતદેહને નવી દિલ્હીની દીન દયાળ હૉસ્પિટલ પોસ્ટમૉર્ટમ માટે લઈ જવાયા હતા.
  • ફાંસી સમયે જેલમાં બે તબીબ હાજર હતા, જેમણે તબીબી તપાસ કરી હતી તથા મૃત્યુની પુષ્ટિ કરી હતી.
  • જેલના નિદેશક સંદીપ ગોયલના કહેવા પ્રમાણે, "સવારે બરાબર સાડા પાંચ વાગ્યે ચારેય ગુનેગારોને એક સાથે ફાંસી આપી દેવાઈ હતી."
  • તિહાર જેલના અધિકારીઓને ટાંકતા ન્યૂઝ એજન્સી પી. ટી. આઈ. જણાવે છે કે બંદીગૃહના ઇતિહાસમાં પ્રથમ વખત ચાર ગુનેગારોને એકસાથે ફાંસી આપવામાં આવી હતી.
  • ગુનેગારોની ફાંસીના અનુસંધાને, ગુરુવારની સાંજથી જ તિહાર જેલની બહાર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

નિર્ભયાનાં પરિવારે માન્યો આભાર

ચારેય ગુનેગારોને ફાંસી બાદ નિર્ભયાનાં માતા આશાદેવીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું:

"હું ન્યાયતંત્ર, મીડિયા, રાષ્ટ્રપતિ તથા આપ સર્વેનો આભાર માનું છું. સાત વર્ષના સંઘર્ષનો આજે અંત આવ્યો છે.

આજનો દિવસ દેશની દીકરીઓ તથા મહિલાઓને નામ છે. આજે નિર્ભયાને ન્યાય મળ્યો છે."

"સુપ્રીમ કોર્ટેથી આવીને મેં દીકરીની તસવીરને છાતી સરસી છાપી હતી અને તેને કહ્યું કે છેવટે તને ઇન્સાફ મળ્યો."

"મારી દીકરી પરત નહીં આવે, પરંતુ ભારતની મહિલાઓ સુરક્ષિત બને તે માટે અમારી લડાઈ ચાલુ રહેશે."

"હું તેને બચાવી ન શકી, તે વાતનું દુખ રહેશે, પરંતુ આજે મને તેની ઉપર ગર્વ છે. આજે મા તરીકેનો મારો ધર્મ પૂર્ણ થયો છે."

આશા દેવીએ કહ્યું કે 'એક કરતાં વધુ ગુનેગાર હોય, તેઓ અલગ-અલગ દયાઅરજી દાખલ કરીને કે અન્ય કોઈ રીતે કાયદાકીય છટકબારીઓનો ઉપયોગ ન કરે તેના માટેના દિશા-નિર્દેશ સુપ્રીમ કોર્ટ પાસેથી મેળવવાના પ્રયાસ કરીશું.'

રામ સિંહ

એ દોષીઓ પૈકીના રામ સિંહને આ ઘટનામાં મુખ્ય ગુનેગાર ગણાવવામાં આવ્યો હતો.

માર્ચ-2013માં તિહાર જેલમાંથી રામ સિંહની લાશ મળી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, રામ સિંહે ખુદ ગળાફાંસો ખાધો હતો, પરંતુ બચાવ પક્ષના વકીલો તથા રામ સિંહના પરિવારે આક્ષેપ કર્યો હતો કે રામ સિંહની હત્યા કરવામાં આવી હતી.

બસ ડ્રાઇવર રામ સિંહનું ઘર દક્ષિણ દિલ્હીની રવિદાસ ઝુગ્ગી ઝોંપડી કૉલોનીમાં હતું.

જે બસમાં 16 ડિસેમ્બર, 2012ના રોજ નિર્ભયા પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો એ બસના ડ્રાઇવર રામ સિંહ હતો.

ભયાનક આંતરિક ઈજાને કારણે નિર્ભયાનું ઘટનાના થોડા દિવસમાં સિંગાપોરમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

પાડોશીઓનું કહેવું છે કે દારૂ પીવો અને ઝઘડા કરવા એ રામ સિંહ માટે સામાન્ય વાત હતી.

રામ સિંહનો પરિવાર લગભગ 20 વર્ષ પહેલાં રાજસ્થાનના એક ગામડેથી દિલ્હી આવ્યો હતો.

પાંચ ભાઈઓમાં રામ સિંહનો ક્રમ ત્રીજો હતો.

તેને ભણવા માટે શાળામાં દાખલ કરવામાં આવ્યો હતો, પણ તેણે પ્રાથમિક શાળાના સ્તરે જ ભણવાનું છોડી દીધું હતું.

નિર્ભયા ગેંગરેપમાં રામ સિંહની ધરપકડ સૌથી પહેલાં કરવામાં આવી હતી.

મુકેશ સિંહ

મુકેશ સિંહ અને રામ સિંહ સગાભાઈઓ હતા. મુકેશ રામ સિંહથી નાનો હતો.

એ રામ સિંહ સાથે જ રહેતો હતો અને ક્યારેક બસ ડ્રાઇવર તરીકે અથવા ક્લીનર તરીકે કામ કરતો હતો.

મુકેશ સિંહને નિર્ભયા તથા તેમના મિત્રને લોખંડના સળિયાથી પીટવા બદલ દોષી ગણવામાં આવ્યો હતો.

જોકે, સમગ્ર કાયદાકી તેમણે એ આરોપનો સતત ઇન્કાર કર્યો છે.

કેસની ટ્રાયલ દરમ્યાન મુકેશ સિંહે કહ્યું હતું કે ઘટનાની રાતે એ બસ ચલાવી રહ્યો હતો, જ્યારે બાકીના ચાર લોકોએ યુવતી પર બળાત્કાર કર્યો હતો અને યુવતીના દોસ્તને માર માર્યો હતો.

અલબત, અદાલતે મુકેશ સિંહને પણ દોષી ગણ્યો હતો અને બાકીનાઓ સાથે તેને પણ ફાંસીની સજા ફરમાવી હતી.

વિનય શર્મા

અંદાજે 26 વર્ષની વયના વિનય શર્મા એક જિમ્નેસિયમમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરતો હતો. રામ સિંહની માફક વિનય પણ રવિદાસ ઝુગ્ગી ઝોપડી કૉલોનીમાં જ રહેતો હતો.

દોષી સાબિત થયેલાઓમાં એકમાત્ર વિનયે જ સ્કૂલ સુધીનું શિક્ષણ મેળવ્યું હતું અને એ થોડું-ઘણું અંગ્રેજી પણ બોલી શકતો હતો.

વિનય શર્માએ 2013ના ઉનાળામાં કૉલેજ-અભ્યાસના પ્રથમ વર્ષની પરીક્ષા આપવા એક મહિનાના જામીનની અરજી કરી હતી, પણ તેનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો.

અદાલતમાં ટ્રાયલ દરમ્યાન વિનય શર્માએ દાવો કર્યો હતો કે ઘટના બની ત્યારે એ બસમાં ન હતો અને પોતે એક અન્ય ગુનેગાર પવન ગુપ્તા સાથે સંગીતનો કાર્યક્રમ જોવા ગયો હતો.

અક્ષય ઠાકુર

34 વર્ષની વયના બસહેલ્પર અક્ષય ઠાકુર બિહારનો હતો.

ઘટનાના પાંચ દિવસ પછી 21 ડિસેમ્બર, 2012ના રોજ અક્ષયની બિહારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

અક્ષય ઠાકુર પર બળાત્કાર, હત્યા અને અપહરણ ઉપરાંત ઘટનાના પુરાવાનો નાશ કરવાના પ્રયાસનો ગુનો સાબિત થયો હતો.

2012માં જ બિહારથી દિલ્હી આવેલા અક્ષયે પણ વિનયની માફક બસમાં હાજર હોવાનો ઇન્કાર કર્યો હતો.

પવન ગુપ્તા

ફળોના વેપારી 25 વર્ષના પવન ગુપ્તાએ પણ તેના બાકી સાથીઓની માફક દાવો કર્યો હતો કે બળાત્કારના સમયે એ બસમાં હતો જ નહીં અને વિનય શર્મા સાથે સંગીતના એક કાર્યક્રમમાં ગયો હતો.

અદાલતમાં સાક્ષી તરીકે ઉપસ્થિત થયેલા પવનના પિતા હીરાલાલે કહ્યું હતું કે તેમનો દીકરો નિર્દોષ છે અને તેને આ કેસમાં 'ફસાવવામાં' આવ્યો છે.

હીરાલાલનું કહેવું હતું કે ઘટનાના દિવસે પવન શર્મા બપોરે દુકાન બંધ કરીને ઘરે ચાલ્યો ગયો હતો.

એ પછી દારૂ પી, ભોજન લઈને અને બાજુના પાર્કમાં સંગીતના એક કાર્યક્રમમાં ગયો હતો.

હીરાલાલે એવું પણ કહ્યું હતું કે તેઓ તેમના એક સગા સાથે જઈને પવનને પાર્કમાંથી ઘરે લાવ્યા હતા.

સગીર વયનો દોષી

આ કેસનો છઠ્ઠા ગુનેગાર ઘટનાના સમયે 17 વર્ષનો હતો, એટલે તેના પર સગીર તરીકે કેસ ચલાવવામાં આવ્યો હતો.

સગીર વયના એ આરોપી 31 ઑગસ્ટ, 2013ના રોજ બળાત્કાર અને હત્યા માટે દોષી પુરવાર થયો હતો.

તેને બાળસુધારગૃહમાં ત્રણ વર્ષની સજા કરવામાં આવી હતી.

ભારતીય કાયદા અનુસાર, સગીર વયના કોઈ ગુનેગારને કરવામાં આવેલી આ સૌથી લાંબી સજા છે.

સગીર વયના દોષી મૂળતઃ ઉત્તર પ્રદેશના એક ગામનો હતો અને 11 વર્ષની વયે દિલ્હી આવ્યો હતો.

કાયદા અનુસાર તેનું નામ જાહેર કરવા પર પ્રતિબંધ છે.

સગીર વયના દોષીનાં માતાએ બી.બી.સી.ને જણાવ્યું હતું કે તેમનો દીકરો દિલ્હી જવા બસમાં એ બેઠો, ત્યારે તેની સાથે તેમની છેલ્લીવાર વાત થઈ હતી.

સગીર વયના દોષીનાં માતાએ કહ્યું હતું કે તેમના દીકરાને બળાત્કારના મામલામાં પકડવામાં આવ્યો હોવાનું ડિસેમ્બર-2012માં પોલીસે તેમના ઘરે આવીને જણાવ્યું ત્યાં સુધી તેઓ એવું માનતાં હતાં કે તેમનો દીકરો મૃત્યુ પામ્યો છે.

સગીર વયના દોષીના પરિવારનો સમાવેશ ગામના સૌથી વધુ ગરીબ પરિવારોમાં થાય છે. તેના પિતા માનસિક રીતે અસ્વસ્થ છે.

સુપ્રીમ કોર્ટમાં સંગ્રામ

ગુરુવારે મોડી રાત્રે દિલ્હી હાઈકોર્ટમાં કાયદાકીય જંગમાં નિષ્ફળતા મળ્યા બાદ ગુનેગારોના વકીલોએ ફાંસીના અમુક કલાક પૂર્વે સર્વોચ્ચ અદાલતના દ્વાર ખખડાવ્યા હતા.

ગુનેગાર પવન ગુપ્તાના વકીલ એ. પી. સિંહે મોડી રાત્રે સર્વોચ્ચ અદાલતના દ્વાર ખખડાવ્યા છે. તેમણે રજિસ્ટ્રાર સમક્ષ તત્કાળ સુનાવણી હાથ ધરવા માગ કરી હતી.

આથી જસ્ટિસ આર. ભાનુમતિ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિ બોપન્નાની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી. એ સમયે સૉલિસિટર જનરલ તુષાર મહેતા પણ હાજર રહ્યા હતા.

સિંહે તર્ક આપ્યો હતો કે જ્યારે ગુનો થયો હતો, ત્યારે પવન ગુપ્તા સગીર હતો. જેના જવાબમાં બેન્ચે કહ્યું હતું કે આ દલીલને નીચલી કોર્ટ, દિલ્હી હાઈકોર્ટ અને સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું હતુંકે રાષ્ટ્રપતિએ દયા અરજીને ફગાવી દીધી છે, એવા સંજોગોમાં તેમની પાસે બહુ મર્યાદિત અધિકાર છે, બાદમાં તેમણે પવન ગુપ્તાની અરજીને ફગાવી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે અગાઉ યાકૂબ મેમણની ફાંસીને અટકાવવા માટે પણ આવી જ રીતે ફાંસીની અમુક કલાક પૂર્વે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

16 ડિસેમ્બર, 2012ના રોજ શું થયું હતું?

2012ની 16 ડિસેમ્બરે રાજધાની દિલ્હીમાં ફિઝિયૉથૅરપીનો અભ્યાસ કરતાં 23 વર્ષનાં એક યુવતી તથા તેમના મિત્ર પર ચાલતી બસમાં હુમલો કરવામાં આવ્યો હતો.

એ યુવતી પર 6 લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો અને પછી તેમને તથા તેમના સાથીને રસ્તા પર ફેંકી દીધાં હતાં.

એ પછી પોલીસે બસડ્રાઇવર સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી.

તપાસ દરમિયાન સગીર વયના ગુનેગારે સૌથી વધુ ક્રૂરતા આચરી હોવાનું બહાર આવ્યું હતું.

નિર્ભયાને દિલ્હીની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં, તેની સ્થિતિ સતત કથળતી રહી હતી.

લોકોના વિરોધ વચ્ચે તેને વધુ સારવાર માટે સિંગાપોરની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં.

સિંગાપુરની હોસ્પિટલમાં પણ તેની હાલતમાં સુધારો થયો ન હતો અને ગેંગરેપનો ભોગ બનેલી યુવતીનું 29 ડિસેમ્બરે મોત થયું હતું.

ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થઈ સુનાવણી

નિર્ભયા ગેંગરેપ બાદ સમગ્ર દેશમાં જોરદાર વિરોધપ્રદર્શન થયું હતું અને બળાત્કાર માટે આકરા કાયદા બનાવવાની ઉગ્ર માગ કરવામાં આવી હતી.

દિલ્હી હાઈકોર્ટના આદેશ પછી 23 ડિસેમ્બર, 2012ના રોજ આ કેસની સુનાવણી તથા તેના ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવી હતી.

પાંચ આરોપીઓ સામે પોલીસે 3 જાન્યુઆરી, 2013ના રોજ 33 પાનાંનું આરોપનામું દાખલ કર્યું હતું.

21 જાન્યુઆરી, 2013થી કૅમેરાની નજર હેઠળ પાંચેય આરોપી વિરુદ્ધ કેસની સુનાવણી શરૂ થઈ હતી.

સગીર વયના આરોપીના કેસની સુનાવણી કરી રહેલા જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે 28, જાન્યુઆરી, 2013ના રોજ આપેલા ચુકાદામાં સગીર વયના આરોપીને દોષી જાહેર કર્યો હતો.

ફાસ્ટ ટ્રેક કોર્ટે 2, ફેબ્રુઆરી, 2013ના રોજ પાંચેય આરોપીઓ પરના આરોપ નક્કી કર્યા હતા.

કેસની કાર્યવાહી દરમ્યાન 11, માર્ચ 2013ના રોજ એ પાંચ પૈકીના એક આરોપી રામ સિંહ તિહાર જેલની કોટડીમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા.

જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે સગીર વયના આરોપીને નિર્ભયા પર બળાત્કાર તથા તેની હત્યાનો દોષી ગણીને 31 ઓગસ્ટ, 2013ના રોજ ત્રણ વર્ષની સજા ફરમાવી હતી.

ફાસ્ટ ટ્રેક કોર્ટમાં અન્ય ચાર આરોપીઓ સામે ચાલી રહેલી સુનાવણી 3 સપ્ટેમ્બર, 2013ના રોજ પુરી થઈ હતી.

તેમાં કુલ 130 સિટિંગ થઈ હતી અને 100થી વધુ સાક્ષીઓની જુબાની નોંધવામાં આવી હતી.

ગેંગરેપની ઘટનાના સાક્ષી તરીકે પીડિતાના મિત્રને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા.

ઘટના બની ત્યારે તેઓ બસમાં જ હાજર હતા અને આ ઘટનાના સૌથી મહત્ત્વના સાક્ષી હતા.

આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમ અનુસાર સામુહિક બળાત્કાર, હત્યાનો પ્રયાસ, હત્યા, અપ્રાકૃતિક કૃત્ય, લૂંટ, લૂંટ દરમ્યાન હિંસા, પુરાવાનો નાશ કરવાના પ્રયાસ અને ગુનાઈત ષડ્યંત્ર રચવા સહિતના આરોપ મૂકવામાં આવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો