દિલ્હી હિંસા : અલગ-અલગ તપાસ અહેવાલોમાં અલગ-અલગ દાવાઓ, કોનો ભરોસો કરવો?

    • લેેખક, ગુરપ્રીત સૈની
    • પદ, બીબીસી સંવાદદાતા

દિલ્હીમાં ફેબ્રુઆરીમાં થયેલી હિંસા ઉપર ત્રણ અલગ-અલગ રિપોર્ટ સામે આવ્યા છે. ગુજરાતમાં 2002માં થયેલાં રમખાણોમાં પણ અલગ-અલગ અહેવાલોમાં સાવ અલગ કારણો અને તારણો આવ્યાં હતાં.

એક રિપોર્ટ દિલ્હી લઘુમતી પંચનો રિપોર્ટ છે, એક ઇન્ટેલેક્ચુઅલ્સ ઍન્ડ એકૅડેમિશિયન ( જીઆઈએ) અને ત્રીજો રિપોર્ટ કૉંગ્રેસનો છે.

ત્રણે રિપોર્ટ પર નજર કરીએ.

દિલ્હી લઘુમતીપંચનો રિપોર્ટ શું કહે છે?

ઉત્તર-પૂર્વ દિલ્હીમાં એકતરફી અને યોજનાબદ્ધ રીતે હિંસા થઈ જેમાં સૌથી વધારે નુકસાન મુસ્લિમોનાં ઘરો અને દુકાનોને થયું. ભજનપુરામાં મુસ્લિમોની દુકાનો લૂટવામાં અને સળગાવવામાં આવી, ત્યારે હિંદુઓની દુકાનોને અડવામાં પણ નહોતી આવી.

યમુના વિહારમાં સડકની એક બાજુ મુસ્લિમોનાં ઘર અને દુકાનો છે, બીજી તરફ હિંદુઓનાં ઘર અને દુકાનો છે. બંનેમાં લૂટફાટ થઈ અને સંપત્તિને સળગાવવામાં આવી.

ખજૂરી ખાસની ગલી નંબર પાંચના સ્થાનિક લોકોએ કહ્યું કે કપિલ મિશ્રાની ચીમકી અને અલ્ટીમૅટમ પછી થોડી વારમાં 23 ફેબ્રુઆરીની રાત્રે હિંસા શરૂ થઈ હતી. અહીં બીએસએફ જવાન મહમદ અનીસના ઘરમાં ભૂંડી રીતે તોડ-ફોડ કરવામાં આવી હતી.

ખજૂરી ખાસના ઇ બ્લૉકમાં મુસ્લિમોની દુકાનોને આગ ચાંપવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ દાવો કર્યો કે એક ડીસીપીએ અહીં 350 મુસ્લિમોને બચાવ્યા હતા.

3/51 ખજૂરી ઍક્સટેન્શનમાં જમીલ અહમદનું ગૅરેજ છે. અહીં સાત કાર, છ ઑટોરિક્ષા અને નવ મોટરસાઇલકોને સળગાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે હિંદુ પોતાની કાર, ગૅરેજમાં આગ લગાવવામાં આવી એ પહેલાં જ લઈ ગયા હતા.

ખજૂરી ખાસની ગલી નંબર 29માં મસ્જિદ ફાતિમા આવેલી છે. અહીં લોકોએ ટોળાથી ડરીને શરણ લીધી હતી. મસ્જિદની દીવાલ સાથે જોડાયેલા માસૂમ અલીના ઘર પર હુમલો થયો હતો.

બૃજપુરીમાં અમે 30 વર્ષ જૂની અરુણ મૉડર્ન સ્કૂલ પહોંચ્યાં. સ્કૂલના માલિક ભીષ્મ શર્મા કૉંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે. 25 ફેબ્રુઆરીના દિવસે આ સ્કૂલને સળગાવવામાં આવી હતી, કમ્પ્યૂટર, સ્ટીલની રૅલિંગ અને સીસીટીવી કૅમેરા લૂંટી લેવામાં આવ્યાં હતાં.

શિવપુરીમાં મુસ્લિમવસતિ પ્રમાણમાં ઓછી છે. આ વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત થયો હતો. અહીં મુસ્લિમોનાં ઘરોને નિશાન બનાવી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. અહીં એક મસ્જિદને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

દિલ્હી લઘુમતી પંચની ભલામણ

જે લોકોને નુકસાન થયું, જે તેમણે પોતાનું જીવન ફરી શરૂ કરવા માટે ભારે મદદ જોઈશે. અમને લાગે છે કે દિલ્હી સરકારે જે વળતર આપવાની જાહેરાત કરી છે તે ઓછું છે.

જીઆઈએનો રિપોર્ટ

આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હિંસાની પાછળ અર્બન નક્સલ અને જિહાદી નેટવર્કનો હાથ હતો.

ઉત્તરપૂર્વ દિલ્હીમાં 'શાહીન બાગ મૉડલ-ધરણાંથી તોફાન સુધી' નામના આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે લાંબા સમય સુધી મુસ્લિમોના રૅડિકલાઇઝેશનને કારણે આ હિંસા થઈ હતી.

જીઆઈએ વિશે કહેવામાં આવે છે કે આના સભ્યો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે અથવા તેનાથી સહમત છે.

શું જીઆઈએનો સંબંધ આરએસએસ સાથે છે?

જીઆઈએનું આ સવાલના જવાબમાં કહેવું છે કે તે 'વકીલો અને પ્રોફેસરોનું ગ્રૂપ છે અને તેણે પહેલાં પણ આ પ્રકારના રિપોર્ટ કર્યા છે.'

જોકે, જીઆઈએની વેબસાઇટમાં જોઈને સ્પષ્ટ થાય છે કે તેનું વલણ ભાજપ અન આરએસએસ તરફ છે.

ગ્રૂપ ઑફ ઇન્ટેલેક્ચુઅલ્સ ઍન્ડ એકૅડેમિશિયન (જીઆઈએ)નાં પાંચ મહિલા સભ્યોએ 29 ફેબ્રુઆરીથી શરૂ કરીને સાત દિવસ સુધી હિંસાથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

ત્યાર બાદ રિપોર્ટ તૈયાર થયો, રિપોર્ટ તૈયાર કરનારાઓમાં સુપ્રીમ કોર્ટનાં વકીલ મોનિકા અરોરા અને ચાર અન્ય મહિલા પ્રોફેસર સામેલ છે.

રિપોર્ટની ખાસ વાતો

ઉત્તર પૂર્વ દિલ્હીમાં હિંસાનું યોજનાબદ્ધ કાવતરું હતું અને તેમાં ડાબેરી-જિહાદી મૉડેલના પુરાવા મળ્યા છે.

દિલ્હીની હિંસા કોઈ એક સમુદાયને નિશાન બનાવીને નથી આચરાઈ. તેના કારણે બંને સમુદાયને નુકસાન થયું છે.

15 ડિસેમ્બરથી ધરણાં પર બેઠેલાં મહિલાઓ સડકો પર આવી ગયાં હતાં. મેટ્રોનો રસ્તો રોક્યો અને પછી ભીડે પથ્થરબાજી કરી તેનાથી તોફાન થયાં.

ધરણાં પર મહિલાઓનો ઉપયોગ ઢાલની જેમ કરવામાં આવ્યો. પાછળ પુરુષો કામ કરી રહ્યા હતા.

શાહીન બાગ મૉડેલ- મોટાભાગના પ્રદર્શનમાં લૅફ્ટ વિંગ- જિહાદી અને ઍન્ટી સીએએ, એનઆરસી, એનપીઆર ઍક્ટિવિઝ્મ જોવા મળ્યું. અમિત શાહવિરોધી, મોદીવિરોધી અને ફાસિઝ્મવિરોધી નારા પોકારાયા હતા.

ઇંકલાબના નારા દીવાલો પર લખવામાં આવ્યા હતા.

બહારના લોકો કોણ હતા? ઉત્તર-પૂર્વ દિલ્હીની અમુક ગલીઓ ઉત્તર પ્રદેશમાં ખુલે છે. કોઈ સીલ્ડ બૉર્ડર નથી. બહારવાળા એટલે આ લોકો કોઈ બીજી ગલી કે મોહલ્લાના હોય. ઉદાહરણ માટે ખજૂરી ખાસમાં લોકોએ કહ્યું કે બહારના લોકો મુસ્તફાબાદથી આવ્યા. ભજનપુરામાં લોકોએ કહ્યું કે ચાંદબાગથી લોકો આવ્યા.

દિલ્હીના કેટલાંક વિશ્વવિદ્યાલયોથી બહારના લોકો આવ્યા- ચાંદબાગ અને માલવીયનગરના લોકોએ કહ્યું કે 23 ફેબ્રુઆરી પહેલાં કેટલાંક સપ્તાહ સુધી જેએનયુનાં વિદ્યાર્થિનીઓ સતત ભીડને ઉશ્કેરી રહ્યાં હતાં. સીએએવિરોધી પ્રદર્શનકારી સડક પર આવ્યા.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત વખતે ભાજપ હિંસા ભડકાવવામાં સામેલ થઈ જ ન શકે. આ દેશ તોડનારા 'અર્બન નક્સલ અને જિહાદી નેટવર્ક'નું કામ હતું.

જીઆઈએની ભલામણ

જીઆઈએએ દિલ્હી હિંસાની એનઆઈએ દ્વારા તપાસની ભલામણ કરી છે.

એનઆઈએને દિલ્હીની હિંસામાં વિદેશી ફંડિંગ અને સહયોગને લઈને તપાસ સોંપવી જોઈએ એમ પણ જીઆઈએએ કહ્યું છે.

જીઆઈએ દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો, કલાકારો, ધરણાં-પ્રદર્શન-માર્ચ મારફતે નફરત ફેલાવવા માટે જવાબદાર સંસ્થાઓ, સોશિયલ મીડિયા પોસ્ટ, ઉશ્કેરણીજનક ભાષણની તપાસની ભલામણ કરવામાં આવી. આ ઉપરાંત જીઆઈએએ શાહીન બાગમાં સીએએ સામે ચાલી રહેલા આંદોલનના ફંડિંગની તપાસની માગ પણ કરી છે.

કૉંગ્રેસનો રિપોર્ટ

કૉંગ્રેસે પણ એક પ્રતિનિધિમંડળ દિલ્હીના હિંસાપ્રભાવિત વિસ્તારોમાં મોકલ્યું હતું. જેમણે 28 ફેબ્રુઆરીએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને રિપોર્ટ કૉંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને સોંપવામાં આવ્યો.

પ્રતિનિધિમંડળમાં તારિક અનવર, કુમારી શૈલજા, સુષ્મિતા દેવ, શક્તિસિંહ ગોહિલ અને મુકુલ વાસનિક જેવા નેતા સામેલ હતા. તેમણે જીટીબી હૉસ્પિટલ, અલ હિંદ હૉસ્પિટલ અને હિંસાથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.

કૉંગ્રેસના રિપોર્ટની ખાસ વાતો

સ્થાનિક લોકો પ્રમાણે હિંસામાં ભાજપના ધ્રુવીકરણની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.

કૉંગ્રેસના અહેવાલમાં વડા પ્રધાનનું કપડાંથી ઓળખી લેવાવાળું નિવેદન, ગૃહમંત્રી અમિત શાહનું ઈવીએમ એટલું જોરથી દબાવો કે કરંટ શાહીન બાગમાં લાગે એ નિવેદન, કપિલ મિશ્રાનું અલ્ટિમૅટમ અને અનુરાગ ઠાકુર, પરવેશ વર્માનાં ઉશ્કેરણીજનક નિવેદનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એવું લાગે છે કે ખેડૂતોની હેરાનગતિ, રૂપિયાની ઘટતી કિંમત, અર્થતંત્રની ખરાબ હાલત, બેરોજગારી, મહિલાઉત્પીડન, દલિતો-આદિવાસીઓ પર સંકટ જેવી સમસ્યાઓ પરથી ધ્યાન ભટાકવવા માટે ભાજપે કાવતરું કર્યું હતું.

દિલ્હીની કાયદા-વ્યવસ્થાની જવાબદારી અમિત શાહ પર છે. તેઓ નિષ્ફળ રહ્યા છે. દિલ્હીની હિંસાની પરિસ્થિતિને રોકવા માટે અમિત શાહે પ્રયત્ન ન કર્યા.

બાબરપુરમાં લોકોએ કહ્યું કે દુર્ગાવાહિનીનાં એક નેતાએ ત્યાં લોકોને ઉશ્કેર્યા, જેનાથી ત્યાં પથ્થરબાજી થઈ. બાબરપુરની એક તરફ હિંદુઓ અને બીજી તરફ મુસ્લિમો રહે છે.

કેટલાક લોકોએ કહ્યું કે પોલીસ મૂક દર્શક બનેલી હતી.

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ પણ પરિસ્થિતિને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહ્યા. તેમણે જવાબદારીભર્યા કોઈ પગલાં ન લીધાં. હિંસાપીડિતોના પુનર્વાસમાં તેઓ નિષ્ફળ રહ્યા છે.

બાબરપુરમાં મુસ્લિમોએ હિંદુ મંદિરનું રક્ષણ કર્યું. ગોંડા ચોક પર હિંદુઓએ મસ્જિદનું રક્ષણ કર્યું.

કૉંગ્રેસની માગ

સમાજના બે પ્રમુખ સમુદાયમાં અવિશ્વાસનો માહોલ બન્યો છે. સમુદાયો વચ્ચે અંતર ઓછું કરી શકાય એ માટે ખાસ કરીને બાળકો અને મહિલાઓનું કાઉન્સેલિંગ કરવાની જરૂર છે.

ભાજપના નેતા અનુરાગ ઠાકુર, કપિલ મિશ્રા, પરવેશ વર્મા પર એફઆઈઆર દાખલ થાય અને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના વર્તમાન ન્યાયાધીશની દેખરેખમાં સ્વતંત્ર તપાસ થાય.

પોતાની જવાબદારી નહીં નિભાવનાર સરકારી અને પોલીસ અધિકારીઓ સામે તરત પગલાં લેવામાં આવે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો