You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BSE NSE : ભારતીય શૅરબજાર BEAR એટલે કે લાંબાગાળાની મંદીમાં પ્રવેશ્યું છે?
- લેેખક, ડૉ જય નારાયણ વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ભારતીય શૅરબજાર ઉપર સુનામી ત્રાટકી હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. ચાલુ ટ્રૅડિંગ સપ્તાહ દરમિયાન તાજેતરના ઇતિહાસની સૌથી મોટી ઉથલપાથલ જોવા મળી હતી.
આની પાછળ કોરોના વાઇરસનો ભય કારણભૂત છે, જેને હવે વૈશ્વિક મહામારી તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને જે ફક્ત ચીનને જ નહીં વૈશ્વિક અર્થવ્યવસ્થાને ધાર્યા કરતાં વધુ મોટું નુકસાન કરે તેવી દહેશત કારણભૂત છે.
જેમણે અત્યારે ખીણમાં કૂદકો માર્યો તેવાં દુનિયાના શૅરબજારો આમાંથી બહુ ઝડપથી પાછાં ફરી શકશે એવી શક્યતા નથી.
નિષ્ણાતોનું માનવું છે કે જ્યાં સુધી આ કોરોના વાઇરસ ફેલાતો અટકશે નહીં ત્યાં સુધી શૅરબજારની સ્થિતિમાં સુધારો નહીં આવે અને બજાર લાંબાગાળાની મંદી એટલે કે BEAR માર્કેટમાં પ્રવેશી ગયું છે. આ અંગે વાચો ગુજરાતના વરિષ્ઠ અર્થશાસ્ત્રી ડૉ. જય નારાયણ વ્યાસનો દૃષ્ટિકોણ.
બીજું કારણ, તેલના વેપારનું યુદ્ધ છે અને તેના કારણે કારણે બ્રૅન્ટ ક્રૂડના ભાવમાં કડાકો બોલ્યો છે.
પહેલો મુદ્દો આગળ વધારીએ. ભારતમાં અત્યાર સુધી લગભગ 70થી વધુ જેટલા કન્ફર્મ કોરોના વાઇરસના કેસ સપાટી પર આવ્યા છે.
આ પરિસ્થિતિમાં ભારતે પોતાની જાતને જ કોરન્ટાઇનમાં મૂકી હોય તે રીતે કેટલીક અપવાદરૂપ શ્રેણીઓને બાદ કરતા બધા જ પ્રકારના વિઝા ઉપર 15 એપ્રિલ 2020 સુધી પ્રતિબંધ મૂકી દીધો છે.
- ભારતના વિઝા પર પ્રતિબંધ બાદ કોણ આવી શકશે અને કોણ નહીં જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાતમાં કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
11મી માર્ચે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા કોરોના વાઇરસના ફેલાવાને વૈશ્વિક મહામારી (Global Pandemic) જાહેર કરવામાં આવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આને પગલે વાઇરસ ફેલાતો અટકે તે માટે અમેરિકાના પ્રૅસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપમાં મુસાફરી ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે.
જે. પી. મૉર્ગન કંપનીના ચીફ ઇન્ડિયા ઇકૉનૉમિસ્ટ સાજિદ ચિનોય દ્વારા જણાવાયા મુજબ દર 24 કલાકે વૈશ્વિક અર્થવ્યવસ્થાને થનાર નુકસાનનો અંદાજ ધાર્યા કરતાં વધારે તીવ્ર હોવાનું બહાર આવી રહ્યું છે.
સાજિદ કહે છે કે હાલ પૂરતું અર્થશાસ્ત્રને બાજુએ મૂકીએ, કારણ કે એ બીજી પ્રાથમિકતા છે પણ આ કોરોના વાઇરસ એ જાહેર આરોગ્ય (પબ્લિક હેલ્થ)ની એવી કટોકટી છે જે આધુનિક સમયમાં જોવા મળી નથી.
આ કારણથી સમગ્ર વિશ્વમાં અર્થવ્યવસ્થાને થનાર નુકસાન ધાર્યા કરતાં વધુ મોટું અને ગંભીર હશે એમ કહેવું વધારે યોગ્ય રહેશે.
આ નુકસાનના આંકડા જેમજેમ વિગતો મળતી જાય એમ દર 24 કલાકે રિવાઇઝ કરવામાં આવે છે, પણ ભારતીય જીડીપી 70થી 80 બેઝિક પૉઈન્ટ જેટલો ઘસાશે અને એમાં વધારો થવાની શક્યતાને નકારી શકાય નહીં એવું નિષ્ણાતો માનવું છે.
વિશ્વભરમાં અત્યાર સુધી 1.18 લાખ જેટલા કોરોના વાઇરસના ચેપ લાગવાના કિસ્સા જોવા મળ્યા છે અને 4300 કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
12,000 ચેપના કેસ અને 1000થી વધુ મૃત્યુ સાથે ચીન પછી ઇટાલી બીજા નંબરે આવે છે. દક્ષિણ કોરિયા અને ઈરાન બંનેમાં 7,000 કરતાં વધુ કેસ નોંધાયા છે. આ મોટી ચિંતાની બાબત છે.
જ્યાં સુધી ચીનને લાગેવળગે છે ત્યાં સુધી, ગુરૂવારે સુધીની ઉપલબ્ધ માહિતી મુજબ, 80,793 કેસમાંથી 62,793 દરદીઓ સંપૂર્ણપણે રોગમુક્ત થયા છે જ્યારે 3169 વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે.
શૅરબજાર માટે એવું કહેવાય છે કે એમાં આશાવાદ (Hope) અથવા ભય (Fear)ની ધારણા મુજબ વધઘટ થાય છે.
અત્યારે કોરોના વાઇરસને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા ખૂબ ગંભીર રીતે ઘવાશે એ ધારણાએ ભારતીય શૅરબજાર સારું એવું તૂટ્યું છે.
બે કૅપિટલના સ્થાપક સિદ્ધાર્થ મહેતા હજુય બજાર વધુ તૂટશે એવો ભય વ્યક્ત કરે છે. નિફ્ટી-50 અને સેન્સેકસ 24 મહિનામાં સૌથી વધુમાં વધુ તૂટ્યા છે.
આમ, કોરોના વાઇરસે રોકાણકારોના 10 લાખ કરોડ રૂપિયાનું પાણી કરી નાખ્યું છે.
BEARનું બજાર?
ભારતીય શૅરબજારમાં જાન્યુઆરીમાં જે ઊંચી સપાટીએ જોવાઈ હતી, ત્યાંથી 20 ટકા જેટલું તૂટ્યું છે.
ડાઉજૉન્સ ફેબ્રુઆરી 20 પછી 19 ટકા તૂટ્યો છે, જેની સામે ચીનનું શૅરબજાર આ જ સમયગાળા દરમિયાન માત્ર 5.5 ટકા તૂટ્યું છે.
નિષ્ણાતોના મતે પરિસ્થિતિ સુધરતા ઓછામાં ઓછા બેથી ત્રણ મહિના અથવા તેથી પણ વધારે સમય લાગી શકે છે.
આમ દલાલ સ્ટ્રીટ સંપૂર્ણપણે ભયના ઓથાર નીચે આવી ચૂકી છે. ફરી એકવાર પરિસ્થિતિ જોઈએ તો નિફ્ટી-50 જે 20મી જાન્યુઆરીએ 12430ની સપાટીએ હતી તે માર્ચ 12, 2020ના રોજ તૂટીને 9648 એટલે કે 22 ટકા નીચે પહોંચી છે.
છેલ્લા બેથી અઢી વરસમાં આ નીચામાં નીચું સ્તર છે. જ્યારે કોઈ સ્ટૉક અથવા ઇન્ડેક્સ 20 ટકાથી વધુ તૂટે ત્યારે એને Bear Market કહેવાય છે.
આ પરિસ્થિતિમાં સામાન્ય લાગણી કોઈ પણ પ્રકારના જોખમથી દૂર રહેવાની અને નવા રોકાણ માટે રાહ જોવાની હોય છે અને એથી જ પરિસ્થિતિ સુધરતા વાર લાગે છે અને મંદી લાંબી ચાલે છે.
જ્યારે કોઈ સ્ટૉક અથવા ઇન્ડેક્સ 10 ટકા સુધી તૂટે ત્યારે એને કરેક્શનની પરિસ્થિતિ ગણવામાં આવે છે જે લાંબી ચાલતી નથી.
અત્યારે નિફ્ટી-50 એના અગત્યના ટેકાના લેવલ 10,000થી પણ નીચે જઈને 9700 એ પહોંચી છે. કોરોના વાઇરસ 100 કરતા વધારે દેશોમાં ફેલાયો છે, એના કારણે વૈશ્વિક જીડીપી એક ટકા જેટલો ઘસાય અને અગાઉ જણાવ્યું તેમ ભારતનો જીડીપી 70થી 80 બીપીએસ ઘસાય તેવી ધારણાએ શૅરબજારમાં સુનામી આવી છે.
આમ અત્યારે ભારતીય શૅરબજાર જાન્યુઆરીની ઊંચી સપાટી કરતાં 20 ટકા તૂટીને જ્યાં આવી ઊભું છે તે કરેક્શન નહીં પણ ફિયર ફેસ છે.
નાણાકીય વર્ષ 2020માં ફિસ્કલ ડૅફિસિટ અગાઉની ધારણા કરતાં અડધો ટકો વધારે એટલે કે 3.8ના અંદાજે પહોંચી છે ત્યારે આ પરિસ્થિતિમાં ભારત સરકાર વધારે ખર્ચા કરી શકે એવી શક્યતા અત્યારે દેખાતી નથી.
જોકે મંદીનો સમયે જ્યારે ખાનગી રોકાણો સુકાય ત્યારે સરકાર દ્વારા મૂડી ખરચ વધારીને ફિસ્કલ ડેફિસિટ બજેટના ટાર્ગેટ કરતાં વધી જાય તો પણ અર્થવ્યવસ્થાને વેગ આપવાનું સાહસિક પગલું ભરી શકાય.
ભૂતકાળમાં જર્મની જેવો દેશ જે સમતોલ બજેટના નિયમને બહુ જ કડકાઈથી વળગી રહે છે તેણે 2008-09ની વૈશ્વિક નાણાકીય કટોકટી વખતે આવું પગલું ભર્યું હતું.
આવી જ વ્યૂહરચના અમેરિકાએ અપનાવી હતી. ભારત આવું કરી શકે અને એક વખત સ્થિતિ સમધારણ બને ત્યારબાદ ખરચ પર વળી પાછું નિયંત્રણ લાદી શકે.
ભૂતકાળમાં આ પ્રકારની કટોકટી વખતે ભારતીય અર્થવ્યવસ્થાને સ્થિર કરવા અને આર્થિક વૃદ્ધિના રસ્તે આગળ વધવા માટે ભારત આ કરી ચૂક્યું છે.
આશા રાખીએ કે આ વખતે પણ ભારત સરકાર આવી સાહસિક નીતિ અપનાવી અર્થવ્યવસ્થાને સ્થિર કરવાનું પગલું લેશે.
જે રીતે યસ બૅન્કને ડૂબતી બચાવી એને સ્થિર કરવા માટે ભારત સરકાર અને રિઝર્વ બૅન્ક ત્વરિત ગતિએ કામે લાગ્યા તેવી જ ત્વરિત ગતિ અહીંયાં અપનાવાય તો શૅરબજારમાં સુધારો આવી શકે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો