રણજી ટ્રૉફી : સૌરાષ્ટ્રે ઇતિહાસ સર્જતાં ટ્રૉફી પ્રથમ વખત પોતાના નામે કરી

દેશની સૌથી મોટી સ્થાનિક ટુર્નામેન્ટ ગણાતી રણજી ટ્રૉફી 2019-20ની ફાઇનલ સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે ડ્રૉ રહી. જોકે, પ્રથમ દાવમાં બઢતને આધારે સૌરાષ્ટ્રની ટીમને વિજેતા જાહેર કરવામાં આવી.

73 વર્ષમાં પ્રથમ વખત સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રૉફી જીતવામાં સફળ રહી.

આ પહેલાં રણજી ટ્રૉફીમાં સૌરાષ્ટ્રની ટીમ ત્રણ વખત ફાઇનલમાં પહોંચી હતી. જોકે, એ ખિતાબને પોતાને નામે કરી શકી નહોતી.

આ વખતે જયદેવ ઉનડકટની કૅપ્ટનશિપમાં સૌરાષ્ટ્રની ટીમે ઇતિહાસ રચી દીધો હતો.

બીજી તરફ બંગાળની ટીમ પણ વર્ષ 2007 બાદ પ્રથમ વખત રણજીના ફાઇનલમાં પહોંચી હતી અને તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

પ્રથમ ઇનિંગમાં સૌરાષ્ટ્રે 425 રન બનાવ્યા હતા. જ્યારે બંગાળની ટીમ પ્રથમ દાવમાં 381 રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી.

એ રીતે જોતાં બંગાળ પ્રથમ દાવમાં સૌરાષ્ટ્ર કરતાં 44 રન પાછળ હતું. બીજી ઇનિંગમાં સૌરાષ્ટ્રે 4 વિકેટના નુકસાન 105 રન બનાવ્યા હતા.

બીજી ઇનિંગમાં સૌરાષ્ટ્ર તરફથી રમતાં અવિ બારોટે સૌથી વધુ 39 રન કર્યા હતા જ્યારે બંગાળ તરફથી શાહબાજ અહમદે બે વિકેટ લીધી હતી.

આ પહેલાં ચોથા દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે બંગાળે પ્રથમ દાવમાં 147 ઓવરમાં 6 વિકેટ પર 354 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્રે ટૉસ જીતીને બૅટિંગ કરવાનું નક્કી કર્યું હતું.

પ્રથમ વખત સૌરાષ્ટ્રની ટીમ તરફથી રણજી ટ્રૉફી મેળવતાં ટીમના કૅપ્ટન જયદેવ ઉનડકટે જણાવ્યું કે વર્ષોની મહેનત હવે રંગ લાવી છે.

તેમણે કહ્યું, "અમે 73 વર્ષોમાં પહેલી વખત ટ્રૉફી જીતી છે અને હું આનાથી વધારે ખુશ નહીં થઈ શકું."

"છેલ્લાં આઠ વર્ષમાં સૌરાષ્ટ્રની ટીમ ચાર વખત ફાઇનલમાં પહોંચી હતી અને તેના પરથી અમારી રમત કેવી છે એનો અંદાજો લગાવી શકાય એમ છે."

રાજકોટમાં સૌરાષ્ટ્ર અને બંગાળની ટીમ વચ્ચે મૅચના છેલ્લા દિવસની રમત ખાલી સ્ટેડિયમમાં રમાઈ હતી. કોરોના વાઇરસને લીધે મૅચમાં દર્શકોને પ્રવેશ આપવામાં નહોતો આવ્યો.

એક દાયકાથી નોંધનીય પ્રદર્શન

ખેલપત્રકાર તુષાર ત્રિવેદીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું, "સૌરાષ્ટ્રની ટીમે ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું અને ટીમ વિજયની હકદાર હતી જ."

"છેલ્લી બે ત્રણ ટુર્નામેન્ટોથી સૌરાષ્ટ્રની ટીમ સારું પ્રદર્શન કરી રહી છે. ગુજરાતની ટીમ વિરુદ્ધ સેમિફાઇનલમાં જે રીતે સૌરાષ્ટ્રની ટીમ રમી એ જોતાં જ તે વિજયના દાવેદાર બની ગઈ હતી."

"છેલ્લા એક દાયકાથી સૌરાષ્ટ્રના ખેલાડીઓ જે રીતે પ્રદર્શન કરી રહ્યા છે એ પણ નોંધનીય છે."

આજના દિવસની વાત કરતાં તુષાર ત્રિવેદી જણાવે છે :

"આમ તો સૌરાષ્ટ્ર અને બંગાળ એમ બન્ને ટીમો સારી હતી. પણ આજે છેલ્લી ચાર વિકેટો માટે જે કટોકટી સર્જાઈ તેમાં સૌરાષ્ટ્રના બૉલરોએ જે રીતે બૉલિંગ કર્યું એ મહત્ત્વનું બની રહ્યું."

"કૅપ્ટન જયદેવ ઉનડકટની કપ્તાની અને મૅચ દરમિયાન તેમણે દાખવેલી ધીરજ સૌરાષ્ટ્રની જમા બાજુ બની રહી."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો