You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વરઘોડાના વિરોધથી લઈ નવરાત્રી રદ થવા સુધીની દલિતોના ધર્મપરિવર્તનની કહાણી
- લેેખક, સુરેશ ગવાણિયા
- પદ, બીબીસી ગુજરાતી
ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાના ખંભીસર ગામમાં છ મહિના અગાઉ દલિત યુવાનનો વરઘોડો રોકવામાં આવ્યો હતો અને હવે એ જ ગામમાં બે પરિવારોએ અનેક ભેદભાવનો આરોપ મૂકી હિંદુ ધર્મનો ત્યાગ કર્યો છે અને બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો છે.
ગામના સરપંચ કોઈ ભેદભાવ ન હોવાનું તથા સૌ હળીમળીને રહેતા હોવાનું કહે છે પરંતુ હિંદુ ધર્મનો ત્યાગ કરનારા અલગ જ વાત કહે છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાનું ખંભીસર ગામ મે મહિનામાં સમાચારોમાં આવ્યું હતું.
આ ગામના દલિત સમુદાયના યુવાન જયેશ રાઠોડે પોતાના લગ્નમાં ડી.જે. સાથે વરઘોડો કાઢતા ગામલોકોએ વિરોધ કર્યો હતો.
જયેશ રાઠોડના લગ્નમાં પોલીસ બોલાવાઈ હતી. લોકોએ પોલીસનો પણ વિરોધ કરતા રસ્તા વચ્ચે રામધૂન કરી હતી. વિવાદ થતા પથ્થરમારાની ઘટનાઓ પણ બની હતી.
એ ઘટનામાં પોલીસે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો અને આખરે પોલીસ રક્ષણ સાથે બીજે દિવસે જયેશ રાઠોડની જાન નીકળી હતી.
આ ઘટના પછી ગામમાં દલિતો અને અન્ય વર્ગ વચ્ચે ભેદભાવનો મુ્દ્દો સપાટી પર આવ્યો હતો.
દલિતોએ નવરાત્રીમાં સામેલ ન કરાતા હોવાની વાત કરતા પંચાયતની મિટિંગમાં એવું નક્કી થયું હતું કે સૌ હળીમળીને નવરાત્રી ઊજવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગામમાં સામાજિક સૌહાર્દ જળવાઈ રહે એ માટે બધા સમાજના લોકોને નવરાત્રીમાં સામેલ કરવાનો નિર્ણય લેવાયો હતો.
જોકે છેલ્લી ઘડીએ કોઈ કારણસર નવરાત્રીનું આયોજન રદ કરાયું હતું.
આમ વરઘોડાની ઘટના તથા ત્યારબાદ નવરાત્રી રદ કરી દેવાતા કથિત ભેદભાવને લીધે દલિત સમાજના પંકજ રાઠોડ અને મહેન્દ્ર રાઠોડે પરિવાર સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે.
પંકજ રાઠોડ અને મહેન્દ્ર રાઠોડ જેમનો વરઘોડો રોકવામાં આવ્યો હતો તે જયેશ રાઠોડના પિતરાઈ થાય છે.
તેઓએ ઈડરમાં યોજાયેલા દીક્ષા-સમારોહમાં હિંદુ ધર્મ ત્યજીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે.
'પગપાળા અંબાજી જતો હતો'
બીબીસી ગુજરાતીએ ધર્મપરિવર્તન કરનારા પંકજ રાઠોડ સાથે વાત કરી.
પંકજ રાઠોડે જણાવ્યું, "પંચાયતમાં નવરાત્રી મામલે મિટિંગ થઈ હતી. ગામના આગેવાનો સહિત નાનામોટા સૌ કોઈ હાજર રહ્યા હતા અને નક્કી થયું હતું કે સાથે મળીને નવરાત્રીનું આયોજન કરીશું."
"જોકે નવરાત્રી નજીક આવી હોવા છતાં કોઈ ડેકોરેશન કરાયું નહોતું. અમે પૂછતાં સરપંચે જણાવ્યું કે વરસાદ હોવાથી માત્ર સાઉન્ડ મૂકીશું. જોકે છેલ્લે ખબર પડી નવરાત્રીનું આયોજન કેન્સલ થયું છે."
ધર્મપરિવર્તન અંગે વાત કરતાં પંકજ રાઠોડ કહે છે, "ગામના મંદિરમાં અમે છેલ્લાં 70 વર્ષથી જઈ શક્યા નથી. લાગ્યું કે આપણે ખોટા ધર્મમાં પડ્યા છીએ. આપણે જ ગાંડા છીએ કે માતાજી-ભગવાનમાં આટલી બધી આસ્થા રાખીએ છીએ."
તેઓ કહે છે કે હું અને મારા વાઇફ બહુ ધાર્મિક હતાં. અમે ઉઘાડા પગે અંબાજી ચાલતાં જતાં હતાં. અંબાજી મંદિર બે કિલોમિટર દૂર હોય ત્યાંથી હું મંદિર સુધી ઘૂંટણિયે જતો. ઘૂંટણમાં લોહી નીકળતું, લોહી જામી જતું, હાલમાં પણ નિશાન છે.
જોકે ગામમાં આવી ઘટના બની પછી નક્કી કર્યું કે જે ધર્મમાં આપણું માન-સન્માન ન જળવાય, સમાનતા ન જળવાય એ ધર્મમાં રહેવાથી શો ફાયદો? આપણે એવા ધર્મમાં જઈએ કે માણસ આપણને એમ ન પૂછે કે 'તમે કેવા?'
તેમણે કહ્યું કે મંદિરમાં બેઠેલા ભગવાનને આપણી ચિંતા ન હોય તો બહાર રહીને આપણે એમની ચિંતા કરવાની જરૂર નથી.
પંકજ રાઠોડ કહે છે કે વરઘોડાની ઘટના અને બાદમાં નવરાત્રીની ઘટના ઘટી પછી નક્કી કરી લીધું કે આપણે હવે આ ધર્મમાં રહેવું નથી.
"અમારા અને એમનામાં કોઈ ફરક તો નથી. એવું તો નથી કે અમારે ચાર હાથ-પગ છે. કે ભગવાને અમને થપ્પો મારીને મોકલ્યા હોય કે તમારે આવું જ રહેવાનું. તો અમે અલગ શા માટે?"
"હિંદુ ધર્મમાં રહીએ તો દુઃખ થાય ને. હવે તો ભેદભાવ થશે તો એવું થશે કે ચાલો આપણે બીજા ધર્મના છીએ.
પંકજ રાઠોડ શામળાજી સેલ ટૅક્સ વિભાગમાં એસઆરપી (સ્ટેટ રિઝર્વ પોલીસ)માં કૉન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે.
તેઓ કહે છે કે સમાજના સો-સવાસો માણસો ધર્મપરિવર્તન કરવાના હતા, પણ અમારા એક સંબંધીનું હાર્ટઍટેકથી મૃત્યુ થતાં બધાએ ત્યાં જવું પડ્યું હતું. આથી બધા આવી ન શક્યા. જોકે અમે નક્કી કર્યું હતું એટલે અમે ગયા અને ઈડરમાં ધર્મપરિવર્તન કર્યું હતું.
પંકજભાઈ કાળાભાઈ રાઠોડે તેમનાં પત્ની ઊર્મિલા અને પુત્ર-પુત્રી સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો.
'અમે મંદિરના ભગવાનને ક્યારેય જોયા નથી'
પંકજભાઈની સાથે તેમના ભાઈ મહેન્દ્ર રાઠોડે પણ હિંદુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અપનાવી લીધો છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં મહેન્દ્ર રાઠોડે કહ્યું કે અગાઉ મારા પિતરાઈનો ગામમાં વરઘોડો કાઢ્યો હતો. ગામના પાટીદારોએ ધર્મનો સહારો લઈને વિરોધ કર્યો અને અંધારું થયું એટલે પથ્થરમારો કર્યો હતો.
"આ ઘટના બાદ ગામમાં નવરાત્રીનું આયોજન કરવાનું નક્કી થયું. પણ છેલ્લા દિવસે નવરાત્રીનું આયોજન રદ કરી દેવાયું."
"ગામમાં દર વર્ષે નવરાત્રીનું આયોજન થતું અને અમારા (દલિતો) સિવાય બધી કોમના લોકોને નવરાત્રીમાં પ્રવેશ અપાતો હતો."
"આ વખતે નવરાત્રીમાં બધાને પ્રવેશ આપવાની વાત તો થઈ હતી, પરંતુ છેલ્લી ઘડીએ આયોજન રદ કરી નાખ્યું."
મહેન્દ્ર કહે છે, "વરઘોડાની ઘટના બની ત્યારથી મનમાં વિચાર આવતો હતો કે શું કરવું? પણ આ ઘટના બન્યા પછી ધર્મપરિવર્તનનો ખ્યાલ મગજમાં આવ્યો અને ધર્મપરિવર્તન કરી લીધું. અમે ક્યારેય જોયું નથી કે મંદિરમાં ભગવાન કેવા છે."
મહેન્દ્ર કહે છે કે ગામમાં હાલમાં પણ ભેદભાવ તો રાખવામાં જ આવે છે.
મહેન્દ્ર ચંદુભાઈ રાઠોડ હાલમાં મોડાસા તાલુકાના સામપુર પંચાયતમાં રેવન્યુ તલાટી તરીકે નોકરી કરે છે.
મહેન્દ્ર રાઠોડે એમનાં પત્ની જાગૃતિબહેન અને બે વર્ષની બાળકી સાથે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે.
બુદ્ધ સાહેબ ધમ્મ સંઘ ઈડરના કન્વીનર હાર્દિક ચૌહાણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "ઈડરમાં 105 લોકોએ દીક્ષા લીધી હતી."
"જેમાં સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, બનાસકાંઠા સહિત ચાર-પાંચ જિલ્લાના લોકો આવ્યા હતા. દીક્ષા લીધી એમાં આઈએએસ અધિકારીઓ સહિતના લોકો સામેલ હતા."
'ગામમાં કોઈ સાથે ભેદભાવ નથી'
ગામમાં બનેલી નવરાત્રિની ઘટના અંગે બીબીસી ગુજરાતીએ ગામમાં સરપંચ સાથે વાત કરી.
સરપંચ કિરીટભાઈએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "નવરાત્રીના આયોજન માટે ગામમાં બેઠક પણ બોલાવાઈ હતી. ગામમાં સામાજિક સમરસતાનું વાતાવરણ જળવાઈ રહે એ માટે હળીમળીને નવરાત્રી ઊજવવાનું નક્કી થયું હતું. બધા સમાજના લોકોને સામેલ કરવાની વાત થઈ હતી."
નવરાત્રી રદ કરવા મામલે તેમણે કહ્યું કે મને એવું જાણવા મળ્યું છે કે વરસાદની આગાહી, મગફળી સિઝન સહિત પૈસાને કારણે આ વખતે નવરાત્રીનું આયોજન રદ કરાયું છે.
ગામમાં દલિતોએ સાથે ભેદભાવ રખાય છે કે કેમ એ અંગે પૂછતાં સરપંચે કહ્યું કે ગામમાં એવું કોઈ વાતાવરણ નથી. બધા હળીમળીને રહીએ છીએ. કોઈ ભેદભાવ નથી.
આ એ જ ખંભીસર ગામ છે જ્યાં દલિતોએ વરઘોડો કાઢતાં વિવાદ થયો હતો.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વિજ્યાદશમીના દિવસે અલગઅલગ વિસ્તારના લગભગ 500 દલિતોએ બૌદ્ધધર્મ અંગીકાર કરી લીધો છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર અમદાવાદ, મહેસાણા, તેમજ ઈડરમાં યોજાયેલા જુદાજુદા કાર્યક્રમોમાં દલિતોએ હિંદુ ધર્મ ત્યજીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.
ગુજરાત બુદ્ધિસ્ટ એકૅડૅમીના સચિવ રમેશ બૅન્કરના જણાવ્યા અનુસાર અમદાવાદમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન 148 દલિતો હિંદુમાંથી બૌદ્ધ બની ગયા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો