TOP NEWS : મુંબઈના આરેમાં 2700 વૃક્ષો બચાવવાં લોકોનું વિરોધ-પ્રદર્શન

ઇમેજ સ્રોત, RADHIKA JHAVERI
મુંબઈના ગોરેગાંવ વિસ્તારની આરે કૉલોનીમાં એક મેટ્રો કારશેડ માટે ઝાડ કાપતાં વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે.
બૉમ્બે હાઈકોર્ટે વિરોધ દર્શાવતી તમામ અરજીઓ ફગાવી દીધી છે.
વિરોધઅરજી ફગાવ્યાના થોડા કલાકો બાદ શુક્રવારે ઝાડ કાપવાની શરૂઆત કરાઈ હતી.
ઝાડ કાપવાની શરૂઆત કરતાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.
સોશિયલ મીડિયામાં તેના વીડિયો પણ પ્રસારિત કરાતાં મોટી સંખ્યામાં કાર્યકરો કૉલોનીમાં એકઠા થયા હતા અને વિરોધ કર્યો હતો.
આ ઘટનાના સામે મુંબઈની હસ્તીઓ સહિત રાજકીય નેતાઓએ પણ વિરોધ નોંધાવ્યો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
પર્યાવરણપ્રેમીઓનું કહેવું છે કે બીએમસીએ ઝાડ કાપવા માટે મળેલી મંજૂરીને પોતાની વેબસાઇટ પર અપલોડ નથી કરી અને કાયદા પ્રમાણે મંજૂરીની કૉપી વેબસાઇડ પર મુકાયાના 15 દિવસ બાદ ઝાડ કાપી શકાય છે.
મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડે (MMRCL)એ કહ્યું છે કે આ પરિયોજના માટે આરે વિસ્તારની માત્ર બે ટકા જમીનનો ઉપયોગ કરાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

છત્તીસગઢમાં ઓબીસી અનામત 27 ટકા કરવા સામે રોક

ઇમેજ સ્રોત, ALOK PUTUL/BBC
છત્તીસગઢ હાઈકોર્ટે રાજ્ય સરકારના એ નિર્ણય પર રોક લગાવી દીધી છે, જેમાં અન્ય પછાત વર્ગને 14 ટકાની જગ્યાએ 27 ટકા અનામત આપવાની વાત કરવામાં આવી હતી.
આ વર્ષે 15 ઑગસ્ટે છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલે અન્ય પછાત વર્ગ માટે અનામત 14થી વધારીને 27 ટકા કરવાની જાહેરાત કરી હતી.
આ વધારા સાથે રાજ્યમાં અનામતની ટકાવારી 82 ટકા થઈ ગઈ હતી.
અરજદાર વકીલ પલાશ તિવારીએ કહ્યું કે "સુપ્રીમ કોર્ટે ઇંદિરા સાહની અને એન. નાગરાજના મામલે સુનાવણી બાદ અનામતની સીમા 50 ટકા રાખવાના સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે."
"પરંતુ રાજ્ય સરકારે પછાતપણાનો હવાલો આપીને, કોઈ પણ વસ્તીગણતરી વિના, માત્ર એનએસએસઓના એક સર્વેને આધારે અનામતને 27 ટકા કરી દીધી. હાઈકોર્ટે તેના પર રોક લગાવી દીધી છે."

દેશમાં આ વર્ષે પૂરથી 1900 લોકોનાં મોત

ઇમેજ સ્રોત, SAMIRATMAJ MISHRA/BBC
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું કે આ વર્ષે ચોમાસામાં થયેલા વરસાદ અને પૂરને કારણે અંદાજે 1,900 લોકોનાં મોત થયાં છે અને 46 લોકો ગુમ છે.
અધિકારીઓના કહેવા અનુસાર વરસાદ, પૂર, ભૂસ્ખલનથી સૌથી વધુ 382 લોકોનાં મોત મહારાષ્ટ્રમાં થયાં છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં 227 લોકોનાં મોત થયાં છે.
સાથે જ આ વર્ષે આવેલા પૂરથી 22 રાજ્યોમાં અંદાજે 25 લાખ લોકો પ્રભાવિત થયા છે.
દેશના અંદાજે 357 જિલ્લા પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓથી પ્રભાવિત થયા છે.

અમેરિકામાં બેરોજગારી 50 વર્ષના સૌથી નીચલા સ્તરે

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકામાં બેરોજગારીનો દર ગત 50 વર્ષમાં સૌથી ઓછો રહ્યો છે. ટ્રૅડવૉર અને મંદીની આશંકા વચ્ચે અમેરિકાની અર્થવ્યવસ્થા માટે આ સારા સમાચાર છે.
અમેરિકાના શ્રમ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે અમેરિકામાં બેરોજગારીનો આંક ગત સપ્ટેમ્બર મહિનામાં 3.7 ટકાથી ઘટીને 3.5 ટકા થઈ ગયો છે.
ગત મહિને 1.36 લાખ નવી નોકરીનું સર્જન થયું છે. તેમજ ઑગસ્ટમાં પણ નવી નોકરી મળવાનો આંકડો 1.30 લાખથી વધીને 1.68 લાખ પર પહોંચ્યો છે.
આ આંકડા એવા સમયે આવ્યા છે જ્યારે સતત એવા રિપોર્ટ આવી રહ્યા છે કે અમેરિકામાં આર્થિક સ્થિતિ કથળી રહી છે.
અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રૅડવૉરથી વેપારીઓનો આત્મવિશ્વાસ ઘટ્યો છે અને તેને કારણે રોકાણ અને નિર્માણને ઘણી અસર થઈ છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












