મહારાષ્ટ્રમાં ચૂંટણી સમયે જ ભાજપ-શિવસેનામાં ધાંધલ કેમ?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.

જોકે, 14 ઉમેદવારોની આ યાદીમાં વરિષ્ઠ નેતા એકનાથ ખડસે, શાળા-શિક્ષણમંત્રી વિનોદ તાવડે તેમજ ઊર્જામંત્રી ચંદ્રશેખર બાવનકુલેનાં નામ ગાયબ છે.

આ યાદી જોતાં હવે ટિકિટ નહીં મળે એવું ખડસેએ પોતાના કાર્યકરોને જણાવ્યું છે.

એવું પણ જાણવા મળ્યું છે કે આ વખતે ટિકિટ કપાશે એવી ખડસેને પહેલાંથી જ જાણ હતી અને ખડસેને સમર્થકોએ અપક્ષ ચૂંટણી લડવાની પણ સલાહ આપી હતી.

જોકે, મહારાષ્ટ્રમાં માત્ર ખડસે જ નારાજ હોય એવું નથી. રાજ્યમાં ભાજપ અને શિવસેનાના કેટલાય નેતાઓ નારાજ ચાલી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.

કોણ-કોણ નારાજ?

મહારાષ્ટ્રમાં આ વખતે ચૂંટણી પહેલાં ભાજપ અને શિવસેના વચ્ચે થયેલા ગઠબંધનને કારણે કેટલાયની ટિકિટ કપાઈ છે અને કેટલાયમાં નારાજગી જોવા મળી રહી છે.

ઔશા બેઠક પરથી મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસના અંગત મદદનીશ અભિમન્યુ પવારને ટિકિટ મળતાં અહીંના શિવસેનાના નેતા અરવિંદ પાટીલ નીલગેકર નારાજ છે.

આવી જ રીતે નાસિક(મધ્ય)માંથી ફર્નાન્ડે દેવ્યાનીને ટિકિટ મળતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનામાંથી ભાજપમાં આવેલા વસંત ગીતે નારાજ જોવા મળી રહ્યા છે.

આવું જ નાગપુર(દક્ષિણ)ની બેઠક પર પણ જોવા મળી રહ્યું છે. મુખ્ય મંત્રીનું હૉમગ્રાઉન્ડ ગણાતા આ વિસ્તારની આ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય સુધાકર કોહલેને બદલે મોહન મેતેને ટિકિટ મળી છે. જેને પગલે કોહલે નારાજ જોવા મળી રહ્યા છે.

આવો જ કિસ્સો શોલાપુરની કર્માલા બેઠકનો છે. શિવસેનાની આ બેઠક પર શિવસૈનિક નારાયણ પાટીલની ટિકિટ કાપીને એનસીપીમાંથી પક્ષમાં આવેલા રશ્મી બાગલેને ટિકિટ અપાઈ છે, જેને પગલે નારાયણ પાટીલ નારાજ છે.

વડાલા બેઠક શિવસેના પાસે હતી પણ ગઠબંધનમાં ભાજપને આ બેઠક જતાં શિવસૈનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ બેઠક પરથી ભાજપના કાલિદાસ કલમ્બકરને ટિકિટ અપાઈ છે.

આવી જ સ્થિતિ નાંદેડની લોહા બેઠક પર જોવા મળી રહી છે. અહીં ભાજપના નેતા પ્રતાપ પાટીલ ચીખલીકર નારાજ છે. એમની નારાજગીનું કારણ એવું છે કે લોહા બેઠક ભાજપ પાસે હતી.

જોકે, ગઠબંધનને કારણે શિવસેના માટે છોડવામાં આવી છે એટલે ચીખલીકરની ટિકિટ કપાઈ છે.

કલ્યાણ(પશ્ચિમ) નવા ગઠબંધનને કારણે શિવસેનાને ફાળે ગઈ છે, જેને લીધે અહીંના ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર પવાર નારાજ છે.

વર્ધાની હિંગળઘાટ બેઠક પર પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે. વર્ષ 2009માં ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન થયું ત્યારે આ બેઠક શિવસેનાના ફાળે ગઈ હતી. જોકે, નવા ગઠબંધન અનુસાર આ બેઠક ભાજપના ફાળે આવતા અહીંના શિવસૈનિકોમાં નારાજગી જોવા મળી રહી છે.

નારાજગીનું કારણ

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના નેતા અને કાર્યકરોમાં જોવા મળી રહેલી આ નારાજગી અંગે મહારાષ્ટ્રનાં વરિષ્ઠ પત્રકાર રાહી ભીડે જણાવે છે,

"ચૂંટણી જાહેર થઈ એ પહેલાં લાગતું હતું કે શિવસેના અને ભાજપ આ વખતે પણ ગઠબંધન નહીં કરે. એટલે શિવસૈનિકો અને ભાજપના કાર્યકરો રાજ્યની તમામ 288 બેઠકો માટે કામ કરી રહ્યા હતા."

"નેતા અને કાર્યકરોએ પોતપોતાની બેઠક પર ટિકિટ મળશે એવું માની લીધું હતું અને એ રીતે જ કામ પણ શરૂ કરી દીધું હતું."

"જોકે, ગઠબંધન કરાયા બાદ જે-તે ઉમેદવારોની ટિકિટ કપાઈ છે. વળી, પોતાના નેતા માટે અત્યાર સુધી કામ કરનારા કાર્યકરોને પણ અચાનક જાણ થઈ છે કે તેમના નેતાને ટિકિટ નથી મળી, જેથી તેમની નારાજગી પણ સહજ છે."

જોકે, શિવસેના કરતાં ભાજપમાં નારાજગીનો માહોલ વધુ જોવા મળી રહ્યો છે.

બીબીસી મરાઠી સેવાના તંત્રી આશિષ દીક્ષિણ જણાવે છે, "જે પણ કોઈએ મહારાષ્ટ્રમાં ફડણવીસ સામે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પડકાર સર્જ્યો એમની ટિકિટ કપાઈ છે."

"એકનાથ ખડસેનો પણ આવો જ મામલો છે. અડવાણી અને મુરલી મનોહર જોષી સાથે જે થયું એ અત્યાર મહારાષ્ટ્ર ભાજપમાં થઈ રહ્યું છે."

"નીતિન ગડકરીના અંગત ગણાતા ચંદ્રશેખર બાવનકુલેને પણ ટિકિટ નથી મળી. હવે એ સ્પષ્ટ મહારાષ્ટ્ર ભાજપમાં ફડણવીસ 'અનચેલેન્ડ લીડર' બની ગયા છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો